મલ્ટિપ્લેક્સ : ઝોયા કો ધડકને દો
Sandesh – Ardh Saptahik Purti – 7 June 2015
મલ્ટિપ્લેક્સ
ઝોયા અખ્તરની ફિલ્મો ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેમાં જોરદાર એક્સાઇટમેન્ટ પેદા કરી નાખે છે. ઝોયા કોની સાથે લગ્ન કરે છે અથવા તો લાઇફમાં ક્યારેય કોઈને પરણે છે કે નહીં એ એની અંગત વાત છે. આપણને તો એ જાણવામાં રસ છે કે ઝોયા હવે પછી શું બનાવે છે અને કેવું બનાવે છે.
* * * * *
બહુ ઓછા એવા ફિલ્મમેકરો હોય છે જેની ફિલ્મોની અધ્ધરજીવે રાહ જોવાનું આપણને મન થાય. ઝોયા અખ્તર આ પ્રકારની ફિલ્મમેકર છે. એની પહેલી ફિલ્મ ‘લક બાય ચાન્સ’ ભલે બોક્સઓફિસ પર ન ચાલી, પણ તે ફિલ્મ-વિધિન-અ-ફિલ્મ જોનરની એક મસ્તમજાની ફિલ્મ હતી. ‘જિંદગી ના મિલેગી દોબારા’ ટીવી પર વારંવાર જોઈએ,અધવચ્ચે કોઈ પણ સીનથી જોવાનું શરૂ કરીએ તોપણ દર વખતે પહેલી વાર જોતા હોઈએ એટલો આનંદ આપે છે. કેટલી ફિલ્મોમાં આ પ્રકારની ક્વોલિટી હોય છે? લાંબી પ્રતીક્ષા પછી આ શુક્રવારે ઝોયાની લેટેસ્ટ ફિલ્મ ‘દિલ ધડકને દો’ આવી છે. આજનું છાપું તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં ઉત્સાહીઓએ ફેસબુક, ટ્વિટર અને વોેટ્સએપ પર ‘દિલ ધડકને દો’ના રિવ્યૂઝની ધમાચકડી મચાવી દીધી હશે. ફિલ્મી પંડિતોએ આ ફિલ્મ કેટલી હિટ છે કે ફ્લોપ છે એનો લગભગ ચુકાદો આપી દીધો હશે. ઝોયા અખ્તરની ફિલ્મો ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી બન્નેમાં જોરદાર એક્સાઇટમેન્ટ પેદા કરી નાખે છે એ તો નક્કી.
ઝોયાની ફિલ્મોમાં એ જ દુનિયા અને એવાં જ કિરદારો હોય છે, જે એણે અસલી જિંદગીમાં જોયાં છે. એનાં પાત્રો કૃત્રિમતાથી દૂર રહીને સાચુકલું જીવવાની કોશિશ કરતાં હોય છે. સામાન્યપણે ઉષ્માહીન બાર્બી ડોલ જેવી દેખાતી કેટરીના કૈફ ‘જિંદગી ના મિલેગી દોબારા’માં પહેલી વાર એક જીવંત અને ધબકતી યુવતી લાગી હતી. પેલા યાદગાર સીનમાં કેટરિના એના તાજા તાજા બનેલા દોસ્ત રિતિક રોશનને કહે છેઃ “સીઝ ધ મોમેન્ટ, માય ફ્રેન્ડ. આ ક્ષણને ઝડપી લે. જિંદગીમાં જે કરવાની ખ્વાહિશ છે તે આ જ પળે કરી લે. પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી તું જીવતો હોઈશ એની શી ખાતરી છે?” ગેરસમજના પાયા પર ઊભા થઈ ગયેલા સંબંધમાં ગૂંગળામણ અનુભવતો અભય દેઓલ આખરે હિંમત કરીને તે સંંબંધના બોજને દૂર ફગાવી દે છે. ફરહાન યુવાનવયે પહેલી વાર પોતાના પિતાને મળે છે ત્યારે દર્શકને સમજાય છે કે બહારથી મસ્તમૌલા લાગતો ફરહાન ભીતર કેટલી બધી પીડાને દબાવીને જીવતો હતો. કેથાર્સિસની, પાત્રોની પરિપક્વ થવાની પ્રક્રિયાને ઝોયા પૂરી સંવેદનશીલતા સાથે પડદા પર પેશ કરી જાણે છે.
કહેનારાઓ કહેશે કે ઝોયા ટેલેન્ટેડ હોય એમાં શી મોટી વાત છે. જાવેદ અખ્તર જેવા લેજન્ડરી ફિલ્મરાઇટર-ગીતકાર પિતા હોય અને ‘લમ્હેં’ સહિત કેટલીય હિટ ફિલ્મો લખી ચૂકેલી હની ઈરાની જેવી લેખિકા મા હોય તો સંતાનમાં એ બધું ઊતરવાનું જ છેને. વેલ, આ પ્રકારના પરિવારમાં જન્મ લેવાથી ફર્ક ચોક્કસ પડે છે, પણ માંહ્યલામાં દમ ન હોય, મહેનત અને નિષ્ઠા સાથે બાપે માર્યા વેર હોય તો કશું જ ઉકાળી શકાતું નથી. જાવેદ-હનીનાં સંતાન હોવું આસાન પણ નહોતું. ઝોયા અને એનો ભાઈ ફરહાન નાનાં હતાં ત્યારે જાવેદ-હની છૂટાં પડી ગયાં હતાં, જાવેદે શબાના આઝમી સાથે સંસાર માંડયો હતો. હનીએ સિંગર mother બનીને બચ્ચાં ઉછેર્યાં. જાવેદ અને હની વચ્ચે કંઈકેટલાંય યુદ્ધો ખેલાયાં છતાંય એમની મૈત્રી સ્વેચ્છાએ યા તો ફરજિયાતપણેે જળવાઈ રહી. જોકે, બન્ને સંતાનો આજે જે રીતે સફળ અને સેન્સિબલ વ્યક્તિ બનીને ઊભર્યાં છે તે જોતાં લાગે છે કે જાવેદ-હનીએ લગ્નવિચ્છેદ પછીના આપસી સંબંધને ખાસ્સી સમજદારી અને પરિપક્વતા સાથે હેન્ડલ કર્યો હોવો જોઈએ.
ઝોયા આઠ વર્ષની હતી ત્યારે હનીએ પૂનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)માં એડમિશન લીધું હતું. વીકએન્ડમાં બાળકો મા પાસે જતાં. કેમ્પસમાં આમતેમ દોડાદોડી કર્યાં કરતાં. હની પાસે દુનિયાભરની ફિલ્મોની વીડિયો કેસેટ્સનું કલેક્શન હતું. માને લીધે ઝોયા-ફરહાનને નાની ઉંમરથી જ વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર મળી ગયું હતું. ઝોયા નાની હતી ત્યારે સ્કૂલમાં નિબંધો સરસ લખતી. ટીચરો હંમેશાં એને કહેતાં, તું મોટી થઈને તારા ડેડીની જેમ રાઇટર બનવાની. સારું લખવા-વાંચવા ઉપરાંત આસપાસ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું, તર્ક કરવો, પ્રશ્નો કરવા, ડિસ્કસ-ડિબેટ કરવું આ બધું પણ ઝોયા ડેડી પાસેથી શીખી છે.
ઝોયા કરતાં ફરહાન દોઢ વર્ષ નાનો. નાનપણમાં ફરહાનને આંખના પલકારામાં વાત ઉપજાવી કાઢવાની આદત. વળી, એ એવી સરસ રીતે રજૂઆત કરે કે સામેનો માણસ સાચું માની લે. એકમાત્ર ઝોયા જ એનું જૂઠ પકડી શકતી. ઘરમાં ભાઈ-બહેનને અલગ કમરા આપવામાં આવ્યા હતા, પણ ફરહાન ધરાર બહેનના રૂમમાં જ પડયોપાથર્યો રહે. આ મામલે બન્ને વચ્ચે કાયમ રમખાણો ફાટી નીકળતાં. વીસ-બાવીસ વર્ષનાં થયાં ત્યાં સુધી તેમની વચ્ચે નોર્મલ ભાઈ-બહેન વચ્ચે થતી હોય એવી તકરારો થયા કરતી. એક ઇન્ટરવ્યૂમાં ફરહાન કહે છે, “ઝોયા જેવી પ્રામાણિક વ્યક્તિ મેં બીજી એકેય જોઈ નથી. એ તમારા મોઢા પર સાચેસાચંુ બોલી દેશે, તમને માઠું લાગી જશે તે બીકે જૂઠું ક્યારેય નહીં બોલે. મને એટલે જ એના માટે ખૂબ માન છે, કારણ કે એ મારી સામે અરીસો ધરી દે છે. મારું એવું નથી. સામેના માણસને નહીં ગમે એવું લાગે તો હું ક્યારેક ગોળ ગોળ જવાબ આપી દઉં, મને ખબર નથી એવું કહી દઉં. અમારી વચ્ચે આ મુખ્ય ફર્ક છે.”
ભાઈ-બહેનની પર્સનાલિટીમાં જોકે આ સિવાય પણ ઘણો ફર્ક છે. ફરહાન અત્યંત ચીવટવાળો માણસ. શિસ્તબદ્ધ અને ચોખલિયો પણ એટલો જ. એનાં કાગળિયા, ડ્રોઅર, કબાટનાં ખાનાં, પુસ્તકો અને ડીવીડીનું કલેક્શન, અન્ય ચીજવસ્તુઓ બધું જ ટિપટોપ હોય. ઇવન એના કમ્પ્યૂટરમાં તમને એક પણ નકામી ફાઇલ ન જોવા મળે. એના ડેસ્કટોપ પર એક જ આઇકન હોય. સામે પક્ષે ઝોયાના કમ્પ્યૂટરની સ્ક્રીન પર આઇકન, ફાઇલ અને ફોલ્ડરોની એવી જમઘટ હોય કે ટપકું મૂકવાનીય જગ્યા ન મળે. ઝોયાનું બધું જ વેરવિખેર અને આડેધડ પડયું હોય. એ પ્રમાદી પણ ખૂબ. કામ સતત પાછળ ધકેલ્યા કરે. આ અવગુણ એને પપ્પા જાવેદ અખ્તર તરફથી મળ્યો છે.
જાવેદસાહેબ અને ફરહાન ફિલ્મ લખતાં હોય ત્યારે એકાંતમાં કામ કરવા માટે હોટલનો કમરો બૂક કરતાં હોય છે. ઝોયાને આવાં નખરાંની જરૂર પડતી નથી. એ લેપટોપ લઈને બાથરૂમમાં પણ લખી શકે છે. એ જોકે ટેબલખુરશી પર બેસીને લખી શકતી નથી. એ સોફા પર કે પલંગ પર લાંબી થઈને સૂતી હોય, પેટ પર લેપટોપ ગોઠવ્યું હોય ને એની આંગળીઓ ચાલતી હોય. ઝોયાની બેસ્ટ ફ્રેન્ડ રીમા કાગતી, કે જે સ્વયં સારી ફિલ્મમેકર-રાઇટર છે. એ કહે છે, “ઝોયાને કાયમ ઊંઘ જ આવતી હોય. મારે એને કહેવું પડે કે બહેન, પહેલાં આ કામ પૂરું કર, પછી તારે સૂવું હોય એટલંુ સૂઈ લેજે. અમે સાથે ફિલ્મ લખતાં હોઈએ ત્યારે સામાન્યપણે અમારી ર્વિંકગ પેટર્ન એવી હોય કે ઝોયા સીન લખે ને પછી હું એને મઠારું, એમાં નવા રંગ પૂરું. એક વાર અમે એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યાં હતાં. ડેડલાઇન પાસે આવી ગઈ હતી. ખૂબ ટેન્શન હતું. મેં ઝોયાને ફોન કર્યો કે ઝોયા, તું પેલો સીન મને ગયા અઠવાડિયે મોકલવાની હતી, હજુ સુધી કેમ મોકલ્યો નથી? સોરી કહેવાને બદલે એણે મને ઊલટાની ધધડાવી નાખીઃ શું કામ મને ડિસ્ટર્બ કરી? કેટલી સરસ ઊંઘ આવી ગઈ હતી!”
ઝોયાના જીવનમાં મા-બાપ અને ભાઈ પછી સૌથી મહત્ત્વની કોઈ વ્યક્તિ હોય તો એ છે રીમા કાગતી છે. રીમાના નામે ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘તલાશ’ જેવી ફિલ્મો બોલે છે. બન્નેનો ભેટો રજત કપૂરની ‘પ્રાઇવેટ ડિટેક્ટિવઃ ટુ પ્લસ ટુ વન’ (૧૯૯૭) નામની ફિલ્મના મેકિંગ દરમિયાન થયો હતો. આ ફિલ્મ જોકે ક્યારેય રિલીઝ થઈ જ નહીં, પણ ઝોયા-રીમાની દોસ્તી જામી ગઈ. એમણે કેટલીય એડ ફિલ્મ્સ માટે સાથે કામ કર્યું. ફરહાને ‘દિલ ચાહતા હૈ’ બનાવી ત્યારે ઝોયા ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી અને રીમા સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર. તે પછી ‘લક્ષ્ય’, ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’, ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘તલાશ’ જેવી ફિલ્મોમાં બન્નેએ સહલેખક, ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર વગેરે જેવી જુદી જુદી કેપેસિટીમાં સાથે કામ કર્યું.
ઝોયાએ ‘લક બાય ચાન્સ’ની સ્ક્રિપ્ટ ગોવાના દરિયાકાંઠે લખી હતી. ત્રણ મહિને મુંબઈ પાછી ફરી ત્યારે એની પાસે ત્રણસો પાનાંની તોતિંગ બાઉન્ડ સ્ક્રિપ્ટ હતી. રીમા કાગતીએ સ્ક્રિપ્ટમાંથી નકામી ચરબી દૂર કરી. પછી ફરહાન, જાવેદસાહેબ અને હનીને અભિપ્રાય માટે આપી હતી.
ફરહાન સોળ-સત્તર વર્ષનો હતો ત્યારે સાવ દિશાહીન હતો. ઘરમાં સૌને ટેન્શન હતું કે આ છોકરો આગળ જઈને લાઇફમાં શું ઉકાળશે, પણ ફરહાને ઉત્તમ રાઇટર, ડિરેક્ટર, એક્ટર, પ્રોડયુસર તરીકે કમાલ કરીને સૌને ચકિત કર્યા. ફરહાન માટે હવે એવો જોક પ્રચલિત છે કે એ ધારે તો પાંચ વર્ષમાં ડોક્ટર બનીને દેખાડી શકે! ઝોયા ભાઈ જેટલી મલ્ટિ-ટેલેન્ટેડ નથી. ફરહાન નાનો છે, પણ એ વહેલો પરણ્યો, વહેલો બાપ બન્યો. ચાલીસ વટાવી ચૂકેલી ઝોયાનું મેરિટલ સ્ટેટસ આજેય સિંગલ છે.
ખેર, ઝોયા કોની સાથે લગ્ન કરે છે અથવા તો લાઇફમાં ક્યારેય કોઈને પરણે છે કે નહીં એ એની અંગત વાત છે. આપણને તો એ જાણવામાં રસ છે કે ઝોયા હવે પછી શું બનાવે છે અને કેવું બનાવે છે. ગૂડ લક, ગર્લ!
શો-સ્ટોપર
મારે કશું કરવાનું ન હોવા છતાં હું ઐશ્વર્યા સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જાઉં એમાં ખોટું શું છે? પતિ-પત્નીએ સફળતાની ક્ષણોમાં એકબીજાની પડખે રહીને ઉત્સાહ વધારવો જ જોઈએ, રાઇટ?
– અભિષેક બચ્ચન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply