મલ્ટિપ્લેક્સ: શંકરને ‘ભારતના જેમ્સ કેમરોન’નું બિરુદ શાથી મળ્યું?
Sandesh- Sanskar Purti- 11 Jan 2015
મલ્ટિપ્લેક્સ
ઓડિયન્સની નાડ પારખવામાં હોટશોટ તમિલ ફિલ્મમેકર શંકર એક્કા છે. જો બધું સમુસૂતરું પાર પડ્યું તો અજબગજબની સ્પેશિયલ ઈફેક્ટ્સ ધરાવતી અને ઉતરાણ પર ત્રણ ભાષામાં રિલીઝ થઈ રહેલી એમની ફિલ્મ “આઈ” નવાં કીર્તિમાનો સ્થાપી શકશે.
* * * * *
સૌથી પહેલાં તો ગુજરાતી સિનેમાના અભિનયસમ્રાટ સદગત ઉપેન્દ્ર ત્રિવેદીને હૃદયપૂર્વક યાદ કરીએ અને પછી તમિલ સિનેમાના સૌથી હોટશોટ ફિલ્મમેકર એસ. શંકર વિશે વાત માંડીએ.
સાચું પૂછો તો શંકર કેવળ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નહીં પણ સમગ્ર ભારતીય સિનેમાના સૌથી હોટ-એન્ડ-હેપનિંગ ફિલ્મમેકર્સમાંના એક છે. હિન્દી ફિલ્મો જોનારું ઓડિયન્સ એમના કામથી પરિચિત છે. કમલ હાસન-મનીષા કોઇરાલા-ઉર્મિલા માંતોડકરને ચમકાવતી ‘હિન્દુસ્તાની’ (અથવા ‘ઇન્ડિયન’, ૧૯૯૬), નવી નવી હિરોઇન બનેલી ઐશ્વર્યા રાય સાથે દુનિયાની સાત અજાયબીઓની સફર કરાવતી ‘જીન્સ’ (૧૯૯૮) અને અજબગજબની કમ્પ્યૂટર જનરેટેડ ઇફેક્ટ્સ ધરાવતી રજનીકાંત-ઐશ્વર્યાવાળી ‘રોબોટ’ (૨૦૧૦)- હિન્દીમાં ડબ થઈને વ્યવસ્થિત રીતે રિલીઝ થયેલી આ ત્રણેય ફિલ્મો શંકરે બનાવી છે. અનિલ કપૂરને એક દિવસ માટે ચીફ મિનિસ્ટર બનવાનો મોકો આપતી ‘નાયક’ (૨૦૦૧) શંકરે સીધી હિન્દીમાં જ ડિરેક્ટ કરી હતી. આ એમની પહેલી અને હાલ પૂરતી છેલ્લી હિન્દી ફિલ્મ. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયન હીરો વિક્રમને સ્પ્લિટ પર્સનાલિટી ધરાવતા કેરેક્ટરમાં દેખાડતી ‘અપરિચિત’ નામની સાઇકો-થ્રિલરનું હિન્દી વર્ઝન ટીવી પર અવારનવાર ટેલિકાસ્ટ થતું રહે છે. ‘થ્રી ઇડિયટ્સ’ની તમિલ રિમેક શંકરે ડિરેક્ટ કરી છે. રજનીકાંતની પેલી બહુ ગાજેલી ‘શિવાજી-ધ બોસ’ના મેકર પણ શંકર જ. આજે શંકરને યાદ કરવાનું કારણ એ છે કે એમની નવીનક્કોર ત્રિભાષી ફિલ્મ ‘આઈ’ (આંખ કે માતાના અર્થમાં નહીં, પણ અંગ્રેજીનો મૂળાક્ષર આઈ) આવતા અઠવાડિયે ઉત્તરાણ નિમિત્તે ભારતભરનાં થિયેટરોમાં ચગવાની છે.
અઢી-ત્રણ વર્ષથી બની રહેલી ‘આઈ’ ફરતે શંકરે ગુપ્તતાની તોતિંગ દીવાલો ઊભી કરીને એટલું મોટું રહસ્ય ઊભું કરી દીધું હતું કે જાણે કોઈ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ન હોય. શંકરની આ ખાસિયત છે. દર વખતે ફિલ્મનું પ્રમોશન કાયદેસર શરૂ ન થાય તે પહેલાં એ મગનું નામ મરી ન પાડે. જોકે, રહેમાનના સંગીતવાળી ‘આઈ’નો પ્રોમો ઓફિશિયલી રિલીઝ થવાનો હતો એના એક અઠવાડિયા પહેલાં જ તે લીક થઈને સોશિયલ મીડિયા પર તરખાટ મચાવવા લાગ્યો હતો. પ્રોમોમાં વિક્રમનો લુક જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. (વિક્રમને આપણે છેલ્લે મણિરત્નમે ડિરેક્ટ કરેલી ઐશ્વર્યા-અભિષેકવાળી ‘રાવણ’માં હીરો તરીકે જોયો હતો.) ‘આઈ’ એક રોમેન્ટિક થ્રિલર છે, જેમાં રૂડોરૂપાળો વિક્રમ ભયાનક જનાવરમાં પરિવર્તિત થતો દેખાય છે. ‘આઈ’ની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તૈયાર કરનાર ઓસ્ટ્રેલિયાની રાઇઝિંગ સન પિક્ચર્સ નામની વીએફએક્સ કંપની ભૂતકાળમાં હેરી પોટરની ફિલ્મો માટે કામ કરી ચૂકી છે. જો બધું સમુંસૂતરું પાર પડયું તો ‘આઈ’ ઘણાં નવાં ર્કીિતમાનો સ્થાપશે એવી એક હવા બની છે.
શંકરનું નામ બિગ બજેટ ફિલ્મોનું સમાનાર્થી બની ગયું છે. રિજનલ હોવા છતાં એમની ફિલ્મો સો-દોઢસો કરોડના ખર્ચે બની હોય છે. શંકર પોતે ભારતના સૌથી મોંઘા ડિરેક્ટર ગણાય છે. એક ફિલ્મ ડિરેક્ટ કરવાના એ કરોડો રૂપિયાની ફી ચાર્જ કરે છે. ઓડિયન્સની નાડ પારખતાં શંકર જેવું બહુ ઓછા ડિરેક્ટરોને આવડે છે. એમની ફિલ્મો એટલે પૈસા વસૂલ એન્ટરટેઇનમેન્ટની ગેરંટી. મોટાભાગની ફિલ્મોમાં એ કંઈક ને કંઈક તો ગતકડું યા તો ‘હૂક પોઇન્ટ’ મૂકે જ કે જેનાથી ઓડિયન્સ ખેંચાઈ આવે. દાખલા તરીકે પોતાની પહેલી જ ફિલ્મ ‘જેન્ટલમેન’માં પેલું ‘ચિક પકુ રૈલે’ ગીત હતું જેમાં ઓડિયન્સે પ્રભુ દેવાના અજબગજબના ડાન્સ મૂવ્ઝ પહેલી વાર જોયા. ‘ઇન્ડિયન’માં કમલ હાસનનો વૃદ્ધ માણસનો ગેટઅપ લોકો આજેય યાદ કરે છે. ‘રોબોટ’માં હોલિવૂડ સામે વટથી ઊભી રહી શકે એવી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ હતી.
વાત માત્ર ગિમિક્સ પર અટકતી નથી. શંકરની ફિલ્મોમાં સરસ સ્ટોરીટેલિંગ હોય, સુંદર અભિનય હોય, સહેજ પણ બોર ન થવાય એવી ગતિ હોય અને ક્વચિત્ મેસેજ પણ હોય. રોબિનહૂડ-રાસ્કલાના કોમ્બિનેશન જેવા એમના હીરો મોટેભાગે વિદ્રોહી હોય જે સલીમ-જાવેદવાળા અમિતાભ બચ્ચનની જેમ એંગ્રી યંગમેન બનીને કાનૂનને પોતાના હાથમાં લઈને હંગામો મચાવતા હોય. ટૂંકમાં, શંકરની ફિલ્મોમાં સફળ થવાનો તમામ કોમર્શિયલ મસાલો મોજૂદ હોય. તેમણે ડિરેક્ટ કરેલી ૧૧માંથી સાત ફિલ્મો સુપરડુપર હિટ થઈ છે. તોસ્તાનછાપ બજેટ ધરાવતી એમની ફિલ્મો એટલી બધી કમાણી કરે છે કે પ્રોડયુસરને બખ્ખાં થઈ જાય. શંકરે પોતે કેવળ પ્રોડયુસર તરીકે કેટલીક ફિલ્મો બનાવી છે.
શંકરની ઇમેજ એવી બની ગઈ છે કે ઓડિયન્સને હવે એમની ફિલ્મો પાસેથી ભવ્યતાથી ઓછું કશું ખપતું નથી. બોલિવૂડના ડિરેક્ટરોએ જ્યારે માચુ-પિચુ (પેરુમાં આવેલી અદ્ભુત પર્વતમાળા)નું નામ પણ સાંભળ્યું નહોતું ત્યારે શંકર ઐશ્વર્યા પર અહીં’જીન્સ’નું આખું ગીત શૂટ કરી આવ્યા હતા. આવાં તો કેટલાંય લોકેશનનાં ઠેકાણાં શંકરે બોલિવૂડ સહિત ભારતભરના ડિરેક્ટરોને આપ્યાં છે. થિયેટરોમાં સામાન્યપણે નવી ફિલ્મનાં હીરો-હિરોઇનોનાં મસમોટાં કટ-આઉટ્સ મુકાતાં હોય છે. શંકર કદાચ ભારતના એકમાત્ર એવા ડિરેક્ટર છે, જેના ખુદનાં કટ-આઉટ્સ થિયેટરની બહાર મુકાય છે. સાચું-ખોટું રામ જાણે, પણ એક કથા એવી છે કે કમલ હાસનવાળી ‘ઇન્ડિયન’ ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે અમુક થિયેટરોમાં આખા મહિનાના શોઝનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું! (આ જ ફિલ્મમાં ‘ટેલિફોન બૂથ મેં મચલને વાલી’ જેવા ચક્રમ શબ્દોવાળું ગીત હતું, યાદ છે?)
