Sun-Temple-Baanner

શું આવ્યું બોલિવૂડના ફર્સ્ટ સેમેસ્ટરનું પરિણામ?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


શું આવ્યું બોલિવૂડના ફર્સ્ટ સેમેસ્ટરનું પરિણામ?


મલ્ટિપ્લેક્સ – શું આવ્યું બોલિવૂડના ફર્સ્ટ સેમેસ્ટરનું પરિણામ?

Sandesh- Sanskaar Purti- 28 June 2015

મલ્ટિપ્લેક્સ

* * * * *

આ વર્ષની અત્યાર સુધીની મસ્તમજાની ફિલ્મોનું લિસ્ટ બનાવીએ તો આંકડો દસ પર પહોંચે છેઃ ‘બેબી’, ‘શમિતાભ’, ‘બદલાપુર’, ‘દમ લગા કે હઈશા’, ‘એનએચ-ટેન’, ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’, ‘કોર્ટ’, ‘પિકુ’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને ‘એબીસીડી-ટુ’. ધારો કે આ લિસ્ટમાંથી તમે જીદ કરીને ધરાર ‘શમિતાભ’ અને ‘એબીસીડી-ટુ’ને કઢાવી નાખો તોય પાછળ આઠ ફિલ્મો બચે છે. છ મહિનામાં એકબીજા કરતાં નોખા મિજાજની મસ્તમજાની આઠ-આઠ ફિલ્મો. આ અફલાતૂન સ્કોર કહેવાય.

લો, હજુ હમણાં તો થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાત સેલિબ્રેટ કરી હતી ને એટલામાં બોલિવૂડ-૨૦૧૫નો અર્ધવાર્ષિક રિપોર્ટ આપવાનો સમય આવી ગયો. બોક્સઓફિસના આંકડા એક વાત છે, ફિલ્મોની ગુણવત્તા-વૈવિધ્ય-મિજાજ તદ્દન જુદો મામલો છે. ખરેખર તો આંકડાઓએ સીધો ને સટ હિસાબ આપવો જોઈએ, પણ આપણે ત્યાં બોક્સઓફિસના અહેવાલો બ્લેક-એન્ડ-વ્હાઇટ સત્ય પેશ કરવાને બદલે અર્ધસત્યની વિરોધાભાસી ભ્રમજાળ બિછાવવાનું કામ વધારે કરે છે, તેથી પહેલાં આપણે ફિલ્મોની મજાની વાત કરીશું, કારણ કે એનો સીધો સંબંધ દિલ, દિમાગ અને ક્રિએટિવિટી સાથે છે. તે નક્કરપણે અનુભવી શકાય છે, સંવેદી શકાય છે.

આપણા મનમાં હજુ તનુ-મનુની ધમાલ, ‘દિલ ધડકને દો’નું પાગલપણું અને ‘એબીસીડી-ટુ’નાં ડાન્સ સ્ટેપ્સ છવાયેલાં છે, પણ સમયને જરા રિવાઇન્ડ કરીને વર્ષના પ્રારંભબિંદુ પર આવો. જાન્યુઆરીમાં જલસો કરાવી દે એક ફિલ્મ આવી- ‘બેબી’. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીની ગતિવિધિઓને પેશ કરતી આ સુપર્બ,નો-નોનસેન્સ એક્શન થ્રિલરમાં અક્ષયકુમાર બરાબરનો ખીલ્યો હતો. ફ્રેબ્રુ્ર્ર્રઆરીમાં આવેલી એસ. બાલ્કીની ‘શમિતાભે’ જેટલી અપેક્ષા હતી એટલો તો નહીં, પણ તોય ઠીક ઠીક આનંદ કરાવ્યો. અહીં મજા તદ્દન નવા વિષયની હતી. ધનુષ જેવા દુબળાપાતળા કદરૂપા હીરો પર અમિતાભ બચ્ચનનો ભારેખમ મર્દાના અવાજ ફિટ કરી દેવામાં આવે તો શું થાય? કોણ ચડિયાતું- જે દેખાય છે એ કે જે સંભળાય છે એ? ફિલ્મના એક્ઝિક્યુશનમાં ભલે કચાશ રહી ગઈ, પણ એક અસાધારણ, ઓફબીટ અને વણખેડાયેલી થીમ પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ થયો તે વખાણવાલાયક તો ખરો જ.

ફેબ્રુઆરીમાં બે સુંદર ફિલ્મો આવી. પહેલી, હાઇક્લાસ રિવેન્જ ડ્રામા, ‘બદલાપુર’. નવાઝુદ્દીન સિદ્દીકી એક્ટિંગનો એક્કો છે તે આપણે જાણતા હતા, પણ વરુણ ધવન? આ ચોકલેટી હીરોએ ઇન્ટેન્સ ભૂમિકા એટલી પ્રભાવશાળી રીતે ભજવી કે ફટાક કરતો એ જુદી જ ભ્રમણકક્ષામાં મુકાઈ ગયો.

ફેબ્રુ્આરીના અંતમાં ‘દમ લગા કે હઈશા’ આવી. બોલિવૂડમાં નિષ્ફળતાનો ભાર વેંઢારી રહેલો સુકલકડી આયુષ્યમાન ખુરાના એનો હીરો હતો અને ભયંકર જાડ્ડીપાડ્ડી ઢમઢોલ દેખાતી ભૂમિ પેડણેકર નામની સાવ અજાણી યુવતી એની હિરોઇન. ફિલ્મનો વિષય જ આ હતોઃ કજોડું. ફિલ્મની સાદગી અને સરળતાએ કમાલ કરી. હરિદ્વાર-ઋષિકેશના પશ્ચાદભૂમાં બનેલી આ હસતી-હસાવતી ફિલ્મ લોકોના દિલને સ્પર્શી ગઈ. આ ડેડલી કોમ્બિનેશન છે- ભરપૂર રમૂજ અને હૃદયના તાર ઝંકૃત કરી શકવાની તાકાત. રાજકુમાર હિરાણીની ફિલ્મોમાં આ જ તો બે તત્ત્વોનું પ્રભુત્વ હોય છે. ‘દમ લગા કે હઈશા’એ બોલિવૂડને એક બ્રાન્ડ ન્યૂ ડિરેક્ટર પણ આપ્યો- શરત કટારિયા.

માર્ચમાં ‘એનએચ-ટેન’ આવી. સીટ સાથે જકડી રાખે એવી આ હાર્ડ-હિટિંગ થ્રિલર વર્ષની પહેલી હિરોઇન-સેન્ટ્રિક ફિલ્મ બની રહી. આ ફિલ્મથી અનુષ્કા શર્માએ પ્રોડયુસર તરીકે સફળ શરૂઆત કરી.

એપ્રિલમાં આવેલી ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ અદૃશ્ય બોમ્બની જેમ ફાટી. સેરેબ્રલ પોલ્સીથી પીડાતી અને સતત વ્હિલચેર સાથે જડાયેલી રહેતી અપંગ યુવતીનાં તન-મનમાં પોતાની ઉંમરની કોઈ પણ તંદુરસ્ત યુવતી જેવા જાતીય આવેગો સળગવા માંડે ત્યારે શું થાય? ફિલ્મનું નાવીન્ય અને બોલ્ડનેસ જોઈને દર્શકો આનંદાશ્ચર્યથી ચમકી ગયાઃ અહો, આવા વિષય પર પણ આટલી ઇફેક્ટિવ ફિલ્મ બની શકે છે! કલ્કી કોચલિને શું અભિનય કર્યો છે આ ફિલ્મમાં. એક જ અઠવાડિયા પછી આંખ બંધ કરીને સીધી ઇન્ડિયન એન્ટ્રી તરીકે ઓસ્કરમાં મોકલી શકાય એવી ધમાકેદાર ફિલ્મ આવી- ‘કોર્ટ’. મરાઠી-અંગ્રેજી-હિન્દી-ગુજરાતીમાં બનેલી આ ફિલ્મે સૌને એક વાત શીખવીઃ સાદગીમાં પ્રચંડ તાકાત હોઈ શકે છે. ફિલ્મને પ્રભાવશાળી બનાવવા માટે કોઈ ટેક્નિકલ તામજામની જરૂર હોતી નથી. બસ, વાતમાં દમ હોવો જોઈએ. આ સાથે ૨૦૧૫ની મસ્ત ફિલ્મોનો આંકડો ક્યાં પહોંચ્યો? સાત પર.

હવે આવો ૨૦૧૫ના પાંચમા મહિનામાં. ‘પિકુ’! આખો દિવસ સૌનું લોહી પીધા કરતા સાવ ખડૂસ સ્વભાવના એક ઘરડા માણસને કબજિયાતની બીમારી હોય, પોતાની દીકરી સાથે એ કારમાં દિલ્હીથી કોલકાતાની સફર કરે ને પછી વતનના ઘરમાં એનું રામ બોલો ભાઈ રામ થઈ જાય- આવડાક અમથા તાંતણામાંથી આખેઆખી ફુલલેન્થ ફિચર ફિલ્મ બની શકે? તે પણ અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાન જેવાં ધરખમ ખેલાડીઓને લઈને? જો વાત શૂજિત સરકારની ચાલતી હોય તો જવાબ છે, હા, જરૂર બની શકે. એય પાછી હિટ ફિલ્મ. ‘પિકુ’ જોઈને આપણે પુલકિત થઈ ગયા હતા. આવી અંતરંગી ઓેફબીટ ફિલ્મને હિટ બનાવીને ઓડિયન્સે પોતાની સતત વધી રહેલી મેચ્યોરિટીનો ફરી એક વાર પરચો દેખાડયો.

મે મહિનાના ઉત્તરાર્ધમાં’તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ આવી ને તે સાથે જ જાણે કે હિન્દી ફિલ્મો જોતું સમગ્ર ઓડિયન્સ અને બોલિવૂડ ઝૂમી ઊઠયાં. ‘ક્વીન’ જોયા પછી લાગતું હતું કે બસ, કંગના રનૌતની ‘મધર ઇન્ડિયા’ આવી ગઈ, પણ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’થી એ એક લેવલ ઔર ઉપર ચડી. બહુ ગાજેલી હન્ડ્રેડ કરોડ ક્લબમાં દાખલ થવા માટે ખાન તો શું, કોઈ પણ હિટ હીરોની જરૂર નથી એવું પુરવાર કરીને કંગનાએ બોલિવૂડનાં સમીકરણોને સખળડખળ કરી નાખ્યાં છે.

જૂન. આપણે આ વર્ષની મસ્તમજાની ફિલ્મોનું લિસ્ટ બનાવી રહ્યા છીએ ત્યારે એમાં ‘દિલ ધડકને દો’ને સામેલ કરવી છે કે નથી કરવી? નથી કરવી, કેમ કે ‘દિલ ધડકને દો’એ આપણને એવી કોઈ યાદગાર મોમેન્ટ નથી આપી. સોરી, ઝોયા. લિસ્ટમાં લેટેસ્ટ એન્ટ્રી છે, ‘એબીસીડી-ટુ’ની. હા, ફિલ્મનો સ્ક્રીનપ્લે બાલિશ છે. હા, ડાન્સને બાદ કરી નાખીએ તો ફિલ્મમાં કંંઈ બચતું નથી, પણ મુદ્દો એ છે કે ‘એબીસીડી-ટુ’માંથી ડાન્સને બાદ શું કામ બાદ કરી નાખવાના? આ એક અફલાતૂન ડાન્સ-મ્યુઝિકલ છે. આ જોનરમાં આમેય ઓછી ફિલ્મો બની છે. તો, સ્કોર થયો, દસ. ધારો કે આ લિસ્ટમાંથી તમે જીદ કરીને ધરાર ‘શમિતાભ’ અને ‘એબીસીડી-ટુ’ને કઢાવી નાખો તોય પાછળ આઠ ફિલ્મો બચે છેઃ ‘બેબી’, ‘બદલાપુર’, ‘દમ લગા કે હઈશા’, ‘એનએચ-ટેન’, ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’, ‘કોર્ટ’, ‘પિકુ’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’. છ મહિનામાં એકબીજા કરતાં નોખા મિજાજની મસ્તમજાની આઠ-આઠ ફિલ્મો. આ અફલાતૂન સ્કોર કહેવાય. એક પછી એક આઠ સુંદર ફિલ્મોથી શોભતા બહુ ઓછા છ મહિના બોલિવૂડે જોયા છે.

હવે થોડી નિરાશાજનક વાતો. દિવાકર બેનર્જીની સસ્પેન્સ-થ્રિલર ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી!’ જમાવટ ન કરી શકી. ‘રોય’ અને ‘બોમ્બે વેલ્વેટ’ ફ્લોપ થવાથી રણબીર કપૂર તો ઠીક, એના ચાહકો પણ ટેન્શનમાં આવી ગયા છે. આવંુ જ વિદ્યા બાલનના કેસમાં બન્યું. ‘હમારી અધૂરી કહાની’એ વિદ્યાની નિષ્ફળતાની હેટ્રિકમાં એક ઔર નિષ્ફળતાનો ઉમેરો કર્યો.

ઓકે, હવે બોક્સઓફિસની આંકડાબાજી કરી લઈએ. કમાણીની દૃષ્ટિએ આ છ મહિનામાં આટલી ફિલ્મો હિટ થઈઃ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ (બજેટની તુલનામાં લગભગ ત્રણથી ચાર ગણી કમાણી કરવાથી તનુ-મનુ ઓફિશિયલી બ્લોકબસ્ટર છે), ‘બેબી’, ‘ગબ્બર ઇઝ બેક’, ‘પિકુ’, ‘બદલાપુર’, ‘એનએચ-ટેન’, ‘દમ લગા કે હઈશા’ અને ‘એબીસીડી-ટુ’. નુકસાન તો નહીં જ પણ મામૂલી નફો કહી શકાય તેવો એવરેજ બિઝનેસ કરનાર ફિલ્મો આટલીઃ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી!’ (અમુક રિપોર્ટ્સ પ્રમાણે આ બક્ષીબાબુ એવરેજ નહીં, ફ્લોપ છે), ‘ખામોશિયાં’, સની લિઓનીવાળી ‘લીલા’ અને ભરમાળી સેક્સ-કોમેડી હોવાની છાપ ઊભી કરનાર ‘હન્ટર’.

આ વર્ષે સ્મોલ બજેટ અને તગડું કન્ટેન્ટ ધરાવતી ફિલ્મોએ સારી કમાણી કરી છે, જ્યારે ‘બોમ્બે વેલ્વેટ’ જેવી મોંઘીદાટ ફિલ્મોએ દાટ વાળ્યો છે. ૧૧૦ કરોડના બમ્પર ખર્ચે બનેલી ‘બોમ્બે વેલ્વેટ’ સાવ ૨૪ કરોડની કમાણી કરીને ઇન્ડસ્ટ્રીનું આર્થિક હવામાન બગાડી નાખ્યું છે. ફિલ્મી પંડિતોના મતે આર્થિક રીતે ૨૦૧૫ના પહેલા છ મહિના ચિંતાજનક સાબિત થયા છે. ઇન્ડસ્ટ્રીની નજર આવતા મહિને રિલીઝ થઈ રહેલી ‘બજરંગી ભાઈજાન’ પર છે. સલમાન ખાનની આ ફિલ્મ આદત મુજબ દોઢસો-બસ્સો-અઢીસો કરોડનો બિઝનેસ કરશે તો ફિલ્મી વેપારીઓના જીવમાં જીવ આવશે. આપણને ખેર, બોક્સઓફિસના આંકડામાં નહીં, પણ ફિલ્મોની ક્વોલિટી અને વેરાઇટીમાં રસ છે. જો હવે પછીના છ મહિના આગલા છ મહિના જેવા જ સમૃદ્ધ જશે તો આપણને જલસા જ જલસા.

શો-સ્ટોપર

મને વરુણ ધવન બહુ જ ગમતો હતો, પણ એણે ધડ કરતું કહી દીધું કે આઈ હેટ ગર્લ્સ. વરુણે મારું દિલ તોડી નાખ્યું. તે વખતે હું આઠ વર્ષની હતી!

– શ્રદ્ધા કપૂર

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.