મલ્ટિપ્લેક્સ: યોગ – બોલિવૂડ સે હોલિવૂડ તક
Sandesh- Sanskar purti- 21 June 2015
મલ્ટિપ્લેક્સ
બોલિવૂડની નવી પેઢીમાં કરીના કપૂરે સાૈને યોગનો ચટકો લગાડ્યો છે. અનિલ કપૂર હોટ યોગા કરીને જાણે પોતાની ઉંમર પર બ્રેક મારી દીધી છે. યોગાભ્યાસના મામલામાં હોલિવૂડના સ્ટાર્સ આપણા કલાકારો કરતાંય સિન્સિયર છે.
* * * * *
આજનું અખબાર તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર અને શિલ્પા શેટ્ટીએ દિલ્હીમાં રાજપથ પર તરીકે કાં તો કરતબ દેખાડી દીધાં હશે અથવા દેખાડવાની તૈયારીમાં હશે. યોગ ડેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અક્ષય અને શિલ્પા પરફેક્ટ ચોઇસ છે, કેમ કે બોલિવૂડમાં આ બન્નેનું શરીરસૌષ્ઠવ શ્રેષ્ઠ ગણાય છે. ઇન્ડસ્ટ્રીમાં સુપરમેન જેવા કેટલાય બાવડાબાજ હીરો છે, પણ એમાંથી અક્ષયનું સ્ફૂર્તિલું શરીર જેન્યુઇન, એથ્લેટિક અને ખાસ તો સ્ટિરોઇડથી મુક્ત છે.
શિલ્પાએ આજથી છેક સાત વર્ષ પહેલાં ‘શિલ્પાઝ યોગા’ નામની સીડી પણ બહાર પાડી હતી. એને અગાઉ સ્પોન્ડિલાઇટિસનો પ્રોબ્લેમ હતો. એની ગરદન કાયમ દુખ્યા કરતી. એણે પ્રોફેશનલ ટ્રેનરની મદદથી યોગ કરવાનું શરૂ કર્યું. થોડા સમયમાં જ એને ફાયદો વર્તાવા લાગ્યો હતો.
બોલિવૂડની જનતા જિમમાં પડયાપાથર્યા રહેવામાં માને જ છે, પણ અહીં યોગનો દબદબો પણ પૂરેપૂરો છે. રેખાએ બુઢાપા સુધી પોતાની સુંદરતા જાળવી રાખી છે તેની પાછળનું રહસ્ય જગજાહેર છે. એક તો રેખા દાયકાઓથી હોલિવૂડ સ્ટાર જેન ફોન્ડાએ સૂચવેલા એરોબિક્સ રૂટિનને અનુસરે છે અને બીજું, એ યોગાભ્યાસના મામલામાં જબરદસ્ત શિસ્તબદ્ધ છે. જેન ફોન્ડા આજે ૭૭ વર્ષની ઉંમરે પણ ૩૭ વર્ષની સ્ત્રીઓ શરમાઈ મરે એટલી ફિટ છે. દુનિયાભરમાં એરોબિક્સનો ક્રેઝ શરૂ કરનાર જેન ફોન્ડા જ. ૧૯૮૨માં એણે સૌથી પહેલી ‘જેન ફોન્ડાઝ વર્કઆઉટ’ નામની પહેલી વીડિયો કેસેટ બહાર પાડી હતી. લોકો આ કેસેટ જોવા માટે ખાસ વીસીઆર (વીડિયો કેસેટ પ્લેયર) ખરીદતા! સીડી અને ડીવીડી પ્લેયરનો જમાનો તો બહુ પાછળથી આવ્યો. જેન ફોન્ડાની અત્યાર સુધીમાં કુલ ૨૪ વીડિયો કેસેટ-ડીવીની લગભગ પોણા બે કરોડ નકલો વેચાઈ ચૂકી છે. એની એક ડીવીડીનું ટાઇટલ છે, ‘જેન ફોન્ડાઝ એએમ-પીએમ યોગા’.
બોલિવૂડની નવી પેઢીમાં યોગનો ચટકો કોણે લગાડયો? જવાબ છે, કરીના કપૂરે. કરીના નવી નવી આવી ત્યારે ઠીક ઠીક ભરાવદાર અને ચબી-ચબી હતી, પણ પછી એણે પોતાનાં ફિગરનું રૂપાંતર કરીને આખા દેશને અચંબિત કરી દીધો હતો. આપણે ત્યાં ઝીરો-ફિગર શબ્દપ્રયોગ પ્રચલિત કરવાવાળી કરીના જ. અલબત્ત, ઝીરો-ફિગરનો કોન્સેપ્ટ વિવાદાસ્પદ છે એટલે એેને હાલ બાજુ પર મૂકીને કરીનાની ઓવરઓલ ફિટનેસની વાત કરીએ તો, આ કપૂરકન્યા અઠવાડિયામાં છ દિવસ યોગ કરે છે. એની પ્રત્યેક સેશન સવાથી દોઢ કલાક ચાલે. કરીના કહે છે, “હું તો સંપૂર્ણપણે યોગમય બની ચૂકી છું. મને લાગે છે કે યોગને લીધે મારી આખી લાઇફ પલટાઈ ગઈ છે. સવારે યોગ કરી લઉં એટલે મને ખાતરી થઈ જાય કે આજે મારો આખો દિવસ સરસ પસાર થવાનો. જે દિવસે યોગ ન થયો હોય તે દિવસે મન ઉચાટ અનુભવે, આજે કશીક ગરબડ ન થાય તો સારું એવું ફીલ થાય, સતત અધૂરું અધૂરું લાગ્યા કરે.”
યોગનો પ્રચાર કરવામાં કરીનાને કોઈ ન પહોંચે. અર્જુન રામપાલ કહે છે, “હું કરીનાને લીધે જ યોગ કરતો થયો છું. તમે કરીનાના દોસ્ત હો એટલે તમને યોગનો ચટકો લાગે, લાગે ને લાગે જ!” પાયલ ગિડવાણી અને ભરત ઠાકુર નામના યોગ-ઇન્સ્ટ્રક્ટર્સ પાસેથી કરીના યોગ શીખી છે. ભરત ઠાકુર એટલે ‘તેરે નામ’માં સલમાનની હિરોઇન બનેલી ભૂમિકા ચાવલાના પતિદેવ. એણે કરીના ઉપરાંત શ્રીદેવી, અનિલ કપૂર, કેટરીના કૈફ અને સલમાન જેવાં ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સ્ટાર્સને યોગ શીખવ્યા છે. ભરત ઠાકુર કહે છે, “સેલિબ્રિટીઝને યોગમાં રસ પડે છે એનું સાદું કારણ એ છે કે યોગને લીધે માણસ જુવાન દેખાય છે, દિમાગ અને સ્ટ્રેસ લેવલ અંકુશમાં રહે છે, સ્ટેમિના જળવાઈ રહે છે. જિમની જાતજાતની એક્સરસાઇઝ તમને થકવી નાખે એવું બને, પણ યોગ તમને આખો દિવસ તાજગીનો અનુભવ કરાવે છે.”
આપણે અનિલ કપૂરની ચુસ્તી-સ્ફૂર્તિ અને ખાસ તો જુવાની જોઈને નવાઈ પામતા રહીએ છીએ. આપણને થાય કે એની હરોળના જેકી શ્રોફ જેવા હીરો ખખડી ગયા, પણ અનિલ કપૂરની ઉંમર પર શી રીતે બ્રેક લાગી ગઈ છે? અનિલની હિરોઇન પુત્રી સોનમ કપૂરે વચ્ચે ટ્વિટ કરીને વટાણા વેરી નાખ્યા હતાઃ “મારા ડેડી વિક્રમ યોગા કરે છે. વિક્રમ યોગાને લીધે જ એ આટલા ફિટ અને ફેબ્યુલસ દેખાય છે. હું પણ વિક્રમ યોગાને જ ફોલો કરું છું.”
વિક્રમ યોગા શું છે તે જોતા પહેલાં બોલિવૂડનાં અન્ય સ્ટાર્સની વાત કરીએ તો, શિલ્પાની માફક લારા દત્તાએ પણ યોગની ડીવીડી બહાર પાડી છે. એમાં લારાએ ખાસ કરીને પ્રસૂતિ પછી મહિલાઓએ શી રીતે પાછું શેપમાં આવવું તે શીખવ્યું છે. એમ તો ફિટનેસને લગતી એકાધિક ડીવીડી તો બિપાશા બસુએ પણ બહાર પાડી છે, પણ એમાં યોગનો કોઈ સંદર્ભ નથી. રાની મુખર્જીને પણ યોગનો રંગ લાગ્યો છે. શરીર પરથી ચરબીના થર ઉતારવા એ યોગ ઉપરાંત વેઇટ ટ્રેનિંગ પણ કરે છે.
યોગાભ્યાસના મામલામાં હોલિવૂડનાં સ્ટાર્સ આપણાં હીરો-હિરોઇન કરતાં ક્યાંય વધારે સિન્સિયર છે. મસ્ત સ્પોર્ટ્ઝ કોસ્ચ્યુમ પહેરીને અને બગલ નીચે ગોળ ફિંડલું કરેલી યોગા-મેટ્રેસ દબાવીને યોગ ક્લાસમાં જતાં-આવતાં હોલિવૂડ એક્ટર્સની તસવીરો ત્યાંના મીડિયામાં અવારનવાર છપાતી રહે છે. આ સ્ટાર લોકોનું જોઈજોઈને જ અંદાજે બે કરોડ અમેરિકનો યોગના દીવાના બની ચૂક્યા છે. હોલિવૂડમાં યોગને સાચા અર્થમાં પોપ્યુલર કરવાનો જશ કોઈને આપવો હોય તો તે છે, મડોના. આ સુપર સિંગર અને સુપર પર્ફોર્મરની ઉંમર ભલે પચાસનો આંકડો વટાવી ગઈ હોય, પણ એનું શરીર વીસ વર્ષની જુવાન છોકરી જેવું ફ્લેક્સિબલ છે. મડોના અષ્ટાંગ યોગ અને હઠયોગ કરે છે. ‘ફ્રેન્ડ્ઝ’ ફેમ જેનિફર એનિસ્ટન વર્ષોથી નિયમિત યોગ કરે છે. ‘વી આર ધ મિલર્સ’નામની ફિલ્મમાં એણે સ્ટ્રિપરનો રોલ કરવાનો હતો. કેમેરા સામે કપડાં ઉતારવાનાં હોય એટલે બોડી પરફેક્ટ બનાવવી જ પડે. આથી જેનિફરે પરંપરાગત યોગની સાથે કાર્ડિયો અને ટોનિંગ એક્સરસાઇઝ કરીને સ્વર્ગની અપ્સરા જેવું શરીર બનાવ્યું હતું. જુલિયન મૂર કહે છે, “જિમ જવામાં મને ત્રાસ થાય છે, પણ યોગ કરતી વખતે હું હળવી ફુલ હોઉં છું. જિમિંગ અને યોગાભ્યાસ વચ્ચે આ સાઇકોલોજિકલ ફર્ક છે.” યોગપ્રેમી હોલિવૂડ સ્ટાર્સનું લિસ્ટ ખાસ્સું લાંબંુ છેઃ ડેમી મૂર, જુલિયા રોબર્ટ્સ, કોલિન ફેરલ,ચાર્લીઝ થેરોન, રીની ઝેલવેગર, નિકોલ કિડમેન, હેલન હન્ટ, ડ્રુ બેરીમોર, હેલી બેરી, મેથ્યુ મેકોન્હે… એટલે હવે જ્યારે આ હીરો-હિરોઇનોની અદ્ભુત પર્સનાલિટી જોઈને અભિભૂત થાઓ ત્યારે યાદ રાખવાનું કે તેમના આ લુકની પાછળ ચુસ્ત યોગાભ્યાસનું મોટું યોગદાન છે.
લેડી ગાગા અને બીજાં કેટલાંય અમેરિકન સેલિબ્રિટીઝ આપણા અનિલ કપૂરની માફક વિક્રમ યોગા કરે છે. શું છે આ વિક્રમ યોગા?વિક્રમ ચૌધરી નામના ભારતીયે અમેરિકા જઈને ૧૯૭૦ના દાયકામાં પરંપરાગત હઠયોગને ખૂબ લોકપ્રિય બનાવ્યા. દુનિયાના કેટલાય દેશોમાં એમના યોગ ક્લાસ ચાલે છે. દોઢ કલાકના ક્લાસમાં બે બ્રિધિંગ એક્સરસાઇઝ સહિત કુલ ૨૬ યોગાસન કરાવવામાં આવે. સામાન્યપણે જિમમાં મસ્ત એરકન્ડિશનર ચાલતાં હોય છે, પણ વિક્રમ યોગાના ક્લાસીસમાં ઓરડાનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું કરી નાખવામાં આવે છે. કલ્પના કરો કે આટલી જોરદાર ગરમીમાં એકધારા દોઢ કલાક સુધી યોગ કરવાથી માણસો પરસેવાથી કેવા રેબઝેબ થઈ જતા હશે. વિક્રમ યોગાનું બીજું નામ હોટ યોગા છે તેનું કારણ આ જ.
વિક્રમ ચૌધરી અમેરિકનોને હોટ યોગાનું ઘેલું લગાડીને કરોડો ડોલર કમાયા છે. સેલિબ્રિટી ફૂટબોલર ડેવિડ બેકહેમ જેવાઓને એ વ્યક્તિગત કોચિંગ આપે છે. વચ્ચે એમણે યોગની મુદ્રાઓ પર પોતાનો કોપીરાઇટ લગાડવાની નિષ્ફળ કોશિશ કરી હતી. એમની અમુક મહિલા ટ્રેનરોએ એમના પર જાતીય સતામણીના આરોપ પણ લગાવ્યા હતા. ખેર, આ વિવાદો અલગ વિષય થઈ ગયો. આપણને તો એ જાણવામાં રસ છે કે વિક્રમ યા તો હોટ યોગામાં કયાં ૨૬ આસનો કરાવવામાં આવે છે? આ રહ્યું લિસ્ટઃ પ્રાણાયામ, અર્ધચંદ્રાસન (પાદહસ્તાસન સાથે), ઉત્કટાસન, ગરુડાસન, દંડાયમન જાનુશીર્ષાસન, દંડાયમન ધનુરાસન,તુલાદંડાસન, દંડાયમન વિભક્તપાદ પશ્ચિમોત્તાનાસન, ત્રિકોણાસન, તાડાસન, પાદાંગુષ્ઠાસન, શવાસન, પવનમુક્તાસન, પાદહસ્તાસન, ભુજંગાસન, શલભાસન, પૂર્ણ શલભાસન, ધનુરાસન, સુપ્ત વજ્રાસન, અર્ધકૂર્માસન, ઉષ્ટ્રાસન, શસાંગાસન,જાનુશીર્ષાસન (પશ્ચિમોત્તાનાસન સાથે), અર્ધમત્સ્યેન્દ્રાસન અને કપાલભાતિ!
અમેરિકામાં બાય ધ વે બોલિવૂડ યોગા પણ પ્રચલિત છે, જેમાં બોલિવૂડનાં ઢીંચાક ગીતોનાં સ્ટેપની સાથે સાથે યોગાસનની મુદ્રાઓ કરાવવામાં આવે છે!
શો-સ્ટોપર
શાહરુખ-સલમાન અને આમિર સાથે મારું માત્ર અટક પૂરતું સામ્ય છે. આ ત્રણેયની ફિલ્મો બસ્સો-બસ્સો કરોડનો ધંધો કરે છે,જ્યારે મારી ફિલ્મો બિચારી બોક્સઓફિસ પર ડચકાં ખાય છે.
– સૈફ અલી ખાન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply