મલ્ટિપ્લેક્સ: જીવન, મૃત્યુ અને એમી વાઈનહાઉસ
Sandesh- Sanskar Purti- 12 July 2015
મલ્ટિપ્લેક્સ
* * * * *
ગજબની ટેલેન્ટેડ બ્રિટિશ ગાયિકા અને ગીતકાર એમી વાઈનહાઉસનું ફકત ૨૭ વર્ષની ઉંમરે અતિ ડ્રગ્ઝ અને અતિ શરાબને કારણે મૃત્યુ થઈ ગયું. શું એ માત્ર વ્યસનોને કારણે મરી હતી? કે પછી હાનિકારક સંબંધોએ પણ એનો જીવ હણવામાં યથાશકિત ફાળો આપ્યો હતો? જેનાથી એમી ઘેરાયેલી રહેતી એ પરિવારજનો, દોસ્તો તેમજ પ્રોફેશનલ સાથીઓ એને કેમ બચાવી ન શકયા? મૃત્યુના ચાર વર્ષ પછી પણ આજેય એમીનું મોત એક અકળ ભેદ બનીને ઊભું છે. કાચી ઉંમરે રહસ્યમય રીતે મૃત્યુને ભેટેલા હાઈ-પ્રોફાઈલ કલાકારનું જીવન ફિલ્મો તેમજ કથાઓ માટે આકર્ષક વિષય બની જતું હોય છે.
આજે કોઈ હિન્દી કે ઈંગ્લિશ ફીચર ફિલ્મને બદલે એક ઉત્તમ ડોકયુમેન્ટરી વિશે વાત કરવી છે. સિનેમાના પ્રેમીઓએ રેગ્યુલર ફિલ્મોની સાથે સાથે શોર્ટ ફિલ્મ્સ અને ડોકયુમેન્ટરી માટેનો ટેસ્ટ પણ ધીમે ધીમે કેળવવો જોઈએ. આજે જેની વાત કરવાના છીએ તે ડોકયુમેન્ટરીનું નામ છે, ‘એમી’. ભારતીય મૂળ ધરાવતા આસિફ કાપડિયા નામના બ્રિટિશ ફિલ્મમેકરે બનાવેલી ‘એમી’ આ શુક્રવારે ભારતમાં રિલીઝ થઈ છે. ડોકયુમેન્ટરીઝની દુનિયામાં આસિફનું નામ અને કામ બન્ને મોટાં છે. ‘એમી’નું પ્રીમિયર આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયું હતું. ખૂબ વખણાઈ આ ફિલ્મ. તરત જ એને ટ્રેજિક માસ્ટરપીસનું બિરુદ આપી દેવામાં આવ્યું.
એમી એટલે એમી વાઈનહાઉસ. ગજબની ટેલેન્ટેડ બ્રિટિશ ગાયિકા અને ગીતકાર. ઘણા લોકો એને મ્યુઝિકલ જિનિયસ કહેતા. રુપકડો કરતાં વરણાગી વધારે લાગે એવો એનો દેખાવ. એ ઘેરું કાજલ લગાડતી અને બન્ને આંખને ખૂણે ઊંચે સુધી તીખી અણી બનાવતી. હેરસ્ટાઈલ ૧૯૬૦-૭૦ના દાયકાની આપણી હિન્દી હિરોઈનો જેવી. ઊંચો, ડબલ અંબોડો લીધો હોય એવી. વેસ્ટર્ન મ્યુઝિકનાં ક્ષેત્રમાં એમી વાઈનહાઉસ બોમ્બની જેમ ફાટી. કમનસીબે એની પ્રતિભા હજુ તો પૂરેપૂરી નિખરીને બહાર આવે અને એ નવી ઊંચાઈઓ સર કરે તે પહેલાં ફકત ૨૭ વર્ષની ઉંમરે અતિ ડ્રગ્ઝ અને અતિ શરાબને કારણે એનું મૃત્યુ થઈ ગયું. શું એ માત્ર વ્યસનોને કારણે મરી હતી? કે પછી હાનિકારક સંબંધોએ પણ એનો જીવ હણવામાં યથાશકિત ફાળો આપ્યો હતો? જેનાથી એમી ઘેરાયેલી રહેતી એ પરિવારજનો, દોસ્તો તેમજ પ્રોફેશનલ સાથીઓ એને કેમ બચાવી ન શકયા? મૃત્યુના ચાર વર્ષ પછી પણ આજેય એમીનું મોત એક અકળ ભેદ બનીને ઊભું છે. કાચી ઉંમરે રહસ્યમય રીતે મૃત્યુને ભેટેલા હાઈ-પ્રોફાઈલ કલાકારનું જીવન ફિલ્મો તેમજ કથાઓ માટે આકર્ષક વિષય બની જતું હોય છે.
એમી વાઈનહાઉસનાં નામે પાંચ વર્ષની કરીઅરમાં ફકત ત્રણ આલ્બમ બોલે છે. દાયકાઓ કે સદીઓ પહેલાં થઈ ગયેલા વ્યકિતવિશેષ વિશે વાત કરતી વખતે થોડી ક્રિયેટિવ છૂટછાટ લઈ શકાતી હોય છે, પણ એમીનું જીવન અને મૃત્યુ બન્ને લોકોની સ્મૃતિમાં સાવ તાજાં હતાં. તેથી તેને પડદા પર પેશ કરતી વખતે વધારે સતર્ક રહેવું પડે. એમીને લગતું બધું ફૂટેજ મળશે? એના પરિવારજનો, ભૂતપૂર્વ પતિ, દોસ્તો, પ્રોફેશનલ સાથીઓ વગેરે ખૂલીને પ્રામાણિકતાથી કેમેરા સામે બોલશે? કામ પડકારજનક હતું,પણ આસિફ કાપડિયાએ પ્રયત્ન છોડયા નહીં.
એમીનું આખું જીવન ઘટનાચૂર હતું. સોળ વર્ષની થઈ ત્યારે એને મ્યુઝિક સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એનું ધ્યાન ભણવામાં ચોંટતું નહોતું એટલે અને એણે નાક વીંધાવ્યું હતું એટલે! સદનસીબે એ જ વર્ષે એને જિંદગીનો પહેલો મોટો બ્રેક મળ્યો. એમીના પોપસિંગર દોસ્તે એની ડેમો ટેપ પોતાની કંપનીના માલિકોને સંભળાવી. કંપની એ વખતે સારા જેઝ સિંગરની શોધમાં હતી. એમીનો અવાજ ગમી જતાં એમણે એમીને સાઈન કરી લીધી. આ રીતે ૨૦૦૩માં એમીનું પહેલું આલબમ બહાર પડયું-‘ફ્રેન્ક’. તે ખૂબ વખણાયું. ઘણા અવોર્ડ્ઝ જીત્યાં એણે. એમીના અવાજમાં ગજબની પક્વતા હતી. એને સાંભળીને લોકોને એવી લાગણી થતી જાણે આ છોકરી આખી જિંદગીની તડકીછાંયડી જોઈને બેઠી છે.
એમીએ પુખ્ત થતાં પહેલાં જ શરાબ પીવાનું શરૂ કરી દીધું હતું. એની ઈમેજ એક શરાબી પાર્ટી ગર્લ તરીકે પડી ગઈ હતી. પહેલાં આલબમ પછી એનાં સ્ટેજ પર્ફોર્મન્સીસ થતાં ત્યારે પણ એ શરાબ ઢીંચીને આવતી. આ જ અરસામાં એનો ભેટો બ્લેક ફીલ્ડર-સિવિલ નામના છોકરા સાથે થઈ ગયો. એ મ્યુઝિક વિડીયો આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. એમીને નશીલી દવાનો ચટકો આ છોકરાએ જ લગાડયો. એમીને હેરોઈન-કોકેન જેવી ખતરનાક ડ્રગ્ઝનો બંદોબસ્ત કરી આપવાનું એનું મુખ્ય કામ. ધીમે ધીમે એ એનો બોયફ્રે્ન્ડ બની ગયો. બન્ને વચ્ચે જાહેરમાં ઝઘડા અને મારામારી સુધ્ધાં થતી, પણ એમીને એના વગર ચાલતું નહીં. બ્લેકને એ પોતાનું પુરુષ-વર્ઝન કહેતી.
એમીનાં શરાબ- ડ્રગ્ઝ એટલા વધી ગયાં કે એની મેનેજમેન્ટ કંપનીએ એને નશાથી છૂટકારો મેળવવા ત્રણ અઠવાડિયા માટે રિહેબ સેન્ટરમાં જવાની સલાહ આપી હતી. એમીએ ચોખ્ખી ના પાડી દીધી. પોતાના આ અનુભવને એણે ‘રિહેબ’ ગીતમાં ઢાળ્યો. એમીના બીજાં મેગા હિટ આલબમ ‘બેક ટુ બ્લેક’નું આ મુખ્ય ગીત બન્યું. યુરોપ બાદ અમેરિકામાં આલબમ લોન્ચ થતાં જ સુપર હિટ થઈ ગયું હતું. બિલબોર્ડ મ્યુઝિક ચાર્ટમાં કેટલાંય અઠવાડિયાં સુધી તે અડિંગો જમાવીને બેસી રહૃાું. અમેરિકાના મ્યુઝિક ચાર્ટમાં કોઈ બ્રિટીશ મહિલા સિંગરનું ગીત આટલો લાંબો સમય રહૃાું હોય તેવું પહેલી વાર બન્યું. એ જ અરસામાં એમીએ બ્લેક સાથે લગ્ન કર્યાં. એ બ્લેકને પ્રેમ પણ કરતી હશે, બ્લેકને એ પોતાની પ્રેરણા ગણતી હતી, પણ આ ધીમે ધીમે સ્પષ્ટ થતંુ ગયું કે એમી-બ્લેકનાં લગ્નજીવનનો પાયો પ્રેમ કે દોસ્તી નહીં, પણ ડ્રગ્ઝનું બંધાણ હતું. એમીએ ખુદ આ વાત કબૂલી હતી.
૨૦૦૮માં એમીના ‘બેક ટુ બ્લેક’ આલબમે પાંચ ગ્રેમી અવોર્ડ્ઝ જીતી લઈને ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો. ગ્રેમીના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ બ્રિટીશ સિંગરે એક સાથે પાંચ-પાંચ અવોર્ડ જીતી લીધા હોય. કમબખ્તી એ થઈ હતી કે ડ્રગ્ઝના ડિંડવાણાને કારણે એમીને અમેરિકાનો વિસા ન મળ્યો. એ ગ્રેમી અવોર્ડ ફંકશનમાં હાજર ન રહી શકી. એણે જે પર્ફોર્મન્સ આપવાનું હતું તે લંડનમાં આપવું પડયું. ગ્રેમી અવોર્ડ ફંકશનમાં તે લાઈવ દેખાડવામાં આવ્યું. એક પછી એક પાંચ અવોર્ડ ઘોષિત થયા ત્યારે એમીના આનંદનો પાર ન રહૃાો. એક દોસ્તને એણે તે વખતે કહેલું: શીટ યાર, ડ્રગ્ઝ વગર હું ખુશી બરાબર ફીલ કરી શકતી નથી. ઈટ્સ બોરિંગ વિધાઉટ ડ્રગ્ઝ! સિદ્ધિની આવી ચરમ ક્ષણે પણ એમી ડ્રગ્ઝને મિસ કરી રહી હતી!
એમીના પિતા મિચ વાઈનહાઉસ પણ અજબ કેરેકટર છે. ડ્રગ્ઝના પ્રલોભનથી દૂર રહી શકાય તે માટે એમી એક વાર થોડા દિવસો માટે સેન્ટ લુસિયા ગઈ હતી તો એના પિતા પોતાની સામે કેમેરા ક્રૂ લઈને પાછળ પાછળ ત્યાં પહોંચી ગયા હતા. મિચ પોતાની સેન્ટ લુસિયાની ટ્રિપને રેકોર્ડ કરવા માગતા હતા! એમી પાપારાઝીઓના ત્રાસથી બચવા માગતી હતી, પણ બાપ પોતે જ ફોટોગ્રાફરોને પોતાની સાથે તેડી લાવ્યો! દીકરી મોત સામે સંઘર્ષ કરી હોય, ડ્રગ્ઝથી છૂટવાનો મરણિયા પ્રયત્નો કરી રહી હોય ત્યારે બાપ તરીકે એણે હૂંફ આપવાની હોય કે દીકરીની પીડાનો તમાશો કરવાનો હોય? દીકરીની સફળતા અને પ્રસિદ્ધિનો નશો બાપને ચડી ગયો હતો? એ લાલચુ અને સંવેદનહીન બની ગયો હતો? એમીની પડતીમાં એના પતિદેવનો મોટો હાથ હોત જ,પણ એમીના પિતાની ભુમિકા પણ કંઈ વખાણવા જેવી તો નથી જ. આસિફ કાપડિયાએ ડોકયુમેન્ટરી માટે એમીના પિતાજીનો અપ્રોચ કર્યો ત્યારે એણે તાનમાં તાનમાં ઈન્ટરવ્યુ તો આપી દીધો, પણ પછી ફફડી ઉઠયા. ડોકયુમેન્ટરીમાં પોતાનું ખરાબ દેખાશે એવો અણસાર આવતા એણે આસિફ અને એની ફિલ્મની બુરાઈ શરૂ કરી દીધી. આસિફ અને એના પ્રોડયુસરોએ શરમાવું જોઈએ એ પ્રકારના આકરા સ્ટેટમેન્ટ સુધ્ધાં કરી નાખ્યા.
લાખ કોશિશ છતાં એમી શરાબ અને ડ્રગ્ઝથી દૂર ન જ રહી શકી. સ્ટેજ પર ગીત ગાવા આવે ત્યારે એના પગ લથડિયાં ખાતા હોય, એ ગડથોલું ખાઈને પડી જાય, શબ્દો ભુલી જાય, ઓડિયન્સ હૂરિયો બોલાવે. આવું કેટલુંય વાર બનતું. આ બધા શરમજનક વિડીયો યુટયુબ પર આજે ય જોઈ શકાય છે. એક વાર એમીએ પોતાની ચાહકને લાફો ઠોકી દીધો હતો. એનીની કેટલીય કોન્સર્ટ્સ કેન્સલ કરવી પડતી. એમી અને એના વરે એકથી વધારે વાર જેલમાં જવું પડયું. એ બન્નેના પછી ડિવોર્સ પણ થઈ ગયા. એમીની આવી વંઠેલ લાઈફસ્ટાઈલથી મિડીયાને જલસો પડી જતો. ટેબ્લોઈડ્સ અને ટીવીના ગોસિપ શોઝમાં એમી છવાયેલી રહેતી. એનીની બ્રાન્ડવેલ્યુ ઓર ઊંચકાતી. મ્યુઝિક આલબમ્સ ઓર વેચાતા. ‘રોકસ્ટાર’ ફિલ્મનો રણબીર કપૂર યાદ આવે છે? બસ, એવું જ નિરંકૂશ એમીનાં જીવનમાં વાસ્તવમાં બની રહૃાું હતું. આખરે શરાબ, ડ્રગ્ઝ અને કથળેલી શારીરિક-માનસિક હાલતે ૨૭ વર્ષની એમીનો જીવ લીધો.
એમીના ચાહકોને એ વાત સમજાતી નથી કે એમી સતત આટલા બધા લોકોથી વીંટળાયેલી રહેતી તો એ આ રીતે મરી શી રીતે શકે? એમીએ દોસ્તોનાં ટોળાં એકઠા કરી નાખ્યા હતા. સૌ પોતાને એમીના બેસ્ટ ફ્રેન્ડ ગણાવતા. જોવા જેવી વાત એ હતી કે આ બેસ્ટ ફ્રેન્ડોએ આપસમાં એકબીજાનું નામ પણ સાંભળ્યું નહોતું. એમી પોતાના દોસ્તોને એકબીજાથી અલગ-અલગ રાખતી, તેમની વચ્ચે વિભાજનરેખા દોરી રાખતી. આથી એવું બનતું કે જે-તે દોસ્ત અમુક સમય પૂરતો એની ખૂબ નિકટ હોય, પણ એની પાસે આખું ચિત્ર ન હોય. ખૂબ બધા દોસ્તો હોવા છતાં એમી એકલતા અનુભવતી.
એમી માટે એવો સવાલ પૂછાય છે કે શું એ પોતાની ટેલેન્ટ કરતાં વંઠેલ લાઈફસ્ટાઈલના જોરે સુપર સેલિબ્રિટી બની ગઈ હતી? કે પછી, એ એક અસલી કલાકાર હતી જે શિખર પહોંચે તે પહેલાં જ વિલીન થઈ ગઈ? આસિફ કાપડિયા એક મુલાકાતમાં કહે છે, ‘મારી ડોકયુમેન્ટરી માટે હું લગભગ સો લોકોને મળ્યો, પણ મને તકલીફ એ વાતની છે કે કોઈએ મને સાચા અને સંતોષકારક જવાબો આપ્યા નથી. સૌ એમીને ટુકડાઓમાં જાણતા હતા. એવી કોઈ વ્યકિત નથી જેને એમી વિશે બધ્ધેબધ્ધી ખબર હોય.’
‘એમી’ ફિલ્મમાં આ જ છે- એમીના જીવન અને મૃત્યુને ઉકેલવાનો પ્રયાસ. તમને વેસ્ટર્ન મ્યુઝિકમાં ઊંડો રસ ન હોય તો પણ એક કલાકારની ચડતીપડતી સમજવા માટે ‘એમી’ ડોકયુમેન્ટરી જોવા જેવી છે.
શો-સ્ટોપર
મને આજકાલની છોકરડીઓ ગમતી નથી. એ લોકો બહુ જ બોલ-બોલ કરે, તમને ‘બ્રો’ કહીને સંબોધે. આ બધી છોકરી કરતાં છોકરા જેવી વધારે દેખાતી હોય છે. એ વધારે પડતી કયુટ હોય છે અને અકારણ આકરું વર્તન કરતી હોય છે.
– રંદીપ હૂડા
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply