Sun-Temple-Baanner

‘ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે’


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે’


મલ્ટિપ્લેક્સ – ‘ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે’

Sandesh – Sanskaar Purti – 17 January 2016

મલ્ટિપ્લેક્સ

માણસ પોતાનું શ્રેષ્ઠતમ કામ જીવનનાં કયા દશકામાં કરી નાખતો હોય છે? જાવેદ અખ્તરે સલીમસાહેબ સાથે જોડી બનાવીને ‘ઝંજીર’, ‘શોલે’ અને ‘દીવાર’ જેવી સીમાચિહ્ન બની ગયેલી ફિલ્માે લખી ત્યારે પૂરા ત્રીસ વર્ષના પણ નહોતા.

* * * * *

જાવેદ અખ્તરે સલીમસાહેબ સાથે દંતકથારુપ જોડી બનાવીને’ઝંજીર’, ‘શોલે’ અને ‘દીવાર’ જેવી સીમાચિહ્ન બની ગયેલી ફિલ્મો લખી હતી ત્યારે પૂરા ત્રીસ વર્ષના પણ નહોતા થયા. સલીમ ખાન એમના કરતાં દસ વર્ષ મોટા. આજે જાવેદ અખ્તરનો બર્થડે છે. આજે તેઓ ૭૦ પૂરા કરી ૭૧મા વર્ષમાં પ્રવેશ્યા. જાવેદસાહેબ જેટલું સરસ લખે છે એટલું સરસ બોલે પણ છે. એમના ઈન્ટરવ્યુઝ વાંચવાનો કે જોવાનો હંમેશાં જલસો પડે છે. જુદી જુદી મુલાકાતોમાંથી લેવાયેલા આ અંશોમાંથી એમના સર્જક મિજાજની મસ્તમજાની ઝાંખી મળે છે. ઓવર ટુ જાવેદસાહેબ….

ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે. જો તમારે ભરપૂર ડિટેલિંગ સાથેનો સ્ક્રીનપ્લે લખવો હોય તો પણ રોજની આઠથી દસ કલાકના હિસાબે એક મહિનો લાગી જ જાય. સ્ક્રિપ્ટ કરતાંય ડાયલોગ વર્ઝન લખવાનું કામ વધારે થકવી નાખે એવું છે.

જો સ્ક્રિપ્ટ લખવાનું કામ મેરેથોન દોડવા બરાબર હોય તો ફિલ્મી ગીત લખવાની પ્રક્રિયા ૧૦૦ યાર્ડ્સની રેસ જેવી છે. ટયુન કોમ્પિલીકેટેડ હોય કે દરેક કડીમાં મીટર બદલતા હોય તો આવું ગીત લખવું સમય માગી લે. સમજોને કે એક-બે કલાક તો થઈ જાય. કેમ? એક-બે કલાક ઓછા લાગ્યા? શબાનાએ મારાં પુસ્તકની એક પ્રસ્તાવનામાં લખ્યું છે કે જો પ્રોડયુસરોને ખબર પડી જાય કે જાવેદ કેટલી ઝડપથી અને કેટલી આસાનીથી ગીતો લખી નાખે છે તો પૈસા આપવાનું જ બંધ કરી દે. આને કહેવાય ઘર કા ભેદી લંકા ઢાયે. થેન્કયુ શબાના, વટાણા વેરી દેવા બદલ!

ઘણા લોકો પૂછતા હોય છે કે તમને લખવાની પ્રેરણા શામાંથી મળે છે? મારો જવાબ હોય છે, ટેરર, ભય! ડેડલાઈન સાવ સામેે આવી જાય, લખ્યા વગર છટકી શકાય એમ હોય જ નહીં ત્યારે જે ભયંકર ભય અને ફફડાટ પેદા થાય છે એમાંથી જ બધું પેદા થાય છે. મારું દિમાગ ડેડલાઈનનો ફફડાટ અને ભય હોય ત્યારે જ ચાલે છે.

‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ની પહેલી કડી મેં આર.ડી. બર્મનના મ્યુઝિક રુમમાં લખી હતી. મેં બર્મનદાને કાગળ આપ્યો, બર્મનદાએ લખાણ પર એક નજર ફેંકી અને પછી એક પણ ફુલસ્ટોપ કે કોમા બદલાવ્યા વગર બીજી જ સેકન્ડે ગીત ગાવા લાગ્યા. આ એ જ ગીત હતું જે બેઠ્ઠું ફિલ્મમાં લેવાયું. આ ગીતની ટયુન બનાવતા પંચમને ફકત અડધી અથવા બહુ બહુ તો એક સેકન્ડ લાગી હતી. પણ આમાં કશું નવું નહોતું. પંચમને આટલી ત્વરાથી ટયુન બનાવતા મેં અગાઉ કેટલીય વાર જોયા હતા. ધેટ મેન વોઝ અ જિનીયસ. આખું ગીત લખાઈ ગયું પછી એવી ચર્ચા ચાલી કે ગીતમાં રેગ્યુલર અંતરો તો છે જ નહીં, આખું ગીત એક ટયુનમાં ચાલ્યા કરે છે. એ વખતે પંચમદાએ કહ્યું કે નહીં, જે છે એ બરાબર છે. આ જ મહાન કલાકારની નિશાની છે. ઊંચા ગજાના કલાકારને ખબર હોય છે કે કેટલું પૂરતું છે. પોતાની કળાને બરાબર સમજતો હોય અને પોતાની જાત પર ભરપૂર કોન્ફિડન્સ હોય એવો કલાકાર જ મિનિમલ (એટલે કે જબરદસ્ત ચોકસાઈવાળું પણ જરુર પૂરતું) કામ કરી શકે છે. અસલામતી અને અનિશ્ચિતતા અનુભવતો કલાકાર અલગ અલગ વર્ઝનો બનાવવામાં ટાઈમ બગાડયા કરશે.

ફિલ્મમાં ગીતો યોગ્ય જગ્યાએ મૂકાયાં હોય તે ખૂબ મહત્ત્વનું છે. ઊભરતા ફિલ્મલેખકોને એક ટિપ આપવા માગું છું. ફિલ્મમાં ગીત મૂકવાનું પરફેકટ ઠેકાણું છે, ઈન્ટરવલ પછી તરત, ત્રીજી-ચોથી મિનિટે. આઈ પ્રોમીસ યુ, ગીત નબળું હશે તો પણ કોઈ (પેશાબ-પાણી કરવા, સિગારેટ પીવા, મસાલો થૂંકવા) ઊભું નહીં થાય કેમ કે બધાં હમણાં જ પતાવીને બેઠા છે!

લોકો મને અને સલીમસાહેબને અહંકારી ગણતા. આઈ થકિં, ઈટ વોઝ અન એરોગન્સ ઓફ કલેરિટી. તમારાં મનમાં તમારાં કામ વિશે, તમે જે વાર્તા-ડાયલોગ્ઝ લખ્યાં છે તેના વિશે, તમે રચેલાં પાત્રો વિશે પૂરેપૂરી માનસિક સ્પષ્ટતા હોય ત્યારે બીજાઓની દલીલો કે ભિન્ન મત સાંભળવા જેટલી તમારામાં ઘીરજ ન હોય, તેવું બને. સૌથી પહેલાં તો, મેં અને જાવેદસાહેબે ઓલરેડી ખૂબ બધી ચર્ચા અને દલીલો કરી લીધા પછી જ વસ્તુને કાગળ પર ઉતારી હોય. આથી કોઈ નવેસરથી ચર્ચા છેડવાની કોશિશ કરે ત્યારે શકય છે કે અમે અનુકૂળ રિસ્પોન્સ આપવાને બદલે અમારા મુદ્દાને વળગી રહેતા હોઈએ. આવા વર્તાવને લીધે અમારી ઘમંડી હોવાની છાપ પડી હોય એવું બને, પણ તુમાખી અને એરોગન્સ-ઓફ-કલેરિટી આ બન્ને બહુ અલગ બાબતો છે.

લખતી વખતે હું કઈ જગ્યાએ કયો શબ્દ વાપરવો તે કેવી રીતે નક્કી કરું છું, એમ? શંુ કોઈએ સચિન તેંડુલકરને કયારેય પૂછ્યું છે કે ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ થઈ રહ્યું હોય ત્યારે બોલને કઈ ટેકિનકથી ફટકારો તે તું કેવી રીતે નક્કી કરે છે?

ચાર સુપરડુપર હિટ ફિલ્મો પછી હું અને સલીમસાહેબ નવ મહિના સુધી કામ વગર બેસી રહૃાા હતા. અમે નક્કી કર્યું હતું કે બે લાખ રુપિયા કરતાં ઓછું મહેનતાણું તો નહીં જ લઈએ. એ જમાનામાં લેખક બે લાખ માગે એટલે આજનો રાઈટર એક ફિલ્મ લખવાના વીસ કરોડ માગતો હોય તેવું લાગે. ‘શોલે’ માટે અમિતાભ બચ્ચનને પણ બે લાખ નહોતા મળ્યા. અમે ફિલ્મો જતી કરી, પણ બે લાખથી ઓછામાં કામ કરવા તૈયાર ન જ થયા. આખરે અમને અમારી પ્રાઈસ મળી જ. તે પછીની ફિલ્મ માટે અમે પાંચ લાખ ચાર્જ કર્યા અને તેનીય પછીની ફિલ્મ માટે સીધા દસ લાખ.

જાવેદસાબથી છૂટા પડયા પછી મેં ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ કરતાં ગીતો લખવા પર વધારે ધ્યાન આપ્યું, કેમ કે આ કામ મને સંતોષકારક અને અનુકૂળ લાગતું હતું. એક તો, ગીત ફટાફટ લખાઈ જાય, રેકોર્ડ થઈ જાય અને તરત તમને વાહવાહી મળી જાય. ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા હો તો વાહવાહી ઊઘરાવવા માટે બે વર્ષ સુધી રાહ જોવી પડે. સ્ક્રિપ્ટ કરતાં ગીતો લખવામાં પ્રશંસાનું પેમેન્ટ બહુ જલદી થઈ જાય છે! વળી, હું બહુ આળસુ માણસ છું. પીઠમાં દુખાવો પણ રહે છે એટલે મારી પાસે વધારે કામ ન કરવાનું વ્યાજબી બહાનું પણ છે, યુ સી!

જે ઉંમરે લોકો કવિતા લખવાનું બંધ કરે છે તે ઉંમરે મેં કવિતા લખવાનું શરુ કરેલું.

ડોકયુમેન્ટરી સમાજનું પ્રતિબિંબ ઝીલે છે તે રીતે સિનેમા સમાજનું પ્રતિબિંબ ઝીલતું નથી. સિનેમાનું કામ સમાજનો અહેવાલ આપવાનો નથી. સિનેમા સમાજનાં સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ ઝીલે છે. પડદા પર દેખાતી દુનિયા જેવાં સપનાં જોતો સમાજ કેવો હશે, એનો અંદાજ તમે ફિલ્મો પરથી લગાવી શકો.

હા, મને ‘કુછ કુછ હોતા હૈ’ ટાઈટલ વલ્ગર લાગ્યું હતું એટલે મેં તેનાં ગીતો લખવાનું માંડી વાળ્યું હતું. આજે મને અફસોસ છે કે આવી સરસ અને સુપરહિટ ફિલ્મ મેં શા માટે છોડી દીધી, કારણ કે મારા સિવાય કોઈને ટાઈટલમાં અશ્લીલતા ન દેખાઈ! ખેર, યુ વિન સમ, યુ લુઝ સમ. કુછ તો ઉસૂલ રખના ચાહિએ. ફાયદા-નુકસાન તો હોતા રહતા હૈ.

લોકો ચેઈન-સ્મોકર હોય છે તેમ હું ચેઈન-રીડર હતો. મારી પાસે કાયમ કમસે કમ એક ચોપડી તો હોય જ. લોકલ ટ્રેનમાં મહાલક્ષ્મી સ્ટેશન જવાનું હોય તો આખા રસ્તે હું વાંચતો હોઉં. સ્ટેશને ઉતર્યા પછી ઓછા ટ્રાફિકવાળા રસ્તે જો ચાલતા ચાલતા વાંચી શકાતું હોય તો એમ પણ કરું, નહીં તો કામના સ્થળે જરાક અમથો ટાઈમ મળે કે તરત ચોપડી લઈને બેસી જાઉં. તે વખતે હું થર્ડ આસિસ્ટન્ટ ડિરેકટર કે કલેપર બોય તરીકે કામ કરતો. જેવી ચોપડી પૂરી થાય કે બીજી જ મિનિટે થેલામાંથી નવી ચોપડી કાઢીને વાંચવાનું શરુ કરી દઉં. વાંચન બહુ કામ આવે છે. પુસ્તકમાં રમમાણ થઈ જવાથી હું ભૂલી જતો કે કાલથી મારા પેટમાં અન્નનો એક દાણો સુધ્ધાં પડયો નથી.

ઘટના અને અનુભવ બન્ને જુદી વસ્તુઓ છે. ઘટનાને અનુભવમાં પરિવર્તિત થતાં થોડો સમય લાગે છે. તમારી સાથે કશુંક બને અથવા તમે કશુંક જુઓ તો તમે તેનો અહેવાલ આપી શકો. એ હજુ તમારો ‘અનુભવ’ બન્યો નથી, કેમ કે તમે હજુ સુધી’ઘટના’ની અંદર જ છો. સમય વીતે એટલે ઘટના અને તમારી વચ્ચે એક અંતર પેદા થાય અને તે પછી જ તમે ઘટનાને તટસ્થતાથી નિહાળી શકો, એનેલાઈઝ કરી શકો. ‘ભૂખ’ નામની કવિતા લખી ત્યારે હું પોશ બંગલામાં રહેતો હતો, પણ આ કવિતા હું એટલા માટે લખી શકયો કે ભૂખ અને મુફલિસીમાંથી હું ભૂતકાળમાં પસાર થઈ ચુકયો હતો. વર્ષો બાદ તમે અતીતમાં બની ગયેલી ઘટનાઓ તરફ નજર માંડો છો ત્યારે તમને ઘટનાનો આખો આકાર દેખાય છે, સમજાય છે. તમે તે ઘટનાની એકએક રેખાને નવા પ્રકાશમાં જોઈ શકો છો.

સંતાનો તમે જે કહો છો તે કરતાં નથી, પણ તમે જે કરો છો તે કરે છે. મારાં બન્ને સંતાનો ફરહાન અને ઝોયાએ નાનપણથી મને અને એમની મા હનીને પુસ્તકો વચ્ચે ઘેરાયેલાં અને વાંચતાં જોયાં છે એટલે તેમને પણ સહજપણે વાંચનનો શોખ લાગ્યો. મારે કબૂલવું પડશે કે એ બન્ને પોતપોતાની ફિલ્મોમાં ખૂબ બિઝી હોય છે તોય આજની તારીખે મારા કરતાં વધારે વાંચે છે.

શો-સ્ટોપર

પૈસે હાં બોલને કે નહીં મિલતે હૈ, પૈસે ના બોલને કે મિલતે હૈ.

– સલીમ ખાન (પ્રોડયુસરો સાથે ફી નગોશિએટ કરવા વિશે)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.