મલ્ટિપ્લેક્સ રણવીરસિંહ – બંદે મેં હૈ દમ…
Sandesh- Sanskar purti- 13 Dec 2015
મલ્ટિપ્લેક્સ
* * * * *
‘હું જ્યારે મહાન એક્ટરો વિશે વાંચું છું ત્યારે મને જોરદાર ચાનક ચડે છે. આઈ ફીલ સો ઇન્સપાયર્ડ! આ લોકો જે એક્સ્ટ્રીમ પર જઈને તૈયારી કરે છે એની સરખામણીમાં મારી તો કોઈ વિસાત નથી. ડેનિયલ ડે-લેવિસનું ક્વોટ મને બહુ ગમે છે – કયારેય કોઈ એક્ટરની પ્રોસેસ સામે સવાલ ઉઠાવવો જોઈએ નહીં. દરેક એક્ટરની પોતપોતાની રીત હોય છે, પોતપોતાની પદ્ધતિ હોય છે. એક એક્ટરની પદ્ધતિ બીજા એક્ટરને લાગુ ન પણ પડે. હું(એટલે કે ડેનિયલ) એક્સ્ટ્રીમ કહેવાય એવી તૈયારી કરું છું, કેમ કે આ સિવાયની બીજી કોઈ રીત મને ફાવતી નથી કે આવડતી પણ નથી.’
બાંદરામાં ઉછરેલો ટિપિકલ બોમ્બે-બોય હોવા છતાં રણવીરસિંહે જે કોન્ફિડન્સ અને કન્વિક્શન સાથે પોતાની પહેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’માં દિલ્હી કા લૌંડાનું કિરદાર નિભાવ્યું હતું તે જોઈને સૌને લાગ્યું હતું – કંઈક તો છે આ છોકરામાં…! છોકરામાં કંઈક નહીં, ઘણુંબધું હોવું જોઈએ. એ સિવાય યશરાજ જેવું બેનર એને હીરો તરીકે લોન્ચ શા માટે કરે ? અફવા તો એવી ઊડી હતી કે ‘બેન્ડ બાજા બારાત’થી રણવીરને લોન્ચ કરવા માટે એના પૈસાદાર પપ્પાએ કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. યશરાજ જેવું પ્રતિષ્ઠિત બેનર આ પ્રકારનું ‘ઇન્વેસ્ટમેન્ટ’ કે ‘પ્રપોઝલ’ સ્વીકારે તે વાતમાં માલ નથી. નબળા ઘોડાને ચાબુક મારી મારીને તમે કેટલો દોડાવી શકો ?
એક સ્ટાર-પર્ફોર્મર-એક્ટર તરીકે પોતે દમદાર છે એ રણવીરે આ પાંચ વર્ષમાં પુરવાર કરી દીધું છે. ‘લેડિઝ વર્સસ રિકી બહલ'(સાધારણ ફિલ્મ, ડિસન્ટ અભિનય), ‘લૂટેરા’ (સુંદર, આર્ટી-આર્ટી પણ ફ્લોપ ફિલ્મ, સરસ અભિનય), ‘ગુંડે'(હિટ ફિલ્મ, ટિપિકલ બોલિવૂડ હીરો ટાઇપનું મસાલા પર્ફોર્મન્સ), ‘કિલ દિલ'(ફ્લોપ ફિલ્મ, રણવીરે કેવો અભિનય કર્યો હતો એ તો રામ જાણે,કહે છે કે આમાંય એનો અભિનય વખણાયો હતો), ‘ગોલિયોં કી રાસલીલા – રામ-લીલા'(હિટ ફિલ્મ, પ્રભાવશાળી અભિનય), ‘દિલ ધડકને દો’ (મજાની ફિલ્મ, રણવીરનું સંભવતઃ કરિયર-બેસ્ટ પર્ફોર્મન્સ) અને હવે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી અતિ મહત્ત્વાકાંક્ષી ‘બાજીરાવ મસ્તાની’ જેના પર અદૃશ્યપણે પણ મોટા મોટા અક્ષરોમાં ‘હિટ’ શબ્દ લખાયેલો છે. કોઈ પણ સમકાલીન એક્ટર ઇર્ષ્યાથી જલી ઊઠે એવો પ્રભાવશાળી આ બાયોડેટા છે.
રણવીરસિંહનો(મૂળ સિંધી અટક – ભગનાની) કરિયર ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે, પોપ્યુલારિટી એકધારી વધી રહી છે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. રણબીર કપૂર જેવા બ્રિલિયન્ટ સ્ટાર-એક્ટરની ઉપરાછાપરી ચાર ફિલ્મો ફ્લોપ ગઈ પણ રણવીરસિંહે આવી ભયંકર પછડાટ હજુ સુધી ખાવી પડી નથી.
આજની તારીખે ઇન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર કરતાં રણવીરસિંહ જેવા આઉટસાઇડરની પોઝિશન ટેક્નિકલી વધારે મજબૂત છે. રણવીરસિંહ કન્વેન્શનલ અર્થમાં હેન્ડસમ નથી. એની પાસે કપૂરબોય જેવો ઈઝી ચાર્મ કે જોેતાં જ ગમી જાય એવું હૂંફાળું રૂપ નથી. રણવીરની અપીલ જરા જુદા પ્રકારની છે. રણબીર ‘કયુટ’ છે, તો કસાયેલું શરીર ધરાવતો રણવીરસિંહ ‘હોટ’ છે. રણવીરનાં વ્યક્તિત્ત્વમાં તોફાની ટિનેજર જેવો થનગનાટ છે. સામેવાળાને કે ઈવન ઓડિટોરિયમમાં બેઠેલા ઓડિયન્સને ઊર્જાની રીતસર છાલક વાગે એવું ગજબનું એનું એનર્જીલેવલ છે. અંગત જીવનમાં રણવીર બહિર્મુખ અને અત્યંત મળતાવડો યુવાન છે. અજાણી વ્યક્તિને પહેલી વાર મળશે તો એટલા ખૂલીને અને આત્મીયતાથી વાતો કરશે જાણે એને વર્ષોથી ઓળખતો હોય. રણવીર બિન્દાસ બંદો છે. એની ડિક્શનરીમાં શરમ કે સંકોચ જેવા કોઈ શબ્દ નથી. કેમેરા સામે પર્ફોર્મ કરતી વખતે આ ‘ગુણ’ એને ખૂબ કામ આવે છે.
ફિલ્મોમાં આવતાં પહેલાં રણવીરે અમેરિકામાં એક્િંટગનો કોર્સ કર્યો હતો અને પછી મુંબઈ આવીને એક થિયેટર વર્કશોપ જોઈન કર્યું હતું. રિચા ચઢ્ઢા પણ આ વર્કશોપમાં આવતી. ગ્રૂપમાં બીજા યુવાનો સીધાસાદા હતા, એકમાત્ર રણવીર જ જિમમાં જોવા મળતા બાવડાબાજ જેવો દેખાતો. એના ફિલ્મીવેડાથી વર્કશોપ કંડક્ટ કરી રહેલી ટીચર એવી કંટાળી ગઈ કે આખરે બધાની વચ્ચે એનું અપમાન કરી નાખ્યું – ભાઈ, તું થિયેટરમાં નહીં ચાલે, તું ફિલ્મોમાં જ ટ્રાય કર. યુ આર અન આઈ-સોર. મતલબ કે તને જોઈને મને ત્રાસ થાય છે !
રણવીરનું આવું અપમાન પછી જિંદગીમાં કયારેય થયું નથી. કોઈ પણ સ્ટ્રગલરની જેમ ઓડિશનો આપી આપીને એ આગળ આવ્યો છે. રણવીર ભલે મસ્તીખોર રહ્યો પણ પોતાનાં કામમાં ભારે સિન્સિયર છે, એટલે તો સંજય લીલા ભણસાલી જેવા માથાભારે ડિરેક્ટરે એને ‘ગોલિયોં કી રાસલીલા – રામ-લીલા’ પછી ‘બાજીરાવ મસ્તાની’ જેવા પોતાના ડ્રીમ પ્રોજેક્ટમાં રિપીટ કર્યો. રણવીરને પોતાના કિરદાર નિભાવવા માટે ખૂબ તૈયારી કરવા જોઈએ. જેમ કે, ‘લૂટેરા’માં એનુંં કિરદાર નિતંબમાં બંદૂકની ગોળી વાગવાથી ઘાયલ થઈ જાય છે, જેના નિતંબમાં ગોળી ખૂંપેલી હોય તેવા માણસની ચાલ કેવી હોય ? એ કેવી રીતે ઊભો રહે, કેવી રીતે મુવમેન્ટ્સ કરે ? જ્યાં સુધી આ બધું સંતોષકારક રીતે સમજાય નહીં ત્યાં સુધી રણવીરને જપ વળે તેમ નહોતો. આથી આર્મીના કેટલાક જવાનોને મળીને એણે જાણવાની કોશિશ કરી કે ગોળી વાગે ત્યારે અને તે પછી એક્ઝેક્ટલી કેવું ફીલ થાય. પોતાના એક ડોક્ટર અંકલને ય પૃચ્છા કરી. ડોક્ટર અંકલે કહ્યું – જો તારી એક્ટિંગના ક્રાફ્ટમાં મને બહુ ખબર ન પડે પણ હું તને એક ઉપાય જરૂર સૂચવી શકું એમ છું.
શું હતો આ ઉપાય ? રણવીરના નિતંબમાં એક કરતાં વધારે મેડિકલ સ્ટેપલરની પિન મારવી ! આ એક એવી વિધિ હતી જેનાથી નિતંબમાં ગોળી લાગવાથી કેવી પીડા થાય તેનો કંઈક અંશે અંદાજ મળી શકે તેમ હતો. રણવીરે આવા પિનવાળા ઘાયલ નિતંબ સાથે શૂટિંગ કર્યું. ‘લૂટેરા’ની પેલી સિક્વન્સ તમે જોશો કે નિતંબમાંથી બુલેટ કાઢતી વખતે રણવીરનાં મોંમાંથી દર્દના માર્યા રાડ નીકળી જાય છે. તે ઠાલો અભિનય નથી, સાચુકલી પીડા છે !
રણવીર એક મુલાકાતમાં કહે છે, ‘જેના માટે મને પુષ્કળ માન છે એવા સિનિયર એક્ટરો પણ સવાલ કરતા હોય છે કે આવું બધું કરવાની શું જરૂર હતી ? ઈવન પ્રિયંકા ચોપરાએ પણ મને કહેલું કે તું શું કામ તારી જાત પર આટલો બધો અત્યાચાર કરે છે ? આના જવાબમાં હું હંમેશાં ડેનિયલ ડે-લેવિસના કિસ્સા ટાંકતો હોઉં છું.’
ડેનિયલ ડે-લેવિસ બેસ્ટ એક્ટર માટે ત્રણ-ત્રણ વાર ઓસ્કર એવોર્ડ જીતનાર દુનિયાનો એકમાત્ર એક્ટર છે. ટેક્નિકલી એને દુનિયાનો શ્રેષ્ઠતમ અભિનેતા કહી શકાય. રણવીર આ મેથડ એક્ટરથી ખૂબ પ્રભાવિત છે. ‘માય લેફ્ટ ફૂટ’માં ડેનિયલે સેરેબ્રલ પાલ્સીથી પીડાતા અને સતત વ્હિલચેરમાં જડાયેલા અપંગ આદમીનું પાત્ર અદ્ભુત રીતે નિભાવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એ સતત વ્હિલચેર પર બેસી રહેતા. કોઈ એને કોળિયા ભરીને જમાડે, બીજું કોઈ એની વ્હિલચેરને ધક્કા મારીને આમથી તેમ ખસેડે. સારી અકિટંગ કરવા માટે ડેનિયલને સતત જે-તે પાત્રના માનસિક-શારીરિક વાતાવરણમાં રહેવાનું જરૂરી લાગે છે. ‘લિંકન’નાં શૂટિંગના ગાળામાં એ ખરેખર અબ્રાહમ લિંકનની જેમ કોઈ ફાર્મમાં રહેવા જતા રહ્યા હતા. ઈવન ‘ધ ડાર્ક નાઈટ’માં ખૂંખાર જોકરનું યાદગાર પાત્ર ભજવનાર હીથ લેજરે પણ આ જ પ્રકારનો એપ્રોચ અપનાવેલો.
‘હું જ્યારે આ એક્ટરો વિશે વાંચું છું ત્યારે મને જોરદાર ચાનક ચડે છે. આઈ ફીલ સો ઇન્સપાયર્ડ!’ રણવીર કહે છે, ‘આ લોકો જે એક્સ્ટ્રીમ પર જઈને તૈયારી કરે છે એની સરખામણીમાં મારી તો કોઈ વિસાત નથી. ડેનિયલ ડે-લેવિસનું ક્વોટ મને બહુ ગમે છે – કયારેય કોઈ એક્ટરની પ્રોસેસ સામે સવાલ ઉઠાવવો જોઈએ નહીં. દરેક એક્ટરની પોતપોતાની રીત હોય છે, પોતપોતાની પદ્ધતિ હોય છે. એક એક્ટરની પદ્ધતિ બીજા એક્ટરને લાગુ ન પણ પડે. હું(એટલે કે ડેનિયલ) એક્સ્ટ્રીમ કહેવાય એવી તૈયારી કરું છું, કેમ કે આ સિવાયની બીજી કોઈ રીત મને ફાવતી નથી કે આવડતી પણ નથી.’
આટલું કહીને રણવીર ઊમેરે છે, ‘ઘણાં લોકોને મારો અપ્રોચ સ્ટુપિડ જેવો લાગે છે, બટ આઈ ડોન્ટ કેર. કેમેરા સામે બને એટલી સચ્ચાઈથી એક્ટિંગ કરવા માટે હું જે કોઈ રીત અખત્યાર કરી શકું તેમ હાઉં તે હું કરીશ જ. મને કંઈ ખુદના શરીર પર ત્રાસ ગુજારવામાં આનંદ આવતો નથી. આ કંઈ નખરાં કે નાટક નથી. હંુ કોઈને દેખાડી દેવા પણ આવું કરતો નથી. એક એક્ટર તરીકે આ મારી પ્રોસેસ છે. ધેટ્સ ઈટ.’
સંજય લીલા ભણસાલીએ ‘બાજીરાવ મસ્તાની’ માટે રણવીરને પસંદ કર્યો ત્યારે એ રાજીના રેડ થઈ ગયો હતો પણ જ્યારે એને આખી ફિલ્મની વાર્તા સીન-બાય-સીન સંભળાવવામાં આવી ત્યારે પરસેવો છૂટી ગયો હતો. ‘નરેશન સુન કે મેરી ફટ ગઈ થી!’ રણવીર કહે છે, ‘ઐતિહાસિક માહોલ, મરાઠી છાંટવાળા ભારેખમ સંવાદો, યુદ્ધનાં દૃશ્યો, રોમાન્સ, ઇન્ટેન્સ ડ્રામા… અને સંજયસર જેવા ભયંકર ડિમાન્ડિંગ ડિરેક્ટર ! મને સમજાતું નહોતું કે આ બધું હું કેવી રીતે મેનેજ કરી શકીશ. આ જ તો ચેલેન્જ હતી. કોઈ પણ પ્રોજેક્ટ પસંદ કરવાનો મારો એક જ માપદંડ છે-બસ, ફટની ચાહિએ! તો જ કામ કરવાની મજા આવે !’
રણવીર ‘બાજીરાવ મસ્તાની’ની તૈયારીના ભાગરૂપે ત્રણ અઠવાડિયાં માટે એક ફાઇવસ્ટાર હોટેલના કમરામાં પુરાઈ ગયો હતો. અંગરખું અને ધોતિયું પહેરીને રૂમમાં આમથી તેમ આંટા મારતો રહ્યો. સૌથી પહેલાં કેરેક્ટરનો લુક ધારણ કરવાની કોશિશ કરવાની. એક એક્ટર તરીકેની એની પ્રોસેસની શરૂઆત આ રીતે થાય. ધીમે ધીમે દિલ-દિમાગમાં કેરેક્ટરની જુદી જુદી છટા, એની લાગણીઓ અને માનસિકતા ખૂલતાં જાય, સ્પષ્ટ થતાં જાય. સામાન્યપણે ધમાલમસ્તી કરતો રણવીર ‘બાજીરાવ મસ્તાની’ના મેકિંગ દરમિયાન કોચલામાં ભરાઈ ગયો હતો. સેટ પર કોઈની સાથે વાત નહીં કરવાની. શૂટિંગ પતાવીને ઘરે આવીને કોઈને મળ્યા વગર સીધા પોતાના રૂમમાં જતા રહેવાનું. સવારે નાહીધોઈને સીધા સેટ પર.
‘બટ યુ નો વોટ, જોરદાર તૈયારી કરી હોય, લાંબા લાંબા ડાયલોગ્ઝ ગોખી રાખ્યા હોય ને સેટ પર સંજયસર બધું જ બદલી નાખે !’ રણવીર કહે છે, ‘સેટના એક્ચ્યુઅલ માહોલમાં સંજયસરને નવું નવું સૂઝે ને છેલ્લી ઘડીએ અમારા હાથમાં નવા ડાયલોગ પકડાવીને કહેશે – જૂનું ભૂલી જાઓ, આ તૈયાર કરો. બી સ્પોન્ટેનિયસ! ‘ગોલિયોં કી રાસલીલા – રામ-લીલા’ વખતે તેમણે મને કહ્યું હતું – મને ખબર નથી કે રામ કઈ ટાઈપનો માણસ છે. તું તારી રીતે તારાં પાત્રને ઇન્ટરપ્રિટ કર ને પછી પર્ફોર્મ કર. હું તારા પર્ફોર્મન્સના આધારે આગળ વધતો જઈશ ! આ સાંભળીને મારી શી હાલત થઈ હશે તે સમજાય છે ? બટ લેટ મી ટેલ યુ, ‘બાજીરાવ મસ્તાની’ સંજયસરે બહુ જ મજા કરતાં કરતાં બનાવી છે.’
‘બાજીરાવ મસ્તાની’ જો લોકોને ગમી જશે અને બોકસઓફિસ પર હિટ થશે(જેના ચાન્સ પૂરેપૂરા છે) તો રણવીરનો બાયોડેટા પહેલાં કરતાં અનેકગણો વધારે ઝળહળતો થઈ જવાનો એ તો નક્કી.
શો-સ્ટોપર
‘દિલ ધડકને દો’માં ભાઈ-બહેન તરીકે ઓડિયન્સ કન્વિન્સ કર્યા પછી હું અને રણવીરસિંહ જો ‘બાજીરાવ મસ્તાની’માં પતિ-પત્ની તરીકે ઓડિયન્સને ફરીથી કન્વિન્સ કરી શકીએ તો એનો અર્થ એ થયો કે એક્ટર તરીકે અમે સાચા રસ્તે ચાલી રહ્યાં છીએ.
-પ્રિયંકા ચોપરા
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply