તમે રોજ ડાયરી લખો છો?
Sandesh – Ardh Saptahik Purti – Oct 5, 2016
ટેક ઓફ
‘રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરંત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને ઉગારી લેશે.’
* * * * *
૧૯ એપ્રિલ, ૧૯૨૯
૩-૩૦ વાગે ઊઠયો. પ્રાર્થના પહેલાં ‘યંગ ઇન્ડિયા’ કર્યું. પાછું એનિમા (લીધા) પછી પણ કર્યું. છ વાગે કૂચ કરી નવ વાગે મુકામ કર્યો. ખાવાપીવા ઉપરાંતનો સમય ત્રણ વાગ્યા લગી ‘યંગ ઇન્ડિયા’ને આપ્યો. ત્રણ વાગે કાંત્યું અને કોઈ સાધ્વી સાથે વાતો કરી. પાંચ વાગે કૂચ કરી. દસ વાગે મુકામે પહોંચ્યા. ટપાલ વાંચી પ્રાર્થના કરી. ૧૦-૪૫ વાગ્યા છે.
તાર ૨૧૭ કાંત્યા.
* * * * *
૬ મે, ૧૯૨૯
રોજનીશી લખ્યા પછી રાત્રે પ્રાર્થના પછી નવ વાગ્યા સુધી લખ્યું. આજે (મધરાતે) સાડાત્રણ વાગે આંખ ખુલી પણ ઊંઘ હતી તેથી સૂતો રહૃાો. પરિણામે ૪-૨૦ વાગે આંખ ઊઘડી. પ્રાર્થના ઇત્યાદિ પછી કાગળો લખવા બેઠો. ‘નવજીવન’નું લખ્યું. ૧૧ વાગે ટપાલ રવાના કરી. પછી કાંત્યું ને કાંતતાં પ્રભાવતીના શ્લોક સાંભળ્યા. પછી સૂતો, ઊઠીને પાછા કાગળો લખ્યા. સાતવળેકરનો એકાદશીનો ઉપવાસનો નિબંધ પૂરો કર્યો.
૪-૩૦ વાગે ખાધું. પછી ટહેલ્યો. સાત વાગે પ્રાર્થના કરી. ૭-૧૫ વાગે મૌન ખોલ્યું ને તુરંત સભામાં ગયો. ત્યાંથી રવાના થયા. રસ્તામાં રૂ. ૧૦૦૦ એક હજાર ઉઘરાવી ૯ માઈલ દૂર ગોદાવરી તીરે મુસાફ્રી બંગલામાં ઊતર્યા.
હવે ૮-૫૦ થયા છે.
તાર ૨૨૫ કાંત્યા.
* * * * *
આ ગાંધીજીના શબ્દો છે. ૧૯૨૮-‘૨૯ દરમિયાન આંધ્રપ્રદેશની યાત્રા દરમિયાન તેમણે પોતાની પર્સનલ ડાયરીમાં આ પ્રમાણે એન્ટ્રી કરી છે. પર્સનલ ડાયરી માટે ગાંધીજી રોજનીશી શબ્દ વાપરતા. તેમાં આખા દિવસમાં શું બન્યું અને શું કર્યું તેના વિશે ટૂંકી નોંધ લખતા. લાંબાં લાંબાં વર્ણનો નહીં, પણ ફ્કત પોઈન્ટ્સ ટપકાવ્યા હોય તેવા સીધા ને સટ ઉલ્લેખો.
ત્રિદીપ સુહૃદે ગાંધીજીની અંગત ડાયરીને કેન્દ્રમાં રાખીને ‘રોજનીશી’ નામના એક સુંદર પુસ્તકનું સંપાદન કર્યું છે. ગાંધીઆશ્રમના અંતેવાસી કુસુમબહેન હ. દેસાઈએ લખેલી ડાયરી અને નોંધોનો આધાર આ પુસ્તક તૈયાર કરતી વખતે લેવામાં આવ્યો છે. આ પુસ્તક્માં છપાયેલી સામગ્રીનો સમાવેશ ‘ગાંઘીજીનો અક્ષરદેહ’ના તોતિંગ સંગ્રહમાં થયો નથી. તે હિસાબે ૨૦૧૪માં છપાયેલું આ પુસ્તક મહત્ત્વનું બની રહે છે.
સંપાદક લખે છે, ‘ગાંઘીજી માટે રોજનીશી લલિતગદ્યનો સાહિત્યિક પ્રકાર નથી, (પણ) તેમાં કળાનો અભાવ છે તેમ માનવાની ભૂલ ન કરવી. રોજનીશી સત્યને સાક્ષી માનીને જાતનો હિસાબ આપવાની, રાખવાની મથામણ છે. સત્યને સાક્ષી રાખવું તેથી વિશેષ કોઈ કળા સંભવી ન શકે. સતત, નિરંતર જાગૃતિ એ ગાંધીજીની સત્ય સાધના અને સ્વરાજ સાધનાનું અભિન્ન અંગ છે. આ સાધનાનું એક સાધન તે રોજનીશી.’
આપણામાંથી ઘણાને ડાયરી લખવાની આદત હશે. કોઈએ કદાચ ભૂતકાળમાં રોજનીશી લખી હશે. ઘણા લોકો રોજેરોજ નહીં પણ મરજી પડે ત્યારે, કયારેક કયારેક, ખાસ કરીને મન વધુ પડતા સુખ કે વધુ પડતી પીડાથી છલકાઈ રહ્યું હોય ત્યારે ડાયરી પાસે જાય છે. ડાયરીમાં મન ઠાલવી દેવાથી હળવાફ્ુલ થઈ જવાય છે તે હકીકત છે. ડાયરી આપણો ઉત્તમોત્તમ અને સૌથી વિશ્વાસુ સાથી બની શકે છે તે પણ સત્ય છે. આમતેમ ઘુમરાતા વિચારો કાગળ પર ઊતરે ત્યારે ઘણી બઘી માનસિક સ્પષ્ટતાઓ થઈ જતી હોય છે. ધારો કે મૂંઝવણનો ઉકેલ ન મળે તો આપણને એકઝેકટલી આ પ્રકારની ગૂંચવણ છે તે તો સ્પષ્ટ થઈ જ જાય છે.
જોકે ગાંઘીજીનો રોજનીશી લખવાનો અપ્રોચ સાવ જુદો છે. તેમના માટે ડાયરી એ આત્મપૃથક્કરણ કરવાની જગ્યા નથી. મનમાં જાગેલા તરંગો કે ‘બ્રાઈટ આઈડિયાઝ’ કે વિચારકણિકાઓ સાચવી રાખવા માટે તેઓ ડાયરીનો ઉપયોગ કરતા નથી. બીજાઓને કે ખુદને પ્રભાવિત કરી નાખવાનો ઉદ્દેશ તો ભૂલેચૂકે પણ નથી. ગાંઘીજીની રોજનીશી એટલે બિલકુલ મેટર-ઓફ્-ફેકટ લખાણ. જાણે હિસાબકિતાબની ચોપડી જોઈ લો. ‘આજે શાકભાજીમાં ૧૫૦ રૂપિયા ખર્ચ્યા, ૮૦૦ રૂપિયાનું દૂધવાળાનું બિલ ભર્યું, ઓફ્સિમાં મેનેજમેન્ટ સાથે મિટિંગ કરી’ – બસ, લગભગ આવા જ ઢાળમાં દિવસભર જે કામ કર્યું હોય તેવી નોંધો ગાંધીજી લખી છે. રમણીકલાલ મોદી નામના આશ્રમવાસીને ગાંધીજીએ એક પત્રમાં કહેલું:
‘સારી રોજનીશી રાખવી એમાં તો કળા છે અને રાખનારને તથા આશ્રમને એમાંથી ઘણું મળી રહે છે. (રોજનીશીમાં) થોડા શબ્દોમાં મનુષ્ય પોતાની દિનચર્યા આપી શકે અને પોતે કરેલા કામનું ટૂંકુ વર્ણન કરી શકે.’
અસહકાર આંદોલન વખતે ગાંધીજીએ દરેક ચળવળકાર અને સ્વરાજવાદીને રોજનીશી રાખવાનું સૂચન કર્યું હતું. તેમણે કહેલું:
‘જે વેપારી હમેશનો હિસાબ કાઢયા વિના સૂએ તે કોઈ દહાડે દેવાળું કાઢે. જે પ્રભુ પ્રાર્થના વિના, સંધ્યા સ્નાનાદિ વિના દહાડો ગાળે તે પ્રભુનો ચોર બને અને આત્માને ઓળખતાં જ ન શીખે. (તેથી) જે સ્વરાજવાદી સ્વરાજ્ય લેવાનો રસ્તો અસહકાર છે એમ સમજે છે તે હંમેશાં હિસાબ કરે.’
શાનો હિસાબ? પોતાના પ્રયત્નોમાં કોઈ ઊણપ તો રહી નથી ગઈ ને તે બાબતે સતત જાગૃતિ રાખવાનો હિસાબ. રોજનીશી માટે ગાંધીજીએ ‘ચોકીદાર’ શબ્દ વાપર્યો છે. અંગત ડાયરીને આપણે એક પ્રકારનો સીસીટીવી કેમેરા સમજી લેવો જોઈએ, જે આપણા પર સતત તકાયેલો રહે છે. દિવસના અંતે આપણે તેની પાસે જવાનું છે અને રિવાઈન્ડ કરીને આખા દિવસમાં મેં શું કર્યું ને શું ન કર્યું તે તટસ્થપણે જોવાનું છે. ગાંઘીજીએ એક વાર પોતાના ભત્રીજા નારણદાસ ગાંધીને પત્રમાં લખ્યું હતું:
‘રોજનીશીનો વિચાર કરતાં જોઉં છું કે મારે સારું તો એ અમૂલ્ય વસ્તુ થઈ પડી છે. જે સત્યને આરાધે છે તેને સારું તો તે ચોકીદાર થઈ પડે છે. કેમ કે તેમાં સત્ય જ લખવું છે. આળસ કરી હોય તો તે લખ્યે છૂટકો. કામ ઓછું કર્યું હોય તો લખ્યે છૂટકો. આમ તે અનેક રીતે મદદગાર થઈ પડે છે. તેથી સહુ તેની કિંમત સમજે તે આવશ્યક છે. તે નિયમિત શરૂ કર્યા પછી આપણને પોતાની મેળે સૂઝે છે કે શું ને કેવી રીતે લખવું. હા, એક શરત છે. આપણે સાચા થવું છે. જો તે ન હોય તો રોજનીશી ખોટા સિક્કા જેવી થઈ પડે છે. જો તેમાં સાચું જ હોય તો સોનાની મહોરથી કીમતી છે.’
ડાયરીમાં રોજેરોજ એકની એક વસ્તુ લખવાનો કંટાળો ન આવે? સવારે આટલા વાગે ઊઠયો, ચા-નાસ્તો પતાવી ઓફ્સિ કે દુકાન કે કોલેજ ગયો, ફ્લાણાં ફ્લાણાં કામ કર્યાં, સાંજે ઘરે આવી ઘરના સભ્યો સાથે વાતો કરતાં કરતાં જમ્યો ને પછી ટીવી જોઈને સૂઈ ગયો – જો રોજનીશીમાં આવી બધું યાંત્રિકપણે લખવાનું હોય તો એનો મતલબ શો છે? ગાંધીજી પાસે આનોય જવાબ છે. કાશીનાથ ત્રિવેદી નામના અંતેવાસીને તેમણે એક પત્રમાં લખેલું:
‘રોજનીશીમાં ભલે ને એ જ વસ્તુ રોજ આવે, એ તેની મહત્તા છે જો તે શુદ્ધ હોય તો. જેનું જીવન સૂર્યમંડળની જેમ ચાલે છે એવું જે પુરુષ નોંધી શકે તેને ધન્ય છે.’
અલબત્ત, ભૌતિક ક્રિયાઓ સિવાયની વાતો રોજનીશીમાં અવશ્ય નોંધાવી જોઈએ. વાત આખરે તો આત્મશુદ્ધિની, ખુદને વધારે સારા બનાવવાની છે. ગાંધીજી એક જગ્યાએ લખે છેઃ
‘રોજનીશીમાં દરેક પ્રકારનું કામ લખવાની આવશ્યકતા છે એમ મને લાગે છે, પણ આઠ કલાક ઉપરાંતનું અથવા સામાજિક કાર્ય બહારનું ન લખવા ઇચ્છે તો તેને ફ્રજ ન પડાય. પણ એવા માણસને વિશે હું એમ કહું કે, એેને વિચાર પણ કરતાં નથી આવડતા.’
ડાયરી લખતી વખતે ઘણી વાર આપણે ખુદને ધીબડવા લાગતા હોઈએ છીએ. હું કેટલો પાપી કે નાલાયક કે કમનસીબ છું એવા બખાળા કાઢવા બેસી જતા હોઈએ છીએ. આનાથી ઊલટું, હું કેટલો મહાન, અસાધારણ અને સ્પેશિયલ છું એ પ્રકારના આત્મપ્રશસ્તિના પૂર પણ કયારેક ડાયરી લખતાં લખતાં વહાવી દેતા હોઈએ છીએ. ગાંધીજી કહે છે કે રોજનીશી જીવનના રંગ, મનોભાવની નોંધ માટે નથી. રોજનીશીમાં કોઈની ટીકા કરવી નહીં. પોતાની જાતની પણ નહીં અને બીજાઓની તો બિલકુલ નહીં. અમુક વસ્તુ કરવામાં હું ગાફેલ રહૃાો તેની માત્ર નોંધ લઈ લઈએ એટલંુ પૂરતું છે. ડાયરી એટલે આમ તો ખુદના વ્યકિતત્વમાં ક્રમિકપણે આવેલાં પરિવર્તનોનો આલેખ, પણ જો રોજનીશી લખનારને આ પરિવર્તન કળાતું ન હોય તો? ગાંધીજી કહે છે કે રોજનીશીનું મુખ્ય કામ સાક્ષીપણાનું છે. આથી જ્યાં સુધી સત્યને સાક્ષી રાખવું હોય ત્યાં સુધી રોજનીશી રાખવી જરૂરી છે. ગાંધીજી એક પૃચ્છાના ઉત્તરમાં કહે છેઃ
‘રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરંત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને ઉગારી લેશે. કેમ કે તે આપણા દોષની સાક્ષી રૂપે રહેશે. તેમાં (આપણે) કરેલા દોષની નોંધ આવવી જ જોઈએ. તેના પર ટીકા કરવાની કશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર હોય જ. ‘આજે ‘ક’ને છેતર્યાે’, આટલો ઉલ્લેખ બસ છે. ‘આ બહુ ખોટું થયું’, ‘રે મન, હવે એમ ન કરવુ’ વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પોતાની સ્તુતિના વચન લખવાના હોય જ નહીં. કરેલા કામની ને કરેલા દોષોની નોંધ રોજનીશીમાં લેવી ઘટે.’
૧૭ માર્ચ ૧૯૩૦ના રોજ સાથી યાત્રીઓ સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહેલું:
‘આપણી તો આ ધર્મયાત્રા છે અને ધર્મયાત્રામાં આપણી એકપણ ક્ષણ નકામી ન જવી જોઈએ… દરરોજ કેટલું (રૂ) કાંત્યું તેનો હિસાબ રાખવો, પ્રાર્થનાનો સમય જાળવવો એ બધું મેં યરવડા જેલમાં બેઠાં બેઠાં વિચારી લીધું. આપણાથી દિવસમાં એકપણ કાર્ય એવું ન થાય જેથી આપણને શરમાવું પડે – અને એ પ્રતિક્ષણ આત્મશુદ્ધિ અને આત્મપરીક્ષણમાં ન જતી હોય ત્યાં સુધી શી રીતે થાય? એથી જ રોજનીશી એ આપણા જીવનમાં એક આવશ્યક અંગ છે.’
પરફેકટ! તો હવે તમે કયારથી રોજેરોજ, નિયમિતપણે ડાયરી લખવાનું શરૂ કરો છો, કહો તો?
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply