મલ્ટિપ્લેક્સ – જાને કૈસે કબ કહાં…
Sandesh- Ardh Saptahik Purti- 1 Nov 2015
મલ્ટિપ્લેક્સ
દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનને એકસાથે ચમકાવતી ફિલ્મ ‘શક્તિ’ની ગણના આજે એક કલાસિક તરીકે થાય છે. કાસ્ટિંગ પ્રોસેસ ચાલી રહી હતી તે દરમિયાન પોતાના ફેવરિટ એક્ટર સાથે કામ કરવાની ઈચ્છા બિગ બીએ સામેથી વ્યકત કરી હતી, પણ ફિલ્મ રિલીઝ થઈ પછી તેઓ નારાજ કેમ થઈ ગયા હતા?
* * * * *
આજે એક અફલાતૂન હિન્દી ફિલ્મને યાદ કરવી છે. એ છે, ૧૯૮૨માં રિલીઝ થયેલી ‘શકિત’. આજે યાદ કરવા પાછળ કોઈ વિશેષ કારણ? ના, કશું નહીં. કલાસિક ફિલ્મો વિશે વિગતે વાત કરવા માટે મુહરત જોવાની કે ‘હૂક પોઈન્ટ’ શોધવાની કયાં જરૂર હોય છે!
‘શકિત’ આવી ત્યારે અમિતાભ બચ્ચનની કરીઅર શિખર પર પહોંચી ચૂકી હતી. રમેશ સિપ્પીએ ‘શોલે’ (૧૯૭૫) પછી પાંચ વર્ષે બનાવેલી ‘શાન’ ઓડિયન્સને નિરાશ કરી ચુકી હતી. તેઓ અભિનયસમ્રાટ દિલીપકુમાર સાથે કામ કરવા માગતા હતા. સુપરસ્ટાર લેખક-બેલડી સલીમ-જાવેદે ‘થન્કા પટ્ટકમ’ (૧૯૭૪) નામની સાઉથ ઈન્ડિયન ફિલ્મની રીમેક બનાવવાનું સજેશન કર્યું. આમાં બાપ-બેટાના ટકરાવની વાત હતી. બાપ અને દીકરા બન્નેના ડબલ રોલ શિવાજી ગણેશને કર્યો હતો. રમેશ સિપ્પીને સ્ટોરીમાં દમ લાગ્યો, પણ તેઓ એક વાતે સ્પષ્ટ હતા પિતા-પુત્રનાં કિરદારમાં અલગ અલગ એકટર જોઈએ.
દિલીપકુમાર એ અરસામાં છેલ્લી છેલ્લી જે ફિલ્મો કરી હતી- ‘દાસ્તાન’ (ડબલ રોલ), ‘અનોખા મિલન’, ‘સગીના’, ‘ફિર કબ મિલોગી’, ‘બૈરાગ’ (ટ્રિપલ રોલ)- એમાં ખાસ કંઈ ભલીવાર નહોતો. ‘ક્રાંતિ’ અને ‘વિધાતા’ છેક ૧૯૮૧માં રિલીઝ થઈ. દિલીપસાબ ડિરેકટરનાં કામમાં ખૂબ માથું મારે છે એવી હવા ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ ચૂકી હતી. રમેશ સિપ્પીના મનમાં ફફડાટ હતો કે, દિલીપકુમાર ધારો કે મને એમ કહી દે કે ભાઈ, તું જે કંઈ શૂટિંગ કરી રહૃાો છે એમાં મને ગરબડ લાગે છે, તું બધું નવેસરથી શૂટ કર, તો હાલત ખરાબ થઈ જાય. સલીમ ખાન અને પ્રોડયુસર મુશીર ભાઈ જઈને દિલીપાકુમારને મળ્યા. ‘શકિત’ની વાર્તા સંભળાવીને કહ્યું કે ‘સર, આ તમારા લેવલનો રોલ છે. ડિરેકટર પણ કાબેલ છે પણ એને ડર છે કે, તમે ફિલ્મમાં વધારે પડતા ઈન્વોલ્વ થઈ જાઓ છો.’ દિલીપ કુમાર કહે છે, ‘ના ના, એવું કશું નથી. ડિરેકટરને કહો કે, એવી કશી ચિંતા ન કરે. મને પોતાને ફિલ્મના કામકાજમાં ઓવર-ઈન્વોલ્વ થવું ગમતું નથી. એનાથી ઊલટાનું મારા પર્ફોર્મન્સ પર જ માઠી અસર થાય છે.’
સલીમસાહેબે આ વાત રમેશ સિપ્પી સુધી પહોંચાડી. રમેશ સિપ્પીને હાશ થઈ. દિલીપ કુમારને સાઈન કરી લેવામાં આવ્યા. ફિલ્મમાં ત્રણ જ મુખ્ય પાત્રો છે. ડીસીપી અશ્વિનીકુમાર અત્યંત પ્રામાણિક પોલીસ ઓફિસર છે. એમનો દીકરો વિજય નાનો હતો ત્યારે ગુંડાઓએ અપહરણ કરેલું બાપે તે વખતે દીકરા કરતાં ફરજને વધારે મહત્ત્વ આપ્યું હતું. માસૂમ દીકરાના મનમાં આ વાત બેસી ગઈ. એ મોટો થતો ગયો તેમ તેમ પિતા પ્રત્યેનો એનો રોષ ઘૂંટાતો ગયો. એ વિદ્રોહી બનીને આડી લાઈને ચડી ગયો. ઘરની સ્ત્રી પાસે બન્ને જિદ્દી પુરુષોના ગુંચવાયેલા સંબંધને અસહાય બનીને જોયા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
ડીસીપી અશ્વિનીકુમાર (દિલીપ સાહેબ)નું પાત્ર એટલું પાવરફુલ હતું કે, એમની સામે દીકરાનું કિરદાર સહેજ ઝાંખુ પડી જતું હતું. રમેશ સિપ્પીએ શરૂઆતમાં દીકરાના રોલ માટે કોઈ નવા હીરોને લેવાનું વિચાર્યું. અમિતાભનું નામ મનમાં જરૂર આવ્યું હતું પણ સવાલ એ હતો કે, આવડો મોટો સુપરસ્ટાર મેઈન હીરોને બદલે સેકન્ડ લીડ શા માટે સ્વીકારે. એક નવા એકટરનું ઓડિશન સુધ્ધાં લેવામાં આવ્યું, પણ વિજયના પાત્રમાં જે તીવ્રતા હતી એ તે ઊપસાવી શકતો નહોતો. દરમિયાન અમિતાભના કાને વાત પડી કે,રમેશ સિપ્પી દિલીપસાહેબના દીકરાના રોલ માટે કોઈ ઈન્ટેન્સ એકટરને શોધી રહૃાા છે. એમણે રમેશને કહ્યું, ‘ભાઈ, તને હું કેમ યાદ આવતો નથી? હું શું કામ તારી ફિલ્મમાં નથી?’
અમિતાભ સામેથી ફિલ્મમાં રસ લેતા હોય તો એના કરતાં રૂડું બીજું શું હોઈ શકે. રમેશ સિપ્પીએ નિર્ણય લીધો કે, દિલીપસાહેબ અને અમિતાભ બચ્ચન બન્નેને એક સાથે ફિલ્મનું નરેશન આપવું (એટલે કે અત્યંત વિસ્તારથી આખી વાર્તા કહી સંભળાવવી). રમેશ સિપ્પીએ એ વખતે જ બિગ બીને સમજાવ્યું હતું કે, તમારા રોલમાં બહેલાવીને પેશ કરી શકાય એવાં તત્ત્વો ઓછાં છે. અમિતાભને સ્ક્રિપ્ટ બહુ જ ગમી ગઈ. તેઓ નાનપણથી દિલીપસાહેબના ફેન હતા. એમની સાથે કામ કરવાની શકયતા માત્રથી તેઓ એકસાઈટેડ હતા.
રાખી પણ દિલીપ કુમાર સાથે કામ કરવા ઉત્સુક હતાં. તકલીફ એ હતી કે, એ ઓલરેડી કેટલીય ફિલ્મોમાં અમિતાભની હિરોઈન રહી ચુકયાં હતાં. બચ્ચનની પ્રેમિકા બનતી નાયિકા ઓચિંતા બચ્ચનની મા બનીને પેશ થાય તો કેવું લાગે? જે વર્ષે ‘શકિત’ આવી ગઇ એ જ વર્ષે ‘બરસાત કી એક રાત’ અને ‘બેમિસાલ’ પણ રિલીઝ થઈ હતી અને આ બન્નેમાં અમિતાભ-રાખી રોમેન્ટિક જોડી હતી! રાખી જાણતાં હતાં કે, ‘શકિત’ પછી એની લીડ હિરોઈન તરીકેની કરીઅર ખતમ થઈ જવાની, પણ તેઓ ગણતરીપૂર્વકનું જોખમ લેવાં તૈયાર હતાં.
બાય ધ વે, ‘શકિત’ ૧૯૮૨માં રિલીઝ થઈ ત્યારે રમેશ સિપ્પી અને રાખી બન્ને ૩૫ વર્ષનાં હતાં, અમિતાભ ૪૦ વર્ષનાં હતાં અને દિલીપ કુમાર ૬૦ વર્ષનાં. ટીમમાં સૌથી નાનાં સ્મિતા પાટિલ હતાં (૨૭ વર્ષ), જેણે આજથી ત્રણ દાયકા પહેલાં બનેલી આ ફિલ્મમાં અમિતાભની લિવ-ઈન ગર્લફ્રેન્ડનું નાનું પાત્ર ભજવેલું!
ટીમ રેડી થઈ ગઈ. મુહૂર્તનો દિવસ આવ્યો. હેલિકોપ્ટર મુંબઈના જૂહુ બીચ પર આવે છે, એમાંથી દિલીપ કુમાર ઉતરે છે અને પોતાની રાહ જોઈ રહેલા અમિતાભને મળે છે એવો શોટ હતો. એક પણ ડાયલોગ નહીં, કેવળ ચહેરાના હાવભાવથી લાગણી વ્યકત કરવાની હતી. આખું યુનિટ હાજર હતું. બીચ પર કેટલાય લોકો શૂટિંગ જોવા ટોળે વળેલા.
ધીમે ધીમે દિલીપ કુમારને યુવા ડિરેકટર સાથે ફાવટ આવતી ગઈ. એક-બે વાર રમેશ સિપ્પીના ખભે હાથ મૂકીને ‘આના બદલે આપણે આ સીન આ રીતે કરીએ તો કેવું?’ એમ કહીને સૂચન પણ આપ્યાં. રમેશ સિપ્પીએ શાંતિથી સાંભળ્યું. પછી સમજાવ્યું કે, સર આ રીતે તો મેં વિચાર્યું જ નહોતું, પણ આમાં તકલીફ એટલી જ છે કે, જો આવું કરીશું તો તમારા પાત્રનો જે સૂર છે તે હલી જશે. દિલીપ કુમારના ગળે વાત ઉતરી ગઈ. એમણે તરત કહ્યું કે, ના- ના તું બરાબર કહે છે, આપણે તારી રીતે જ સીન કરીશું.
‘શકિત’માં કેટલાંય યાદગાર દશ્યો છે. એક સીન રાખીનાં મૃત્યુ પછીનો છે. એનો મૃતદેહ પડયો છે. અમિતાભને જેલમાંથી મરેલી માનાં અંતિમ દર્શન માટે લાવવામાં આવે છે. દિલીપ કુમાર તૂટી ચુકયા છે. દિવાલને ટેકે નિમાણા થઈને બેઠા છે. બાપ અને દીકરા વચ્ચે એક જ સેતુ હતો- માનો- અને હવે એ પણ રહૃાો નથી. દીકરાએ પોતાના સાવજ જેવા બાપને કદી આવી હાલતમાં જોયો નથી. એ બાપ પાસે જઈને બેસે છે, રડે છે, બાપના હાથ પર પોતાનો હાથ મૂકે છે. એકાદ-બે ક્ષણ માટે બાપ-દીકરાની નજર મળે છે. એ જ વખતે પોલીસ આવીને અમિતાભને લઈ જાય છે.
મૃત્યુ પહેલાં રાખી દીકરાને સમજાવવા એના ઘરે જાય છે તે સીન પણ સરસ છે. દીકરો પૈસાનો રૂઆબ છાંટે છે ત્યારે મા કહે છે, ‘મૈં અભી ઈતની કમઝોર નહીં હૂં વિજય, કિ મૈં અપને પતિ કી ઈમાનદારી કા બોજ ન ઉઠા સકું.’ સલીમ-જાવેદે લખેલી ‘દીવાર’માં પણ આવા જ ઢાળની એક સિચ્યુએશન હતી, યાદ છે? નિરૂપા રોય ધનના મદમાં છકી ગયેલા દીકરા અમિતાભને સંભળાવી દે છે, ‘અભી ઈતના અમીર નહીં હુઆ, બેટા, કિ તુમ અપની મા કો ખરીદ સકો.’
એક વાર ટીમ સેન્ટુર હોટલમાં હતી ત્યારે દિલીપકુમારે રમેશ સિપ્પીને કહેલું, ‘મેં આ છોકરા (અમિતાભ) વિશે બહુ સાંભળ્યું હતું. મેં એની અમુક ફિલ્મો પણ જોઈ છે, પણ એની સાથે કામ કરતી વખતે મને સમજાય છે કે, શા માટે એની આટલી બોલબાલા છે. આ માણસ બહુ જ મહેનતુ છે ડિસીપ્લીનવાળો છે અને ખાસ તો એનામાં ટેકિનકની સમજ છે. બહુ દાદુ એકટર છે એ. જોકે એ કેેમેરા માટે એકિટંગ કરે છે. મારૂ એવું છે કે, હું કયારેક સીનમાં વહી જાઉં છું. મને વધારે મોકળાશ જોઈએ, આઝાદી જોઈએ. હું સતત કેમેરા અને લાઈટ અને માર્કિંગ્સને ધ્યાનમાં રાખીને સીન ન કરી શકું. મારે પહેલાં સીન ઈન્સિટિંકટ વડે ફીલ કરવો પડે અને પછી હું રિએકટ કરી શકું. અમિતાભ આ બધું સમજે છે, પણ એ તગડું હોમવર્ક પણ કરે છે. એના દિમાગમાં બધું પહેલેથી સ્પષ્ટ હોય છે. આથી શૂટિંગ વખતે એ કેમેરા એંગલ્સ માટે એકદમ સભાન હોય છે અને તેથી સહેજ પણ ટેકિનકલ ભુલ કર્યા વગર શોટ આપી શકે છે. અત્યારે એ જે ઊંચાઈ સુધી પહોંચી શકયો છે એનું આ જ તો કારણ છે.’
દિલીપ કુમારના શબ્દો જ અમિતાભ માટે ઓસ્કર અવોર્ડ કરતાં કમ નથી. જોકે ‘શકિત’ રિલીઝ થયા પછી ફિલ્મ રિવ્યુઅરોએ અમિતાભ કરતાં વધારે દિલીપ કુમારને વખાણ્યા ત્યારે ગરબડ થઈ ગઈ હતી. એક રિવ્યુઅરે લખી નાખ્યું કે, દિલીપસાહેબ અમિતાભને બ્રેકફાસ્ટમાં કાચેકાચા ખાઈ ગયા! કોઈએ એવું લખ્યું કે, યે તો હોના હી થા. દિલીપ કુમાર કા પલડા ભારી હો ગયા. અમિતાભનું અપસેટ થઈ ગયા. એમને લાગ્યું કે, એમના કિરદારને પૂરતો ન્યાય નથી મળ્યો. ઈવન સલીમ-જાવેદે કબૂલ્યું કે, અમે અમિતાભનું પાત્ર દિલીપ કુમાર જેટલું સ્ટ્રોન્ગ બનાવવામાં નિષ્ફળ ગયા છીએ. તેમણે એવુંય કહ્યું કે અમિતાભને બદલે બીજો કોઈ હીરો હોત તો ફિલ્મ બોકસઓફિસ પર કદાચ વધારે ચાલી હોત. ખુદ રમેશ સિપ્પીએ એક મુલાકાતમાં કહ્યું છે કે, ફિલ્મ રિલીઝ થઈ પછી ટીમમાં થોડા સમય માટે ટેન્શન થઈ ગયું હતું. જે બાકી હતું તે ફિલ્મફેર અવોર્ડ્ઝે પૂરૂ કર્યું. બીજા વર્ષે અમિતાભ ત્રણ ફિલ્મો માટે બેસ્ટ એકટર કેટેગરીમાં નોમિનેટ થયા હતા- ‘બેમિસાલ’, ‘નમકહરામ’ અને ‘શકિત’, પણ અવોર્ડ તાણી ગયા દિલીપ કુમાર. ખેર, ધીમે ધીમે મામલો થાળે પડતો ગયો. વાસ્તવમાં અમિતાભને ફિલ્મ સામે નહીં, પણ વિવેચકોએ જે રીતે એમના રોલને નબળો ગણાવ્યો તેની સામે વાંધો હતો. ‘શક્તિ’માં અમિતાભનો અભિનય એમના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સીસમાં સ્થાન પામે છે અને આ ફિલ્મ, અફકોર્સ, આજે કલાસિક ગણાય છે.
લેખ વાંચીને ફિલ્મ જોવાનું મન થઈ ગયું હોય તો જાણી લો કે યુટ્યુબ પર આખી ફિલ્મ અવેલેબલ છે. જોઈ કાઢો.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply