મલ્ટિપ્લેક્સ – ગુજ્જુભાઈ કી નિકલી સવારી…
Sandesh- Sanskar Purti- 27 Sept 2015
મલ્ટિપ્લેક્સ
* * * * *
સૌથી પહેલાં તો, સિદ્ધાર્થ રાંદેરિયા એવું બિલકુલ નહોતા ઈચ્છતા કે પોતાનો દીકરો ઈશાન ફિલ્મલાઈનમાં આગળ વધે. પણ ઈશાન આ જ લાઈન પકડી. પછી, પપ્પાજી એ વાત જરાય કન્વિન્સ્ડ નહોતા કે પુત્ર કોઈ ગુજરાતી ફિલ્મ બનાવે. પણ ઈશાને પૂરા જોશ સાથે ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ બનાવી. આજે સ્થિતિ એવી છે કે આ ફિલ્મ થિયેટરોમાં એવી ધમાલ મચાવી રહી છે કે સિદ્ધાર્થ રાંદેરિયાના ચહેરા પરથી સ્માઈલ સૂકાતું નથી!
સુપર્બ. જોરદાર. ઓલમોસ્ટ પરફેક્ટ.
‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ જોતી વખતે અને જોયા પછી તમારા ખુશખુશાલ થઈ ગયેલા મનમાં જે શબ્દો ઉછળકૂદ કરે છે તે લગભગ આવા જ કંઈક હોવાના. ‘ગુજ્જુભાઈ…’ બે સ્તરે અસર કરે છે. એક તો, નિર્ભેળ મનોરંજનના સ્તરે. આ ફિલ્મ ભલે સિનેમેટિક માસ્ટરપીસ ન હોય,પણ તે શરૂઆતથી અંત સુધી સતત હસતા રાખીને તમને હળવા ફૂલ કરી દે છે અને એક સ-ર-સ ફિલ્મ જોઈ એનો સંતોષ આપે છે એ કંઈ નાનીસૂની વાત છે? છેલ્લે કઈ ફિલ્મમાં આપણે આટલું બધું હસ્યા હતા? બીજી અસર, ભાષાના ગૌરવના સ્તરે. આ આપણી ભાષાની ફિલ્મ છે જેણે ન્યૂ વેવ ગુજરાતી સિનેમાને સોલિડ વેગ આપ્યો છે અને તેને ચાર ડગલાં આગળ લઈ ગઈ છે.
‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ અડધી બાજી તો સિદ્ધાર્થ રાંદેરિયાના નામે જ જીતી લે છે. સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી કમર્શિયલ રંગભૂમિના સર્વસ્વીકૃત સુપરસ્ટાર છે અને સંભવતઃ સૌથી મજબૂત બ્રાન્ડ છે. આ ફિલ્મના મૂળમાં તેમનું ‘ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું’ નાટક છે એ વાત સાચી, પણ નાટક અને સિનેમા બન્ને તદ્દન અલગ માધ્યમો છે, જુદી વિદ્યાઓ છે. ગુજ્જુભાઈ સિનેમાના લેવલ પર પણ અસરદાર સાબિત થાય છે તેનો યશ ફિલ્મના ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર ઈશાન રાંદેરિયાને મળવો જોઈએ. ઈશાન એટલે સિદ્ધાર્થ રાંદેરિયાનો મોટો પુત્ર. ઓફિશિયલી, ન્યૂ વેવ ગુજરાતી સિનેમાનો પહેલો સ્ટાર-સન! ઈશાને સિનેમાની દુનિયામાં ભરેલું પગલું આશ્ચર્ય થાય એટલી હદે કોન્ફિડન્ટ છે. આ એકત્રીસ વર્ષીય બમ્બૈયા યુવાનને મળવા જેવું છે.
“સમજણો થયો ત્યારથી જ મારે ફિલ્મ ડિરેક્ટર બનવું હતું,” ઈશાન શરૂઆત કરે છે, “પણ પપ્પા બિલકુલ નહોતા ઇચ્છતા કે હું ફિલ્મલાઇનમાં જાઉં. તેમનું કહેવું હતું કે ભાઈ, આ બહુ જ જોખમી ફિલ્ડ છે, આ લાઇનમાં નિષ્ફળતા એવી કારમી હોય છે કે લોકો પાસે ખાવાના સાંસાં થઈ જાય છે. એક પ્લાન એવો હતો કે બીકોમ અને એમકોમ કર્યા પછી મારે એમબીએ કરવા અબ્રોડ જવું. મેં ઇન ફેક્ટ, એક શેર બ્રોકિંગ એજન્સીમાં બે વર્ષ કામ પણ કરી જોયું, પણ મારું મન એમાં ન લાગ્યું તે ન જ લાગ્યું. આખરે એક દિવસ મેં પપ્પાને કહી દીધું કે મારે ફિલ્મલાઇનમાં જ જવું છે. પપ્પા બહુ નિરાશ થઈ ગયા હતા તે વખતે. એમણે મારા પર કોઈ જાતનું દબાણ ન કર્યું, પણ એક પિતા તરીકે એમના મનમાં બહુ જ ડર હતો.”
શેર બ્રોકિંગ એજન્સીવાળા ગાળામાં ઈશાને છએક મહિના એક એડ એજન્સીમાં પણ કામ કર્યું હતું. વિચાર એવો હતો કે બન્ને પ્રકારના કામનો અનુભવ લઈ જોવો. આખરે ફિલ્મ ડિરેક્શનના ક્ષેત્રમાં જ આગળ વધવું છે તે નક્કી થયું એટલે દિશા સ્પષ્ટ થઈ ગઈ.
“પૂનાની એફટીઆઈઆઈ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)માં જવાની ઇચ્છા નહોતી, કેમ કે ત્યાં ત્રણ વર્ષનો કોર્સ પાંચ-સાત વર્ષ સુધી ખેંચાઈ જતો હોય છે. ફોરેનની ફિલ્મ સ્કૂલ આર્થિક રીતે પરવડે એવી નહોતી. સુભાષ ઘઈની વ્હિસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ સ્કૂલમાંથી હજુ એક પણ બેચ બહાર પડી નહોતી, પણ મને અહીંનો માહોલ ગમ્યો. આખરે હું મુંબઈમાં જન્મેલો ને ઉછરેલો છોકરો છું ને મારે બોલિવૂડમાં જ કામ કરવું હતું એટલે મેં અહીં એડમિશન લઈ લીધું.”
ઈશાને જાન્યુઆરી ૨૦૦૮માં એડમિશન લીધું ને જૂનમાં વ્હિસલિંગ વૂડ્સની અભિષેક જૈનવાળી પહેલી બેચ બહાર પડી. ફિલ્મસ્કૂલના વિદ્યાર્થી તરીકે ઈશાનનું પર્ફોર્મન્સ સરસ રહ્યું. એટલેસ્તો સેકન્ડ યરમાં એને સ્કોલરશિપ મળી અને બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા)સ્થિત ગ્રિફિથ ફિલ્મ સ્કૂલમાં છ મહિના માટે મોકલવામાં આવ્યો. અહીં એને સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઇન, પ્રોડક્શન ડિઝાઇન વગેરે વિદ્યાઓનું સરસ એક્સપોઝર મળ્યું.
“વ્હિસલિંગ વૂડ્સમાં બે વર્ષનો ડિરેક્શનનો કોર્સ કર્યા બાદ મેં બોલિવૂડમાં કામ શોધવાનો પ્રયત્ન કર્યો,” ઈશાન કહે છે, “હું રાહુલ ધોળકિયાની ટીમમાં સેકન્ડ આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયો. એ વખતે તેઓ ‘સોસાયટી’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા, જેમાં ઓમ પુરી, પરેશ રાવલ, સીમા બિશ્વાસ જેવાં કલાકારો હતાં. એ છ મહિનાનો અનુભવ મજાનો રહ્યો, પણ કોણ જાણે કેમ આ ફિલ્મ ક્યારેય રિલીઝ જ ન થઈ.”
આ સ્ટ્રગલનો દૌર હતો. વિશાલ ભારદ્વાજ, ફરહાન અખ્તરના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર વગેરે જેવા કેટલાય લોકોને મળાયું, પણ કોઈક ને કોઈક કારણસર કોઈની ટીમમાં સામેલ ન થઈ શકાયું. ઈશાન કહે છે, “રોજ સવારે ઊઠીને નક્કી કરતો કે આજે ફલાણા-ફલાણાને ફોન કરવા છે, અપોઇન્ટમેન્ટ લઈને મળવા જવું છે. ઘણાં લોકોને આ રીતે હેરાન કર્યા! સ્વભાવે હું એક્સ્ટ્રોવર્ટ નથી એટલે આ રીતે લોકોને મળવાનું ને કામ માગવાનું મને બહુ ફાવે એવું નથી, પણ હું આ બધું કરતો રહ્યો. મેં એડવર્ટાઇઝિંગ ફિલ્ડ તરફ પણ નજર દોડાવી, કેમ કે અહીં કામ પણ મળી રહે છે અને પૈસા પણ સારા હોય છે. એક-દોઢ વર્ષ મેં જુદી જુદી પ્રોડક્શન ટીમમાં આસિસ્ટ કર્યું. લગભગ પચીસથી ત્રીસ જેટલી એડ્સ પર કામ કર્યું. હું હંમેશાં કહેતો કે ભલે તમે મને પૈસા શૂટ માટે જ આપજો, પણ હું પોસ્ટ-પ્રોડક્શનમાં પણ ભાગ લઈશ. એડિટિંગ, કલર કરેક્શન, સ્પેશિયલ ઇફેક્ટ્સ વગેરે જેવી તમામ પોસ્ટ પ્રોડક્શન પ્રોસેસમાં હું ઇન્વોલ્વ્ડ રહેતો. આ બધું જ મને ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ બનાવતી વખતે બહુ કામમાં આવ્યું.”
દોઢેક વર્ષમાં આ ગાળામાં ફ્રસ્ટ્રેશનની ક્ષણો પણ ઘણી આવી હતી. ઈશાન કહે છે, “મારું કંઈ થશે કે નહીં, અહીં તો મારા કરતાંય મોટી ઉંમરના ટેલેન્ટેડ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે તો મારું શું ઊપજવાનું એવા બધા વિચારો ખૂબ આવતા, પણ મને મારું કામ ગમતું હતું. મેં જે લાઇન પકડી હતી તે ગમતી હતી એટલે ખુદને મોટિવેટ કર્યા કરતો.”
એવું નહોતું કે એડ્સમાં રચ્યાપચ્યા રહેવાથી ફિલ્મ ડિરેક્ટ કરવાનું મુખ્ય સપનું ભુલાઈ ગયંુ હતું. ૨૦૧૩નું વર્ષ ઈશાન માટે વળાંકરૂપ સાબિત થયું. ૨૦૧૨માં અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’ હિટ નીવડી હતી, જેના લીધે ગુજરાતી સિનેમામાં એક નવો માહોલ સર્જાયો હતો. ઈશાનને નવી દિશા, નવી આશા દેખાઈ. એણે ગુજરાતી ફિલ્મ બનાવવા માટે વિચારવા માંડયું. “પપ્પા સાથે હું ફિલ્મ માટે ગુજ્જુભાઈ સહિત ઘણાં આઇડિયાઝ ડિસ્કસ કરતો. એમના કરતાં બહેતર સાઉન્ડિંગ બોર્ડ મને બીજે ક્યાં મળવાનું,પણ પપ્પા જરાય કન્વિન્સ્ડ નહોતા. એમનું કહેવું હતું કે ગુજરાતી ફિલ્મો કંઈ ઝાઝી ચાલે-બાલે નહીં. તેઓ એવુંય કહેતાં કે તું મારો દીકરો છે એટલે જરૂરી નથી કે મારે તારી ફિલ્મમાં એક્ટિંગ કરવી જ પડે. હું કોઈની મદદ વગર જાતે મારા પગ પર ઊભો રહું એવી પપ્પાની ઇચ્છા હતી.”
સિદ્ધાર્થ રાંદેરિયાના ગળે વાત ઉતારવી સહેલી નથી જ. સગા દીકરા માટે પણ નહીં! પણ ભલું થજો ઈશાને સ્વતંત્રપણે ડિરેક્ટ કરેલી કોર્પોરેટ ફિલ્મો અને કેટલીક ટીવી એડ્સનું (પાર્ક એવન્યુ, વિરાટ કોહલીવાળી એક એડ્ જે ક્યારેય રિલીઝ ન થઈ, શાહરુખ ખાનની નેરોલેક પેઇન્ટની એડ જે ખૂબ ચાલી) કે જે જોઈને સિદ્ધાર્થ રાંદેરિયા કૂણા પડયા. એમને દીકરાની કાબેલિયત પર ભરોસો બેઠો. એમને થયું કે જો દીકરો મોટી સેલિબ્રિટીઓને લઈને એડ્સ બનાવી શકતો હોય તો એ ગુજરાતી ફિલ્મ જરૂર હેન્ડલ કરી શકશે.
અને પછી શરૂ થયું ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ની સ્ક્રિપ્ટને આકાર આપવાનું કામ. મૂળ નાટકની વાર્તામાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા. ફિલ્મમાં ગુજ્જુભાઈને સમાંતર બીજો યુવાન હીરો હોવો જ જોઈએ તે વિશે ઈશાનના મનમાં કોઈ અવઢવ નહોતી. સ્ક્રિપ્ટના સાતથી આઠ ડ્રાફ્ટ લખાયા. અમદાવાદનું કલ્ચર અને ભાષા બારીકાઈથી સમજવા માટે ઈશાન વચ્ચે બે મહિના માટે અમદાવાદ રહી આવ્યા. સંવાદલેખન માટે કેટલાક લેખકોનો અપ્રોચ કરી જોયો, પણ વાત જામી નહીં. એક દિવસ પરેશ રાવલે જિમમાં એક્સરસાઇઝ કરતાં કરતાં ઈશાનને કહ્યું: સારામાં સારો ડાયલોગ રાઇટર તારા ઘરમાં જ બેઠો છે, તું એને શું કામ કન્વિન્સ કરતો નથી? પણ સિદ્ધાર્થ રાંદેરિયા પોતાનાં નાટકના શોઝમાં ખૂબ બિઝી હતા. આથી ઈશાન બે મહિના સતત એમની સાથે રહ્યા, એમની સાથે બહારગામની ટૂરો કરી. સિદ્ધાર્થ રાંદેરિયા રાત્રે શો કરે અને દિવસે ફિલ્મ પર કામ કરે. ફિલ્મના એક્ટર, રાઇટર અને કો-પ્રોડયુસર આ ત્રણેય તરીકે એટલે જ સિદ્ધાર્થ રાંદેરિયાનું નામ બોલે છે.
“યુવાન હીરો માટે મારા મનમાં જિમિત ત્રિવેદી પહેલેથી ફિટ થઈ ગયો હતો,” ઈશાન કહે છે, “ખાસ કરીને એણે ‘ભૂલભુલૈયા’ફિલ્મમાં જે રીતે એક્ટિંગ કરી હતી તે જોઈને મને બકુલ બૂચના પાત્ર માટે એ એકદમ પરફેક્ટ લાગતો હતો. જોકે, ત્રણેક એક્ટરો સાથે મારી વાત ચાલતી હતી. મેં કમલેશ ઓઝાનો અપ્રોચ કરેલો, પણ એ પોતાના નાટકમાં બિઝી હતા. દિવ્યાંગ ઠક્કર (‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ ફેમ) પણ વિકલ્પ હતો (અમે બન્ને વ્હિસલિંગ વૂડ્સમાં સાથે ભણ્યા છીએ), પણ આખરે જિમિત ફાયનલાઇઝ થયો. તમે માનશો, જિમિતનું કાસ્ટિંગ સૌથી છેલ્લું થયું હતું. હું બિલકુલ ક્લિયર હતો કે આ રોલ માટે કરેક્ટ એક્ટર મળશે તો અને ત્યારે જ હું ફિલ્મ બનાવીશ.”
બ્રિલિયન્ટ કાસ્ટિંગ છે જિમિતનું. ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’માં એમણે સિદ્ધાર્થ રાંદેરિયાને જોરદાર ટક્કર આપી છે. ઇન ફેક્ટ, કેટલાંય દૃશ્યોમાં એ રીતસર છવાઈ જાય છે. હી ઇઝ ધ સીન-સ્ટિલર ઓફ ધ ફિલ્મ! ફિલ્મનું શૂટિંગ જોકે બહુ જ સ્ટ્રેસફુલ પુરવાર થયું હતું. એક્ટરોની તારીખ મળે તે પ્રમાણે આખી ફિલ્મ એડજસ્ટ કરી-કરીને, ટુકડે ટુકડે, આડાઅવળા ક્રમમાં શૂટ થઈ છે. અધવચ્ચે આસિસ્ટન્ટો બદલાયા, પ્રોડક્શનના માણસો, કોસ્ચ્યુમ ડિઝાઇનર વગેરે બદલાયા. કદાચ આ એક ગુજરાતી ફિલ્મ હતી એટલે ટીમના ઘણાં લોકો એને ગંભીરતાથી લેતા નહોતા. આમ જોવા જાઓ તો અડચણો કંઈ ફિલ્મના મેકિંગમાં ઊભી થતી નથી? પણ કહે છેને કે ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. મજાની વાત એ છે કે શૂટિંગ દરમિયાન જે કંઈ તકલીફો પડી હશે તે આપણને ‘ગુજ્જુભાઈ…’ જોતી વખતે સ્ક્રીન પર દેખાતી નથી. ઓડિયન્સને તો એક મસ્તમજાની પ્રોડક્ટ જ જોવા મળે છે. એ જ તો મહત્ત્વનું છે.
‘ગુજ્જુભાઈ…’ જે શાનદાર રીતે રિલીઝ થઈ છે એ ગુજરાતી સિનેમા માટે અભૂતપૂર્વ છે. ગુજરાત અને મુંબઈ મળીને એકસાથે ૧૧૩ થિયેટરોમાં તે રજૂ થઈ. રોજના ૨૧૨ શોઝ. લોકોને ફિલ્મ એટલી બધી પસંદ પડી ગઈ છે કે થિયેટર અને શોઝ બન્નેના આંકડા ક્રમશઃ વધતા જાય છે. ‘ગુજ્જુભાઈ…’ને મોટા સ્તરે રિલીઝ કરવાનું શક્ય બની શક્યું એનું એક બહુ મોટું કારણ અભિષેક જૈનની ફિલ્મોનાે સુપરહિટ ટ્રેક રેકોર્ડ છે એવું ઈશાન દિલપૂર્વક સ્વીકારે છે. ‘કટ્ટી બટ્ટી’ જેવી બિગ બજેટ મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મને પછાડીને આપણી ભાષાની ફિલ્મ થિયેટરોમાં અત્યારે આગળ વધી રહી છે તે જોઈને દિલને ભારે ટાઢક વળે છે!
“બધા મને કહ્યા કરે છે કે ભાઈ, હવે તો હળવો થા, હવે તો સ્માઇલ કર, બટ આઈ ડોન્ટ નો, મને હજુય થયા કરે છે કે ફિલ્મ ઘણી બહેતર બની શકી હોત. કદાચ આવું મને એકલાને નહીં, દરેક ફિલ્મમેકરને પોતાની ફિલ્મ રિલીઝ થયા પછી ફીલ થતું હશે!” ઈશાન કહે છે, “પપ્પા ખૂબ જ ખુશ છે. હી ઇઝ વેરી પ્રાઉડ ઓફ મી. આનાથી વધારે શું જોઈએ?”
હવે પછી શું? ‘ગુજ્જુભાઈ…’ની સિક્વલ? “આઈ ડોન્ટ નો!” ઈશાન સમાપન કરે છે, “લેટ્સ સી!”
જો ‘ગુજ્જુભાઈ…’ પાર્ટ ટુ બનશે તો સંભવતઃ ગુજરાતી સિનેમાની તે સર્વપ્રથમ સિક્વલ હશે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply