મલ્ટિપ્લેક્સ – લિઓ-મેનિયા…. પાર્ટ ટુ?
Sandesh – Sanskaar Purti – 28 Feb 2016
મલ્ટિપ્લેક્સ
* * * * *
તો કઈ ફિલ્મ આ વખતે ડંકો વગાડશે? કયો અભિનેતા બેસ્ટ એક્ટરનો એવોર્ડ તાણી જશે? જે પ્રકારની હવા બની છે તેના પરથી લાગે છે કે, બેસ્ટ એક્ટરની ટ્રોફી આ વખતે લિઓનાર્ડોના ફાળે જાય એવા ભરપૂર ચાન્સ છે. ‘ધ રેવેનન્ટ’ ફિલ્મ અને એમાં લિઓનાર્ડોનું પર્ફોર્મન્સ જોઈને દુનિયા દંગ થઈ ગઈ છે. જો લિઓનાર્ડો કે ‘ધ ડેનિશ ગર્લ’વાળો એડી રૈડમેઈન સિવાયનો ત્રીજો કોઈ એક્ટર (મેટ ડેમન, માઈકલ ફાસબેન્ડર કે બ્રાયન ક્રેન્સ્ટનમાંથી કોઈ એક) ઓસ્કાર જીતશે તો અપસેટ થયો ગણાશે.
કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂકયું છે. અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં આજે રવિવારે સાંજે ઓસ્કર એવોર્ડ ફંક્શનની ધમાકેદાર શરૂઆત થશે અને અહીં ભારતમાં શોખીનો ટીવી પર એનું લાઈવ ટેલિકાસ્ટ જોવા ટીવી સામે ગોઠવાઈ જશે ત્યારે આવતી કાલના સવારના એટલે કે સોમવારના સાડાપાંચ વાગ્યા હશે. ભલે પ્રસંગોપાત વિવાદો જાગતા રહે,પણ સમગ્રપણે ઓસ્કાર અવોર્ડ્ઝે પોતાનો ચાર્મ સતત જાળવી રાખ્યો છે એ તો કબૂલવું પડે.
તો કઈ ફિલ્મ આ વખતે ડંકો વગાડશે? કયો અભિનેતા બેસ્ટ એક્ટરનો એવોર્ડ તાણી જશે? શ્રેષ્ઠ અભિનેતાની રેસમાં આ વખતે બે એક્ટર સૌથી આગળ છે – લિઓનાર્ડો ડિકેપ્રિયો (‘ધ રેવેનન્ટ’) અને એડી રેડમેઈન (‘ધ ડેનિશ ગર્લ’). એડી રેડમેઈન અને એની ફિલ્મ વિશે આપણે આ જ જગ્યાએ અગાઉ વાત કરી ચૂકયા છીએ (‘સંસ્કાર’ પૂર્તિ, ૨૪ જાન્યુઆરી ૨૦૧૬). આજે લિઓનાર્ડો ડિકેપ્રિયોનો વારો. જે પ્રકારની હવા બની છે તેના પરથી લાગે છે કે, બેસ્ટ એક્ટરની ટ્રોફી આ વખતે લિઓનાર્ડોના ફાળે જાય એવા ભરપૂર ચાન્સ છે. ‘ધ રેવેનન્ટ’ ફિલ્મ અને એમાં લિઓનાર્ડોનું પર્ફોર્મન્સ જોઈને દુનિયા દંગ થઈ ગઈ છે. ભારતમાં આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ. જો લિઓનાર્ડો અને એડી સિવાયનો ત્રીજો કોઈ એક્ટર (મેટ ડેમન, માઈકલ ફાસબેન્ડર કે બ્રાયન ક્રેન્સ્ટનમાંથી કોઈ એક) ઓસ્કાર જીતશે તો અપસેટ થયો ગણાશે.
૪૨ વર્ષના લિઓનાર્ડો ડિકેપ્રિયોને અત્યાર સુધીમાં પાંચ-પાંચ વખત ઓસ્કર નોમિનેશન મળી ચૂકયાં છે – ‘વોટ્સ ઈટીંગ ગિલ્બર્ટ ગ્રેપ’ (૧૯૯૩, બેસ્ટ સપોર્ટિંગ એકટર), ‘ધ એવિએટર’ (૨૦૦૫), ‘બ્લડ ડાયમન્ડ’ (૨૦૦૭) અને ‘ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ’ (૨૦૧૪). અભિનય માટેના આ ચારેય નોમિનેશન એ હારી ગયો હતો. ‘ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ’નો એ પ્રોડયુસર પણ હતો. આ ફિલ્મે જો બેસ્ટ પિકચરનો એવોર્ડ જીતી લીધો હોત તો કમસે કમ નિર્માતા તરીકે એના નામે એક ઓસ્કાર બોલતો હોત. કમનસીબે આ કેટેગરીમાં પણ એ હારી ગયો. આથી હોલિવૂડમાં લિઓનાર્ડોના નામે કેટલીય જોક પ્રચલિત થઈ છે. જેમ કે એક રમૂજ એવી છે કે, લિઓનોર્ડોને આ ભવમાં તો ઓસ્કાર મળે એવું લાગતું નથી. હા, પચાસેક વર્ષ પછી કદાચ કોઈ લિઓનાર્ડોના જીવન પર ફિલ્મ બનાવે તો, એનું પાત્ર ભજવનાર એક્ટર ઓસ્કાર જીતી જાય તે શકય છે! બીજી રમૂજ એવી છે કે, માણસ ગમે તેવી નિરાશા પછીય પોતાનો જુસ્સો ટકાવી રાખીને જીવનમાં આગળ વધી શકે છે. કેમ, લિઓનાર્ડો દર વખતે ઓસ્કાર હારી જવા છતાંય કામ કરતો જ રહે છે ને!
ઓસ્કાર મળે કે જીતે, લિઓનાર્ડો આજે દુનિયાના સૌથી ટેલેન્ટેડ અને સૌથી ભરોસાપાત્ર એક્ટરોમાંનો એક ગણાય છે તે પણ કંઈ નાનીસૂની સિદ્ધિ થોડી છે. લિઓનાર્ડોનો જન્મ જ હોલિવૂડના પિયર ગણાતા લોસ એન્જલસ શહેરમાં થયો છે. એના પપ્પા કોમિક્સની ચોપડીઓ છાપીને વેચતા. લિઓનાર્ડો હજુ પેટમાં હતો ત્યારે એનાં જર્મન મમ્મી એક વાર આર્ટ મ્યુઝિયમમાં વિખ્યાત ચિત્રકાર લિઓનાર્ડો દ વિન્ચીનું પેઈન્ટિંગ જોઈ રહૃાાં હતાં. બરાબર તે જ વખતે ગર્ભમાં રહેલાં બાળકે પહેલી વાર લાત મારી. પતિ-પત્નીએ નક્કી કર્યું કે, જો દીકરો આવશે તો એનું નામ આપણે લિઓનાર્ડો રાખીશું. એવું જ થયું.
લિઓનાર્ડો એક વર્ષનો થયો ત્યારે એમનાં મા-બાપના ડિવોર્સ થઈ ગયા. નાનકડો લિઓ મમ્મી પાસે રહ્યો. ખુદનું ને દીકરાનું ભરણપોષણ કરવા માઁ જાતજાતની નોકરીઓ કરતી. લોસ એન્જલસના પછાત વિસ્તારમાં ગુંડા-મવાલી અને ગંજેરીઓથી છલકાતા પાડોશમાં લિઓનું બાળપણ વીત્યું. લિઓ ભલે પિતા સાથે એક છત નીચે ન રહ્યો, પણ એને પિતાનો પ્રેમ અને હૂંફ સતત મળ્યાં છે. લિઓના ઉછેરની વાત આવે ત્યારે એનાં માતા-પિતા બધી અંગત કડવાશ ભૂલીને એકમેકને પૂરો સાથ-સહકાર આપતાં.
લિઓનાર્ડો નાનપણમાં અતિ ચંચળ અને હાઈપર એકિટવ. એના ધમપછાડા અને કૂદાકૂદ સતત ચાલતાં જ હોય. એ ત્રણ વર્ષનો હતો ત્યારે પપ્પા એને એક નાના અમથા મ્યુઝિક કોન્સર્ટમાં લઈ ગયેલા. બન્યું એવું કે સાજિંદાઓને આવતા વાર લાગી. ઓડિયન્સ અકળાવા લાગ્યું. ટાબરિયા લિઓને શું સૂઝ્યું કે એ સ્ટેજ પર ચડીને માંડયો ટેપ-ડાન્સ કરવા. ઓડિયન્સને મજા આવી ગઈ. ઘરે મહેમાનો આવે ત્યારે લિઓ એમની વાત કરવાની સ્ટાઈલ અને ચાલઢાલનું નિરીક્ષણ કરે અને જેવા એ જાય એટલે એમની અદ્દલ નકલ કરીને મમ્મી-પપ્પાને ખૂબ હસાવે. પુત્રનાં લક્ષણ પારણામાંથી! મા-બાપ કળી ગયાં કે નક્કી આ છોકરો મોટો થઈને પર્ફોર્મર બનવાનો.
પાંચ વર્ષની ઉંમરે એણે એક ટીવી સિરિયલમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પહેલી વાર એકિટંગ કરી હતી, પણ સેટ પર એવા ઉધામા મચાવ્યા કે ડિરેક્ટરે એને કાઢી મૂકવો પડયો! લિઓનો સાવકો ભાઈ ટીવીની એડમાં કામ કરતો, એટલે એનાં પગલે એણે પણ ૧૪ વર્ષની ઉંમરે એક ટીવી એડમાં પહેલી વાર કામ કર્યું. પછી તો એણે ખૂબ બધી એડ અને એજ્યુકેશનલ ફિલ્મ્સમાં કામ કર્યું. એ મમ્મી-પપ્પા સામે રીતસર જીદ કરતોઃ ફલાણી જગ્યાએ ઓડિશન લેવાય છે, મને ત્યાં લઈ જાઓ, મારેય ઓડિશન આપવું છે! એમાંય આર્થિક તંગી વચ્ચે ઉછરેલા લિઓને જ્યારે ખબર પડી કે ઓડિશનમાં પાસ થઈ જઈએ અને કેમેરા સામે પર્ફોર્મ કરવાનો ચાન્સ મળે તો આ લોકો પૈસા પણ આપે છે.
એને ઓર મજા આવી ગઈ. એણે નાનપણમાં જ નક્કી કરી નાંખ્યું હતું કે, મોટા થઈને કરવું તો આ જ કામ કરવું. આમાં મજાય આવે ને ઉપરથી પૈસા પણ મળે!
એની પહેલી ફિલ્મ હતી ‘ક્રિટર્સ-થ્રી’. આ સાય-ફાય હોરર ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એની ઉંમર માંડ પંદર વર્ષ હતી. લિઓ નસીબનો બળિયો ખરો. રોબર્ટ દ નીરો ની ‘ધિસ બોય્ઝ લાઈફ’ નામની ફિલ્મમાં એક બેઘર છોકરાના રોલ માટે સારા ટીનેજરની જરૂર હતી. ચારસો જેટલા છોકરાઓએ ઓડિશન આપેલંુ. આમાંથી ખુદ રોબર્ટ દ નીરો જેવા મહાન એક્ટરે લિઓને પસંદ કર્યો. ફિલ્મ ૧૯૯૨માં રિલીઝ થઈ. લિઓનાર્ડોની કરીઅરની આ પહેલી મહત્ત્વની ફિલ્મ.
ફિર કયા થા. લિઓનાર્ડો ડિકેપ્રિયો કી ગાડી ચલ પડી. એ કહે છે, ‘મારાં મમ્મી-પપ્પાએ મારા પર કયારેય કોઈ વાતનું દબાણ કર્યું નથી. બલકે તેઓ મને હંમેશાં એવો અહેસાસ કરાવતા કે બેટા, તું જે કોઈ સપનાં જુએ છે તેમાંનું કશું જ તારાં ગજા બહારનું નથી,તું જે કંઈ વિચારે છે તે બધંુ જ ખરેખર થઈ શકે તેમ છે. આજે હું વિચારું છું ત્યારે લાગે છે કે આમ હું ભલે છૂટાછેડા લીધેલાં મા-બાપનું સંતાન ગણાઉં, પણ મને એ બન્ને તરફથી જે કક્ષાનો પ્રેમ અને પ્રોત્સાહન મળ્યાં છે એના અંશ માત્ર કેટલાય ‘સો-કોલ્ડ’નોર્મલ અને પૈસાદાર પરિવારમાંથી આવતાં છોકરા-છોકરીઓને મળ્યાં હોતાં નથી.’
લિઓનાર્ડોને ‘કેચ મી ઈફ યુ કેન’માં ડિરેક્ટ કરનાર સ્ટીવન સ્પીલબર્ગ કહે છે કે લિઓનાર્ડોના પપ્પા જેવો ઠરેલ અને વેલ-રેડ માણસ મેં કયાંય જોયો નથી. સિનિયર ડિકેપ્રિયોએ દીકરાને નાનપણથી એક વાત શીખવી હતી કે, ચીલાચાલુ કામ ન કરવું, લોકો જેને સેફ ગણે છે એવાં કામથી દૂર રહેવું. રિસ્ક લેવું. કશુંક નવું કરવું. એમની આ ફિલોસોફીનો લિઓનાર્ડો પર ઊંડો પ્રભાવ પડયો. ૨૩ વર્ષની ઉંમરે એણે ‘ટાઈટેનિક’ની પાગલ કરી મૂકે એવી પ્રચંડ સફળતા જોઈ. બીજો કોઈ હોય તો કાં તો છકી ગયો હોત અથવા ટિપિકલ બ્લોકબસ્ટર ફિલ્મો ધડાધડ સાઈન કરવા માંડયો હોત. એને બદલે લિઓનાર્ડો ‘ટાઈટેનિક’ પછી બે વર્ષ સુધી ઘરે બેસી રહ્યોે. ‘સ્ટાર વોર્સ’ અને ‘સ્પાઈડરમેન’ જેવી ફિલ્મોની ઓફર ઠુકરાવી ને ડેની બોયેલની ‘ધ બીચ’ નામની ઓફબીટ ફિલ્મ પસંદ કરી. લિઓનાર્ડોએ હંમેશા તગડા ડિરેક્ટરો સાથે કામ કરવાનું પસંદ કર્યું છે. ખુદના ઓલ-ટાઈમ-ફેવરિટ માર્ટિન સ્કોેર્સેઝી સાથે એણે ચાર-ચાર ફિલ્મો કરી છે. હવે એણે ‘બર્ડમેન’ જેવી ગજબનાક ફિલ્મ બનાવીને ઓસ્કર જીતી જનાર અલજેન્દ્રો ઈનારીટુનો હાથ ઝાલ્યો છે. અલજેન્દ્રો એટલે ‘ધ રેવેનન્ટ’ના ડિરેકટર.
રેવેનન્ટ એટલે મોતના મુખમાંથી પાછો ફરનાર માણસ. આ એક સત્યઘટના પર આધારિત સર્વાઈવલ ફિલ્મ છે. ઓગણીસમી સદીના અમેરિકામાં ફરતો એક વેપારી શી રીતે પ્રકૃતિના કોપથી, જંગલી રીંછના લગભગ જીવ ખેંચી લે એવા હુમલાથી, પોતાને મરવા માટે એકલો મૂકીને, નાસી ગયેલા સાથીઓના છળથી ગમે તેમ બચીને જીવતો પાછો આવે છે એની રૃંવાંડાં ઊભા કરી દે એવી વાત આ ફિલ્મમાં છે. ‘ધ રેવેનન્ટ’ અત્યંત કઠિન પરિસ્થિતિમાં અને વિષમ વાતાવરણમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં કેટલાય ભયંકર જોખમી સીન લિઓનાર્ડોએ ડુપ્લિકેટની મદદ લીધા વિના જાતે કર્યા છે. ફિલ્મમાં લિઓનાર્ડો સાથે કામ કરનાર ટોમ હાર્ડી નામનો બ્રિટિશ એક્ટર કહે છે, ‘લિઓના મોઢે તમને કયારેય કોઈ વાતની ફરિયાદ સાંભળવા નહીં મળે. એ પોતાની જાતને રોલમાં રીતસર હોમી દે છે, એટલું જ નહીં, પોતાની આસપાસના લોકો પણ એ કક્ષાની નિષ્ઠા તેમજ કૌવત દેખાડી શકે એવો માહોલ પેદા કરે છે. ગજબનો પરફેક્શનિસ્ટ માણસ છે આ. જ્યાં સુધી એ શ્રેષ્ઠતાના ઊંચામાં ઊચાં સ્તર સુધી પહોંચશે નહીં, ત્યાં સુધી જંપીને બેસશે નહીં.’
‘ટાઈટેનિક’ રિલીઝ થઈ પછી દુનિયાભરમાં લિઓનાર્ડોનો એવો ક્રેઝ ફાટી નીકળ્યો હતો કે, મીડિયાએ ‘લિઓ-મેનિયા’ નામનો નવો શબ્દ કોઈન કરવો પડયો હતો. ‘ધ રેવેનન્ટ’ની ગજબનાક અદાકારી બદલ એને જો બેસ્ટ એક્ટરનો ઓસ્કાર મળશે તો એક નવા પ્રકારનો લિઓ-મેનિયા પેદા થયા વગર રહેશે નહીં. વેલ, લિઓનાર્ડોને પાંચ-પાંચ વાર હાથતાળી આપનાર ઓસ્કાર આ વખતે તાબે થાય છે કે નહીં એનો જવાબ આપણને થોડી કલાકોમાં મળી જવાનો છે. કાઉન્ટડાઉન હેઝ ઓલરેડી બિગન!
શો સ્ટોપર
‘ધ રિવોલ્યુશનરી રોડ’માં મારે અને લિઓનાર્ડોએ સેક્સ સીન કરવાનો હતો. ડિરક્ટર મારો હસબન્ડ સેમ મેન્ડીસ હતો. કેમેરા શરૂ કરતાં પહેલાં મેં બન્નેને બોલાવીને કહ્યું કે લૂક, મને બહુ વિચિત્ર લાગી રહ્યું છે. તમે બન્ને ઠીક તો છો ને? બન્નેએ કહ્યું, ઓહ યેસ,વી આર ફાઈન. એમની આવી પ્રતિક્રિયા મને ઓર વિચિત્ર લાગી!
– કેટ વિન્સલેટ (‘ટાઈટેનિક’ની હીરોઈન)
તાજા કલમઃ લિઓનાર્ડો ‘ધ રેવેનન્ટ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ગયો. ફાયનલી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply