Sun-Temple-Baanner

એક મિડ-વે એક્ટર…. નામે હિતેનકુમાર


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એક મિડ-વે એક્ટર…. નામે હિતેનકુમાર


એક મિડ-વે એક્ટર…. નામે હિતેનકુમાર

Sandesh – Sanskaar Purti – 14 February 2016

મલ્ટિપ્લેક્સ

* * * * *

હિતેનકુમાર એક બિગ-સિટી-બોય છે. અંગત વ્યવહારમાં એમની તાસીર અને સેન્સિબિલિટી મહાનવગરવાસીની છે. હંમેશા હતી. તેઓ પાક્કા બમ્બૈયા છે. બમ્બૈયા સોફિસ્ટીકેશન એમનાં આખાં વ્યકિતત્ત્વમાંથી સતત છલકાતું રહે છે. તેથી જ અગાઉનું ગુજરાતી સિનેમા અને ન્યુ વેવ ગુજરાતી સિનેમા વચ્ચે પુલ બની શકવાનું અને સફળતાપૂર્વક ક્રોસ-ઓવર કરી શકવાનું કૌવત જો કોઈમાં દેખાતું હોય તો એ હિતેનકુમાર છે.

‘ચંદ્રકાંત બક્ષીએ કયાંક લખ્યું છે કે દરેક પુરુષને એક વ્યસન તો હોવું જ જોઈએ!’

આમ કહીને હિતેનકુમાર લિજ્જતથી વધુ એક સિગારેટ સળગાવે છે. તમે એમના ચહેરા પર ગિલ્ટનો ભાવ શોધવાની વ્યર્થ કોશિશ કરો છો. ‘બહુ કોશિશ કરી છોડવાની,’ તેઓ ઉમેરે છે, ‘પણ હજુ સુધી તો છૂટી નથી!’

અગાઉનું ગુજરાતી સિનેમા અને ૨૦૧૨ પછીનું ન્યુ વેવ ગુજરાતી સિનેમા એવા બે સ્પષ્ટ ભાગ પાડવામાં આવે તો હિતેનકુમાર ટેકિનકલી અગાઉના ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર ગણાય. તેઓ’અગાઉના’ ખરા પણ પાઘડી-ચોરણી- કેડિયાધારી સુપરસ્ટાર નહીં. હિતેનકુમારનાં કિરદાર સ્ક્રીન પર જીન્સ-ટીશર્ટ પહેરે છે અને પ્રમાણમાં ઠીક ઠીક સહજ કહી શકાય એવી સારી ગુજરાતી ભાષા બોલે છે. ‘મારી પહેલી સ્ટ્રગલ જ એ હતી કે ગુજરાતી હીરો ચોરણી-કેડિયું કાઢીને પેન્ટ-શર્ટ પહેરતો થાય,’ તેઓ કહે છે. અલબત્ત, સ્ટાઈલિશ મલ્ટિપ્લેકસમાં ‘છેલ્લો દિવસ’ કે ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ કે ‘બે યાર’ જેવી નવી ગુજરાતી ફિલ્મને ભરપૂર એન્જોય કરી રહેલા અને ઈન્ટરવલમાં સ્માર્ટફોન પર મેસેજીસ ચેક કરતાં કરતાં કાઉન્ટર પરથી પોપકોર્ન અને પેપ્સી ખરીદતા ગુજરાતી પ્રેક્ષક સાથે કદાચ હિતેનકુમારનું ખાસ સંધાન થયું નથી. કમસે કમ, હજુ સુધી તો નહીં. પણ કદાચ આ જ એક રસપ્રદ અને ઉત્સુકતા પેદા કરે તેવી સ્થિતિ છે. અગાઉનું ગુજરાતી સિનેમા અને ન્યુ વેવ ગુજરાતી સિનેમા વચ્ચે પુલ બની શકવાનું અને સફળતાપૂર્વક ક્રોસ-ઓવર કરી શકવાનું કૌવત જો કોઈમાં દેખાતું હોય તો એ હિતેનકુમાર છે.

એનું કારણ છે. હિતેનકુમાર એક બિગ-સિટી-બોય છે. અંગત વ્યવહારમાં એમની તાસીર અને સેન્સિબિલિટી મહાનવગરવાસીની છે. હંમેશા હતી. તેઓ પાક્કા બમ્બૈયા છે. બમ્બૈયા સોફિસ્ટીકેશન એમનાં આખાં વ્યકિતત્ત્વમાંથી સતત છલકાતું રહે છે. ગુજરાત એમની કર્મભૂમિ છે, ગુજરાતમાં તેમણે બંગલો પણ લઈ રાખ્યો છે, પણ મુંબઈને તેઓ છોડી શકતા નથી. એમનો આ જ મિજાજ સંભવતઃ એમને આવનારાં વર્ષોમાં ન્યુ વેવ ગુજરાતી સિનેમાના એક મહત્ત્વના ખેલાડી બનાવી શકે તેમ છે. આજકાલ તેઓ ખૂબ બિઝી-બિઝી છે કેમ કે 26 ફેબ્રુઆરીએ એમની નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે – ‘પ્રેમરંગ’.

‘છેલ્લાં ત્રણેક વર્ષથી ‘અર્બન ગુજરાતી સિનેમા’ એવો શબ્દપ્રયોગ સતત થઈ રહૃાો છે,’ મુંબઈમાં જોગેશ્વરી સ્થિત પોતાની ઓફિસમાં સતત આવતા-જતા મુલાકાતીઓની વચ્ચે હિતેનકુમાર વાતચીતનો દોર આગળ વધારે છે, ‘પણ તમે જાણો છો કે આપણે જેને અર્બન ઓડિયન્સ કહીએ છીએ એ ગુજરાતી ફિલ્મોના કુલ ઓડિયન્સના માત્ર ૨૦ ટકા ભાગ રોકે છે? શહેરથી માત્ર સોળ ક્લિોમીટરના અંતરે આવેલા ગામડાના ઓડિયન્સને અર્બન ગુજરાતી સિનેમા નામની ઘટના સ્પર્શી શકતી નથી! આપણે શા માટે ગુજરાતી ફિલ્મો જોતાં એ ૮૦ ટકા પ્રેક્ષકોને અવગણવા જોઈએ કે ગુમાવવા જોઈએ? ‘

હિતેનકુમારના ઘેરા અને રણકતા અવાજમાં એક સ્પર્શી શકાય તેવી હૂંફ છે. તેઓ આગળ વધે છે, ‘અર્બન અને નોન-અર્બન એવા ભાગલા માત્ર આપણે ત્યાં જ પડયા છે. તમે અર્બન મરાઠી ફિલ્મ કે અર્બન બંગાળી ફિલ્મ કે અર્બન તેલુગુ ફિલ્મ એવું કયારેય સાંભળ્યું છે? ફિલ્મ એ ફિલ્મ છે જે સમગ્ર પ્રજા માટે છે. ‘લગાન’ એક ઓસ્કર કક્ષાની ફિલ્મ છે, જેનું લોકાલ ગામડું હતું. પ્રિયદર્શન જેવો સફળ ફિલ્મમેકર ‘વિરાસત’ અને ‘માલામાલ વીકલી’ જેવી સ્માર્ટ ફિલ્મો બનાવે છે, જેનું લોકાલ પણ ગામડું છે, પણ આ ફિલ્મોની સ્ક્રિપ્ટ, પ્રોડકશન વેલ્યુ, ગીત-સંગીત અને આખો અપ્રોચ એવાં છે જે સૌને એકસરખાં અપીલ કરે. મને લાગે છે કે ગુજરાતી ફિલ્મો એવી બનવી જોઈએ જે ધ્રાંગધ્રાના ઓડિયન્સને પણ ગમે અને અમદાવાદ તેમજ બોસ્ટનના એનઆરઆઈ પ્રેક્ષકોને પણ અપીલ કરે. પ્રોડયુસરે કમાવું પડશે. જો એ કમાશે નહીં તો એક-બે ફિલ્મ બનાવીને અટકી જશે.’

હિતેનકુમારની ભાષાશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિ તરત ધ્યાન ખેંચે છે. એનું કારણ કદાચ એ છે કે ટૂંકા ગાળા માટે ગુજરાતી પત્રકારત્વ કરી ચુકેલી હિતેનકુમાર એક અદાકાર તરીકે મુંબઈની મેઈનસ્ટ્રીમ ગુજરાતી રંગભૂમિનું ફરજંદ છે. કદાચ એટલે જે બેનરના તેઓ’ક્રિએટિવ કેપ્ટન’ છે તેનું નામ પ્લેઈંગ ડ્રામા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ એવું રાખ્યું છે.

‘પણ આપણી થિયેટર સરકિટમાં મારી છાપ એવી પડી ગયેલી કે હિતેન એકિટંગ કરતો હશે તો નાટક ગમે તેટલું સારું હશે તોય ૯૦, ૯૫, ૯૬ શો પર અટકી જશે… તે ૧૦૦ શો પૂરા તો નહીં જ કરે!’ હિતેનકુમાર હસી પડે છે, ‘૧૯૯૭માં મને ‘ઊંચી મેડીના ઊંચા મોલ’ નામની ફિલ્મમાં વિલનનો રોલ કરવાની તક મળી. તે વખતે ઈન્ડસ્ટ્રી લગભગ મૃતઃપ્રાય થઈ ગઈ હતી. મેં બાર-તેર દિવસ શૂટ કર્યું હશે. આ ફિલ્મે તે જમાનામાં એક કરોડનો બિઝનેસ કર્યો. એક વર્ષ પછી ગોવિંદ પટેલે મને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મમાં મને હીરોનો રોલ ઓફર કર્યો. સવારે દસ વાગ્યે મુહૂર્ત હતું અને પોણા દસ સુધી હું નક્કી નહોતો કરી શકતો કે આ ફિલ્મ કરવી કે નહીં. છેક છેલ્લી ઘડીએ તૈયાર થયો. આ ફિલ્મ સુપરડુપર હિટ થઈ. વીસ કરોડનો બિઝનેસ કર્યો. મુંબઈમાં પણ આ ફિલ્મ સરસ ચાલી હતી. ૨૦૦૧માં જશવંત ગાંગાણીની ‘મૈયરમાં મનડું નથી લાગતું’ આવી. આ ફિલ્મે બાર કરોડનો ધંધો કર્યો. ઈવન સૂરજ બડજાત્યાએ આ ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા હતા.’

… અને આમ, ગુજરાતી રંગભૂમિ પર બુંદિયાળ ગણાતો હિતેન નામનો એ જુવાનિયો ગુજરાતી ફિલ્મો માટે લકી મેસ્કોટ બની ગયો. આ ઓગણીસ વર્ષમાં તેમણે કરેલી ફિલ્મો ૧૧૧ના આંકડાને સ્પર્શી ગયો છે. જોકે આ સફર એકધારી આનંદદાયક પૂરવાર થઈ નથી. દર ત્રણ-ચાર વર્ષે ગુજરાતી સિનેમાની ગતિવિધિઓને લીધે તેઓ લગભગ ડિપ્રેશન જેવી માનસિક અવસ્થામાં ધકેલાઈ જતા. સરકારની સબસિડી હડપી જવાના ઈરાદાથી ફકત પાંચ લાખ રુપિયામાં આખી ફિલ્મ બનાવી નાખનારા લેભાગુઓ ફૂટી નીકળ્યા હતા. બાર દિવસમાં તો આખી ફિલ્મ બની જાય! આખા ગુજરાતને બદલે સૌરાષ્ટ્ર, પંચમહાલ એમ જુદા જુદા ટુકડાઓને ધ્યાનમાં લઈને ફિલ્મો બનાવવાનો ચાલ પણ શરુ થઈ ગયો હતો. આ બધું તકલીફદેહ હતું, પણ હિતેનકુમાર આ બધાની વચ્ચે પોતાનાં પાત્રોમાં બને એટલું વૈવિધ્ય લાવતા રહૃાા.

‘હું ‘જન્મદાતા’માં સાઠ વર્ષનો વૃદ્ધ બન્યો હતો. બાર-પંદર ફિલ્મોમાં મારી હિરોઈન રહી ચુકેલી મોના થીબાનો હું આ ફિલ્મમાં બાપ બન્યો હતો અને હિતુ કનોડિયા, જે મારા કન્ટેમ્પરરી એકટર ગણાય, એમનો હું સસરો બન્યો હતો. લોકોએ આને આત્મઘાતી પગલું ગણાવ્યું. કહેનારાઓએ તો એવુંય કહ્યું કે મારી કરીઅર હવે ખતમ થઈ જવાની. સદભાગ્યે ઓડિયન્સે મારું આ રુપ સ્વીકાર્યું. હીરોગીરીથી કંટાળ્યો છું ત્યારે ખલનાયક પણ બન્યો છું. ૨૦૧૧માં ‘ચાર’ નામની ફિલ્મ કરી જે સાવ શરુઆતની ગણીગાંઠી અર્બન ગુજરાતી ફિલ્મોમાંની એક હતી. પીપલ લવ્ડ ઈટ. જોકે શહેરી ઓડિયન્સ સુધી તે જોઈએ એવી પહોંચી શકી નહીં.’

ગુજરાતી સિનેમાને ભરપૂર ઉત્તેજન મળે એને તેની દિશા અને દશા પલટી નાખે એવી નક્કર પોલિસી તાજેતરમાં ગુજરાત સરકારે ઈન્ટ્રોડયુસ કરી છે. નવી બનનારી ગુજરાતી ફિલ્મોને એ, બી, સી અને ડી એમ ચાર ગ્રેડ પ્રમાણે વહેંચી નાખીને અનુક્રમે પચાસ લાખ, પચ્ચીસ લાખ, દસ લાખ અને પાંચ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

‘ઈટ્સ અ બ્રિલિયન્ટ મૂવ,’ હિતેનકુમાર કહે છે, ‘બહુ જ સમજીવિચારીને, નાનું છિદ્ર પણ ન શોધી શકાય એવી જડબેસલાક પોલિસી સરકારે બનાવી છે. હવે ક્રિયેટિવ ટેલેન્ટ્સ આગળ આવશે. ધારો કે કોઈએ વીનેશ અંતાણીની ‘પ્રિયજન’ નવલકથા પરથી ફિલ્મ બનાવવી હોય તો એ હિંમત કરી શકશે. ‘શ્વાસ’ જેવી મરાઠી ફિલ્મ (જે ૨૦૦૪માં ઓસ્કર માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી હતી) માત્ર બાવીસ લાખમાં બની હતી. હવે કોર્પોરેટ્સ અને બોલિવૂડના પ્રોડયુસરો પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ આકર્ષાશે. આ ઘટના જરુરી હતી. બસ, ગ્રેડ નક્કી કરનારી કમિટી નિષ્પક્ષ રહેવી જોઈએ.’

‘ઘટના’ હિતેનકુમારનો પ્રિય શબ્દ છે. એમની વાતોમાં તે સતત પુનરુકિત પામ્યા કરે છે.

‘એક સમયે આપણે ત્યાં પાંચસો જેટલા સિંગલ સ્ક્રીન થિયેટર હતા જે આજે માંડ સો જેટલાં બચ્યાં છે,’ હિતેનકુમાર સમાપન કરે છે, ‘નવી ગતિવિધિઓમાં સિંગલ સ્ક્રીન થિયેટરોનું વધારે દુર્લક્ષ ન થવું જોઈએ. નવા જનતા થિયેટર પ્રકારના સોંઘા થિયેટરો ગુજરાતભરમાં ઊભા થવાં જોઈએ કે જ્યાં સ્વચ્છતા હોય, સુવિધા હોય અને જે વ્યવસ્થિતપણે મેન્ટેઈન થતાં હોય. સારા કન્ટેન્ટવાળી ફિલ્મોની સાથે જો આ ઘટના પણ બને તો ગુજરાતી સિનેઉદ્યોગના વિકાસને પુષ્કળ વેગ મળશે તે નિશ્ચિત છે.’

હિતેનકુમારની પોતાની આગામી ફિલ્મ ‘પ્રેમરંગ’ એક નાજુક લવસ્ટોરી છે. ચાંદની ચોપડા અને પરી તેમની નાયિકાઓ છે. રફિક પઠાણે ડિરેકટ કરેલી આ ફિલ્મને હિતેનકુમાર મિડ-વે સિનેમા તરીકે ઓળખાવે છે. ‘પ્રેમરંગ’ નવી અને જૂની ગુજરાતી સિનેમેટિક સેન્સિબિલિટી વચ્ચે નક્કર બ્રિજનું કામ કરી શકે તો સારું જ છે. હિતેનકુમારની આગામી ફિલ્મો પાસેથી આ અપેક્ષા હંમેશાં રહેવાની.

શો-સ્ટોપર

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા
કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા

– સ્વ. નિદા ફાઝલી (ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.