મલ્ટિપ્લેક્સ – મામી આવી… શું શું લાવી?
Sandesh- Sanskaar Purti- 8 Nov 2015
મલ્ટિપ્લેક્સ
મામી (મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ) તરીકે ઓળખાતો આ આઠ દિવસીય ફિલ્મોત્સવ હમણાં જ પૂરો થયો. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે દુનિયાભરમાંથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી કઈ કઈ સૌથી ધમાકેદાર સાબિત થઈ? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું?
* * * * *
‘એક મિનિટ, સૌથી પહેલાં મને તમારા સૌનો ફોટો પાડી લેવા દો!’
મુંબઈના એક મલ્ટિપ્લેકસમાં ‘અજનિશ્કા’ નામની પોલિશ-જર્મન ફિલ્મ શરૂ થાય તે પહેલાં સ્ક્રીનની સાવ પાસે હાથમાં માઇક લઈને ઊભેલો તોમાઝ રૂડઝિક નામનો ડિરેક્ટર હકડેઠઠ ભરાયેલાં ઓડિયન્સને કહે છે. શરૂઆતમાં સૌને એમ કે આ દાઢીધારી ઉત્સાહી ડિરેક્ટર ટીખળ કરી રહ્યા હશે પણ એણે ખરેખર માઇક બાજુમાં મૂકીને પોતાના મોબાઇલથી પ્રેક્ષકોનો રીતસર ફોટો પાડી લીધો. પછી હસીને કહ્યું, ‘આ તસવીર એ વાતની સાબિતી છે કે મારી ફિલ્મ જોવા સાચે જ આટલાં બધાં લોકો આવ્યાં હતાં!’
વાત મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલની છે. મામી(મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ) તરીકે ઓળખાતો આ આઠ દિવસીય ફિલ્મોત્સવ હમણાં જ પૂરો થયો, જસ્ટ ગુરુવારે. કેટલીય ફિલ્મોનાં સ્ક્રીનિંગ વખતે શો શરૂ થતાં પહેલાં ઓડિટોરિયમના ગેટની બહાર રાક્ષસી એનાકોન્ડા જેવી લાઈનો લાગતી હતી. ઉત્સાહી ફિલ્મરસિયાઓ લાઈનોમાં દોઢ-દોઢ કલાક ઊભા રહીને તપ કરતા હતા. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જોકે આવાં દૃશ્યો કોમન છે. અચ્છા, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે દુનિયાભરમાંથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી કઈ કઈ સૌથી ધમાકેદાર સાબિત થઈ? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું? એવું તે શું હતું એ ફિલ્મોમાં? જોઈએ.
લેખના પ્રારંભમાં જેનો ઉલ્લેખ કર્યો એ ‘અજનિશ્કા’ મોસ્ટ હેપનિંગ ફિલ્મોમાંની એક ભલે નહોતી પણ ધ્યાન ખેંચે એવી જરૂર હતી. જેલવાસ પૂરો કરીને બહાર આવેલી અજનિશ્કા નામની માથાભારે નાયિકાને ઘરમાં કોઈ સંઘરે એમ નથી, આથી કામની તલાશમાં એ બીજા શહેરમાં પહોંચી જાય છે. અહીં એને કઈ જોબ મળે છે? બોલ-બસ્ટિંગની. બોલ-બસ્ટિંગ એટલે? પુરુષોના બે પગની વચ્ચે નિશાન લઈને ગોઠણથી ઈજા પહોંચાડવી! આને વિકૃતિ ગણો કે ગમે તે ગણો પણ અમુક પુરુષોને ગુપ્તાંગ પર પ્રહાર થાય ત્યારે જોરદાર કામોત્તેજના થતી હોય છે. મજાની વાત એ છે કે ક્લાયન્ટને એક્સાઇટ કર્યા પછી નાયિકાએ એની સાથે સેક્સ માણવાનું નથી. અરે, કપડાં પણ ઉતારવાનાં નથી. પુરુષને ધીબેડવાના, પૈસા લેવાના અને ચુપચાપ ગુડબાય કહીને જતા રહેવાનું. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. ડિરેક્ટરને આવી એક યુવતીનો ભેટો એક લિફ્ટમાં થઈ ગયો હતો. ધીમે ધીમે દોસ્તી થઈ અને પેલીએ પોતાની દાસ્તાન શેર કરી. ફિલ્મમાં યુવતીની બોસ બનતી મહિલા પોતાના આધેડ વયના દીકરાને હડય હડય કરે છે. મહિલાનાં મોઢે એક સરસ ડાયલોગ બોલાવવામાં આવ્યો છે – યુ હેવ ટુ અર્ન યોર મધર. માનો પ્રેમ એમ જ ન મળે, તે માટે કાબેલિયત કેળવવી પડે!
‘Taxi’
ફિલ્મ ફેસ્ટિવલની મજા જ એ છે કે અહીં તમને વિષયોનું અપાર વૈવિધ્ય જોવા મળે. ફિલ્મરસિયાને આ વખતે કદાચ સૌથી વધારે તાલાવેલી ‘ટેક્સી’ નામની ઈરાનિયન ફિલ્મ જોવાની હતી. ઓલરેડી એકાધિ એવોર્ડ્ઝ જીતી ચૂકેલી આ ફિલ્મ પર ઈરાન પર પ્રતિબંધ મુકાયો છે. ફિલ્મ બનાવનાર જાફર પનાહીનું નામ ઈરાનિયન ન્યૂ વેવ સિનેમાનું બહુ મોટું છે પણ ઈરાનની સરકાર માટે એ માથાના દુઃખાવા સમાન છે. સરકારનું કહેવું છે કે આ માણસ ધરાર ઈરાનની છાપ દુનિયામાં ખરાબ પડે એવી ફિલ્મો બનાવે છે. જાફરની કેટલીય ફિલ્મોને બેન કરવામાં આવી છે. કેટલીય વાર એમને પોલીસ પકડી ગઈ છે. ૨૦૧૦માં સરકારે એમને છ વર્ષ માટે જેલમાં પૂરી દીધા, વીસ વર્ષ માટે કોઈ પણ ફિલ્મ લખવા કે શૂટ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. જેલમાંથી બહાર આવ્યા પછી પણ વિદેશ જવાની મનાઈ પણ જાફર પનાહી જેનું નામ. પેરોલ પર જેલની બહાર આવ્યા તે દરમિયાન દસ દિવસમાં સાદા વીડિયા કેમેરા અને આઈફોન પર ગુપચુપ એક ફિલ્મ શૂટ કરી નાખી, તેને એડિટ કરી, પેન-ડ્રાઇવમાં ડાઉનલોડ કરી, પેન-ડ્રાઇવને કેકમાં છુપાવી દીધી, પછી રીતસર સ્મગલિંગ કરીને પેન-ડ્રાઇવને ૨૦૧૧ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી આપી! ફેસ્ટિવલમાં જાહેર કરવામાં આવ્યું કે આ વખતે એક સરપ્રાઇઝ એન્ટ્રી છે. જાફરની ફિલ્મનું સ્ક્રીનિંગ થયું, જેનું ટાઇટલ હતું ‘ધિસ ઈઝ નોટ અ ફિલ્મ’! પ્રેક્ષકો ફિલ્મ કઈ રીતે બની છે એની કહાણી સાંભળીને રોમાચિંત થઈ ગયાં. ૨૦૧૨માં ઓસ્કરની બેસ્ટ ડોકયુમેન્ટરી ફીચર સેક્શનમાં આ ફિલ્મ નોમિનેટ સુદ્ધાં થઈ.
‘ટેક્સી’ ફિલ્મ પણ જાફરે આ જ રીતે બનાવી છે. તેઓ તહેરાન શહેરમાં ટેક્સીડ્રાઇવર બનીને ફરતા રહ્યા અને અંદર કેમેરા જડીને શૂટ કરતા રહ્યા. આ પ્રતિબંધિત ફિલ્મ જોવા માટે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે રસિયાઓએ પડાપડી કરી મૂકી હોય તો એમાં નવાઈ પામવા જેવું ખરું? ફિલ્મમાં તહેરાનનાં શહેરી જીવનની ઝલક ડોકયુમેન્ટરી શૈલીમાં ઝડપવામાં આવી છે.
‘The Second Mother’
‘ધ સેકન્ડ મધર’ નામની પોર્ટુગીઝ ભાષામાં બનેલી બ્રાઝિલિયન ફિલ્મમાં એક ગરીબ મા અને એની તુંડમિજાજી દીકરીની વાત છે. ગરીબ બાઈ બિચારી સાઓ પાઉલો શહેરના એક પૈસાદાર પરિવારમાં ફુલટલઇમ કામવાળી તરીકે પેટિયું રળે છે. એની દીકરી પિયરમાં ઊછરી રહી છે. દસ વર્ષથી દીકરીને જોઈ સુદ્ધાં નથી. એક દિવસ એકાએક દીકરીનો ફોન આવે છે – મારે સાઓ પાઉલો યુનિવર્સિટીમાં થોડું કામ છે, હું તારી પાસે આવી રહી છું. જુવાન થઈ ગયેલી રૂપકડી દીકરીને જોઈને માના હરખનો પાર રહેતો નથી. સદ્ભાગ્યે પોતાનાં ટચૂકડા ર્ક્વાટરમાં દીકરીને થોડા દિવસ માટે સાથે રાખવાની પરવાનગી શેઠ તરફથી મળી ગઈ છે. તકલીફની શરૂઆત ત્યારે થાય છે જ્યારે દીકરી ઘરમાં આવીને મોંઘેરા મહેમાન જેવો એટિટયૂડ દેખાડવા લાગે છે. પોતે નોકરાણીની દીકરી છે એ હકીકત એને વારંવાર યાદ કરાવવી પડે છે. મા-દીકરી વચ્ચે ચકમક ઝરવી સ્વાભાવિક છે. ગરીબ-પૈસાદાર વચ્ચેના વર્ગભેદની વાત કરતી આ એવોર્ડવિનિંગ ફિલ્મને ઓલરેડી આગામી ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે બ્રાઝિલિયન એન્ટ્રી તરીકે પસંદ કરી લેવામાં આવી છે.
‘રૂમ’ નામની અંગ્રેજી ફિલ્મમાં પણ મા અને સંતાનની વાત છે પણ જુદા ફ્લેવરની. એક સ્ત્રીને ભોળવીને, કિડનેપ કરીને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે. એ એકલી નથી, સાથે પાંચ વર્ષનો દીકરો પણ છે. ઓરડો કિડનેપરના ઘરના બગીચામાં જ ઊભો કરવામાં આવ્યો છે. સાત-સાત વર્ષ પછી મા-દીકરો બંધ કમરામાંથી નાસી છૂટવામાં સફળ થાય છે. છોકરો એકાએક બહારની દુનિયાના સંપર્કમાં આવે છે. એના માટે બધું નવું છે, જુદું છે. ફકત એક જ ચહેરો, એક જ સ્પર્શ, એક જ અવાજથી એ પરિચિત છે અને એ છે એની મા!
‘ધ બિગર સ્પ્લેશ’ના હીરો અને હીરોઈન બંને ઓસ્કરવિનર છે-રાલ્ફ ફિનેસ અને ટિલ્ડા સ્વિન્ટન. ટિલ્ડા સેલિબ્રિટી રોકસ્ટાર બની છે,રાલ્ફ એનો ભૂતપૂર્વ પ્રેમી. ટિલ્ડાનો નવો પાર્ટનર મેથિઆસ સ્કોેએનેરેટ્સ ડોકયુમેન્ટરી ફિલ્મો બનાવે છે.બંનેની લવલાઇફ એકદમ સેટ છે ત્યાં ઓચિંતા એક દિવસ રાલ્ફ એમને ત્યાં ટપકે છે. એ એકલો નથી, સાથે જુવાનજોધ દીકરી પણ છે. દીકરીનો રોલ ‘ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે’ની હીરોઈન તરીકે વર્લ્ડફેમસ બની ગયેલી ડાકોટા જ્હોન્સને ભજવ્યો છે. જબરજસ્ત ચુંબકીય સ્ક્રીન પ્રેઝન્સ છે એની, ‘ધ બેઝિક ઇન્સટિંક્ટ’ની હીરોઈન શેરોન સ્ટોનની યાદ અપાવી દે તેવી. ચારેયના આડા-ઊભા-ત્રાંસા સંબંધોનો અંજામ બહુ બૂરો આવે છે. ફિલ્મમાં નગ્નતા ઠાંસીઠાંસીને ભરી છે. ચારેય કલાકારોએ બેધડકપણે ફ્રન્ટલ ન્યૂડિટીવાળાં દૃશ્યો આપ્યાં છે. એમાંય રાલ્ફ ફિનેસ જેવો સિનિયર ઓસ્કરવિનર એક્ટર જે રીતે એક કરતાં વધારે દૃશ્યોમાં નાગડોપૂગડો દોડાદોડી કરે છે તે જોઈને ખરેખર નવાઈ લાગે.
‘બ્લૂ’ ટાઇટલધારી ફિલ્મમાં એક એવા એઇડ્ઝગ્રસ્ત કલાકારના અંતિમ દિવસોની વાત છે જેની આંખોની રોશની ધીમે ધીમે ઓછી થઈ રહી છે. ‘ધ ક્લબ’ નામની ચિલીની એવોર્ડવિનર ફિલ્મમાં ચાર રિટાયર્ડ પાદરીઓની વાત છે. કોઈ નિર્જન સ્થળે ચારેય પાદરીઓ કેરટેકર મહિલા સાથે એક ઘરમાં રહે છે. સૌ પોતે જીવનમાં આચરેલાં પાપોની કબૂલાત કરવાના મૂડમાં છે. કોઈનું સંતાન છીનવી લેવાથી માંડીને બાળકને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવા સુધીના ગુનાનો સ્વીકાર આ પાદરીઓ કરે છે. ખાસ્સી બોલ્ડ ફિલ્મ છે આ. આ પણ ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ચિલીની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ થઈ છે.
કેટકટેલી ને કેવી કેવી ફિલ્મો. કોની વાત કરવી ને કોની ન કરવી. ‘એનોમેલિસા’, ‘ધીપન’, ‘લોબ્સ્ટર’, ‘યૂથ’, ‘વર્જિન માઉન્ટન’, ‘સ્વોર્ન વર્જિન’… ફિલ્મફેસ્ટિવલમાં તમે રોજની ચારચાર-પાંચપાંચ ફિલ્મો જોતા હો ત્યારે બધેબધી હાઈક્લાસ જ નીકળે એવું બિલકુલ જરૂરી હોતું નથી. કેટલીય ફિલ્મો ભયંકર બોરિંગ સાબિત થઈ હોય છે, જેમ કે, ‘કાઈલી બ્લૂઝ’ નામની ચીની ફિલ્મ વિશે વખાણ સાંભળ્યાં હતાં પણ આ ફિલ્મ અડધેથી પડતી મૂકવી પડે એટલી હદે ત્રાસજનક નીકળી. આપણને થાય આવી રેઢિયાળ ફિલ્મને કઈ વાતનો એવોર્ડ મળ્યો હશે? ખેર, સિનેમા એક સબ્જેકિટવ વિષય છે, આમાં તુંડેતુંડે મતિર્ભિન્ના જેવું છે.
થોડી ભારતીય ફિલ્મોની વાત કરી લઈએ. હંસલ મહેતાની ‘અલીગઢ’ ફિલ્મમાં મનોજ બાજપાઈનું પર્ફોર્મન્સ યાદગાર સાબિત થવાનું છે એમાં કોઈ શંકા નથી. મનોજ આમાં એક પ્રોફેસર બન્યા છે, જેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે. શા માટે? એ હોમોસેક્સ્યુઅલ છે એ વાત બહાર આવી ગઈ એટલે. ફિલ્મમાં રાજકુમાર યાદવે પ્રોફેસરની કહાણી દુનિયા સામે લાવનાર રિપોર્ટરનો રોલ કર્યો છે. શ્લોક શર્માની ‘હરામખોર’ ફિલ્મના પ્રત્યેક સ્ક્રીનિંગ વખતે એટલી ભયંકર લાંબી લાઈનો લાગતી હતી કે ન પૂછો વાત. આ ફિલ્મે ક્બરજસ્ત ઉત્કંઠા જગાવી છે, એનું કારણ છે એનો હીરો, નવાઝુદ્દીન સિદ્દીકી. માત્ર સોળ જ દિવસમાં શૂટ થઈ ગયેલી ‘હરામખોર’નું પશ્ચાદ્ભૂ ગુજરાતનું છે. નવાઝ સ્કૂલટીચર બન્યો છે, જેને પોતાની પંદર વર્ષની નાબાલિગ સ્ટુડન્ટ સાથે ઈશ્ક થઈ જાય છે. સ્ટુડન્ટનો રોલ શ્વેતા ત્રિપાઠીએ કર્યો છે. શ્વેતા એટલે ‘મસાન’માં બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ આપનારી પેલી ચુલબુલી ન્યૂકમર. નવાઝુદ્દીનને ‘હરામખોર’ માટે અન્ય ફિલ્મફેસ્ટિવલોમાં એકાધિક બેસ્ટ એક્ટરોના એવોર્ડ્ઝ મળી ચૂકયા છે. આ ફિલ્મે નવાઝમિંયાના ઝળહળતા બાયોડેટાને ઔર તેજસ્વી બનાવી દીધો છે. ‘સંસારા’ ફેમ કાઠિયાવાડી ફિલ્મમેકર પેન નલિનની લેટેસ્ટ ફિલ્મ ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ’નું સ્ક્રીનિંગ પણ મુંબઈ ફિલ્મફેસ્ટિવલમાં થયું. આ એક ‘ચિક ફ્લિક’ છે. એમાં સાત યુવતીઓની વાત છે. ફિલ્મને મિકસ્ડ રિસ્પોન્સ મળ્યો છે. ઓડિયન્સને પેન નલિન પાસેથી ઘણી ઊંચી અપેક્ષાઓ હતી.
અહીં ઉલ્લેખ પામેલાં નામોમાંથી કેટલીક ફિલ્મો આવતું આખું વર્ષ ન્યૂઝમાં ચમકતી રહેવાની છે એ તો નક્કી.
શો-સ્ટોપર
‘શાનદાર’નો તો તમાશો થઈ ગયો, હવે ‘તમાશા’ શાનદાર સાબિત થવી જોઈએ!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply