Sun-Temple-Baanner

નાના પાટેકર – નઠારા, જોખમી અને ડેન્જરસ નટસમ્રાટ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


નાના પાટેકર – નઠારા, જોખમી અને ડેન્જરસ નટસમ્રાટ!


મલ્ટિપ્લેક્સ – નાના પાટેકર – નઠારા, જોખમી અને ડેન્જરસ નટસમ્રાટ!

Sandesh – Sanskaar Purti – 10 January 2016

મલ્ટિપ્લેક્સ

સંજય ભણસાળીએ કહેલું કે ‘ખામોશી’નાં શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મને એટલો બધો હેરાન કર્યો હતો કે ફિલ્મ બનાવવાની આખી મજા મરી ગઈ હતી. ‘પરિંદા’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા સાથે એમની છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. સ્વભાવની વિચિત્રતાઓ એક વાત થઈ પણ એક એક્ટર તરીકે નાના પાટેકર ઓડિયન્સને જલસો કરાવે છે એવું એમના દુશ્મનોએ પણ જખ મારીને સ્વીકારવું પડે છે.

* * * * *

વર્ષના પ્રારંભમાં જ ધ્યાન ખેંચે એવી ઘટના એ બની છે કે નાના પાટેકરની મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’ મહારાષ્ટ્ર જ નહીં, ગુજરાતનાં પસંદગીનાં થિયેટરોમાં પણ ધૂમ મચાવી રહી છે. મરાઠી કલાજગતમાં એવી છાપ છે કે જે એક્ટર ‘નટસમ્રાટ’નો લીડ રોલ કરે – પછી તે નાટક હોય કે ફિલ્મ – તો તેના પર સંપૂર્ણ અદાકારનો આઈએસઆઈનો માર્કો આપોઆપ લાગી જાય. ‘નટસમ્રાટ’ જોઈને અમિતાભ બચ્ચન જેવા સિનિયર સુદ્ધાંએ ભરપૂર વખાણ કર્યાં તેથી નાના પાટેકર રાજીના રેડ છે. ફિલ્મ રંગભૂમિના એક સુપરસ્ટારનાં જીવનની ચડતી-પડતી વિશે છે. ફિલ્મ તમને ‘બાગબાન’ અને ‘અવતાર’ની યાદ અપાવશે. મસ્ત રડકુ ફિલ્મ છે એટલે ટિસ્યૂપેપરનું આખું બોક્સ સાથે રાખજો. આજ સુધી એક પણ મરાઠી ફિલ્મ થિયેટરમાં જોઈ ન હોય તેવા દર્શકોએ ‘નટસમ્રાટ’થી શરૂઆત કરવા જેવી છે. મરાઠી ભાષા જરાય નહીં આવડતી હોય તો પણ ફિલ્મ માણી શકશો, વળી અંગ્રેજી સબટાઇટલ્સની સુવિધા તો છે જ.

૬૫ વર્ષીય નાના પાટેકર આ ફિલ્મના ૩૫ ટકા પ્રોડયુસર પણ છે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન એક જગ્યાએ એમણે કહેલું કે, ‘નટસમ્રાટ’ જોતી વખતે તમારે સબટાઇટલ્સ વાંચવાની પણ જરૂર નથી. કમસે કમ પહેલી વાર જુઓ ત્યારે તો નહીં જ, સિનેમાની કોઈ ભાષા હોતી નથી. સંગીતની જેમ.” પાટેકર કદાચ બિન-મરાઠીઓને એમ કહેવા માગતા હતા કે ફિલ્મ બની શકે તો બે વાર જોજો. પહેલી વાર ફકત મારો અભિનય ફોકસ કરજો અને બીજી વાર જરૂર પડે તો સબટાઇટલ્સ પર ! ઉપેન્દ્ર ત્રિવેદીનાં યાદગાર નાટક ‘અભિનયસમ્રાટ’ અને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરેલી આ ‘નટસમ્રાટ’ વચ્ચે એકસરખાં લાગતાં ટાઇટલ સિવાય બીજો કોઈ સંબંધ નથી. બંને જુદા જુદા મરાઠી લેખકો દ્વારા લખાયેલી બિલકુલ અલગ કૃતિઓ પર આધારિત છે.

‘નટસમ્રાટ’ના નાયકની જેમ નાના પાટેકરનું અસલી જીવન પણ ડ્રામા અને મેલોડ્રામાંથી ભરપૂર છે. ટિપિકલ બોલિવૂડ એક્ટરો કરતાં નાના પાટકેરનું વ્યક્તિત્વ અને તાસીર ખાસ્સાં જુદાં છે. કેટલાંય વર્ષ પહેલાં મહારાષ્ટ્ર સરકારના કલાકારો માટેના ક્વોટામાંથી તેમણે સસ્તામાં – ફકત ૧.૧ લાખ રૂપિયામાં – અંધેરીસ્થિત લોખંડવાલા કોમ્પ્લેક્સમાં સાડાસાતસો સ્ક્વેરફૂટનો ફ્લેટ ખરીદ્યો હતો. આજની તારીખે પણ નાના એ જ વન બેડરૂમ-હોલ-કિચનના ફ્લેટમાં રહે છે. ગણેશોત્સવના દશ દિવસો દરમિયાન તો તેઓ માટુંગાની ચાલીમાં આવેલા એક રૂમ-રસોડાનાં ઘરમાં જ પરિવાર સાથે હોય છે. હા, અલીબાગ પાસે આવેલાં એમના વતન મરુડ જંજિરામાં, પુનામાં અને ગોવામાં પણ ઘર ખરીદ્યાં છે ખરાં. એમનું પોતાનું ખેતર પણ છે. મુંબઈમાં ફિલ્મોનાં શૂટિંગ પૂરતા જ રહે છે. શૂટિંગમાંથી નવરા પડતા જ મુંબઈ છોડીને નાસી જાય છે.

નાનાને સાત ભાઈ-બહેન, એ રંગે શામળા પણ ભાઈઓ દેખાવે બહુ રૂપાળા. નાનાને સતત એવું થયા કરે કે હું કાળો છું એટલે મા-બાપ મને ભાઈઓ કરતાં ઓછું વહાલ કરે છે. એમના પાડોશમાં ચાર-પાંચ વર્ષની એક બેબલી રહેતી, એ ઘરે રમવા આવે એટલે ગમ્મતમાં એને પૂછવામાં આવે – બોલ, મોટી થઈને તું કોની સાથે લગ્ન કરીશ – નાના સાથે કે દિલીપ(મોટાભાઈ) સાથે ? બેબલી કહેતી – દિલીપ સાથે. કેમ દિલીપ સાથે ? નાના સાથે કેમ નહીં ? બેબલી કાલી કાલી ભાષામાં જવાબ આપતી – નાના કાળો છે ને દિલીપ ગોરો છે એટલે. આ સાંભળીને બધા મોટેથી હસી પડતાં પણ નાનાને ક્ષોભનો પાર ન રહેતો. નાનાનું બાળપણ તીવ્ર લઘુતાગ્રંથિમાં વીત્યું એનું એક મોટું કારણ એમનો કાળો રંગ અને મામૂલી સિકલ-સૂરત હતાં.

નાનામાં જરા સુધારો થાય તે માટે મા-બાપે એમને ગામડેથી મુંબઈ રહેતી એમની માસીને ત્યાં મોકલી આપ્યા. એક વર્ષમાં માસી ત્રાસી ગયાં. એમણે નાનાને પાછા ગામડે મોકલી આપ્યા. કહ્યું – નાનાને વધારે સમય મારે ત્યાં રાખીશ તો એ તો નહીં સુધરે પણ મારા દીકરા જરૂર બગડી જશે !

નાનાના પિતા કમાવા માટે મુંબઈ ગયેલા. એમને રંગ અને રસાયણોનું સાધારણ કામકાજ હતું. નાટક-ચેટક-તમાશા વગેરે જોવાનો એમને બહુ શોખ. એકવાર ગામમાં ‘વાલ્મીકિ’ નામનું નાટક ભજવાયું, જેમાં નાનાએ પણ ભાગ લીધો હતો. આ નાટક જોવા પિતાજી ખાસ મુંબઈથી ગામ આવેલા. નાનાનું કામ જોઈને પિતાજીએ એમને ખૂબ શાબાશી આપી. નાનાએ વિચાર્યું – જો પિતાજીનું અટેન્શન મેળવવું હશે તો નાટકોમાં કામ કરતાં રહેવું પડશે. નાના પાટેકરને એક્ટિંગનો કીડો આ રીતે કરડયો.

એ તેર વર્ષના હતા ત્યારે કોઈ સંબંધીએ કાગળિયા પર પિતાજીની સહી કરાવી લીધી. પિતાજીની બધી મૂડી ધોવાઈ ગઈ. પાટેકર પરિવાર ગરીબ થઈ ગયો. બે પૈસા કમાવા માટે નાનાને પાછા મુંબઈ મોકલવામાં આવ્યા. એક જગ્યાએ સિનેમાનાં પોસ્ટરો બનાવવાનું કામ મળ્યું. સવારની સ્કૂલ પતાવીને તેર વર્ષના નાના રોજ માટુંગાથી ચુનાભઠ્ઠી સુધીનું આઠ કિલોમીટરનું અંતર ચાલીને કાપતા. વળતી વખતે ફરી પાછું આટલું અંતર પગપાળા કાપવાનું. મહિને ૩૫ રૂપિયાનો પગાર ને એક ટંક જમવાનું મળતું. રજાના દિવસે રસ્તા પર ઝિબ્રાક્રોસિંગના પટ્ટા રંગવાનું કામ કરતા. ચાર છોકરાની ટોળી સાથે મળીને આ કામ કરતી. એક ઝિબ્રાક્રોસિંગ રંગવાના ચાર રૂપિયા મળે. એક દિવસમાં દસેક સ્પીડબ્રેકર રંગે એટલે ચાલીસ રૂપિયા જેટલી કમાણી થઈ જાય. એ જમાનામાં પંદર પૈસાનું ઉસળ મળતું. ઘરેથી છાપામાં રોટલી બાંધીને લાવ્યા હોય, ઠંડી રોટલી અને ઉસળ એ એમનું લંચ. ગરીબી એટલી ભીષણ હતી કે નાના જમવાના સમયે દોસ્તારનાં ઘરે બહાનું કાઢીને પહોંચી જતા. મનમાં આશા હોય કે દોસ્તારની મા એને પણ જમવા બેસાડી દેશે. આ એવો તબક્કો હતો જ્યારે ડગલે ને પગલે અપમાન થયા કરતું પણ નાનાનો એક જ ઉદ્દેશ હતો – કોઈ પણ ભોગે બે પૈસા કમાઈને પિતાજીને મદદ કરવી છે. એક તરફ લઘુતાગ્રંથિ ઘૂંટાઇ રહી હતી પણ બીજી બાજુ ભૂખ અને અવહેલના જિંદગીના સૌથી કઠિન સબક શીખવી રહી હતી. આ સઘળા અનુભવો ભવિષ્યમાં એમને એક એક્ટર તરીકે કામ આવવાના હતા.

નાના બાન્દ્રા સ્કૂલ ઓફ આર્ટ્સ (જે હવે રાહેજા સ્કૂલ ઓફ આર્ટ્સ તરીકે ઓળખાય છે)માં ભણ્યા હતા ત્યારબાદ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કોમર્શિયલ આર્ટ્સનું ભણ્યા. નાનાને અંગ્રેજી બોલવાનાં ફાંફાં પણ અહીં જીભ નહીં પણ પીંછી ને પેન્સિલ ચલાવવાનાં હતાં. કોલેજ બાદ એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં વિઝ્યુલાઇઝર તરીકે નોકરી શરૂ કરી. આ દરમિયાન તેઓ થિયેટર સતત કરતા રહ્યા. સુલભા દેશપાંડે અને અરવિંદ દેશપાંડેનું આવિષ્કાર થિયેટર ગ્રૂપ એમણે જોઈન કરેલું. એક સમય એવો આવ્યો કે જ્યારે નક્કી કરવાનું હતું કે લાઈફમાં આગળ શું કરવું છે – નોકરી કે થિયેટર ? અંદરથી જવાબ મળ્યો – થિયેટર. નાનાએ વિચાર્યું કે કોઈ છોકરી મારી ટૂંકી કમાણીમાં ઘર ચલાવવા તૈયાર થશે નહીં એટલે લગ્ન તો આમેય થવાનાં નથી.

સદભાગ્યે આવી છોકરી મળી ગઈ – નીલકાંતિ. આ બ્રાહ્મણ છોકરી બેન્કમાં નોકરીની સાથે સાથે થિયેટર પણ કરતી હતી. નાના એ વખતે નાટકોના શો કરીને મહિને માંડ સાતસો – સાડાસાતસો રૂપિયા જેવું કમાતા, જ્યારે નીલકાંતિનો પગાર અઢી હજાર રૂપિયા હતો. બંને પ્રેમમાં પડયાં ને પરણી ગયાં. નાના તે વખતે ૨૭ વર્ષના હતા. નીલકાંતિએ કહ્યું – નાના, તું ઘરની ચિંતા ન કરીશ. હું કમાઇશ. તું થિયેટર કર. આજે નહીં તો કાલે, કયારેક તો તું સરખું કમાતો થઇશને. નાના પાટેકર અભિનયનાં ક્ષેત્રમાં આગળ આવી શકયા એમાં એમની પત્નીનું બહુ મોટું યોગદાન છે. નીલકાંતિએ ‘આત્મવિશ્વાસ’ નામની એક જ ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સચિન પિલગાંવકર તેના ડિરેક્ટર હતા. આ ફિલ્મ માટે નીલકાંતિને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

ડિરેક્ટર-પ્રોડયુસર વિજયા મહેતાનાં પ્રોફેશનલ નાટકોમાં નાના પાટેકર ખૂબ નીખર્યા. એમનાં હમિદાબાઈ ચી કોઠી’, ‘મહાનગર’, ‘પુરુષ’ જેવાં નાટકો ખૂબ વખણાયાં. નાના રંગભૂમિ પર ખુશ હતા, પણ સ્મિતા પાટિલ તેમને ફિલ્મોમાં ખેંચી લાવ્યાં. બંને નાટકોને લીધે એકમેકના પરિચયમાં હતાં. ‘ગમન’ નાનાની પહેલી ફિલ્મ, ધીમે ધીમે ફિલ્મી સફર આગળ વધતી ગઈ. ‘અંકુશ’, ‘સલામ બોમ્બે’, ‘ક્રાંતિવીર’, ‘થોડા સા રુમાની હો જાએ’, ‘તિરંગા’ જેવી ફિલ્મોમાં ડ્રામેટિક રોલ કર્યા, તો ‘વેલકમ’ જેવી મસાલા ફિલ્મમાં કોમેડી પણ કરી. ફિલ્મોએ નામ અને દામ બંને આપ્યા તો પણ નાનાએ થિયેટર કરવાનું બંધ નહોતું કર્યું. ‘પુરુષ’ એમણે સોળ વર્ષ સુધી ભજવ્યંુ હતુંં. આમાં નાનાનું નેગેટિવ કેરેક્ટર હતું પણ તેઓ સ્ટેજ પર જેવો પગમાં મૂકતા કે ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી છલકાઇ જતું. સ્ત્રી પર બળાત્કાર કરવાનાં દૃશ્યમાં પણ તાળીઓ પડતી ! આથી નાનાએ નાટક શરૂ થતાં પહેલાં ઓડિયન્સ સામે આવીને વિનંતી કરવાનું શરૂ કર્યું કે હું ફિલ્મસ્ટાર છું એ વાત ભૂલીને નાટક જોજો અને મહેરબાની કરીને કારણ વગર મને તાળીઓથી વધાવશો નહીં પણ પ્રેક્ષકો તો પ્રેક્ષકો છે. નાનાને સાક્ષાત આંખ સામે જોતાં જ એમનાથી અનાયાસ તાળી પડાઇ જતી. નાનાએ આખરે ‘પુરુષ’નું કિરદાર ભજવવાનું બંધ કર્યું.

નાના પાટેકરની સફળતાનો ગ્રાફ ઉપર ચડતો ગયો પણ તેમનું લગ્નજીવન નિષ્ફળ થતું ગયું. પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધતા ગયા. ડિવોર્સ તો ન થયા પણ નાના પત્નીથી અલગ રહેવા લાગ્યા. એમનું પહેલું સંતાન અઢી વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યું હતું જ્યારે ભડભાદર થઈ ગયેલો બીજો દીકરો મલ્હાર આજે ફિલ્મોના એક્ટિંગ સિવાયના ડિપાર્ટમેન્ટ્સમાં રસ દેખાડી રહૃાો છે. નાનાનાં જીવનમાં મનીષા કોઈરાલા સહિત ઘણી સ્ત્રીઓ આવી અને ગઈ પણ પત્ની પ્રત્યેનો આદરભાવ કયારેય ભૂંસાયો નહીં. આજની તારીખે અલગ અલગ છત નીચે રહેવા છતાં નાના અને નીલકાંતિ એકમેકની પૂરી તકેદારી લે છે.

નાના પાટેકરના ક્રોધી સ્વભાવના કેટલાય કિસ્સા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાતા રહે છે. આમાંના મોટાભાગના કિસ્સા સાચા છે. હમણાં ‘બાજીરાવ મસ્તાની’નાં પ્રમોશન દરમિયાન સંજય ભણસાળીએ કહેલું કે ‘ખામોશી’નાં શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મને એટલો બધો હેરાન કર્યો હતો કે ફિલ્મ બનાવવાની આખી મજા મરી ગઈ હતી. આજેય ‘ખામોશી’ની વાત નીકળે છે ત્યારે એ બધા કિસ્સા યાદ આવતાં સંજય ભણસાલીનું મોઢું કડવું થઈ જાય છે. ‘પરિંદા’ના યાદગાર અભિનય બદલ નાના પાટેકરને કરિયરનો પહેલો નેશનલ એવોર્ડ મળ્યોે પણ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા સાથે એમની છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. ‘રાજનીતિ’ વખતે પ્રકાશ ઝાને રડાવ્યા હતા. અનુરાગ કશ્યપને એકવાર થપ્પડ મારી દીધેલી. ‘ધ વેન્સડે’માં નાના પાટેકરને લેવાની વાત હતી પણ નીરજ પાંડેને ગભરામણ થઈ ગઈ એટલે નાનાને બદલે નસિરુદ્દીન શાહની વરણી કરવામાં આવી. નાના પોતાના લગભગ બધા ડિરેક્ટર-પ્રોડયુસરો સાથે બાખડયા છે. લેખકો અને ઈવન સેટ-ડિઝાઇનરો સામે પણ એમને વાંધા પડતા હોય છે. નાના પાટેકર ખુદ કહે છે કે હા, હું છું નઠારો, જોખમી અને ડેન્જરસ. મારો સીધો હિસાબ છે – કાં સામેવાળો મને કન્વિન્સ કરે અને જો કન્વિન્સ ન કરી શકે તો હું કહું તેનો અમલ કરે !

સ્વભાવની વિચિત્રતાઓ એક વાત થઈ પણ એક એક્ટર તરીકે નાના પાટેકર ઓડિયન્સને જલસો કરાવે છે એવું એમના દુશ્મનોએ પણ જખ મારીને સ્વીકારવું પડે છે. ગરીબ ખેડૂત પરિવારો માટે નાના સરસ કામ કરી રહૃાા છે. આખરે બધું ભુલાઈ-ભૂંસાઈ જતું હોય છે, ફકત માણસનું કામ યાદ રહેતું હોય છેે…

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.