Sun-Temple-Baanner

કબીરચેતના અને વિશ્ર્વચેતનાની વચ્ચે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કબીરચેતના અને વિશ્ર્વચેતનાની વચ્ચે…


વાંચવા જેવું : કબીરચેતના અને વિશ્ર્વચેતનાની વચ્ચે…

ચિત્રલેખા – અંક જુલાઈ ૨૦૧૬

કોલમ: વાંચવા જેવું

‘બનારસ ડાયરી’ ઉપરછલ્લી રીતે જોતાં સ્થળકાવ્ય જરુર ગણાય, પણ એ કંઈ માત્ર ને માત્ર બનારસ વિશેની કવિતાઓ નથી. બનારસ અને કબીરચેતના ખરેખર તો ટ્રિગર પોઈન્ટ્સ છે. કવિનો હેતુ સ્થળને અતિક્રમી જઈને ભાષાની આંટીઘૂંટી દ્વારા અકળ વિશ્ર્વચેતનાને સમજવાની મથામણ કરવાનો છે.

* * * * *

તમે બનારસ ગયા છો ક્યારેય? આ પ્રાચીન શહેર આપણામાં ભક્તિ, ધન્યતા, ગૌરવ, કરુણા તો ક્યારેક ચીડ અને અધીરાઈ જેવા મિશ્ર ભાગ જગાવી દે એ અપેક્ષિત છે, પણ જો તમે હરીશ મીનાશ્રુની ‘બનારસ ડાયરી’માં સમય પસાર કરશો તો એવા અણધાર્યા ભાવજગતમાં મૂકાઈ જશો કે ક્યારેક દંગ થઈ જવાશે, ક્યારેક ક્ષુબ્ધ થઈ જવાશે તો ક્યારેક ભીતર કશુંક ખળખળ કરતું વહેવા લાગશે. ગીત અને ગઝલોમાં ઉત્તમ કામ કરી ચુકનાર આ સુસજ્જ કવિએ આ વખતે અછાંદસ સ્વરુપની રચનાઓનો ગજબનો અસરકારક કાવ્યસંગ્રહ આપણા હાથમાં મૂકી દીધો છે.

બનારસની વહેલી સવારનું કેટલું સરસ વર્ણન કવિએ કર્યું છે –

“પરોઢ
હજી પતંગની જેમ મસ્જિદના મિનારાની અણીએ ભરાયેલું હતું
ને કાશીવિશ્ર્વનાથ અને નંદીના પુલ્લિંગ સુધી ઊતરી આવ્યું નહોતું
મહામાયાનું અંધારું હજુ ઓગળ્યું ન હતું. ”

કવિનું ઘર કેવું? બારીબારણા વગરનું, પૂરતી હવા ઉજાસવાળું પણ હવડ, ઉદાસ, લગભગ અકુદરતી કહેવાય એટલી હદે શાંત. અચાનક કોઈ અતિથિ ડોરબેલ વગાડે ત્યારે પહાડ ફાડીને જેમ બાળઝરણું ફૂટી નીકળે એમ આખેઆખું ઘર કિલકિલાટ કરવા માંડે છે. ક્ષણાર્ધમાં પાછું હતું એવું ને એવું પાષાણનું બની જાય છે. કવિની ઘરે આવી પડેલા અતિથિ કોણ છે? સ્વયં કબીર! એમણે ચોકડીવાળું શર્ટ અને ડાર્ક કલરનું પેન્ટ પહેર્યું છે. જાણે પોણા-છએ સીધા ઓફિસેથી આવ્યા હોય એવી એમની મુદ્રા છે.

ત્યાર પછી કબીર અને કવિ વચ્ચે જે કાલ્પનિક સંવાદ રચાય છે તેમાં ઊંડાણ અને સૂક્ષ્મ રમૂજનું કમાલનું સંયોજન થયું છે. આ અને આ જેવાં અન્ય સંયોજનો આખા સંગ્રહમાં સતત અલગ અલગ આકર્ષક રંગો ધારણ કરતાં રહે છે. કબીર ‘ધાવણના રંગની ભાષામાં’ કશુંક બોલે એટલે એ અમૃતના દૂધિયા રેલાથી કવિના કાળજે ‘સતસંગ જેવડી ટાઢક’ થાય છે. કબીર સાથેનું કવિનું સંધાન સંપૂર્ણ છે, બહુસ્તરીય છે, સર્વગ્રાહી છે. એટલે જ –

“આ તરફ કાશીવિશ્ર્વનાથ
ઓ તરફ સારનાથ
ચારે તરફ ફેલાયેલા
નાથસંપ્રદાયના પરિઘની બહાર ઊભો છું
હું અનાથ.
અચાનક આવીને મને નાથી લે છે કબીર. ”

પુસ્તકમાં કબીર સતત આવ-જા કરતા રહે છે. એક કવિતામાં કવિને જન્મદિવસની શુભેચ્છા આપવા કબીર છસો પ્રકાશવર્ષનું અંતર કાપીને પધારે છે. પછી?

મેં કેક પર મીણબત્તી મૂકી, સળગાવી ને ફૂંક મારીને હોલવી નાખી.
ચાકુથી કેક કાપી, તાળીઓ પણ મેં જ પાડી.
હરખના માર્યા મેં કબીરની સામે જોયું
તો એમના ચહેરા પર
આનંદની વ્યંજનામાં પરિપક્વ વિષાદ હતો:
તું તો તિમિરની ભલામણ કરે છે,
ક્ષુધા અને આયુધનો સરવાળો કરે છે ને
કાપાકાપી અને ઓગાળવાનો અર્થ રચે છે.
હજુ મરઘી ને ઈંડાની પ્રહેલિકા તો પૂરેપૂરી ઊકલતી નથી ને
આમે મોટે ઉપાડે ઉજવણી કરવા મંડી પડ્યો, જનમદિનની?
હોલવાનું કપાવું ને ખાવુંં – એ બધું તારી જાતને લાગુ પાડ તો ખરો.
હું ભોંઠો પડી ગયો: તો આટલું અંતર કાપીને
શા માટે આવેલા, સાહેબ, ખાસ મારા જનમદિને…?
તારી દૂંટીની નાળ કાપવા: કબીરે કહ્યું: ગળથૂથી ચટાડવા
ને સત્વરે શ્રીફળ બાંધવા, બાલાવરની પાલખીએ.
જો આ દોણી, આજે તારાથી કરવાની છે બોણી.

એ ક્ષણે મેં જોયું તો છસો પ્રકાશવર્ષો
મારા પગના અંગૂઠેથી ઉપર ચઢી રહ્યાં હતાં
ને પગનાં હાડકામાં કબરની સનાતન ગંધ બેસી ગઈ’તી
ને હું બની ગયો હતો
યાયાવરીની વ્યંજનામાં પરિવપક્વ
વિષાદ અને આનંદની આંખોવાળો એકાકી માણસ
ને સ્થળમાત્ર હવે બનારસ.

કબીર ક્યારેક કવિને વઢે છે, ક્યારેક એમની મૂંઝવણ દૂર કરે છે, ક્યારેક મૂંઝવણ વધારી મૂકે છે તો ક્યારેક ‘તું ટ્વીટરવા પે ટ્વીટ કરતે હો કે નાહીં?’ એવા સવાલ પણ કરીને ચકિત કરતા રહે છે. કવિએ પુસ્તકમાં કલ્પનોને છુટ્ટા મૂકી દીધાં છે. ભાષા સાથે મલ્લકુસ્તી કરવી એ કવિની અતિ પ્રિય પ્રવૃત્તિ છે, જે બનારસ કાવ્યોમાં ક્યાંય અટકતી નથી. એક જગ્યાએ કવિ કબીરને કહે છે:

મને બે મેટાફર સમજાતાં નથી:
શરીરની ભાષા અને ભાષાનું શરીર
એટલે રઝળતો રહું છું.

આનો કબીરે આપેલો પ્રલંબ જવાબ પુસ્તકમાં જ વાંચવો પડે. કવિએ પ્રસ્તાવનમા કહ્યું છે તેમ, ‘બનારસ ડાયરી’ ઉપરછલ્લી રીતે જોતાં સ્થળકાવ્ય જરુર ગણાય, પણ એ કંઈ માત્ર ને માત્ર બનારસ વિશેની કવિતાઓ નથી. બનારસ અને કબીરચેતના ખરેખર તો ટ્રિગર પોઈન્ટ્સ છે. કવિનો હેતુ સ્થળને અતિક્રમી જઈને ભાષાની આંટીઘૂંટી દ્વારા અકળ વિશ્ર્વચેતનાને સમજવાની મથામણ કરવાનો છે.

પુસ્તકમાં બનારસ-કાવ્યો ઉપરાંત ચન્દ્ર વિશેની ચાટુક્તિઓ, કવિતા વિશે ચાટૂક્તિઓ તથા અન્ય કાવ્યો પણ છે, જે એટલાં જ અર્થગંભીર અને પ્રભાવશાળી છે. પાણી ભરેલી થાળીમાં ચંદ્ર પોતાનું પ્રતિબિંબ પાડે ત્યાં સુધી તો જાણે બરાબર છે, પણ ચંદ્ર થાળી છોડીને આકાશમાં પાછો જવા તૈયાર જ ન થાય તો?

ચન્દ્રનો ડૂચો કરીને આકાશમાં ફંગોળી દેવા
કવિ ચીડાઈને જળમાં હાથ ઝબોળે છે
પણ એવું કરવાથી કૈં ચન્દ્ર હાથમાં આવતો નથી
ઊલટાનો
કવિ જરાક ચોળાઈ જાય છે
ભાષા જરાક ડહોળાઈ જાય છે
ને થાળમાં ખળભળે છે ખંડિત ઉજાસની ચબરખીઓ
ને એમ થતી રહે છે કવિતા.

કવિતા શા માટે રચાય છે? કવિતાનો ધર્મ શો છે? કવિતા વિશેની આ ચાટૂક્તિમાં એનો ઉત્તર છે:

કરુણાભર્યા
હાડકાના દાગતરની જેમ
કવિતા સર્જરી કરે છે
ને કાળજીપૂર્વક
બદલે છે દુખિયારી કીડીના ઘૂંટણના સાંધા.

કવિ અને એની કવિતા બન્ને કરુણા તેમજ સમસંવેદનથી એટલા છલોછલ હોવા જોઈએ કે નાની અમથી કીડીનો ઘૂંટણ દુખતો હોય તો પણ એમનું હૃદય દ્વવી ઉઠે!

જેમાંથી ફરી ફરીને પસાર થવાનું મન થયા કરે એવો સત્ત્વશીલ અને શક્તિશાળી કાવ્યસંગ્રહ. અ મસ્ટ રીડ.

* * * * *

બનારસ ડાયરી

કવિ: હરીશ મીનાશ્રુ

પ્રકાશક:
ગૂર્જર સાહિત્ય પ્રકાશન, પ્રહલાદનગર અમદાવાદ-૧૫
ફોન: (૦૭૯) ૨૬૯૩૪૩૪૦

કિંમત: ૧૭૦ રુપિયા
પૃષ્ઠ: ૧૩૮

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Jul, 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.