માણસનું મન એક અગોચર કુવો છે, જેમાં ઘણું બધું વ્યક્ત- અવ્યક્ત પડ્યું જ હોય છે, મનનો એક ખૂણો એટલો બધો ખાનગી હોય છે કે ક્યારેક વ્યક્તિ પોતે પણ એ ખૂણાથી અજાણ હોય છે, ક્યારેક એ ખૂણામાં ધરબાયેલું વ્યક્તિ પોતે જ વાંચવા નથી ઇચ્છતી, એને પોતાનો જ ડર લાગે છે કે ક્યાંક કશું ક છતું થઈ જશે તો…? એના ચહેરા ઉપર બધું આવી જશે તો…? મનગમતી કોઈ વાત કે વ્યક્તિ ને એ કોઈ ના જાણે એમ ધરબી જ રાખવા માંગે છે, એને મમરાવી મમરાવીને એ એકલી જ એનો એહસાસ લેવા માંગે છે પણ બધાથી અજાણ બનીને.
દરેક વ્યક્તિના મનમાં આવો એક અંગત ખૂણો હોય જ છે અને દરેકને આવો અંગત ખૂણો રાખવાનો હક્ક પણ છે જેમાં અંગત સંબંધો, અંગત યાદો, અંગત જગ્યઓ, અંગત ખુશી અને અંગત આંસુ અને અંગત વ્યક્તિઓ કોઈને પણ ખબર ના પડે એમ વસી ગઈ હોય છે અને વિહરતી પણ હોય છે.
આજે પૂનમની રાત હતી, પણ મારી અંદર ભડભડતો સૂરજ હતો. ગઈ કાલ સુધી બધું જ બરાબર હતું. ચૌદશની ચાંદની પણ માણી હતી. સવારે જાગીને જોયું તો મારી બાજુમાં જડ શરીર હતું. અડધી રાત સુધી એ સળવળ્યા કરતા હતાં. હું ક્યારે ઊંઘી ગઈ અને ક્યારે એ નિશ્ચેતન બની ગયા!
કેવી રીતે…?
એકાએક કેવી રીતે…?
એને ક્યારેય જવાનું મન ના થાય એટલો પ્રેમ કર્યો હતો મેં.
શુ કામ જાય એ…? કેવી રીતે ગમ્યું હશે એને જવાનું…? એ પણ મને મૂકીને…? આજે જાગવાની, જાગીને છાપું લેવાની, હું ક્યારે જાગુ અને કયારે ચ્હા મુકું એની રાહ જોવાની એને જરૂર ના લાગી…
ક્યારેય ઉંઘ્યો જ ન હોય એવી રીતે ઊંઘે છે! બધા બહુ લોકો આવ્યા છે, પણ કોઈ એમને જગાડતું નથી. કોઈકે મને એમની પાસે બેસાડી દીધી. હું બેસી ગઈ, બહુ પંપાળયા, બહુ વ્હાલ કર્યું, માથા ઉપર માથું મૂકી દીધું, હાથ હાથમાં લીધો પણ એતો જાણે લાકડું! કોઈ પ્રત્યત્તર પણ નહીં…?
આવું તો ક્યારેય નથી બન્યું!
મારા સ્પર્શનો એ ભર ઊંઘમાંય જવાબ આપતા, નજીક આવીને.
પણ આજે તો સામું જ નહીં જોવાનું…? મારી જરાય પરવાહ જ ન રહી…? નહીં હલવાનું નહીં, આંખો ખોલવાની, નહીં જોવાનું, નહીં સાંભળવાનું, નથી થતો સ્પર્શનો, કોઈ જાદુ!
આ તે કેવું? આવું કેમ? આવું તે કંઈ હોય?
કોઈક ભવનું વેર વાળતા હોય એમ કચકચાવીને બાંધી દીધા એમને! બધા રડતા હતાં પણ કોઈએ એમને ઠપકો ના આપ્યો કે આવું ના કરાય,ના કોઈએ મનાવ્યા, ના જગાડ્યા, ના છાપું આપ્યું, ના ચ્હા આપી. ઉપાડી લીધા, ઉતાવળ કરી, અને લઈને ચાલી નીકળ્યા.
સૂરજની ગરમી બધાને દઝાડી રહી હતી, બધા છાંયડો શોધીને ઉભા રહયા. મને ઘરમાં લાવ્યા અને મને ભાન થયું કે બધાની વચ્ચે હું એકલી રહી ગઈ.
મારો પ્રિયજન, મારો પ્રિયતમ, મારો જીવનસાથી, દરેક પળે, સુખમાં અને દુઃખમાં સાથે જ રહેવાનું વચન આપનાર, ક્યારેય મને છોડીને જઇ ના શકે એ આજે અધૂરા જીવતરે એકલી મૂકીને ચાલી ગયો. આજે મેં એકલા જ સુવાની જુદ કરી.
પૂનમનો ચંદ્ર અને આથમી ગયેલો સુરજ બંને મને બાળી રહ્યાં હતાં. બાજુમાં કોઈ સળવળાટ નહોતો, કોઈ સ્પર્શ નહોતો, નસકોરાં નો અવાજ નહોતો, દરરોજ પથારીમાં પડતા સળ નહોતા, કોઈના શ્વાસની સુગંધ નહોતી. દરરોજ કોઈક છે એવો પળે પળે જે એહસાસ હતો એ વિલીન થઈ ગયો. એક જણ વિધ્વંસ્ત થઈ ગયો. મારી અંદર ભર ઉનાળાની બપોરે બળતા સૂરજની આગ વિસ્તરી રહી.
એક અઠવાડિયું વીતી ગયું, સૌ પોતપોતાના કામે લાગી ગયા, હું અને અનિષ એકલા બંને એકલા જ રહેતાં હતાં. હું સાવ એકલી થઈ ગઈ. મારું મન નવરુ પડ્યું અને મને મારામાં છુપાવીને રાખેલી એક નવી જિંદગી યાદ આવી.
અનિષ જતો રહ્યો ત્યારે એ સમાચાર મિહિરને ચોક્કસ મળ્યા હશે અને આવ્યો પણ હશે, પણ મને મળ્યો નહોતો. અનિષના અચાનક જવાથી હું અવાચક બની ગઈ હતી અને બાકીનું બધું જ ભુલાઈ ગયું હતું.
પણ અનિષ સિવાય મારી અંદર એક બીજી મનગમતી જિંદગી જીવતી હતી તે આજે યાદ આવ્યું. અનિષ સાથેની જિંદગી પણ સુંદર હતી, પણ અનિષ ના હોય ત્યારે મારો બધો સમય મિહિર સાથે ખૂબ આનંદમાં વિતતો અને અનિષ સાથેની જિંદગીમાં જે અભાવ રહેતો તે મિહિર સાથે મનભાવન બની જતો. અનિષને જરાય ખ્યાલ ના આવે એ રીતે, એ એના એકાંતને મિહિરથી ભરી દેતી.
એક સાથે બે પુરુષને એકસરખી લાગણીથી ચાહી શકાય એની અદભુત અનુભવ હતો અમુને. બે બે પુરુષને એ ચાહતી હતી અને બે પુરુષો એને ચાહતા હતા એની અલૌકિક આનંદ હતો. પણ અનિષનું આ રીતે ચાલ્યા જવું એના માટે ખૂબ આઘાતજનક હતું, અસહય હતું.
અમિષાએ મિહિરને ફોન કર્યો. મિહિરે શાંતિથી અમિષા ને કીધું,” અમુ, અનિષના જવાના દુઃખને ઝીલી લે, આ સમય તારો છે. એના ખાલીપાનો એહસાસ કર. હું પણ એના જવાથી ખૂબ દુઃખી છું. આપણે બંને એની યાદોને વાગોળીએ અને યોગ્ય સમયે ચોક્કસ મળીશું, તારી જાતને સાચવજે, આ દુઃખ તારું વધારે છે, આ દુઃખને પણ જીવી લે.”
અમુએ, અમિષને યાદ કરતાં કરતાં રડ્યા કર્યું. એની આંખ ક્યારે મીંચાઈ ગઈ ખબર ના રહી. ઉઠીને થોડી ફ્રેશ થઈને અમિષના ફોટા કાઢવા માટે એનું કબાટ ખોલ્યું. કપડાંની થપ્પી ઉપર જ એક કાગળ પડ્યો હતો. અમિષાએ કાગળ લીધો અને વાંચવા લાગી. કાગળ અમિષ ગુજરી ગયો એના આગળના દિવસે જ અનિષે લખ્યો હતો. તારીખ નાંખી હતી.
એણે લખ્યું હતું, ‘અમુ, ક્યારેય વિચારી ના હોય એવી તારી મિહિર સાથેના અંતરંગ સમય વિશે આજેજ જાણવા મળ્યું. મિહિર સાથેની તારી એક સેલ્ફી મારા હાથમાં આવી ગઈ. ગાંડી, તારી પર્સનલ વસ્તુ આવી રીતે રખડતી ના મુકાયને…? તને તારું અંગત પણ છૂપું રાખતા નથી આવડતું! કેટલી ભોળી છું તું! મને કીધું હોત તો…? તે મને હજુ ઓળખ્યો જ નથી. મારું હૃદય તારા માટે જ ધબકે છે એટલું યાદ રાખજે. એ સેલ્ફી જોઈને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે, પણ છેલ્લી ચાંદની માણી લેવી છે. પછી ભલે મોતને આવવું હોય તો આવે. મિહિર બહુ પ્રેમાળ છે. હું કરું છું એટલો જ, બલ્કે એનાથી વધારે પ્રેમ એ તને કરતો જ હશે અને તું પણ જેટલું મને ચાહે છે એટલું જ એને ચાહતી રહેજે. અમુ, મારૂં ખૂબ ખૂબ વ્હાલ”.
કાગળ વાંચીને અમિષાના પગ નીચેની જમીન ખસતી હોય એવું લાગ્યું. એ જાણે ઊંચે ખીણ ઉપરથી નીચે ખીણમાં જઈને પડી હતી. જમીનદોસ્ત થઈ ગઈ હોય, એમ ત્યાં જ બેસી પડી.
~ પ્રફુલ્લા શાહ “પ્રસન્ના”
Leave a Reply