Sun-Temple-Baanner

એક ગુજરાતી બંદાની કાર્ટૂન-કથા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એક ગુજરાતી બંદાની કાર્ટૂન-કથા


મલ્ટિપ્લેક્સ – એક ગુજરાતી બંદાની કાર્ટૂન-કથા

Sandesh- Sanskar Purti- 6 Dec 2015

મલ્ટિપ્લેક્સ

* * * * *

સંજય પટેલ એક કાબેલ એનિમેટર અને સ્ટોરી-આર્ટિસ્ટ છે, જેમણે ‘ટોય સ્ટોરી’, ‘ફાઈન્ડિંગ નેમો’, ‘કાર્સ’ જેવી સુપરડુપર ફિલ્મો બનાવતા પિક્સર એનિમેશન સ્ટુડિયોની કેટલીય બ્લોકબસ્ટરમાં પોતાની ક્રિયેટિવિટી દેખાડી છે. એમણે બનાવેલી ‘સંજય્ઝ સુપર ટીમ’ નામની મસ્ત મજાની શોર્ટ એનિમેશન ફિલ્મ આગામી ઓસ્કર માટે શોર્ટ-લિસ્ટ થઈ છે. ભારતીય પાત્રો લઈને ફિલ્મ બનાવી હોય એવું પિક્સરના ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે.

‘મને લાગે છે કે પિકસર કંપની નેક્સ્ટ ડિઝની બની શકે તેમ છે. તે ડિઝનીનું સ્થાન પચાવી પાડશે તેમ નહીં પણ એનામાં બીજી ડિઝની બની શકવાનું કૌવત જરૂર છે.’

દૂરંદેશી સ્ટીવ જોબ્સે ૧૯૯૮માં પોતાની માલિકીના પિક્સર એનિમેશન સ્ટુડિયો વિશે આ વાત કરી હતી ત્યારે કદાચ વિચાર્યુંંર્ નહીં હોય કે આઠ વર્ષ પછી ધ વોલ્ટ ડિઝની કંપની લગભગ સાડાસાત બિલિયન ડોલર ચૂકવીને તેની પાસેથી પિક્સર સ્ટુડિયો ખરીદી લેવાની છે. સ્ટીવ જોબ્સે એવી કલ્પના ય નહીં કરી હોય કે’ટોય સ્ટોરી’, ‘ફાઇન્ડિંંગ નેમો’, ‘કાર્સ’ જેવી એકએકથી ચડિયાતી એનિમેશન ફિલ્મો બનાવીને દુનિયાભરના પ્રેક્ષકોને પુલકિત કરી દેનારો એનો પિક્સર સ્ટુડિયો ભવિષ્યમાં કયારેક નખશીખ ભારતીય પાત્રો ધરાવતી એનિમેશન ફિલ્મ પણ બનાવશે, એટલું જ નહીં, તે ફિલ્મ ઓસ્કર એેવોર્ડ માટે શોર્ટ-લિસ્ટ સુદ્ધાં થશે !

વાત થઈ રહી છે પિક્સરની બ્રાન્ડ-ન્યૂ એનિમેશન ફિલ્મ, ‘સંજય્ઝ સુપર ટીમ’ની. ‘સંજય્ઝ સુપર ટીમ’, અલબત્ત, ફુલલેન્થ નહીં પણ સાત મિનિટની શોર્ટ એનિમેશન ફિલ્મ છે. આપણને મજા પડે એવી વાત એ છે કે આ ફિલ્મ સંજય પટેલ નામના મૂળ ગુજરાતી બંદાએ બનાવી છે. પિક્સરની એક પરંપરા છે. ફુલલેન્થ એનિમેશન ફિલ્મ રિલીઝ કરતી વખતે લટકામાં એક ટચૂકડી શોર્ટ ફિલ્મ પણ ઓડિયન્સને બતાવવી. આ શુક્રવારે આપણે ત્યાં પિક્સરની ‘ધ ગુડ ડાઇનોસોર’ નામની ફિલ્મી રિલીઝ થઈ, એમાં શરૂઆતમાં સાત મિનિટની ‘સંજય્ઝ સુપર ટીેમ’ પણ બતાવવામાં આવે છે.

સંજય પટેલ પિક્સરમાં એનિમેટર અને સ્ટોરી-આર્ટિસ્ટ તરીકે વીસ વર્ષથી કામ કરે છે. પિક્સરની કેટલીય સુપરડુપર હિટ એનિમેશન ફિલ્મોમાં સંજય પટેલનું નક્કર યોગદાન રહ્યું છે. પિક્સર જેટલી ધૂમધામ ‘ધ ગુડ ડાઇનોસોર’ માટે કરી છે લગભગ એટલી જ હાઈપ ‘સંજય્ઝ સુપર ટીમ’ માટે પણ કરી છે. આ શોર્ટ ફિલ્મને પુષ્કળ મીડિયા અટેન્શન મળી રહ્યું છે એનું કારણ, અગાઉ કહ્યું તેમ, તે ઓસ્કરની રેસમાં સામેલ થઈ ગઈ છે, તે છે.

‘સંજય્ઝ સુપર ટીમ’ સહિત દસ શોર્ટ-લિસ્ટેડ શોર્ટ ફિલ્મોમાંથી કોઈ પાંચને ઓસ્કર નોમિનેશન મળશે, જેમાંથી આખરે કોઇ એક એવોર્ડ જીતી જશે.

‘સંજય્ઝ સુપર ટીમ’માં શું છે તે જાણતાં પહેલાં સંજય પટેલ કોણ છે તે જાણી લઈએ. સંજય ગુજરાતી ખરા પણ એમનો જન્મ થયો ઇંલેન્ડમાં. નાનપણમાં મમ્મી-પપ્પા સાથે અમેરિકા શિફ્ટ થઈ ગયા. કેલિફોર્નિયામાં લોસ એન્જલસ નજીક તેમના પપ્પા મોટેલ ચલાવતા હતા. સંજય જે સ્કૂલમાં ભણતા હતા તેમાં એમના સિવાય બીજું કોઇ ઇન્ડિયન બાળક નહીં. હાઈસ્કૂલમાં પણ એ એક જ ઇન્ડિયન, બીજાં બાળકો કરતાં એમનો દેખાવ સાવ જુદો, રીતભાત જુદી, ઘરનો માહોલ જુદો. ગોરાં ટાબરિયાં એને વિચિત્ર નજરે જોયા કરે. સંજયને તીવ્ર આઇડેન્ટિટી ક્રાઇસિસ થવા માંડી. હું આ લોકો જેવો કેમ નથી? મારું નામ અને અટક કેમ એમનાં જેવાં નથી? મારાં મમ્મી-પપ્પા કેમ આ બધાનાં મમ્મી-પપ્પા જેવાં દેખાતાં નથી? પોતે બીજા કરતાં અલગ છે એ વાતથી સંજયને શરમ આવતી.

સંજયે એકવાર જીદ કરેલી – મને મારું નામ બદલવું છે, મારું નામ ટ્રેવિસ કરી નાખો! સંજયનાં મા-બાપ આ માગણી સાંભળીને હસી પડેલાં. સંજયનાં ઘરનો માહોલ ટિપિકલ ગુજરાતી. પપ્પા સ્વભાવે ધાર્મિક, રોજ સવારે ડ્રોઇંગરૂમના એક ખૂણામાં ગોઠવેલાં ટચૂકડાં મંદિર સામે પલાંઠી વાળીને પૂજાપાઠ કરે, ભગવાનની મૂર્તિઓ સામે દીવા-અગરબત્તી કરે. સંજયને આ જરાય ગમે નહીં,કેમ કે એને આ સમયે ટીવી પર સુપર હીરોનાં કાર્ટૂન જોવાં હોય. ટીવીના અવાજથી પપ્પાને ડિસ્ટર્બ થાય એટલે રિમોટથી ટીવી બંધ કરી દે ને દીકરાને ધરાર પોતાની બાજુમાં ભગવાનની પ્રાર્થના કરવા બેસાડી દે. પપ્પા વધારે નારાજ ન થાય તે માટે નાનકડો સંજય મોઢું બગાડીને ચૂપચાપ બેસી રહે. બાપ-દીકરાનો આ રોજનો ક્રમ.

સંજય મોટા થયા, આર્ટ સ્કૂલમાં એડમિશન લીધું. અહીં પણ બધાં ગોરાં છોકરા-છોકરીઓ. સંજય એમનામાં ભળી જવા મથે, સતત એમની સ્વીકૃતિ ઝંખે. પોતાનાં મા-બાપ દેશી છે અને પોતે મૂળ અમેરિકન નથી તે હકીકતથી સંજય હજુ કમ્ફર્ટેબલ થયા નહોતા. એ વખતે એમને કયાં ખબર હતી કે વર્ષો પછી એમનું આ જ ભારતીયપણું તેમજ મા-બાપ તરફથી મળેલા સંસ્કાર જોરદાર ખ્યાતિ અપાવવાના છે !

સંજય વીસ વર્ષ પહેલાં પિક્સર સ્ટુડિયોમાં એનિમેટર તરીકે જોડાયા તે પછી ધીમે ધીમે પોતાનાં ભારતીય મૂળિયાં તરફ સભાન થયા. પિક્સરે અત્યાર સુધીમાં લેટેસ્ટ ‘ધ ગુડ ડાઇનોસોર’ સહિત કુલ સોળ ફુલલેન્થ ફિલ્મો અને ‘સંજય્ઝ સુપર ટીમ’ સહિત ત્રીસ શોર્ટ ફિલ્મો બનાવી છે. સામાન્યપણે બનતું એવું હોય છે કે પિક્સરના સાહેબલોકો સમયાંતરે સ્ટાફના સ્ટોરી-રાઇટરોમાં વાત વહેતી મૂકે કે આપણે શોર્ટ ફિલ્મ માટે સારા આઇડિયા શોધી રહ્યાં છીએ, તમારી પાસે જો કોઇ સારી થીમ હોય તો અમને કહેજો. રાઇટરો પોતાના આઇડિયા પેશ કરે. સાહેબોની કમિટી એના પર ચર્ચા કરે. આખરે ચીફ એકિઝકયુટિવ ઓફિસર જોન લેસેસ્ટર કોઇ એક આઇડિયા પર પસંદગીનો કળશ ઢોળે ત્યાર બાદ કામકાજ ચાલુ થાય.

સંજય પટેલના કેસમાં ઊલટું બન્યુંં. થયું એવું કે સાન ફ્રાન્સિસ્કોનાં એશિયન આર્ટ મ્યુઝિયમમાં એક વાર સંજયનું આર્ટ એકિઝબિશન ગોઠવાયું હતું. પિક્સરના એક સિનિયરે એમને કહ્યું – આપણા સ્ટુડિયોમાં આપણી પોતાની આર્ટ ગેેલેરી છે. તું તારુ થોડું આર્ટ-વર્ક અહીં લાવી શકે એમ હોય તો આપણે ઈન-હાઉસ એકિઝબિશન રાખીશું. સંજયને વાત ગમી. ઈન-હાઉસ એકિઝબિશન ગોઠવાયું. પિક્સરના બિગ બોસ જોન લેસેસ્ટર આ ચિત્રો જોતાવેંત પ્રેમમાં પડી ગયા. કહે – અરે વાહ, આ અમેઝિંગ કામ આપણા સંજય પટેલે કર્યું છે ? હી શુડ મેક અ ફિલ્મ !

બીજું કોઇ હોત તો આ સાંભળીને ઊછળી પડત પણ સંજય પટેલ જેનું નામ. એમણે આ વાતને ગંભીરતાથી ન લીધી. એમને ફરીથી કહેવામાં આવ્યું કે દોસ્ત, શોર્ટ ફિલ્મ માટે કોઇ સારો આઇડિયા આપ, આપણી કંપનીને તે પ્રોડયુસ કરવામાં રસ છે. ફિલ્મનો ડિરેક્ટર પણ તું જ! ત્રણ-ત્રણ વાર કહેણ આવ્યા પછી સંજયે ઉત્સાહ ન બતાવ્યો ત્યારે એક સિનિયરે એમને પોતાની કેબિનમાં બોલાવીને પૂછ્યું – સંજય, શું પ્રોબ્લેમ છે? કેમ તારા તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આવતો નથી ? સંજયે કહ્યું કે સર, મારી પાસે એક સ્ટોરી આઇડિયા તો છે પણ મને તેના પરથી ફિલ્મ બનાવવાના વિચાર માત્રથી ડર લાગે છે.

શું હતો આ સ્ટોરી આઇડિયા? એક નાનકડો છોકરો છે ને એના પિતાજી છે, બંને ઇન્ડિયન છે. છોકરાને પોતાનાં ભારતીય કલ્ચર પ્રત્યે જરાય માન નથી પણ ધીમે ધીમે એવું કશુંક બને છે કે એને ખુદની સંસ્કૃતિની મહાનતાનો પરિચય થાય છે. ફિલ્મ પૂરી થતાં સુધીમાં છોકરો પોતાની અસલી ઓળખનો આદર કરતાં શીખી જાય છે.

સંજયને ડર એ વાતનો હતો કે આ વાર્તા એની પોતાની હતી, જે ચીજથી પોતે આખી જિંદગી ક્ષોભ અનુભવ્યો છે એના પર ફિલ્મ બનાવીને આખી દુનિયા સામે પેશ કેવી રીતે કરી શકાય ? જોકે એમને ખાતરી હતી કે આજ સુધી પિક્સરની એક પણ ફિલ્મમાં ઇન્ડિયન કેરેક્ટર આવ્યું નથી એટલે પિક્સરના સાહેબલોકોને આમેય મારા આઈડિયામાં રસ પડવાનો નથી. બન્યું એનાથી ઊલટું. જોન લેસેસ્ટર સ્ટોરી આઈડિયા સાંભળીને ઊછળી પડયા – બ્રિલિયન્ટ આઈડિયા છે. સંજય, કામ શરૂ કરી દો!

હવે છટકી શકાય એમ હતું નહીં. સંજય પટેલે ધીમે ધીમે પ્રક્રિયા શરૂ કરી. સ્ટોરીબોર્ડ બન્યું. રિસર્ચવર્ક આગળ વધ્યંુ. જોન લેસેસ્ટર સતત સંજયના કામમાં રસ લેતા રહ્યા. એમણે સૂચન કર્યું કે ફિલ્મને બને એટલી પર્સનલ બનાવજો, એટલું જ નહીં,ફિલ્મનાં ટાઇટલમાં પણ સંજયનું નામ આવવું જાઇએ એવો તેમણે આગ્રહ રાખ્યો. તેઓ આટલેથી અટકયા નહીં. ફિલ્મ પૂરી થાય પછી સંજય અને એમના પિતાનો અસલી ફોટોગ્રાફ પણ મુકાવ્યો કે જેથી ઓડિયન્સને ખાતરી થાય કે ફિલ્મ સત્ય હકીકત પર આધારિત છે !

એક પણ ડાયલોગ ન ધરાવતી ‘સંજય્ઝ સુપર ટીમ’ની શરૂઆત ટીવી પર કાર્ટૂન જોવાની જીદ કરતરાં છોકરા અને પૂજા કરી રહેલા પપ્પાના સીનથી થાય છે. ધરાર પૂજા કરવા બેઠેલો ટાબરિયો દીવો કરે છે. તે સાથે જ એ કોઇ પ્રાચીન મંદિરમાં પહોંચી જાય છે. એકાએક રાવણ પ્રગટે છે. ટાબરિયાને રાવણથી બચાવવા વિષ્ણુ, દુર્ગા અને હનુમાનની મૂર્તિઓ સજીવન થઇ ઊઠે છે. ભગવાન એને નવાં રમકડાં પણ આપે છે. છોકરાને ભારતીય દેવી-દેવતા બહુ ‘કૂલ’ લાગે છે. એ પોતાની સુપર ટીમનું ચિત્ર બનાવે છે. આ ટીમમાં ભારતીય દેવી-દેવતાઓને જોઇને પપ્પાને જબરું સાનંદાશ્ચર્ય થાય છે. ફિલ્મ અહીં પૂરી થાય ને પછી સંજય પટેલ અને તેમને પિતાજીની તસવીર ડિસ્પ્લે થાય છે.

સાત મિનિટની ‘સંજય્ઝ સુપર ટીમ’ બનાવવામાં સંજય પટેલે અઢી વર્ષ લીધાં! આનું મુખ્ય કારણ એ હતું કે પિક્સરની ફુલલેન્થ એનિમેશન ફિલ્મોને પહેલી પ્રાયોરિટી આપવાની હતી. બે ફિલ્મોની વચ્ચે સમય મળે ત્યારે પોતાની શોર્ટ ફિલ્મનું કામ આગળ વધારવાનું હતું. ફિલ્મ બની ગઇ પછી તે જોવા માટે એમણે પપ્પાને સ્ટુડિયોમાં તેડાવ્યા. પપ્પાને હરામ બરાબર એનિમેશન ફિલ્મોમાં જરા અમથો ય રસ હોય તો. દીકરો પિક્સર જેવી વર્લ્ડ કલાસ એનિમેશન સ્ટુડિયોમાં કામ કરતો હોવા છતાં ભાગ્યે જ એમણે પિક્સરની કોઇ ફિલ્મ જોઇ હતી… પણ ‘સંજય્ઝ સુપર ટીમ’ જોઇને પપ્પા એકદમ ઈમોશનલ બની ગયા, કેમ કે આ એમની જ કહાણી હતી.

ધારો કે ‘સંજય્ઝ સુપર ટીમ’ને પહેલાં ઓસ્કરનું નોમિનેશન ને પછી આખેઆખો એવોર્ડ મળે તો એ જરૂર વિષ્ણુ-દુર્ગા-હનુમાનની કૃપા હોવાની. ટચવૂડ !

શો-સ્ટોપર

હવે હું પહેલાં કરતાં શાંત થઈ ગયો છું, હવે હું સેટ પર નથી રાડો પાડતો કે નથી મોબાઈલના છુટ્ટા ઘા કરતો.

-સંજય લીલા ભણસાલી

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.