મલ્ટિપ્લેક્સ : સંઘર્ષ અને સપનાં
Sandesh- Sanskaar Purti- 5 April 2015
મલ્ટિપ્લેક્સ
પ્રતિભાથી છલકાતા અમદાવાદના ત્રણ જુવાનિયાઓએ ‘ગૂંગા પહેલવાન’ નામની ડોક્યુમેન્ટરી
* * * * *
બનાવતી વખતે ક્લ્પના ય કેવી રીતે કરી હોય કે તેમની આ પહેલીવહેલી ફિલ્મ
નેશનલ અવોર્ડ જીતીને છાકો પાડે દેશે! શું છે આ ગૂંગા પહેલવાનની દાસ્તાન
અને કોણ છે તેજીલા તોખાર જેવા આ યંગસ્ટર્સ?
હજુ ગયા અઠવાડિયાની જ વાત. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં વિવેક અને
પ્રતીક નામના ચોવીસેક વર્ષના બે યુવાનો પોતાની ઓફિસમાં બિઝી બિઝી છે.
ટીવી પર આ વર્ષના નેશનલ એવોર્ડ્ઝ વિજેતાઓનાં નામ એક પછી એક ઘોષિત
થઈ રહ્યાં છે. ‘ક્વીન’ માટે કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, ‘મેરી કોમ’ને
બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ, ‘હૈદર’ને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, સિંગર વગેરે
માટે એવોર્ડ્ઝ… વિવેક કહે છે, “અલ્યા પ્રતીક, નેશનલ એવોર્ડ માટે તો આપણે
બી એન્ટ્રી મોકલી હતી.”
પ્રતીક માથું ઊંચું કર્યા વિના કહી દે છે, “છોડને લ્યા! ડેડલાઇન માથા
પર છે. કામ કરને! એવોર્ડવિનર્સનાં નામ પછી જોઈ લઈશું.”
વિવેક ડાહ્યોડમરો થઈને પાછો કામમાં ગૂંથાઈ જાય છે. દરમિયાન પ્રતીકનો મોબાઇલ
રણકે છે. સામે છેડે ‘બે યાર’ અને ‘કેવી રીતે જઈશ’ જેવી ખૂબ ગાજેલી ગુજરાતી
ફિલ્મના મેકર અભિષેક જૈન છે. પ્રતીકને એકદમ યાદ આવે છે કે અભિષેકનો
કેમેરા અમારી પાસે ક્યારનો પડયો છે, જે હજુ સુધી પાછો અપાયો નથી. મોબાઇલ
કાને માંડીને પ્રતીક કશું સાંભળ્યા વિના કહેવા માંડે છે, “બોસ, બસ, પંદર જ
મિનિટ આપો. મારા માણસને કેમેરા લઈને અબ્બી હાલ તમારી ઓફિસે મોકલું છું.”
અભિષેક કહે છે, “અબ્બે ચૂપ હો જા. કોન્ગ્રેટ્સ.”
પ્રતીક ગૂંચવાય છે, “કેમ?”
“શું કેમ? તમારી ડોક્યુમેન્ટરીએ નેશનલ એવોર્ડ જીતી લીધો છે!”
“બસ, એ પછીનો અડધો કલાક શું થયું એ મને બિલકુલ યાદ નથી!” પ્રતીક આ કિસ્સો
યાદ કરીને ખડખડાટ હસી પડે છે. કેવી રીતે યાદ હોય! દોસ્તારોની સાથે મળીને જિંદગીમાં
પહેલી જ વાર ડોક્યુમેન્ટરી બનાવી હોય એને ભારતનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો નેશનલ
એવોર્ડ મળી જાય તે ઘટના સપના જેટલી અવાસ્તવિક નથી શું!
‘ગૂંગા પહેલવાન’ નામની ૪૫ મિનિટની ડોક્યુમેન્ટરીને ‘બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર’ (નોન-ફિક્શન) કેટેગરીમાં નેશનલ એવોર્ડ ઘોષિત થયો અને તે સાથે જ આ ફિલ્મને ડિરેક્ટ કરનાર આ ત્રણ ટેલેન્ટેડ યુવાનોનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઊપસી આવ્યું- મીત જાની, પ્રતીક ગુપ્તા અને વિવેક ચૌધરી. મીત મૂળ સુરેન્દ્રનગરનો. પ્રતીક અને વિવેક આમ તો મારવાડી પરિવારના ફરજંદ,પણ એ છે અમદાવાદમાં જન્મીને મોટા થયેલા સવાયા ગુજરાતી. એમના વિશે વધારે વાત કરતાં એ જાણી લઈએ કે ગૂંગા પહેલવાન છે કોણ? આવો સવાલ પૂછવો પડે છે તે એક કમબખ્તી છે. ડોક્યુમેન્ટરીનો એક સૂર આ પણ છે. ગૂંગા પહેલવાન એટલે હરિયાણાના સસરોલી ગામમાં જન્મેલો વિરેન્દર સિંહ, જે કુસ્તીબાજ યા તો રેસ્લર છે, મૂક-બધિર છે અને જેણે ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચ-પાંચ મેડલ્સ અપાવ્યા છે. ૨૦૦૫ અને ૨૦૧૨માં અનુક્રમે મેલબોર્ન તેમજ બલ્ગેરિયામાં યોજાયેલા ડેફલિમ્પિક્સ (ખાસ મૂક-બધિરો માટે યોજાતી વિશ્વ ઓલિમ્પિક્સ)માં બંનેમાં ગોલ્ડ મેડલ, ૨૦૦૮માં તાઇવાનમાં આયોજિત ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ ઉપરાંત ૨૦૦૮ અને ૨૦૧૨માં અનુક્રમે આર્માનિયા તેમજ બલ્ગેરિયાના વર્લ્ડ ડેફ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ.
‘ગૂંગા પહેલવાન’ ડોક્યુમેન્ટરીમાં વિરેન્દરના સંઘર્ષ અને સપનાંની વાત અફલાતૂન રીતે પેશ થઈ છે. ફિલ્મ એટલી બધી રસપ્રદ બની છે કે જાણે દિલધડક થ્રિલર જોતા હોઈએ એમ આપણે સીટ પર ખોડાઈ જઈએ છીએ. અત્યંત પ્રવાહી નરેટિવ, દર્શકનાં દિલ-દિમાગમાં યોગ્ય જગ્યાએ ઊઠતાં યોગ્ય સ્પંદનો, શ્રેષ્ઠ કક્ષાનું એડિટિંગ, સંગીત અને પૂરક વિઝ્યુઅલ્સનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ, અનુભવી પત્રકારની માફક થયેલું પાક્કું ઇન્વેસ્ટિગેશન- આ બધું જોઈને કલ્પના કરવી મુશ્કેલ થઈ પડે છે કે આ ડોક્યુમેન્ટરી સાવ નવા નિશાળિયાઓએ બનાવી છે. ડુંગળીનાં પડ એક પછી એક ઊતરી રહ્યાં હોય તેમ દર્શકની સામે ધીમે ધીમે ૩૧ વર્ષના ગૂંગા પહેલવાન એટલે કે વિરેન્દર સિંહનું જીવન ક્રમશઃ ઊઘડતું જાય છે. વિરેન્દરનું શરીર બોલિવૂડના હીરોલોગને લઘુતાગ્રંથિનો એટેક આવી જાય એવું સ્નાયુબદ્ધ છે. કમ્યુનિકેટ કરતી વખતે એના હાથની મુદ્રાઓ અને ચહેરાના હાવભાવ એટલાં બોલકાં હોય છે કે સ્ક્રીન પર એનું આખું વ્યકિતત્વ આકર્ષક રીતે જીવંત થઈ ઊઠે છે. એના ચહેરા પર બાળક જેવી નિદોષતા છે અને આંખોમાં ગજબની ચમક છે. મસ્તમૌલા અને ખુશમિજાજ વિરેન્દરની હળવી ફુલ પર્સનાલિટીમાં બિચારાપણું, ફરિયાદ કે સહાનુભૂતિ ઊઘરાવવાની વૃત્તિનો અંશ માત્ર નથી. મોટિવેશનલ કવોલિટી આ ડોક્યુમેન્ટરીનો એક મોટો પ્લસ પોઈન્ટ છે.
“આ ડોક્યુમેન્ટરીની અમારી સફરની શરૂઆત વિવેકે ગૂંગા પહેલવાન વિશે એક લેખ વાંચેલો હતો ત્યારથી થઈ હતી.” પ્રતીક કહે છે, “સપ્ટેમ્બર ૨૦૧૨માંં ‘મિન્ટ’ અખબારની લાઉન્જ પૂર્તિમાં ‘ટફ-ઈનફ’ નામનો આ લેખ છપાયો હતો. વિવેકે તે લેખ અમારી સાથે શેર કર્યો. અમને આખી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. અમે ગૂગલ સર્ચ કરી જોયું. તમે માનશો,ગૂગલ પર તે વખતે ગૂંગા પહેલવાન વિશે ફક્ત એક જ લેખ અને એક જ ફોટો હતા. ધેટ્સ ઇટ. બહુ નવાઈ લાગે એવી આ વાત હતી. ડોક્યુમેન્ટરી બનાવવા માટે અમને ગૂંગા પહેલવાન પરફેક્ટ વિષય લાગ્યો.”
હજુ આગલા વર્ષે જ અમદાવાદની એચ.એલ. કોલેજમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા આ છોકરાઓ ડોક્યુમેન્ટરીના રવાડે કેવી રીતે ચડી ગયા? વિવેક કહે છે, “કોલેજમાં અમારું નવેક જણાનું ગ્રૂપ ફર્સ્ટ યરથી જ એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટીઝમાં ભાગ લેવા માંડયું હતું. નિરમા કોલેજના હોરાઇઝોન ફેસ્ટિવલમાં કેટલીય કોમ્પિટિશનમાં ભાગ લઈને અમે બેસ્ટ કોલેજ ઓફ ધ યરનો એવોર્ડ સુધ્ધાં જીતી લાવેલા. અમારા માટે આ આખો અનુભવ ર્ટિંનગ પોઇન્ટ જેવો બની રહ્યો. સેકન્ડ યરમાં સૌમ્ય જોશીના ડિરેક્શનમાં’કેમ અને ક્યાં સુધી?’ નામનું સ્ટ્રીટ પ્લે ભજવ્યું, આઈઆઈએમમાં મહેશ દત્તાણીનું ગે-લેસ્બિયનની થીમવાળું ‘ઓન અ મગી નાઇટ ઇન મુંબઈ’ નામનું ઇંગ્લિશ પ્લે પર્ફોર્મ કર્યું. અમે આખો દિવસ કોલેજ કેમ્પસમાં જ હોઈએ, પણ કલાસમાં લેકચર નહીં ભરવાના. ફર્સ્ટ યરમાં મારી અટેન્ડન્સ ૨૦ ટકા હતી, સેક્ન્ડ યરમાં ૧૧ ટકા અને થર્ડ યરમાં ૯ ટકા! છતાંય અમે સારી રીતે પાસ તો થઈ જ જતા.”
આ વર્ષોમાં જ તેઓ દૃષ્ટિ મીડિયા આર્ટ્સ ફોર હ્યુમન રાઇટ્સ નામની એનજીઓ સાથે સંકળાયા. આ એનજીઓ અમદાવાદમાં દર વર્ષે ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ યોજે છે. કોલેજનાં ત્રણેય વર્ષો દરમિયાન મીત, વિવેક, પ્રતીક એન્ડ પાર્ટીએ પૂરજોશથી આ ઇવેન્ટમાં ઝુકાવી દીધું. મહેમાનોને એરપોર્ટ પર રિસીવ કરવાથી માંડીને જ્યુરી મેમ્બર બનવા સુધીની કામગીરી બજાવી. જાતજાતના વિષયો પર બનેલી દુનિયાભરની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી જોવાનો તેમને મોકો મળ્યો. આ એક્સપોઝર તેમના માટે નિર્ણાયક સાબિત થયો. દુનિયાને જોવાની-સમજવાની તેમની
દૃષ્ટિ ખૂલતી ગઈ. કોલેજના થર્ડ યર દરમિયાન જ તેમણે લગભગ નક્કી કરી નાખ્યું હતું: કંઈ પણ થાય, આપણે પણ એકાદ ડોક્યુમેન્ટરી તો બનાવીશું જ! સદભાગ્યે દષ્ટિમાં તેમને ડોક્યુમેન્ટરી મેકિંગની ટેક્નિકલ ટ્રેનિંગ મળી શકી. ૨૦૧૨માં મીત, પ્રતીક અને આયુષ નામના ઓર એક દૃોસ્તે સાથે મળીને ‘મિંયા મહાદેવ’ નામની શોર્ટ ફિલ્મ ડિરેકટ કરી. ગોધરાકાંડ પછી અમદાવાદમાં પેદા થયેલી કોમી પરિસ્થિતિ પર અને પછી ઉત્તરપ્રદેશના લેન્ડ માફિયા પર ફિલ્મ બનાવવાનો વિચાર ર્ક્યો હતો, પણ મીત-પ્રતીક-ગૌરવની ત્રિપુટીની પહેલી ડોક્યુમેન્ટરીની કુંડળીમાં ગૂંગો પહેલવાન લખાયો હતો. આ સબ્જેકટ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મીત અને પ્રતીક સીએની ફાઇનલ એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા હતા, જ્યારે વિવેક દિલ્હીની પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમબીએનું ભણી રહ્યો હતો.
રિસર્ચ શરૂ થયું. ‘મિન્ટ’માં પેલો લેખ લખનાર રુદ્રનીલ સેનગુપ્તા નામના પત્રકારે (કે જે રેસ્લિંગના વિષય પર પુસ્તક્ લખી રહ્યા છે) પોતાના કોન્ટેક્ટ્સનું આખું લિસ્ટ આ ત્રિપુટી સાથે શેર ર્ક્યું. વિષયને વ્યવસ્થિત સમજવા માટે શરૂઆતમાં તેઓ કેમેરા વગર અલગ અલગ લોકોને મળ્યા. ગૂંગા પહેલવાનના પરિવારના સભ્યો (એના પિતા અને કાકા પણ કુસ્તીબાજ છે), બબ્બે વાર ઓલિમ્પિક મેડલ જીતી લાવનાર કુસ્તીબાજ સુશીલ કુમાર, સુશીલ કુમારના અર્જુન એવોર્ડવિજેતા રેસ્લર ગુરુ સતપાલ સિંહ, કુસ્તીના જુદા જુદા અસોસિએશનના પદાધિકારીઓ, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના સાહેબો, અમલદારો વગેરે. જડબેસલાક માહિતી મેળવવા માટે તેમણે રાઇટ-ટુ-ઇન્ફર્મેશન એક્ટનો ઉપયોગ કર્યો અને એકાદ જાહેર હિતની અરજી પણ ફટકારી. સરકારી સાહેબલોકોનો ઉપેક્ષાભર્યો અભિગમ તેમજ અજ્ઞાાન ચોંકાવનારા હતા. મૂક-બધિર કુસ્તીબાજોએ મુખ્ય ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હોય તેવા એક કરતાં વધારે કિસ્સા બની ચૂક્યા છે,છતાં ગૂંગા પહેલવાનને ઓલિમ્પિક્સમાં ન જ મોકલવામાં આવ્યો. હરિયાણાના તત્કાલીન મુખ્યપ્રધાન ભૂપેન્દરસિંહ હુડાએ વચન આપ્યું હતંુ કે જો વિરેન્દર ૨૦૧૨ના ડેફલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવશે તો સરકારી પોલિસીના ભાગ રૂપે પાંચ કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. આ નાણું હજુય કેવળ કાગળ પર જ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ બબ્બે વખત સુવર્ણપદક જીતનાર વિરેન્દરે આજની તારીખેય છત્રસાલ સ્ટેડિયમના અખાડામાં બીજા ચૌદ કુસ્તીબાજો સાથે ગંદો રૂમ શેર કરવો પડે છે.
પ્રતીક કહે છે, “શરુઆતમાં અમારા મનમાં ડોક્યુમેન્ટરીનો ટોન ગૂંગા પહેલવાન પ્રત્યે લોકોને સહાનુભૂતિ ઊપજે એ પ્રકારનો રાખવાનો હતો, પણ વિરેન્દરની સાથે સમય વિતાવ્યા પછી અમને લાગ્યું કે એના જેવા રમતિયાળ, જીવંત અને બિન્ધાસ્ત માણસની ડોક્યુમેન્ટરી સેડ હોઈ જ ન શકે. આથી અમે ફિલ્મનો ટોન ઉદાસીભર્યો નહીં, પણ આશાભર્યો રાખ્યો.”
દૃષ્ટિ મીડિયા ડોક્યુમેન્ટરીનું ઓફિશિયલ પ્રોડયુસર બન્યું. જોકે, તેના તરફથી મળેલા સાડાત્રણ લાખ રૂપિયા પૂરતા નહોતા એટલે ચારેક લાખ ખિસ્સામાંથી કાઢવા પડયા. એપ્રિલથી ઓગસ્ટ-૨૦૧૩ દરમિયાન ભરપૂર શૂટિંગ થયું. લગભગ ૮૩ કલાકનું ફૂટેજ હતું, જે ફર્સ્ટ ક્ટમાં એક ક્લાક ત્રણ મિનિટ જેટલું સંકોચવામાં આવ્યું. અગાઉ શોર્ટ ફિલ્મ્સ બનાવી ચુકેલા પ્રતીક્ પાસે એડિિંટગનો થોડોઘણો અનુભવ અને સૂઝ બન્ને હોવાથી આ કામ એ જ કરે એવું નક્કી થયું હતું. જિમી દેસાઈ નામના પ્રોફેશનલ એડિટર તેની સાથે જોડાયા. ફિલ્મનો બીજો ક્ટ ૫૩ મિનિટનો બન્યો.
કેરળના બે અલગ-અલગ પ્રતિષ્ઠિત ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલમાં દેશવિદેશના ટોચના ડોક્યુમેન્ટરી મેકર્સની ફિલ્મોની સાથે સાથે સુંદર મોટિવેશનલ ક્વોલિટી ધરાવતી ‘ગૂંગા પહેલવાન’નું સ્ક્રીનિંગ થયું. ફિલ્મ ખૂબ વખણાઈ. નંદન સકસેના નામના બબ્બે વખતે નેશનલ અવોર્ડ જીતી ચુકેલા ડોક્યુમેન્ટરી મેકરથી લઈને રાજકુમાર હિરાણી સુધીના મહત્ત્વના લોકોના ફીડબેક તેમજ માર્ગદર્શન મળ્યું. ડોક્યુમેન્ટરી ઓર ટૂંકાવીને ૪૫ મિનિટમાં સમેટી લેવામાં આવી. આજ સુધીમાં કુલ પાંચ દેશોના કુલ ૧૩ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ‘ગૂંગા પહેલવાન’નું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે. નેશનલ એવોર્ડ માટે એન્ટ્રી મોકલી ત્યારે ડેડલાઇન લગભગ ચુકાઈ જવાની અણી પર હતી,પણ સદભાગ્યે એન્ટ્રી સ્વીકારાઈ અને પછી જે બન્યું તે ઇતિહાસ છે.
મીત, પ્રતીક અને વિવેક અમદાવાદમાં ‘વીડિયોવાલા’ નામની કંપની ચલાવે છે, કોર્પોરેટ ફિલ્મ્સ બનાવે છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને એમબીએ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. નેચરલી. મીત કહે છે, “નેક્સ્ટ ડોક્યુમેન્ટરી માટે અમે બે-એક વિષય હાલ પૂરતા શોર્ટલિસ્ટ કરી રાખ્યા છે, પણ એનું રિસર્ચ વગેરે ૨૦૧૬માં શરૂ કરીશું. ફિલ્મ બનાવતા પહેલાં પૈસા પણ કમાવા પડશેને!”
બિલકુલ. કદાચ થોડાં વર્ષો પછી ફિક્શન તરફ પણ ગતિ થાય. નેક્સ્ટ લોજિકલ સ્ટેપ તો ફીચર ફિલ્મ જ છે. ઓલ ધ બેસ્ટ!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply