મલ્ટિપ્લેક્સ: ધેટ ગર્લ ઓન વ્હીલચેર
Sandesh- Sanskaar Purti- 26 April 2015
મલ્ટિપ્લેક્સ
‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ જોઈને આપણને થાય કે કંગના રનૌત જો બોલિવૂડની ક્વીન ગણાતી હોય તો કલ્કિ એકિટંગની મહા-ક્વીન છે!
* * * * *
કોણે કલ્પ્યુ હતું કે ‘બદતમીઝ દિલ… બદતમીઝ દિલ…’ ગીત પર ઓકવર્ડ ઠુમકા મારતી અને ‘જિંદગી ના મિલેગી દોબારા’માં ગાંડાની જેમ ડ્રાઈવિંગ કરતી કલ્કિ કોચલીન પોતાની અંદર આટલી બધી પ્રતિભા સંઘરીને બેઠી હશે. એની લેટેસ્ટ ફિલ્મ ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ જોઈને આપણા કાનની સાવ પાસે જોરદાર બોમ્બ ફૂટયો હોય એવી અનુભૂતિ થાય છે. છેલ્લે કઈ હિરોઈને આટલું પાવરફુલ પર્ફોર્મન્સ આપ્યું હતું? આપણને થાય કે કંગના રનૌત જો બોલિવૂડની ક્વીન ગણાતી હોય તો કલ્કિ એકિટંગની મહા-ક્વીન છે!
‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ વિશે ઓલરેડી ખૂબ બધું લખાઈ ચૂક્યું છે,છતાંય ટૂંકમાં વાત કરી લઈએ. આ ફિલ્મમાં કલ્કિએ સેરિબ્રલ પોલ્સી નામે ઓળખાતી ગંભીર બીમારીથી પીડાતી યુવતીનો રોલ કર્યો છે. વ્હીલચેર સાથે બંધાઈ ગયેલું એનું પરાવલંબી જીવન છે. ન ચાલી શકે, ન સરખું બોલી શકે, પણ બુદ્ધિ અને મન તગડાં છે. પોતાની કોલેજના એક મ્યુઝિક બેન્ડની એ મેમ્બર છે, એ ગીતો લખે છે, ન્યૂ યોર્કમાં એકલી રહીને ક્રિયેટિવ રાઇટિંગનો કોર્સ કરે છે. કોઈ પણ જુવાન છોકરીની જેમ જ એનાં શરીરમાં પણ હોર્મોન્સ ઉધામા મચાવે છે, હેન્ડસમ છોકરાઓને જોઈને મનમાં સ્પંદનો ફૂટે છે. નોર્મલ યંગસ્ટરની માફક એ પણ ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફીની સાઇટ્સ સર્ફ કરે છે અને સેક્સના અખતરા કરે છે. ફિલ્મનો વિષય ખરેખર તદ્દન અનોખો અને ખાસ્સો બોલ્ડ છે, પણ કલ્કિએ આ જટિલ પાત્ર એટલાં પરફેકશન સાથે ઊપસાવ્યું છે કે એક સેકન્ડ માટે આપણને એ અભિનય કરતી હોય એવું લાગતું નથી. પાત્રપ્રવેશ કરવો, પાત્રમય બની જવું, પાત્રને આબેહૂબ આત્મસાત કરવું કે પાત્રને જીવી જવું એટલે આ જ.
કલ્કિની ટેલેન્ટની નાનકડી ઝલક એની પહેલી જ ફિલ્મ ‘દેવ ડી’ (૨૦૦૯)માં મળી ગઈ હતી. એમાં એ એમએમએસ કાંડને લીધે બદનામ થઈ ગયેલી ટીનેજર બની હતી, જે પછી પ્રોસ્ટિટયુટ-કમ-કોલેજિયન બને છે. અનુરાગ કશ્યપ એના ડિરેક્ટર હતા, જેની સાથે લાંબી લિવ-ઇન રિલેશનશિપ પછી એણે લગ્ન કર્યાં. ‘દેવ ડી’ની સફળતાને લીધે કલ્કિની ફિલ્મી કરીઅર આસાન બની જવી જોઈતી હતી, પણ એવું થયું નહીં. આ ફિલ્મ પછી એણે દોઢ વર્ષ બેકાર બેસી રહેવું પડયું. એનું કારણ કદાચ એના રૂપરંગ હતાં. ફ્રેન્ચ મા-બાપને ત્યાં જન્મેલી અને ભારતમાં ઉછરેલી આ યુરોપિયન એક્ટ્રેસ હિન્દી સિનેમામાં આસાનીથી ફિટ થાય પણ કેવી રીતે. બોલિવૂડમાં કલ્કિ સામે આઇડેન્ટિટી ક્રાઈસિસ ઊભી ગઈ હતી. આ ક્રાઈસિસ વાસ્તવમાં એણે લગભગ આખી જિંદગી અનુભવી છે. કદાચ એટલે જ એનાં કિરદારો પણ ખુદને શોધવા માટે તરફડતાં રહે છે. પછી એ ‘દેવ ડી’ની ચંદા હોય, સગા બાપ સાથે અનૈતિક સંબંધથી જોડાતી ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ની રુથ હોય (આ ફિલ્મના કલ્કિના અભિનયના રોજર ઈબર્ટ જેવા હોલિવૂડના ટોચના સમીક્ષકે વખાણ કરેલા) કે પોતાની સેકસ્યુઅલ આઇડેન્ટિટી માટે સંઘર્ષ કરી રહેલી ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’ની લૈલા હોય.
“હું પોડિંચેરી અને ઊટીમાં મોટી થઈ છું,” કલ્કિ એક ઇન્ટરવ્યૂમાં કહે છે, “મારી સ્કિન ધોળી છે એટલે મને હંમેશાં એવું ફીલ કરાવવામાં આવતું કે હું બીજાઓ કરતાં અલગ છું, સ્પેશિયલ છું. રસ્તા પર ટપોરીએ કશીક કોમેન્ટ કરે કે ચાળો કરે ત્યારે હું શુદ્ધ તમિલમાં મણમણની ચોપડાવતી. મારું તમિલ અને હિન્દી બન્ને એકદમ ફ્લુઅન્ટ છે. મારા મોઢેથી શુદ્ધ દેશી ગાળો સાંભળીને ટપોરીઓ ડઘાઈ જતા!”
કલ્કિ સ્કૂલકાળથી જ સ્ટેજ પર ખૂબ એક્ટિવ હતી. અઢાર વર્ષની ઉંમરે થિયેટરનું ભણવા ત્રણ વર્ષ માટે લંડન ગઈ તો ત્યાં પણ આઇડેન્ટિટીનો સવાલ ઊભો થતો. એ જેવી વાત કરવાની શરૂ કરે એટલે તરત સામેવાળો પૂછે કે તું ઈંગ્લિશ દેખાય છે, પણ તારી બોલવાની લઢણ કેમ બ્રિટીશરો જેવી નથી? તું પૂરેપૂરી ફ્રેન્ચ પણ લાગતી નથી. તું આખરે છો ક્યાંની? કલ્કિ ધીમેથી જવાબ આપે કે હું ઇન્ડિયાથી આવી છું. ફટાક કરતી પ્રતિક્રિયા આવે કે તું ઈન્ડિયન જેવી તો જરાય લાગતી નથી!
કલ્કિનાં ફ્રેન્ચ માતા-પિતા બન્ને શ્રી અરવિંદના ભકત છે. પોંડિચેરીના આશ્રમમાં તેમનો ભેટો થઈ ગયો હતો. બન્ને પ્રેમમાં પડયાં,પરણી ગયાં અને ઇન્ડિયામાં જ સેટલ થયાં. કલ્કિ એટલે જ પોતાને ઈન્ડિયન ગણાવે છે. લંડનમાં ત્રણ વર્ષ થિયેટરનું ભણ્યાં પછી એ ધારત તો ત્યાં જ સેટલ થઈ શકી હોત, પણ એનું મન ન માન્યું. ભારતીય માંહ્યલો ઉત્પાત મચાવી રહ્યો હતો એટલે એ પાછી હિંદુસ્તાન આવી ગઈ. અહીં આવીને એ થિયેટર કરવા માંડી. પહેલાં બેંગલુરુમાં, પછી મુંબઈ. એકલા તખ્તા પર અભિનય કરીને મુંબઈ જેવા શહેરમાં ટકવું શી રીતે? એણે ફિલ્મો માટે ઓડિશન્સ આપવા માંડયાં. ‘દેવ ડી’ માટે અનુરાગ કશ્યપે એને પાસ કરી લીધી અને પછી, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.
“જિંદગીમાં મેં ક્યારેય કોઈ પ્લાન કર્યાં જ નથી,” કલ્કિ કહે છે, “હજુય કોઈ પ્લાન નથી. બસ, સમયની સાથે વહેતા જવાનું. આગળથી ગમે તેટલું વિચારી રાખ્યું હોય તો આખરે તો જ્યારે જે થવાનું હોય છે એ જ થાય છે.”
પૂર્વપત્નીથી અલગ થઈ ચૂકેલા અનુરાગ કશ્યપ સાથે પ્રેમસંબંધથી જોડાતાં જ કલ્કિ ન્યૂઝમાં આવી ગઈ. બોલિવૂડની કેટલીક જોડીઓ પોતાની પર્સનલ લાઈફની બધ્ધેબધ્ધી વાત મીડિયા સાથે શેર કરી નાખે છે. કલ્કિ અને અનુરાગ આ જ પ્રકારનું લિવ-ઇન કપલ હતું. આને લીધે બન્યું એવું કે કલ્કિનું આગલું કામ એક તરફ હડસેલાઈ ગયું અને ‘અનુરાગ કશ્યપની ગર્લફ્રેન્ડ’ની ઓળખ મુખ્ય બની ગઈ. ફરી પાછી આઇડેન્ટિટી ક્રાઈસિસ. દેખીતું છે, કોઈ પણ કલાકાર માણસ પોતાની કલાને લીધે ઓળખાવા માગતો હોય છે, સંબંધોને કારણે નહીં. અનુરાગ સાથે વિધિવત્ લગ્ન કર્યાં પછી પરિસ્થિતિ ઓર વકરી.
કલ્કિએ કહે છે,”લગ્ન થતાં જ લોકોએ અચાનક મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. મારી કરીઅરને લગતો કોઈ સવાલ હોય તો મને પૂછવાને બદલે લોકો અનુરાગને પૂછતા. ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ મારી પાસે સીધી ન આવે, પણ વાયા અનુરાગ થઈને આવે. મારી સાથે ફોટોસેશન કરવું હોય તો અનુરાગની પરમિશન માગે. આવું થાય એટલે હું ભડકી જતી. આઈ મીન, વોટ નોનસેન્સ?રાતોરાત હું કલ્કિ મટીને મિસિસ કશ્યપ બની ગઈ હતી.”
જોકે, અનુરાગથી છૂટા પડવાનું આ એકમાત્ર કારણ નહોતું, બીજા ઈશ્યુઝ પણ હતા. અનુરાગ સાથે રહીને કલ્કિ ઘણું શીખી હતી, આંતરિક સ્તરે ઘણી સમૃદ્ધ બની હતી, પણ તેમના સંબંધની એક્સપાયરી ડેટ આવી ગઈ હોવાથી અકારણ ખેંચ્યે રાખવાને બદલે તેઓ છૂટા પડયાં. તેમણે રીતસર જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડયું હતું કે અમે રાજીખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. થોડા અરસા બાદ તેમના ઓફિશીયલ ડિવોર્સ થયા.
કલ્કિ અલાયદા ફ્લેટમાં રહેવા ગઈ ત્યાં પાડોશીઓએ ગુસપુસ કરવાનું શરૂ કરી દીધું હતું: બોલિવૂડની હિરોઈન છે, ડિવોર્સી છે,પાછી યુરોપિયન છે, કોણ જાણે કેવી હશે! લોકોમાં એવી છાપ છે કે આખી રાત પાર્ટીઓમાં રખડવું એ જ હિરોઈનોનું કામ. “અમારે બીજાઓની જેમ જ કાળી મજૂરી કરવી પડે છે એવો લોકોને અંદાજ જ નથી હોતો!” કલ્કિ કહે છે, “હું સામેથી પાડોશીના ઘરે જતી,દરવાજે ટકોરા મારીને એમને હેલો કહેતી. ધીમે ધીમે આ જ લોકો કહેવા લાગ્યા કે જુઓ તો ખરા, કેટલી સિમ્પલ છોકરી છે!”
કલ્કિનું જીવન પાછું નવા લય પ્રમાણે ગોઠવાઈ ગયું છે. ઓલરેડી ખૂબ બધા ઈન્ટરનેશનલ અવોર્ડ્ઝ જીતી ચૂકેલી ‘માર્ગારિટા વિથ અ સ્ટ્રો’માં ધમાકેદાર પર્ફોર્મન્સ આપીને કલ્કિએ મોટો મીર માર્યો છે. (એ માને છે કે કોંકણા સેન શર્મા પણ આ રોલ સરસ કરી શકી હોત!) આ એક ફિલ્મને લીધે કલ્કિને નિહાળવાની ઓડિયન્સ અને ફિલ્મી જનતા બન્નેની દષ્ટિ બદલાઈ ગઈ છે. કલ્કિ હવે જુદી ભ્રમણકક્ષામાં મૂકાઈ ગઈ છે. ‘માર્ગારિટા…’ પછી હવે એ શેકસપિઅરનું નાટક કરવામાં બિઝી થઈ ગઈ છે. યુરોપ-અમેરિકામાં એના શોઝ થવાના છે. એની આગામી ફિલ્મોનું નામ છે, ‘મંત્ર’ અને ‘લવ અફેર’. ભવિષ્યમાં એ ડિરેક્શન પર પણ હાથ અજમાવવા માગે છે. ઓલ ધ બેસ્ટ, કલ્કિ.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply