Sun-Temple-Baanner

‘ધ રેવેનન્ટ’: શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઝઝૂમતા રહો…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘ધ રેવેનન્ટ’: શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઝઝૂમતા રહો…


મલ્ટિપ્લેક્સ – ‘ધ રેવેનન્ટ’: શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઝઝૂમતા રહો…

Sandesh – Sanskar Purti – 6 March 2016

મલ્ટિપ્લેક્સ

‘ધ રેવેનન્ટ’ માટે કાસ્ટ અને ક્રૂની પસંદગી કરતી વખતે જ અલ્હાન્દ્રોએ સૌને ચેતવી દીધા હતા કે, આ ફિલ્મનું શૂટિંગ ખૂબ અઘરું સાબિત થવાનું છે. વાત, પ્રકૃતિ સામે સાવ વામણા બની જતા માણસની છે એટલે આપણે રિઅલ લોકેશન પર ભયંકર વિષમ પરિસ્થિતિમાં કામ કરવાનું છે. જો હેરાન થવાની પૂરેપૂરી તૈયારી હોય તો જ હા પાડજો!

* * * * *

ગજબનો છે અલહાન્દ્રો ઈનારીટુ નામનો આ માણસ. એમની મલ્ટિપલ ઓસ્કારવિનર ‘બર્ડમેન’ નામની બ્રિલિયન્ટ ફિલ્મની અસરમાંથી આપણે હજુ બહાર માંડ આવ્યા ત્યાં એ પાછા ‘ધ રેવેનન્ટ’ લઈને ત્રાટકયા. ઓસ્કરના ૮૮ વર્ષના ઈતિહાસમાં બેક-ટુ-બેક અવોર્ડ જીત્યા હોય એવા ત્રણ જ ડિરેક્ટર નોંધાયા છે – જોન ફોર્ડ (૧૯૪૦માં ‘ધ ગ્રેપ્સ ઓફ રૅથ’ અને ૧૯૪૧માં ‘હાઉ ગ્રીન વોઝ માય વૅલી’. એમણે બેસ્ટ ડિરેક્ટર તરીકે કુલ ચાર ઓસ્કાર જીત્યા છે), જોસેફ એલ. મેન્કીવિકઝ (૧૯૪૯માં ‘અ લેટર ટુ થ્રી વાઈવ્ઝ’ અને ૧૯૫૦માં ‘ઓલ અબાઉટ ઈવ’) અને ત્યાર બાદ છેક પાંસઠ વર્ષ પછી અલહાન્દ્રો ઈનારીટુ (૨૦૧૫માં ‘બર્ડમેન’ અને ૨૦૧૬માં ‘ધ રેવેનન્ટ’).

બાવન વર્ષના આ મેક્સિકન ફિલ્મમેકરના ઝળહળતા બાયોડેટામાં એમણે બનાવેલી ફિલ્મો પર નજર કરો – ‘અમરોસ પેરોસ’ (૨૦૦૦, જેના પરથી આપણે ત્યાં મણિરત્નમે ‘યુવા’ બનાવી હતી), ‘ટ્વેન્ટી વન ગ્રામ્સ’ (૨૦૦૩), ‘બેબલ’ (૨૦૦૬), વિચિત્ર સ્પેલિંગવાળું ટાઈટલ ધરાવતી ‘બ્યુટીફુલ’ (૨૦૧૦) અને પછી ‘બર્ડમેન’ ને ‘ધ રેવેનન્ટ’. એકબીજાનાં માથાં ભાંગે એવી આ છ અફલાતૂન ફિલ્મો ઓસ્કારની જુદી જુદી કેટેગરીમાં નોમિનેટ થઈ અને કેટલાય અવોર્ડ્ઝ તાણી ગઈ. લિઓનાર્ડો દ કેપ્રિયોને ‘ધ રેવેનન્ટ’ માટે બેસ્ટ એકટરનો ઓસ્કાર મળ્યો, જ્યારે ‘ધ રેવેનન્ટ’નો ત્રીજો ઓસ્કાર સિનેમેટોગ્રાફર ઈમેન્યુએલ લુબેઝ્કીના નામે નોંધાયો.

‘ધ રેવેનન્ટ’નો અર્થ ‘મોતના મુખમાંથી પાછો આવેલો માણસ’ થાય છે, તે તમે જાણો છો. માઈકલ પન્કે નામના અમેરિકન લેખકે ૨૦૦૨માં ‘ધ રેવેનન્ટઃ અ નોવેલ ઓફ રિવેન્જ’ નામની નવલકથા બહાર પાડી હતી. આ સત્યકથાનાત્મક પુસ્તક હ્યુ ગ્લાસ નામના અમેરિકન શિકારી-કમ-વેપારી પર આધારિત છે. હ્યુુ ગ્લાસે ખાસ કરીને આજે જે નોર્થ ડાકોટા, સાઉથ ડાકોટા અને નેબ્રાસ્કા તરીકે ઓળખાય છે, તે અમેરિકાની ઉત્તરીય સરહદ પાસે આવેલા રાજ્યોનું ખૂબ ખેડાણ કર્યું હતું. ૧૮૨૩ની સાલમાં એટલે કે આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલાં એ પોતાની ટુકડી સાથે બર્ફીલા પ્રદેશમાં ગયો હતો ત્યારે એના પર જંગલી રીંછે ભયાનક હુમલો કર્યો હતો. સાથીઓ એને મરતો છોડીને નાસી ગયા, પણ એનામાં ગજબની જિજીવિષા હતી. જેમતેમ કરીને એ જીવી ગયો અને ૩૨૦ કિલોમીટરનું વળતું અંતર કાપીને માંડ માંડ ‘સુધરેલા’ માનવોની વસ્તી વચ્ચે પહોંચી શકયો હતો.

‘ધ રેવેનન્ટ’ પુસ્તક અને ફિલ્મમાં હ્યુ ગ્લાસની રૂવાંડાં ખડાં કરી નાંખે એવી અસ્તિત્વ ટકાવી રાખવાની સંઘર્ષકથા છે. ઈન ફેકટ, હ્યુ ગ્લાસના જીવન પરથી બનેલી આ કંઈ પહેલી ફિલ્મ નથી. અગાઉ ૧૯૭૧માં, પુસ્તક લખાયું એનીય પહેલાં, ‘ધ મેન ઈન ધ વાઈલ્ડરનેસ’ નામની ફિલ્મ આવી ચૂકી હતી. માઈકલ પન્કેને ‘ધ રેવેનન્ટ’ પુસ્તક લખતાં ચાર વર્ષ લાગ્યાં હતાં. હોલિવૂડની એક ખૂબી એ છે કે, અહીં કોઈએ અફલાતૂન ફિલ્મ બની શકે એવી નવલકથા કે નોન-ફિક્શન લખાણ લખ્યું હોય તો તે પુસ્તક સ્વરૂપે છપાય તે પહેલાં જ ફિલ્મી વર્તુળમાં સકર્યુલેટ થવા લાગે છે. ‘ધ રેવેનન્ટ’ના કેસમાં પણ એવું જ બન્યું. પુસ્તક છપાય તેના એક વર્ષ પહેલાં, ૨૦૦૧માં, હોલિવૂડના એક પ્રોડયુસરે તેના રાઈટ્સ ખરીદી લીધા હતા. આમ, ‘ધ રેવેનન્ટ’ ફિલ્મ બનાવવાની ગતિવિધિઓ પંદર વર્ષ પહેલાં શરૂ થઈ ચૂકી હતી!

પ્રત્યેક પુસ્તક, ફિલ્મ, નાટક, ટીવી શો કે કોઈ પણ સર્જનાત્મક કૃતિનું પોતાનું નસીબ હોય છે. ક્રિયેટિવિટીના દેવતાએ આ કૃતિની કુંડળીમાં જ્યારે જે લખ્યું હોય ત્યારે જ તે બનતું હોય છે! પાર્ક ચેન-વૂક નામનો ડિરેકટર આ ફિલ્મ ડિરેક્ટ કરશે અને સેમ્યુઅલ જેકસન હીરો બનશે એવું નક્કી થયું, પણ ડિરેક્ટરસાહેબ કોઈક કારણસર પ્રોજેકટમાંથી આઉટ થઈ ગયા. ફિલ્મ ટલ્લે ચડી ગઈ. પછી છેક ૨૦૧૦માં જોન હિલકોટ નામનો બીજો કોઈ ડિરેક્ટર ક્રિસ્ટીઅન બેલને લઈને ફિલ્મને બનાવશે એવી જાહેરાત થઈ. આ ટીમ પણ પડી ભાંગી. આખરે ઓગસ્ટ, ૨૦૧૧માં અલ્હાન્દ્રો ઈનારીટુને સાઈન કરવામાં આવ્યા. અન્હાન્દ્રોએ પછી જાહેરાત કરી કે,હું મારી આગામી ફિલ્મની બે મુખ્ય ભુમિકાઓ માટે લિઓનાર્ડો દકેપ્રિયો અને શૉન પેનને લેવા માગું છું. શૉન પેન તો હાથમાં ન આવ્યા, પણ લિઓનાર્ડો આ પ્રોજેકટ સાથે જોડાઈ ગયો.

અલ્હાન્દ્રોએ વિધિવત પ્રી-પ્રોડકશન શરૂ કરી દીધું. સ્ક્રિપ્ટરાઈટર માર્ક સ્મિથ સાથે બેસીને સ્ક્રિપ્ટમાં સુધારા-વધારા-ઉમેરા કરાવવા લાગ્યા, પણ સંઘ કાશીએ પહોંચે તે પહેલાં અલ્હાન્દ્રોએ નવું અનાઉન્સમેન્ટ કર્યું: હું પહેલાં ‘બર્ડમેન’ નામની ફિલ્મ બનાવીશ, પછી ‘ધ રેવેનન્ટ’નું શૂટિંગ શરૂ કરીશ! ‘બર્ડમેન’ રિલીઝ થયા બાદ ઓકટોબર, ૨૦૧૪માં અલ્હાન્દ્રોએ ‘ધ રેવેનન્ટ’નું શૂટિંગ શરૂ કર્યું. ફેબ્રુઆરી ૨૦૧૫માં ઓસ્કાર નાઈટ આવી. ‘ધ બર્ડમેન’ ફિલ્મે બેસ્ટ ડિરેક્ટર, પિક્ચર, ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને સિનેમેટોગ્રાફી માટે ચચ્ચાર ઓસ્કાર જીતી લીધા. સ્વાભાવિક રીતે ‘ધ રેવેનન્ટ’ પ્રોજેકટ સુપર હોટ પ્રોપર્ટી બની ગયો.

‘તમે માનશો, ‘બર્ડમેન’ના ઓસ્કર-વિજયને મન મૂકીને માણવાનો મને સમય જ મળ્યો નહોતો,’ અલ્હાન્દ્રો એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘એક બાજુ ‘ધ રેવેનન્ટ’નું શૂટિંગ ચાલતું હતું ને આ બાજુ ઓસ્કારની ધમાલ વચ્ચે હું સતત ઈમેઈલ ચેક કરતાં કરતાં મારી ટીમના કોન્ટેક્ટમાં રહેતો હતો. ફિલ્મ બનાવતા હો ત્યારે પ્રોડક્શનની હજાર જાતની સમસ્યાઓ પેદા થતી હોય છે. ઓસ્કાર ફક્શન પછીની રાતે હું પ્લેન પકડીને રવાના થઈ ગયો હતો કેમ કે, બીજા દિવસે સવારે મારે ‘ધ રેવેનન્ટ’નો એક બહુ જ કોમ્પ્લિકેટેડ સીન શૂટ કરવાનો હતો.’

‘ધ રેવેનન્ટ’ માટે કાસ્ટ અને ક્રૂની પસંદગી કરતી વખતે જ અલ્હાન્દ્રોએ સૌને ચેતવી દીધા હતા કે, આ ફિલ્મનું શૂટિંગ ખૂબ અઘરું સાબિત થવાનું છે. વાત, પ્રકૃતિ સામે સાવ વામણા બની જતા માણસની છે એટલે આપણે રિઅલ લોકેશન પર ભયંકર વિષમ પરિસ્થિતિમાં કામ કરવાનું છે. જો હેરાન થવાની પૂરેપૂરી તૈયારી હોય તો જ હા પાડજો!

‘ધ રેવેનન્ટ’નું શૂટિંગ કેનેડા અને આર્જેન્ટિનાના બર્ફીલા જંગલોમાં કરવામાં આવ્યું છે. અલ્હાન્દ્રો અને ફિલ્મના સિનેમેટોગ્રાફર બન્નેનો આગ્રહ હતો કે, આપણે આખી ફિલ્મ કુદરતી પ્રકાશમાં જ શૂટ કરવી છે. વળી, શૂટિંગ પણ સ્ક્રિપ્ટમાં જે પ્રમાણે સીન લખાયા હોય તે જ ક્રમમાં કરવું છે, આડુંઅવળું નહીં. લોકેશન એટલાં અંતરિયાળ રહેતાં કે ઉતારાથી ત્યાં પહોંચવામાં જ બે-ત્રણ કલાક થઈ જતા. સૂર્યપ્રકાશ સતત વધ-ઘટ થયા કરતો હોય. આથી સરેરાશ રોજ દોઢ કલાક જેટલો જ સમય શૂટિંગ માટે મળતો. બાકીના સમય આગલા દિવસનાં સીનના રિહર્સલ માટે વપરાતો. ફિલ્મની શરૂઆતમાં જ રેડ ઈન્ડિયન્સ અને લિઓનાર્ડોની ટુકડી વચ્ચે ફાટી નીકળતા રમખાણનો સીન છે. ‘બર્ડમેન’ની જેમ ઓછામાં ઓછા શોટ્સમાં આ સીન શૂટ થયો છે. આ સિકવન્સ માટે આખી ટીમે એક મહિનો રિહર્સલ કર્યું હતંું. સીન એટલો અસરકારક છે કે ન પૂછો વાત. તમને સ્ટીવન સ્પિલબર્ગની ‘સેવિંગ પ્રાઈવેટ રાયન’ની ઓપનિંગ સિક્વન્સ યાદ આવી જશે.

‘ધ રેવેનન્ટ’ના મુખ્ય નાયક લિઓનાર્ડો દકેપ્રિયોની હાલત સૌથી બદતર હતી. એનોે મેકઅપ કરવામાં ચારેક કલાક લાગી જતા એટલે એ મધરાતે ઊઠીને મેકઅપ માટે બેસી જતો. પચ્ચીસેક વર્ષથી લિઓ સંપૂર્ણપણે વેજિટેરીઅન બની ગયો છે, પણ આ ફિલ્મ માટે એણે જીવતી માછલી તો ઠીક, જંગલી ભેંસનું લિવર ખાવું પડયું છે. ફિલ્મના એક સીનમાં એક આદિવાસી તાજી મરેલી જંગલી ભેંસનું શરીર ચીરીને તેમાંથી બહાર ખેંચી કાઢેલાં લિવરનો ટુકડો મરવાની અણી પર પહોંચી ગયેલા લિઓ તરફ ફેંકે છે. શૂટિંગ દરમિયાન લિઓ સામે લિવર જેવી દેખાતી જેલી પ્રકારની કૃત્રિમ વસ્તુ ખાવાનો વિકલ્પ હતો. લિઓએ પહેલાં આ જ ટ્રાય કર્યું,પણ તેમાં દાંત પેસાડતી વખતે લોહી જેવું દેખાતું પ્રવાહી જે રીતે બહાર ફૂટી નીકળવું જોઈએ તે નીકળતું નહોતું. લિઓએ કહ્યું, આને રહેવા દો, હું અસલી લિવર ખાઈશ! ફિલ્મમાં લિઓના ચહેરા પર લિવર ચાવતી વખતે ત્રાસના જે હાવભાવ આવે છે તે અસલી છે!

જંગલી રીંછ લિઓ પર હુમલો કરે છે, તે ફિલ્મનો ચાવીરૂપ સીન છે. અરેરાટી થઈ જાય એવી ઈમ્પેકટ ઊભી કરતા આ સીનમાં જે માદા રીંછ દેખાય છે તે, અફકોર્સ, ડિજિટલ એટલે કે કમ્પ્યુટરાઈઝ્ડ છે. અલ્હાન્દ્રોએ આ સીનના મેકિંગની વિગતો ગુપ્ત રાખવાની બહુ કોશિશ કરી, પણ મીડિયામાં વાત જાહેર થઈ ગઈ કે, ગ્લેન એનિસ નામના સ્ટંટમેને રીંછ જેવો સૂટ પહેરીને આ સીન શૂટ કર્યો હતો અને પછી પોસ્ટ પ્રોડકશનમાં ગ્લેનની મૂવમેન્ટ્સનને અસલી રીંછની ઈમેજ વડે ડિજિટલી રિપ્લેસ કરવામાં આવી.

લિઓને જોકે સૌથી વધારે કઠણાઈ તીવ્ર ઠંડી નદીમાં ઝબોળાવામાં પડતી હતી. શૂટિંગમાં તાપમાન કયારેક માઈનસ ત્રીસ,માઈનસ ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જતું. એક્ટરોના આંગળા ચોંટી જાય, કેમેરા ઓપરેટ થઈ ન શકે એટલે પછી નછૂટકે શૂટિંગ અટકાવવું પડે. લિઓનાર્ડો પોતાના રોલ માટે એટલી હદે પેશનેટ હતો કે, કયારેક ખુદ અલ્હાન્દ્રોએ એને રોકવો પડતો કે ભાઈ,વધારે સાહસ કરવાનું રહેવા દે! બધામાં જોકે આટલી સહનશકિત ન પણ હોય. નવ મહિના સુધી ચાલેલા શૂટિંગ દરમિયાન પ્રોડક્શન ટીમમાંથી દસેક જેટલા લોકોને કાં તો કાઢી મૂકવામાં આવ્યા યા તો ખુદ નીકળી ગયા. આ લોકો પછી મીડિયા સામે ફરિયાદ કરતા હતા કે ‘ધ રેવેનન્ટ’ના શૂટિંગમાં અમને નર્કની યાતના જેવો અનુભવ થતો હતો.

અલ્હાન્દ્રો કહે છે, ‘મને અમુક લોકો કહેતા કે, આટલા બધા હેરાન થવાની શી જરૂર છે? આ દશ્યો તો આપણે સ્ટુડિયોમાં કોફી પીતાં પીતાં ટેસથી ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરીને કમ્પ્યુટર પર જનરેટ કરી શકીએ છીએ. સાચી વાત છે. કમ્પ્યુટર પર ઈફેક્ટ પેદા કરી શકાય, પણ આ રીતે બનેલી ફિલ્મનું મૂલ્ય કચ્ચરપટ્ટી કરતાં વિશેષ ન હોત.’

આ મહેનત, આ પેશન ‘ધ રેવેનન્ટ’ની એકેએક ફ્રેમમાં દેખાય છે. ફિલ્મનો મેસેજ ખૂબ પાવરફુલ છેઃ શરીરમાં જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઝઝૂમતા રહો. હાર નહીં માનો! જો આકરાં દશ્યોથી ડર લાગતો ન હોય અને કશુંક અનોખું જોવાનો શોખ હોય તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.

અલહાન્દ્રોએ તો બેક-ટુ-બેક બે જ ઓસ્કાર જીત્યા છે, પણ એમની ફિલ્મ શૂટ કરનાર ઈમેન્યુઅલ લુબેઝ્કી ‘ગ્રેવિટી’, ‘બર્ડમેન’ અને ‘ધ રેવેનન્ટ’ માટે બેક-ટુ-બેક ત્રણ ઓસ્કાર જીતનાર દુનિયાના એકમાત્ર સિનેમેટોગ્રાફર છે! એવું તે શું છે આ માણસમાં?ઈમેન્યુઅલ લુબેઝ્કીને નજીકથી ઓળખવાની કોશિશ આવતા રવિવારે.

શો-સ્ટોપર

હું લોકોને મળતો રહું છું, કેમ કે ઉત્તમ આઈડિયા ગમે ત્યાંથી આવી શકે છે. એવું નથી કે કેવળ મહાન ફિલ્મમેકરોના દિમાગમાં જ બેસ્ટ આઈડિયા પેદા થઈ શકે છે.

– ફરહાન અખ્તર

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.