મલ્ટિપ્લેક્સ – અનુરાગ કશ્યપનું ક્વોટ માર્શલ
Sandesh- Sanskaar Purti- 20 May 2015
મલ્ટિપ્લેક્સ
“સરસ જિંદગી, સરસ વાઇન, સિંગલ મોલ્ટ, ટ્રાવેલિંગ, મૂવિઝ-મૂવિઝ-મૂવિઝ અને આઝાદી… આના કરતાં વધારે મહત્ત્વનું મારા માટે બીજું કશું નથી.”
* * * * *
તો, પુષ્કળ રાહ જોવડાવ્યા પછી અનુરાગ કશ્યપની ‘બોમ્બે વેલ્વેટ’આ શુક્રવારે રિલીઝ થઈ ખરી. અનુરાગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક પાવરફુલ નામ છે. બીજી કોઈ લપ્પનછપ્પનમાં પડયા વિના આજે માત્ર અનુરાગના વિચારો અને અભિપ્રાયોનો ક્લોઝ-અપ લેવો છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અનુરાગે આપેલી મુલાકાતોમાંથી આ અવતરણો લીધાં છે, જેમાંથી અનુરાગનું વ્યક્તિત્વ અને સિનેમા પ્રત્યેનું એનું પેશન આબાદ ઊપસે છે. સાંભળોઃ
• રામ ગોપાલ વર્મા નવા લેખકની શોધમાં હતા. હું એ વખતે મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. મનોજ વાજપેયીએ મારી ઓળખાણ રામુ સાથે કરાવી. ‘સત્યા’ આ રીતે લખાઈ. સિનેમા વિશે હું જે કંઈ જાણું છું એ બધું જ હું ‘સત્યા’ના અનુભવમાંથી શીખ્યો છું. ‘સત્યા’ના મેકિંગ વખતે મેં જે કંઈ પાઠ શીખેલા તે હું આજની તારીખેય યાદ કરું છું. મેં જોકે પછી રામુની ફિલ્મો જોવાનું બંધ કર્યું હતું. હું ફક્ત એના પ્રોમો જોઉં છું અને મને જે લાગે એ રામુને કહું છું. આખેઆખી ફિલ્મ જોઈને મારો અભિપ્રાય આપું તો તે કદાચ રામુને ન પણ ગમે એવો મને ડર છે. આઈ સ્ટિલ કેર ફોર હિમ.
• સ્ટાર વગરની, મોટા પ્રોડયુસરોના સપોર્ટ વગરની અને નાના બજેટમાં બની જતી ફિલ્મોનો જે જુવાળ આવ્યો છે, એનો લોકો મને પોેસ્ટર બોય ગણે છે. હું કંઈ સામેથી આ બિરુદ માગવા ગયો નહોતો, કારણ કે આજે તમે જેને પોસ્ટર બોય કહો છો એ કાલે તમારા માટે ડાર્ટ બોર્ડ બની જશે અને પછી તમે એના પર તીર ચલાવીને વીંધી નાખશો.
• આપણા દેશમાં તંદુરસ્ત ચર્ચા થતી જ નથી. માત્ર આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો મારો જ થાય છે. આપણે ફ્રસ્ટ્રેટેડ લોકો છીએ. ધિસ કન્ટ્રી નીડ્સ ગૂડ સેક્સ!
• જનતા તમને નવા પ્રયોગો નહીં કરવા દે. ‘દેવ.ડી’ ફિલ્મ ગમી તો તેઓ ‘દેવ.ડી’ની સિક્વલની માગણી કરશે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ગમી ગઈ તો ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પાર્ટ-થ્રીની ડિમાન્ડ કરશે. તમારા ચાહકો જ તમારા સૌથી ખરાબ દુશ્મન પુરવાર થાય છે. આથી જ હું મારા ચાહકોથી દૂર રહું છું. હું હંમેશાં એમને કહું છું કે મને મારું સપનું જીવવામાં રસ છે, તમારી ઇચ્છા પૂરી કરવામાં નહીં.
• રશિયન લેખક દોસ્તોયેવસ્કી અને જાપાની લેખક હારુકી મુરાકામીનાં પુસ્તકોમાંથી આપણા ફિલ્મમેકરોએ ખૂબ ચોરી કરી છે. જુદાં જુદાં સ્થળોની જાણકારી મેં પુસ્તકો વાંચીને ખૂબ મેળવી છે. આઈ લવ ટ્રાવેલિંગ. મારી મોટા ભાગની સ્ક્રિપ્ટ્સ મેં ટ્રાવેલિંગ દરમિયાન લખી છે. ‘દેવ.ડી’નાં કેટલાંય પાનાં મેં પ્લેનમાં લખ્યાં હતાં. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની સ્ક્રિપ્ટ મેં ટ્રાન્સવેસ્ટાઇટ્સ (સ્ત્રીનો વેશ કાઢતા પુરુષો)થી છલકાતી માડ્રિડની એક હોટલમાં લખી હતી.
• મારી ત્રણ-ત્રણ ફિલ્મો- ‘પાંચ’, ‘બ્લેક ફ્રાઇડે’ અને ‘ગુલાલ’ તૈયાર થઈને રિલીઝ થયા વગર અટકી પડી હતી. મારા ક્રોધ અને ફ્રસ્ટ્રેશનનો પાર નહોતો. હું દારૂના રવાડે ચડી ગયો. એને લીધે જ મારી પહેલી પત્ની આરતી બજાજ સાથે ૨૦૦૯માં મારા ડિવોર્સ થઈ ગયા. એ નહોતી ઇચ્છતી કે અમારી દીકરી શરાબી બાપની હાજરીમાં મોટી થાય. ડિવોર્સ પછી હું અમેરિકા ગયો. જાઝ મ્યુઝિકનો પહેલો પરિચય મને આ વખતે થયો. હું એક જાઝ સિંગરના પ્રેમમાં પડીને એની પાછળ-પાછળ ફર્યા કરતો. આખરે અમારી દોસ્તી થઈ. એણે મને જાઝની દુનિયા દેખાડી. જાઝનો ગ્લેમરસ માહોલ મારે ભારતના બેકગ્રાઉન્ડમાં દેખાડવો હતો. ‘બોમ્બે વેલ્વેટ’નો જન્મ આ રીતે થયો.
• લોકો મને પૂછતા હોય છે કે તારી ફિલ્મો સ્ક્રીન પર આટલી મોટી અને મોંઘી શી રીતે લાગે છે. આનો જવાબ એ છે કે હું રિઅલ લોકેશન પર શૂટ કરું છું. આને લીધે સેટ ઊભો કરવાનો ખર્ચ બચી જાય છે. વળી, ફિલ્મમાં મોટા સ્ટાર ન હોવાથી મીડિયાને શૂટિંગ કવર કરવામાં રસ હોતો નથી. કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન હોય એટલે ૩૨૦ પાનાંની સ્ક્રિપ્ટ અમે સો દિવસમાં શૂટ કરી નાખીએ છીએ. ફિલ્મમાં કોઈ મેઇનસ્ટ્રીમ હીરો લીધો હોય તો આ શક્ય નથી. મારું મોટા ભાગનું બજેટ ફિલ્મ પર ખર્ચવાને બદલે સ્ટાર લોકોની સરભરા કરવામાં જ ખર્ચાઈ જાય. મને તો આ વિચારથી જ કંપારી છૂટી જાય છે. (આ ૨૦૧૧નું ક્વોટ છે. અનુરાગે, ફોર અ ચેઇન્જ, ‘બોમ્બે વેલ્વેટ’માં તોતિંગ બજેટ રાખ્યું અને મેઇનસ્ટ્રીમ સ્ટાર્સ સાથે આનંદપૂર્વક કામ કર્યું.)
• ડેની બોયલ (‘સ્લમડોગ મિલિયોનેર’ના ડિરેક્ટર) ‘બોમ્બે વેલ્વેટ’ના ત્રણ ભાગમાંથી કમ સે કમ એક ભાગ ડિરેક્ટ કરવા માગતા હતા. આવું એમણે એક ઇન્ટરવ્યૂમાં કહેલું. મેં એમને કહ્યું, સર, મને એક ભાગ તો ડિરેક્ટ કરવા દો. સિક્વલના બાકીના બે પાર્ટ્સ તમે ડિરેક્ટ કરી લેજો! ડેની બોયલ કક્ષાનો ફિલ્મમેકર જ્યારે આવી વાત કરે ત્યારે કોન્ફિડન્સ વધે છે. આપણને થાય કે આપણે જે કરી રહ્યા છીએ તે બરાબર કરી રહ્યા છીએ.
• મારી મોટામાં મોટી ડિસ્કવરી કોઈ હોય તો એ કરણ જોહર છે. ગજબનો રમૂજી માણસ છે એ. કરણ તમારી ખિલ્લી તમારી સામે જ ઉડાવે તોપણ તમને ગુસ્સો ન આવે. બોલિવૂડના સૌથી ઇન્ટેલિજન્ટ માણસોમાંનો એ એક છે. ઝીણામાં ઝીણી બાબત પર એની નજર હોય છે. એની સેન્સ ઓફ હ્યુમરમાં કમાલની ઓરિજિનાલિટી હોય છે, પણ કોણ જાણે કેમ ફિલ્મ બનાવતી વખતે એ કોઈક જુદો માણસ બની જાય છે. એનામાં જે સોલિડ રમૂજવૃત્તિ છે તે એની ફિલ્મોમાંથી ગાયબ હોય છે. કોઈ બિઝનેસમેન સોદા કરતો હોય તે રીતે એ ફિલ્મ બનાવે છે. હું ઇચ્છું છું કે કરણ એકાદ મસ્તમજાની તીખી, વ્યંગાત્મક સોશિયલ કોમેડી બનાવે.
• લોકો કહે છે કે તમે કોઈને પ્રેમ કર્યો હોય તો તરત એ વ્યક્તિની અસરમાંથી બહાર આવી શકતા નથી, કેમ કે પ્રેમ હંમેશાં ધીમે ધીમે ઓછો થાય છે… બટ ટ્રસ્ટ મી, પ્રેમ ચપટી વગાડતાં, આંખના પલકારામાં સ્વિચ ઓફ્ફ થઈ જાય તે શક્ય છે. ‘દેવ.ડી’માં દેવદાસને અચાનક જ ભાન થાય છે કે પારો માટે એના દિલમાં હવે પ્રેમ રહ્યો નથી. આવી પળો આવતી હોય છે જીવનમાં.
• તમે જ્યારે અંદરથી ખાલી હો છો ત્યારે તે ખાલીપો ભરવા દારૂ જેવી બહારની ચીજોનો સહારો લેવો પડે છે. કલ્કિ કોચલિન (એક્ટ્રેસ) મળી પછી હું વધુ પડતા દારૂમાંથી બહાર આવી ગયો. આ પ્રેમની અસર હતી.
• હું કલ્કિના પ્રેમમાં શા માટે પડયો એ તો સમજાય એવું છે, પણ એ મારા પ્રેમમાં શું કામ પડી તે એક કોયડો છે. મારો દેખાવ દક્ષિણના જાડિયા હીરો જેવો છે અને એને કદાચ મૂછાળા સાઉથ ઇન્ડિયન હીરો બહુ ગમતા હશે. મને જોઈને એને થયું હશે કે આહા! ચાલો, મારી એક ફેન્ટસી તો અહીં પૂરી થઈ શકે તેમ છે! (કલ્કિ સાથે અનુરાગનો લગ્નસંબંધ બે વર્ષ ટક્યો. ૨૦૧૩માં એમના ડિવોર્સ થયા.)
• આપણે હોલિવૂડની નકલ કર્યા કરીએ છીએ, પણ ત્યાંનું વર્ક કલ્ચર અપનાવી શકતા નથી. ત્યાં મોટામાં મોટા સ્ટાર પણ ઓડિશન આપે છે અને સ્ક્રિપ્ટ રીડિંગમાં ભાગ લે છે. આપણે ત્યાં આવો રિવાજ જ નથી. એ લોકોની પૂર્વતૈયારી અને આયોજન એટલાં પાક્કાં હોય છે કે ‘ટાઇટેનિક’ જેવી ભવ્ય ફિલ્મ આપણી ‘ગુઝારિશ’ કરતાં ઓછા દિવસમાં શૂટ કરી નાખે છે.
• ચૈતન્ય ત્હામ્ણે (કોર્ટ), કનુ બહલ (તિતલી), અવિનાશ અરુણ (કિલ્લા) જેવી સ્મોલ બજેટ ફિલ્મો બનાવતા આ બધા યુવાન ફિલ્મમેકર્સની મને જબરી ઈર્ષ્યા થાય છે. મને થાય કે આ લોકો કેવી રીતે આટલી સરસ ફિલ્મો બનાવી શકતા હશે. મને દિવાકર બેનર્જીની પણ અદેખાઈ થાય છે. એક્ચ્યુઅલી, મને તમામ સારા ફિલ્મમેકરોની ઈર્ષ્યા થાય છે. આ ઈર્ષ્યા જ મને સતર્ક અને સક્રિય રાખે છે. જે લોકોનું કામ મને પસંદ પડે છે એ સૌને હું મારા દોસ્ત બનાવી દઉં છું, એ આશાએ કે એમની થોડી ટેલેન્ટ મારામાં પણ ઊતરશે.
• જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. પરિસ્થિતિઓને તમે જે રીતે જોવા માગતા હો એ રીતે જોઈ શકો છો. જો તમે ખરેખર સંજોગોને સુધારવા માગતા હશો તો જરૂર સુધરશે. પોતાની જાત પર ભરોસો હોવો જરૂરી છે, કેમ કે જો તમને જ તમારા પર ભરોસો નહીં હોય તો બીજાઓને તમારા પર ભરોસો કેવી રીતે બેસવાનો? અને જવાબદારી લેતા શીખવું. લાઇફમાંથી હું આટલું શીખ્યો છું.
• સરસ જિંદગી, સરસ વાઇન, સિંગલ મોલ્ટ, ટ્રાવેલિંગ, મૂવિઝ-મૂવિઝ-મૂવિઝ અને આઝાદી… આના કરતાં વધારે મહત્ત્વનું મારા માટે બીજું કશું નથી!
શો-સ્ટોપર
અનુરાગ કશ્યપ જિનિયસ માણસ છે. સાહિર લુધિયાનવી, આર.ડી. બર્મન અને કિશોર કુમારની માફક અનુરાગમાં પેલું ‘સમથિંગ એક્સ્ટ્રા’- કશુંક વિશિષ્ટ તત્ત્વ છે. ઇન્ડસ્ટ્રીમાં એક અનુરાગ કશ્યપ હોવો જરૂરી છે… પણ એક જ, હં. એકથી વધારે નહીં.
– પીયૂષ મિશ્રા (એક્ટર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply