મલ્ટિપ્લેક્સ – બેજોડ બહુરૂપિયો
Sandesh – Sanskar Purti – 24 January 2016
મલ્ટિપ્લેક્સ
કેઈ સ્ત્રીને ખબર પડે કે જે પતિને એ ચિક્કાર પ્રેમ કરતી આવી છે એ ખરેખર તો પુરૂષના શરીરમાં સપડાયેલી સ્ત્રી છે તો એ શું ક્રે? છેતરાઈ ગયાની લાગણીથી ભાંગી પડે? તોફાન મચાવે? પતિને ધિક્કારે? એને ફરજિયાત પુરૂષ તરીકે જીવવા માટે મજબૂર ક્રે? ત્યજી દે? કે પછી…
* * * * *
‘ધ થિયરી ઓફ એવરીથિંગ’ ફિલ્મમાં ચકિત થઈ જવાય એવો અફલાતૂન અભિનય કરીને એડી રેડમેઇને ગયા વર્ષે બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી લીધો ત્યારે લખ્યું હતું કે આ સુપર ટેલેન્ટેડ બ્રિટિશ એક્ટરની કરીઅર હવે કઈ રીતે આગળ વધે છે તે જોવાની આપણને બહુ મોજ પડવાની છે. તે વખતે કલ્પના નહોતી કરી કે આ માત્ર નવ જ મહિનામાં એડી રેડમેઇન ઓસ્કર કક્ષાની ઓર એક ફિલ્મ લઈને ત્રાટકશે. ‘ધ ડેનિશ ગર્લ’માં આલા દરજ્જાનો અભિનય કરીનેએડી આ વખતે ફરી એક વાર ઓસ્કરમાં બેસ્ટ એકટરની દોડમાં શામેલ થઈ ગયો છે. જો કે દર વખતની જેમ આ વખતેય બેસ્ટ એકટરની રેસમાં હરિફાઈ તગડી છે. એડીની સાથે લિઓનાર્દો દ’ કેપ્રિયો (‘ધ રેવેનન્ટ’), બ્રાયન ક્રેનસ્ટન (‘ટ્રુમ્બો’), મેટ ડેમન (‘ધ માર્શિઅન’) અને માઇકલ ફાસબેન્ડર (‘સ્ટીવ જોબ્સ’) પણ બેસ્ટ એકટર કેટેગરીમાં નોમિનેટ થયા છે. આમાંથી લિઓનાર્દો હોટ ફેવરિટ ગણાય છે. ખેર, જે કંઈ પરિણામ હશે તે આગામી ૨૮ ફેબ્રુ્રઆરીએ વાજતે-ગાજતે ઓસ્કર સમારોહના માંડવે આવી જશે.
૩૩ વર્ષના એડી રેડમેઇનના બાયડેટામાં સોળ ફિલ્મો બોલે છે જેમાંથી ચાર તો ઓસ્કર મૂવીઝ છે – ‘માય વીક વિથ મેરિલીન’ (૨૦૧૧), ‘લે મિઝેહાબ્લ’ (જેનો ઉચ્ચાર આપણે બિન્દાસપણે ‘લા મિઝરેબલ્સ’ કરીએ છીએ તે, ૨૦૧૨), ‘ધ થિયરી ઓફ એવરિથિંગ’ (૨૦૧૪) અને હવે ‘ધ ડેનિશ ગર્લ’. ‘ધ થિયરી ઓફ એવરિથિંગ’માં એડીએ વિખ્યાત વૈજ્ઞાાનિક ડો. સ્ટીવન હોકિંગનો ભયંકર અઘરો રોલ કર્યો હતો. મોટર ન્યુરોન ડિસીઝ (એમએનડી) નામની ખતરનાક બીમારીને લીધે વ્હિલચેરબદ્ધ થઈ ગયેલું કૃષ શરીર, જાણે પડીકું વળી ગયું હોય એવું ધડ, તેના પર એક તરફ ઢળી પડેલું મસ્તક, વંંકાઈને વિકૃત થઈ ગયેલું મોં અને છતાંય જીવંત આંખોમાં ચમકી જતી મસ્તીના તિખારા. ‘ધ ડેનિશ ગર્લ’માં પણ એડીનો રોલ કંઈ ઓછો કઠિન નથી. આમાં એ જાતિ પરિવર્તન કરાવીને પુરૂષમાંથી સ્ત્રી બની ગયેલા ગઈ સદીના અસલી ડેનિશ ચિત્રકાર એઇનર વેગનર બન્યો છે. જાતિ પરિવર્તનનું ઓપરેશન કરાવનાર એ દુનિયાની સર્વપ્રથમ વ્યકિત ગણાય છે.
‘ધ ડેનિશ ગર્લ’ ફિલ્મ ડેવિડ ઇબરશોફ નામના અમેરિકન લેખકે લખેલી આ જ નામની ફિકશનલ નોવેલના આધારે બની છે. પુસ્તકને જીવનકથા કહેવાને બદલે ફિકશનલ નોવેલ એટલા માટે કહેવામાં આવે છે કે એઇનર વેગનરના જીવનની વિગતોને લેખક જડબેસલાક વળગી રહૃાા નથી, બલકે તેમાં થોડીઘણી છૂટછાટ લીધી છે અને જરૂર લાગે ત્યાં કલ્પનાના રંગો પણ ઉમેર્યા છે. ફિલ્કમની કહાણી બે સ્તરો પર વહેતી જાય છે. એક તો, એઇનરને ધીમે ધીમે અહેસાસ થવો કે પોતાનું શરીર ભલે પુરૂષનું હોય, પણ એનું મન, એનું હ્ય્દય, એનો માંહૃાલો સ્ત્રીનાં છે. ધીમે ધીમે એનામાં છૂપાયેલી સ્ત્રી સપાટી પર આવતી જાય છે, ક્રમશઃ એની ભાવભંગિમા, વર્તન-વ્યવહાર સ્ત્રી જેવાં થતાં જાય છે ને આખરે સેકસ-ચેન્જ ઓપરેશન કરાવીને એ રીતસર સ્ત્રી બને છે. યાદ રહે, લગભગ ૮૫ વર્ષ પહેલાં એઇનર જ્યારે આ પ્રક્રિયામાંથી પસાર થયો ત્યારે દુનિયામાં કોઈએ સેકસ-ચેન્જ ઓપરેશનનું નામ સદ્ધાં સાંભળ્યું નહોતું. તે જમાનામાં આ સર્જરીને લગતા પારિભાષિક શબ્દોનું ય અસ્તિત્ત્વ નહોતું, દુનિયામાં આવા કોઈ કિસ્સા બન્યા નહોતા અને એઇનર તેમજ એના ડોકટર સામે સમ ખાવા પૂરતોય કોઈ રેફરન્સ પાઇન્ટ નહોતો.
બીજું સ્તર છે, લવસ્ટોરીનું. એઇનર વેગનર પરિણીત પુરૂષ છે, એની પત્ની જર્ડા પણ ચિત્રકાર છે. એમનાં લગ્નને છ વર્ષ વીતી ગયાં છે. બન્ને એકબીજા સાથે ખુશ છે. બન્યું એવું કે જર્ડા સરસ મજાનો કોસ્ચ્યુમ પહેરીને અદાથી સોફા પર બેઠેલી સુંદર સ્ત્રીનું ચિત્ર બનાવી રહી હતી. મોડલ તરીકે પોઝ આપતી યુવતીને એક વાર આવતાં મોડું થઈ ગયું એટલે જર્ડાએ પતિને વિનંતી કરીઃ એઇનર, મારે આ ચિત્ર પૂરુ કરવાનું છે. તું થોડી વાર આ લેડીઝ સેન્ડલ પહેરીને સોફા પર બેસીશ, પ્લીઝ? ફ્રોક પહેરવાની જરૂર નથી, તું ફકત છાતી સાથે વળગાડીને ઝાલી રાખીશ તો ચાલશે. એઇનર તૈયાર થઈને, મોડલ જેવો પોઝ લઈને મસ્તીથી બેઠો… અને એ થોડી મિનિટોમાં એની ભીતર કશુંક ટ્રિગર થઈ ગયું. ફ્રોકનાં મુલાયમ કપડાં પર એની આંગળીઓ નજાકતથી ફરતી રહી અને એના દિલ-દિમાગમાં કોઈ અજાણી લાગણી ઉછાળા મારવા લાગી.
આ શરૂઆત હતી. એક વાર જર્ડાએ શયનખંડમાં જોયું કે એઇનરે શર્ટ-પેન્ટની નીચે પોતાની લેડીઝ નાઇટી પહેરી છે. એ કશું બોલી નહીં, પણ રાત્રે પ્રેમ કરી લીધા પછી સવારે શાંતિથી સૂતેલા એઇનરના એણે બહુ બધા સ્કેચ બનાવ્યા. એકદમ કુમળો અને નજાકતભર્યો ચહેરો લાગતો હતો એનો. જર્ડા પણ ઓછી નહોતી. એક વાર એઇનરને કહેઃ ચાલ, પેલી પાર્ટીમાં આપણે જવાનું છે તેમાં તું સ્ત્રીનો વેશ કાઢીને આવ, મજા આવશે ! એઇનરે પહેલાં ના-ના કરી પણ પછી માની ગયો. જર્ડાએ એને સ્ટાઇલિશ લેડીઝ કોસ્ચ્યુમ પહેરાવ્યો, મેકઅપ કર્યો, વિગ પહેરાવી, સેન્ડલ પહેરાવીને છોકરીની જેમ ચાલતા શીખવ્યું. એઇનરને ગમ્મત થઈ રહી હતી. પાર્ટીમાં લોકોએ જર્ડાને પૂછયુ – આ તારી સાથે ખૂબસૂરત લેડી આવી છે એ કોણ છે ? જર્ડાએ કહ્યું: મારા હસબન્ડની કઝિન છે, લિલી એલ્બે!
વાત વધતી ગઈ. જર્ડાએ કલ્પ્યું નહોતું કે લિલી એના પતિ પર એટલી હદે હાવી થઈ જશે કે એઇનરનું અસ્તિત્ત્વ જ ખતમ થઈ જશે. એક વાર જર્ડા હતાશ થઈને રડી પડે છેઃ એઇનર, આપણે તો ખાલી ટિખળ કરતાં હતાં. મેં તો તને મજાકમાં લિલીનો વેશ કાઢી આપ્યો હતો. હવે પ્લીઝ આ રમત બંધ કર. મને મારો હસબન્ડ પાછો જોઈએ છે. આઇ નીડ હિમ! એઇનર વેદનાથી કહે છેઃ સોરી, આઇ કાન્ટ. આ જ મારી અસલિયત છે. હું આ જ છું – લિલી !
કોઈ સ્ત્રીને ખબર પડે કે જે પતિને એ ચિક્કાર પ્રેમ કરતી આવી છે એ ખરેખર તો પુરૂષના શરીરમાં સપડાયેલી સ્ત્રી છે તો એ શું કરે? છેતરાઈ ગયાની લાગણીથી ભાંગી પડે? તોફાન મચાવે? પતિને ધિક્કારે? એને ફરજિયાત પુરૂષ તરીકે જીવવા માટે મજબૂર કરે? ત્યજી દે? જર્ડા આમાંનું કશું કરતી નથી. એ સંવેદનાથી ભરપૂર સ્ત્રી છે. પતિની લાચારી, એનું ભયાનક માનસિક દ્વંદ્વ એ સમજે છે. એ પતિને જેવો છે એવો સ્વીકારી લે છે એને પહેલાં કરતાંય વધારે પ્રેમ અને વધારે હૂંફ આપે છે, એટલું જ નહીં, એને ડોકટરો પાસે લઈ જાય છે અને એને પુરૂષમાંથી સ્ત્રી બનાવવાની અત્યંત જોખમી વિધિ દરમિયાન સતત એની પડખે ઊભી રહે છે. ‘ધ ડેનિશ ગર્લ’માં એઇનરનું લિલીમાં થતાં ક્રમિક ટ્રાન્સર્ફોમેશન કરતાંય પતિ-પત્ની વચ્ચેના લાગણીભર્યા સંબંધનો ટ્રેક વધારે પ્રભાવશાળી રીતે ઊપસ્યો છે.
‘ધ ડેનિશ ગર્લ’ પુસ્તક ૨૦૦૦ની સાલમાં બહાર પડયું હતું. આવી તગડી કહાણીમાં ફિલ્મેમકરોને મસ્તમજાની સ્ક્રિપ્ટ ન દેખાય તો જ આશ્ચર્ય. ખેર, પુસ્તક હોય, ફિલ્મ હોય કે નાટક – દરેક ક્રિયેટિવ જણસનું એક નસીબ હોય છે એ કયારે કોના દ્વારા કેવી રીતે નવા રૂપરંગ ધારણ કરશે તે કહી શકાતું નથી. ૨૦૦૦ની સાલમાં જ એટલે કે આજથી પંદર વર્ષ પહેલાં નીલ લબ્યુત નામના રાઇટર-ડિરેકટરને આ પુસ્તકમાંથી ફિલ્મ બનાવવા માટે પસંદ કરવામાં આવેલા. પછી હોલિવૂડની સુપરસ્ટાર નિકોલ કિડમેન પ્રોજેકટમાં જોડાઈ. એને આ કહાણી એટલી બધી પસંદ પડી ગઈ કે એ ખૂદ આ ફિલ્મને પ્રોડયુસ કરવા માગતી હતી. એની ઇચ્છા હતી કે એ પોતે પતિ એટલે કે એઇનર-ટર્ન્ડ-લિલીનું પાત્ર ભજવશે. પત્નીના રોલ માટે સૌથી પહેલાં ચાર્લીઝ થેરોનની પસંદગી થઈ હતી. એ જોકે ૨૦૦૮માં પ્રોજેકટમાંથી આઉટ થઈ ગઈ. ત્યારે બાદ એની જગ્યાએ ગ્વિનિથ પેલ્ટ્રો વરણી થઈ. એણેય કૌટુંંમ્બિક કારણસર ફિકમ પડતી મૂકી. પછી એવી વાત ઉડી કે ઉર્મા થર્મન પત્નીનો રોલ કરશે. ત્યાર બાદ ૨૦૧૧માં રેચલ વાઝને ફાયનલાઇઝ કરવામાં આવી. થોડા વખતમાં એનીય બાદબાકી થઈ ગઈ. વર્ષો સુધી નિકોલ કિડમેન પોતાના આ ડ્રીમ પ્રોજેકટ માટે મથામણ કરતી રહી. આખરે એક તબક્કે એ પોતે જ પ્રોજેકટમાંથી બહાર થઈ ગઈ. ડિરેકટરો પણ કેટલાંય બદલાયા.
૨૦૧૨માં આ પ્રોજકટ ‘ધ કિંગ્સ સ્પીચ’ માટે ઓસ્કર જીતી લેનારા ડિરેકટર ટોમ હૂપર પાસે આવ્યો. અલબત્ત, સ્ક્રિપ્ટ તો એણે છેક ૨૦૦૮માં, કે જ્યારે ફિલ્મ હજુ નિકોલ કિડમેન પાસે હતી, છેક ત્યારે વાંચી લીધી હતી. ચાર વર્ષ પછી ફરતો ફરતો પ્રોજેકટ પાછો ટોમ હૂપર પાસે આવ્યો ત્યારે તેઓ ‘લે મિઝેહાબ્લ’ નામની મ્યુઝિકલ ફિલ્મનું શૂટિંગ કરી રહૃાા હતા. પુરૂષમાંથી સ્ત્રી બનતા એઇનરના રોલમાં ટોમ હૂપરને એક જ કલાકાર દેખાયો – એડી રેડમેઇન. અગાઉ બન્નેે ‘એલિઝાબેથ-વન’ (૨૦૦૫) નામની ટીવી સિરીઝમાં કામ કરી ચુકયા હતા અને ‘લે મિઝેહાબ્લ’ (૨૦૧૨)માં પણ એડીનો નાનો પણ મહત્ત્વનો રોલ હતો. એક દિવસ સેટ પર ટોમ હૂપરે ‘ધ ડેનિશ ગર્લ’ની સ્ક્રિપ્ટની ફાઇલ એડીને પકડાવીને કહ્યું: આ સ્ક્રિપ્ટ જરા વાંચી જા તો! પછી મને કહેજે કે તને પુરૂષમાંથી સ્ત્રી બનતા ચિત્રકારનો રોલ કરવામાં રસ પડે કે નહીં. એડી સ્ક્રિપ્ટ વાંચીને દંગ થઈ ગયો. છેલ્લું પાનું પૂરુ થતાં જ વેનિટી વેનમાંથી ઉતરીને સીધો ટોમ હૂપર પાસે દોડયોઃ ટોમ, આઇ એમ ઇન! બોલો, કયારે કામકાજ શરૂ કરવું છે?
કામકાજ તો ખેર મોડું શરૂ થયું. દરમિયાન ‘ધ થિયરી ઓફ એવરીથિંગ’ રિલીઝ થઈ. આ ફિલ્મ માટે એડીએ બેસ્ટ એકટરનો ઓસ્કર જીતી લીધો ને એ હોલિવૂડ તેમજ ઓડિયન્સનો ડાર્લિંગ બની ગયો. એડી ધારત તો કોઈ પણ સારી પણ આસાન ફિલ્મ સિલેકટ કરી શકયો હોત, પણ એ ‘ધ ડેનિશ ગર્લ’ને વળગી રહૃાો. મહેનત અને પાક્કું હોમવર્ક કરવામાં એડી કયારેય કચાશ છોડતો નથી. એ કેટલાય ટ્રાન્સસેકસ્યુઅકસ એટલે કે જાતિ પરિવર્તન કરાવી ચુકેલા લોકોને મળ્યો. એમના અનુભવો સાંભળ્યા, એમના હાવભાવ, વર્તણૂક અને માનસિકતાનો અભ્યાસ કર્યો જે એને કેમેરા સામે પર્ફોમ કરતી વખતે ખૂબ કામ આવવાના હતા. એઇનર-ટર્ન્ડ-લિલીના રોલમાં એડીએ ખરેખર જીવ રેડી દીધો છે. અમુક અતિ બોલ્ડ દશ્યો હિંમતભેર અને પૂરેપૂરા કન્વિક્શન સાથે કર્યાં છે. આ પ્રકારની ભૂમિકા પર લાઉડ થઈ જવાનું જોખમ હંમેશાં ઝળુંબતું હોય છે, પણ એડીએ બહુ જ માપી-તોળીને, તમામ સૂક્ષ્મતાઓ જાળવીને યાદગાર અભિનય કર્યો છે.
ચિત્રકારની પત્નીના રોલમાં એલિસિયા વિકાન્દર નામની ૨૬ વર્ષની પ્રતિભાશાળી એકટ્રેસની વરણી કરવામાં આવી. હોલિવૂડના સ્ટુડિયોવાળાઓની ચાલાકી જુઓ. ફિલ્મમાં એડી રેડમેઇન કરતાંય એલિસિયાને વધુ ડાયલોગ અને સ્ક્રીનટાઇમ મળ્યાં છે. છતાંય એને નોમિનેશન બેસ્ટ એકટ્રેસ કેટેગરીમાં નહીં, પણ બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસની કેટેગરીમાં અપાવવામાં આવ્યું છે. શા માટે ? બેસ્ટ એકટ્રેસ કરતાં બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ કેટેગરીમાં હરિફાઈ થોડી ઓછી હોવાથી ઓસ્કર જીતવાના ચાન્સ વધી જતા હોય છે એટલે !
‘ધ ડેનિશ ગર્લ’ જોજો. ફિલ્મ કદાચ ધીમી લાગી શકે, પણ એનાં પાત્રોનું કારુણ્ય અને હિંમત ચિત્તમાં જડાઈ જશે એ તો નક્કી.
શો-સ્ટોપર
કયા તુમ મેરે સાથ સંભોગ કરોગી ?
– શાહરુખ ખાન (‘એમ બોલે તો’ નામના હલકાફૂલકા ચેટ શોની હોસ્ટ આરજે મલિશ્કાને)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply