Sun-Temple-Baanner

સુખ-દુખ, આત્મા-પરમાત્મા અને ગૌતમ બુદ્ધ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સુખ-દુખ, આત્મા-પરમાત્મા અને ગૌતમ બુદ્ધ


ટેક ઓફ: સુખ-દુખ, આત્મા-પરમાત્મા અને ગૌતમ બુદ્ધ

Sandesh – Ardh Saptahik purti – 18 May 2016

ટેક ઓફ

ગૌતમ બુ્દ્ધ વિશે બે ભ્રામક માન્યતાઓ દાયકાઓ-સદીઓ સુધી ફેલાયેલી રહી. એક તો એ કે બુદ્ધ દુખવાદી છે અને બીજી એ કે બુદ્ધ નાસ્તિક છે. જ્યારે મૂળ વાણી ઉપલબ્ધ ન હોય ત્યારે અજાણપણે ખોટું અર્થઘટન કરવાનું તેમજ ઈરાદાપૂર્વક દુષ્પ્રચાર કરવાનું સહેલું બની જતું હોય છે.

* * * * *

ત્રણ દિવસ પછી, શનિવારે, બુદ્ધપૂર્ણિમા છે. આ નિમિત્તે ગૌતમ બુદ્ધ વિશે પ્રચલિત થયેલી ગેરમાન્યતા વિશે વાત કરવી છે. પહેલો ભ્રામક ખ્યાલ એવો છે કે ગૌતમ બુદ્ધનો ઉપદેશ દુખવાદી છે. આવું આપણે ત્યાં સદીઓથી ક્હેવાતું આવ્યું છે. બીજો ખ્યાલ એવો છે કે બુદ્ધ નાસ્તિક હતા. વિખ્યાત વિપશ્યના આચાર્ય સત્યનારાયણ ગોયન્કાએ આ બન્ને બાબતોને કેન્દ્રમાં રાખીને બે અલાયદાં પુસ્તકે લખ્યાં છે -‘કયા બુધ્ધ દુખવાદી થે?’ અને ‘કયા બુદ્ધ નાસ્તિક થે?’ આ અભ્યાસપૂર્ણ પુસ્તકોમાં એમણે આ બન્ને માન્યતાઓનું તર્કબદ્ધ રીતે ખંડન ર્ક્યું છે. સ્વ. સત્યનારાયણ ગોયન્કા એ વ્યકિત છે, જેમણે ભારતમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ ચુકેલી બુદ્ધની વિપશ્યના વિદ્યા બર્મામાં એના શુદ્ધતમ સ્વરુપમાં શીખીને પહેલાં હિંદુસ્તાનમાં તેનું પુનઃ સ્થાપન ર્ક્યું અને ક્રમશઃ દુનિયાભરમાં પ્રચલિત કરી.

દુખવાદ એટલે જીવનમાં કેવળ દુખ જ દુખ છે, કયાંય સુખની આશાનું કિરણ સુદ્ધાં નથી એમ માનવું. ગોયન્કાજી ક્હે છે કે અજ્ઞાાનીઓએ અથવા પોતાનો મતલબ સિદ્ધ કરવા માગતા લોકોએ ‘સર્વ દુખમ્ દુખમ્’ આ ત્રણ શબ્દો ગૌતમ બુદ્ધના મોઢે મૂકી દઈને દાટ વાળ્યો છે. સેંક્ડો, હજારો વર્ષથી આ જુઠ ફરી ફરીને ક્હેવાતું રહ્યું અને બુદ્ધને અને તેમના ઉપદેશ પર લાંછન લગાડાતું રહ્યું. કેટલાક્ ઉચ્ચ ક્ક્ષાના ભારતીય વિદ્વાનો તેમજ પશ્ચિમના વિચારકો પણ આ મિથ્યા માન્યતાના શિકર બની ચુકયા છે. ‘સત્યાર્થ પ્રકાશ’ પુસ્તક્માં ખુદ દયાનંદ સરસ્વતીએ લખ્યું છે કે બુદ્ધની માન્યતા અનુસાર, સર્વસ્ય સંસારસ્ય દુઃખાત્મક્ત્વં અર્થાત સમગ્ર સંસાર દુખમય છે. ‘સત્યાર્થ પ્રકાશ’માં બુદ્ધના ઉપદેશના અન્ય દોષો વિશે પણ લખવામાં આવ્યું છે. ક્રાંતિકારી સમાજસુધારક દયાનંદ સરસ્વતી જેવી હસ્તી જ્યારે આવું ક્હે ત્યારે આમજનતામાં બુદ્ધ દુખવાદી હતા તેવી માન્યતા દઢ થવાની જ.

સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ લખ્યું છે કે, ‘બુદ્ધ ને દુખવાદ કી પ્રબલ અતશિયોકિત કી હૈ… ચિંતન ક્ષેત્ર કે સમગ્ર ઈતિહાસ મેં માનવજીવન પર દુખ કી જિતની પ્રગાઢ કાલિમા બુદ્ધ ને થોપી હૈ, ઉતની ઔર ક્સિી ને નહીં થોપી. ઉન્હોંને દુખ કી કાલિમા કો અત્યંત અતિરંજિત કર કે દિખાયા હૈ…’

સત્યનારાયણ ગોયન્કાએ બુદ્ધની મૂળ વાણીનો ઊંડો અભ્યાસ ર્ક્યો અને બુદ્ધે સૂચવેલી વિપશ્યના વિદ્યાનો સઘન અનુભવ લીધો. ધીમે ધીમે તેમને સમજાતું ગયું કે બુદ્ધના ઉપદેશ પર સદીઓથી જે આરોપ લગાવવામાં આવે છે તે કેટલો આધારહીન છે. તેઓ લખે છે, ‘બુદ્ધની મૂળ વાણીથી અપરિચિત રહેવાને કારણે તેના પર અવારનવાર આરોપ લાગતા રહૃાા. સમયની સાથે મિથ્યા ક્લંક્ની કાલિમાના લપેડા લાગતા જ રહ્યા. ક્રમશઃ આ કાલિમા એટલી ગાઢ બની ગઈ કે વાસ્તવિક્ સત્ય કયાંય અદશ્ય થઈ ગયું. હું નથી માનતો કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણે જાણીજોઈને આવું લખ્યું હોય, પણ બુદ્ધ પર લાગેલું મિથ્યા ક્લંક કેટલું પ્રગાઢ હતું તે તેમના વિધાન પરથી સ્પષ્ટ થઈ જાય છે. મને લાગે છે કે આનું કરણ એ છે કે બુદ્ધ વાણી આપણા દેશમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હતી અને અન્યોએ ક્હેલી કે સૂચવેલી વાતોને જ સત્ય માની લેવામાં આવ્યું.’

જ્યારે મૂળ વાણી ઉપલબ્ધ ન હોય ત્યારે અજાણપણે ખોટું અર્થઘટન કરવાનું તેમજ ઈરાદાપૂર્વક્ દુષ્પ્રચાર કરવાનું સહેલું બની જતું હોય છે. બાકી જેમાં બુદ્ધનો ઓરિજિનલ ઉપદેશ સંગ્રહાયેલો છે એ પાલિ ભાષામાં લખાયેલા ‘ધમ્મપદ’ પુસ્તક્ના પ્રારંભમાં જ આ બે પદ આવે છે-

મનસા ચે પદુટ્ઠેન, ભાસતિ વા ક્રોતિ વા
તતો નં દુકખમન્વેતિ, ચક્કં વ વહતો પદં.
મનસા ચે પ્રસન્નેન, ભાસતિ વા ક્રોતિ વા
તતો નં સુખમન્વેતિ, છાયા વ અનપાયિની.

આનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ વ્યકિત મેલા ચિત્તથી શરીર કે વાણીનું ર્ક્મ કરે છે ત્યારે દુખ તેની પાછળ એવી રીતે પડી જાય છે જે રીતે બળદની પાછળ જોડાયેલી ગાડી. એ જ રીતે, જ્યારે કોઈ વ્યકિત નિર્મળ કે પ્રસન્ન ચિત્તથી શારીરિક અથવા વાચિક ર્ક્મ ક્રે છે ત્યારે એની પાછળ સુખ એવી રીતે પડી જાય છે જાણે કયારેય સાથ ન છોડતો પડછાયો. મન મેલું હોય ત્યારે દુર્ષ્ક્મ થવાનું અને એનું ફ્ળ પણ દુખદ આવવાનું. પ્રસન્ન ચિત્તથી થયેલું ર્ક્મ સર્ત્ક્મ હોવાનું ને એનું પરિણામ સુખદ આવવાનું. આમ, ‘ધમ્મપદ’નાં ઊઘડતા પાને જ દુખ અને બન્નેની વાત આવે છે.

બુદ્ધ દુખની ચર્ચા કરતી વખતે તેનાં કારણો સમજાવે છે, તેનાં નિવારણની વાત કરે છે અને સુખની ચર્ચા કરતી વખતે સુખનાં કારણો પર પ્રકાશ પાડી તેના સંવર્ધનની વાત કરે છે. જો બુદ્ધે દુખની મીમાંસા કરીને દુખથી દૂર રહેવાનો ઉપદેશ આપવાને બદલે એમ કહ્યું હોત કે દુખ તો સર્વત્ર છે અને કાયમ રહેવાનું છે, એમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવાનું વ્યર્થ છે તેથી દુખ દૂર ક્રવાની ઈચ્છા કે મહેનત કરવાનાં જ નહીં, તો બુદ્ધ જરુર દુખવાદી ગણાત, નિરાશાવાદી ગણાત. જો આમ હોત તો સમગ્ર માનવજાત માટે ગૌતમ બુદ્ધનો દુખદાયી ઉપદેશ નુકસાનકારક બની જાત. વાસ્તવિક્તા એ છે કે બુદ્ધે કયારેય એવું કહ્યું નથી કે દુખથી છુટકારો મેળવવાનું અશકય છે. બલકે, એમણે તો દુખમાંથી બહાર આવવા માટે વિપશ્યનાનો સો ટકા પ્રેકિટક્લ અને કોઈ પણ માણસ વ્યવહારમાં એપ્લાય કરી શકે તેવો માર્ગ ચીંધાડયો.

બુદ્ધે કહ્યું હોય કે ન કહ્યું હોય, પણ જરા (બુઢાપો), વ્યાધિ (બીમારી), મૃત્યુ, પ્રિયજનનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઈચ્છિત વસ્તુ ન થવી – આ બધું દુખદાયક્ છે જ. વારે-વારે જન્મ લઈને મૃત્યુ પામતા રહેવાનું જે ચક્ર ચાલતું રહે છે તેને બુદ્ધે દુખનું મૂળ ગણાવ્યું. બૌદ્ધિઝમમાં પૂર્વજન્મોનાં સંસ્કારો અને જન્મ-મરણનાં ચક્રમાંથી છૂટકારાને ખૂબ મહત્ત્વ અપાયું છે. પૂર્વજન્મની વાતો અને થિયરીઓ ઘણાને અપીલ કરતી નથી, પણ એને અવગણીને પણ બુદ્ધના બાકીના ઉપદેશને, સુખ-દુખમાં સતત સમતા રાખવાની વાતને અપનાવી શકાય છે.

એક થિયરી એવી છે કે સિદ્ધાર્થ ગૌતમે તો સત્ય વિશેનું પોતાનું કુતૂહલ સંતોષવા માટે યા તો ખુદના ક્લ્યાણ માટે ઘરસંસારનો ત્યાગ કર્યો હતો. આથી ક્ંઈ તેમનો ગૃહત્યાગ સાર્થક ન ગણાય. સચ્ચાઈ એ હતી કે ઓગણત્રીસ વર્ષની ઉંમરે સિદ્ધાર્થે જ્યારે બુઢાપો, બીમારી અને મૃત્યુની સચ્ચાઈ જોઈ ત્યારે ભવિષ્યમાં પોતાની દશા પણ આવી જ થવાની છે એવું ભાન થવાથી વ્યાકુળ નહોતા બન્યા. તેમના મનમાં જીવ માત્ર માટે કરુણઆ જાગી હતી. એમના મનમાં સવાલ જાગ્યો કે શું જન્મ લેનાર તમામ જીવોએ આ દુખોમાંથી પસાર થવું જ પડે? તેમાંથી છૂટકારો મેળવવાનો કેઈ ઉપાય નથી? સાથે સાથે તેમને એમ પણ થયું કે –

યથાપિ દુકખે વિજ્જન્તે, સુખં નામા’પિ વિજ્જતિ.

અર્થાત, જ્યાં આટલાં બધાં દુખોનું અસ્તિત્ત્વ છે ત્યાં પરમ સુખનું અસ્તિત્ત્વ પણ હોવાનું જ. જ્યાં વારંવાર જન્મ લેવાનું વિદ્યમાન છે ત્યાં વાંછિત અજન્માવસ્થા પણ વિદ્યમાન છે જ. પાપજન્ય પીડાથી ઘેરાયેલા લોકો માટે મુકિતનો કોઈક મંગલમય માર્ગ હોવાનો જ. બુદ્ધને એવો માર્ગ શોધવો હતો જે જન્મજન્માંતરના ચક્રમાંથી સદાને માટે મુકિત અપાવે.

બુદ્ધ પર એક આક્ષેપ એવો છે કે એમણે પોતાની સુંદર યુવાન પત્ની, નવજાત શિશુ તેમજ વૃદ્ધ માતા-પિતાનો ત્યાગ ર્ક્યો તે ઉચિત નહોતું. આની સ્પષ્ટતા એ છે કે બુદ્ધ પોતાના પરિવારને સાંસારિક સુખો આપી શકે તેમ હતા જ, પણ એમણે તો પરિવારજનોને આ સુખ કરતાંય અનેક્ગણું વધારે ચડિયાતું એવું ભવમુકિતનું સુખ વિપશ્યનાના માર્ગે આપ્યું.

બુદ્ધ વિશે બીજી ગેરમાન્યતા એ ફેલાઈ છે કે તેઓ નાસ્તિક્ હતા. ઈન ફેકટ, આજે પણ વિપશ્યનાની શિબિરના પ્રારંભે જ સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે મેડિટેશન કરતી વખતે કોઈ ભગવાન, આકૃતિ, આકાર કે મંત્રનું સ્મરણ કરવાનું નથી, આ દસ દિવસ દરમિયાન કેઈ પૂજાપાઠ, જાપ કે ર્ક્મકાંડ કરવાના નથી. માદળિયાં, તાવીજ કે એવું ક્શુંય પહેર્યું હોય તો શરીર પરથી ઉતારી નાખવાનું છે. આથી ઘણા લોકેના મનમાં સંદેહ જાગતો હોય છે કે વિપશ્યનાના રંગે રંગાવાથી પોતે કયાંક્ જાણે-અજાણે નાસ્તિક તો નહીં બની જાયને.

નાસ્તિક એટલે? જે આત્મા અને પરમાત્માનું અસ્તિત્ત્વ સ્વીકારતો નથી એ. બુદ્ધવાદમાં આત્મા-પરમાત્માનો કોન્સેપ્ટ અપ્રસ્તુત છે. આથી સહેજે સવાલ થાય કે આત્મા અને પરમાત્માની આટલી સ્પષ્ટ સચ્ચાઈ ન સ્વીકારી શક્તા ગૌતમ બુદ્ધ ધાર્મિક્ કોવી રીતે હોઈ શકે? જો આત્માનું અસ્તિત્ત્વ જ ન હોય તો વારંવાર કોનો પુનર્જન્મ થાય છે? જો કોઈ ઈશ્વરનું અસ્તિત્ત્વ જ ન હોય તો આવી વિસ્મયકારક સૃષ્ટિનું સર્જન કોણે ર્ક્યું? સીધો હિસાબ છે – આસ્તિક એટલે ધાર્મિક અને નાસ્તિક એટલે અધાર્મિક્, કુટિલ, ખલ, કામી.

સત્યનારાયણ ગોયન્કા લખે છે, ‘વિપશ્યનાનો સ્પર્શ થયો નહોતો ત્યાં સુધી મારા મનમાંય જાતજાતની શંકા-કુશંકાઓ થયા કરતી હતી, પણ દસ દિવસની પહેલી શિબિરમાં જ મને સમજાઈ ગયું કે બુદ્ધના ઉપદેશમાં ભલે ઈશ્વરનો આધાર લેવાયો નથી, પણ આ વિદ્યા શીખનાર વ્યકિત નથી કુટિલ બનતી, નથી ખલ બનતી કે નથી કામી બનતી. બલકે એ તો સદાચારી બને છે, એનું મન સંતુલિત તેમજ શુદ્ધ થાય છે અને એ મૈત્રી તેમજ કરુણાની સદભાવનામાં તર-બ-તર રહે છે. જે વિદ્યા આટલી શુદ્ધ અને પાવન હોય તેમાં ઈશ્વરનો કોઈ આધાર નથી એમ ક્હીને કેવી રીતે અવગણી શકાય?’

ધીમે ધીમે સમજાતું ગયું કે જો શીલ, સમાધિ અને પ્રજ્ઞાાના અભ્યાસ દ્વારા મનોવિકારના બંધનમાંથી મુકિત મળતી હોય અને ચિત્ત નિર્મળ થતું હોય તો આત્માનું (જો તે હોય તો) ક્લ્યાણ જ થવાનું છે. ઘારો કે આત્મા જેવું ક્ંઈ ન હોય તો શા માટે એનો કાલ્પનિક્ બોજ લઈને ફરવાનું? એ જ રીતે, ધારો કે આ બ્રહ્માંડનું સર્જન કરનાર કેઈ પરમપિતા પરમાત્મા હોય અને એણે સંસારના નૈસર્ગિક્ તેમજ નૈતિક્ નિયમોનું પણ નિર્માણ ર્ક્યું હોય તો એ પોતાના આ નિયમોનું પાલન કરનારા સાધક્થી પ્રસન્ન જ થવાનો છે. ધારો કે ભગવાન જેવું ક્ંઈ ન હોય તો શા માટે એનો કાલ્પનિક્ બોજ ઊંચકીને ફરવાનું?

આપણને ધર્મ અને પરંપરા વિશે વાંચ-વાંચ કરવાની અને ટીવી-વેબસાઈટ પર સાંભળ-સાંભળ કરવાની કે જો-જો કરવાની કુટેવ પડી ગઈ છે. આવું કરીને પછી આપણે સંતુષ્ટ થઈને બેસી જઈએ છીએ. આ ખોટું છે. ‘સક્રિય અભ્યાસ ર્ક્યા વગર વાસ્તવિક્ લાભ કેવી રીતે મળશે?’ સત્યનારાયણ ગોયન્કા સમાપન ક્રે છે, ‘જો ધર્મજ્ઞાાનનો નક્કર અભ્યાસ કરીને તેને વ્યવહારમાં નહીં મૂકીએ તો આપણે કેવળ દાર્શનિક કે સાંપ્રદાયિક્ વિવાદોમાં જ ગૂંચવાયેલા રહીશું.’

આ જોખમસ્થાનથી આપણે સૌએ બચવા જેવું છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.