મહામહેનતે મિકેનિકલ એન્જિનિયર બનેલા શંકરે શરૂઆત તો એક કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર તરીકે કરી હતી. તેમની ખ્વાહિશ એક્ટર બનવાની હતી. એક-બે ફિલ્મોમાં એમણે ટચૂકડા રોલ્સ પણ કર્યા છે. બન્યું એવું કે એક વાર એસ.એ. ચંદ્રશેખર નામના મોટા ડિરેક્ટરે શંકરે લિખિત-દિગ્દર્શિત નાટક આકસ્મિકપણે જોઈ લીધું. એમણે શંકરને પોતાના આસિસ્ટન્ટ તરીકે જોબ ઓફર કરી. ચંદ્રશેખરના સહાયક નિર્દેશક તરીકે શંકરે ૧૫ ફિલ્મો ડિરેક્ટ કરી. એમાંની બે ફિલ્મો કુંજુમોન નામના પ્રોડયુસરની હતી. કુંજુમોનને પોતાની એક મેગા-બજેટ ફિલ્મ માટે નવા ડિરેક્ટરની જરૂર પડી. એણે ઉત્સાહ અને ટેલેન્ટથી છલકાતા શંકરને આ જવાબદારી સોંપી. શંકર તે વખતે પૂરાં ત્રીસ વર્ષના પણ નહોતા થયા. આ ફિલ્મ એટલે ‘જેન્ટલમેન’. બસ, પછી જે કંઈ બન્યું એ જગજાહેર છે.
શંકરનાં કિરદારો ભલે લાર્જર-ધેન-લાઇફ રહ્યાં, પણ શંકર સ્વયં અસલી જિંદગીમાં લો-પ્રોફાઇલ માણસ છે. કોઈ નવી વ્યક્તિ એને ફોન કરે અથવા મળે તો ‘હાઈ, આઈ એમ શંકર, ધ ડિરેક્ટર’ કહીને વાત શરૂ કરશે. સેટ પર એ બેઝબોલ કેપ અને ડાર્ક ગોગલ્સ પહેરીને ચૂપચાપ પોતાનું કામ કરતા હોય. કોઈ રાડારાડી નહીં, કોઈ ટેન્શન નહીં. કલાકારો અને ટેક્નિશિયનોને હેન્ડલ કરવાનું કામ ઘણું કરીને પોતાના આસિસ્ટન્ટ્સને સોંપી દેશે. એમને મળેલા ‘ભારતના જેમ્સ કેમરોન’ના બિરુદનો ઉલ્લેખ કરશો તો સંકોચાઈને કહેશે કે મને ઓલરેડી જેટલું અટેન્શન મળી રહ્યું છે તે પણ મારાથી હેન્ડલ થતું નથી ત્યાં તમે મારા પર નવાં નવાં લેબલ શું કામ ચોંટાડો છો, ભાઈ! (જેમ્સ કેમરોન એટલે ‘ટાઇટેનિક’ અને ‘અવતાર’ જેવી યાદગાર ફિલ્મો બનાવનાર હોલિવૂડના ફિલ્મમેકર.)
‘આઈ’ના હીરો વિક્રમ વિશે શંકર પાસે પ્રશંસા સિવાય બીજું કશું નથી. એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, “વિક્રમ તદ્દન પાગલ એક્ટર છે. ‘આઈ’નું મેકિંગ અઢી-ત્રણ વર્ષ ચાલ્યું હતું અને આ ફિલ્મમાં પોતાના કેરેક્ટર માટે વિક્રમે જે કક્ષાની મહેનત કરી છે તે જોઈને હું તો નવાઈ પામી ગયો હતો. એક તબક્કે એણે બોડી-બિલ્ડર બનવાનું હતું. તે માટે દોઢ-બે વર્ષ સુધી એણે રોજના ત્રણથી પાંચ કલાક જોરદાર એક્સરસાઇઝ કરી. આ જ ફિલ્મમાં પછી એણે જનાવરના ગેટઅપમાં સીન કરવાના હતા. એણે મને સામેથી કહ્યું કે હવે હું વજન ઉતારીશ. અમને સૌને એની હેલ્થની બહુ ફિકર હતી, પણ ફિટનેસ એક્સપર્ટ્સના ગાઇડન્સ હેઠળ એ ફરી મચી પડયો ને ૨૦થી ૨૫ કિલો વજન ઘટાડી નાખ્યું. જનાવરના સ્વાંગમાં એણે ખાસ પ્રકારનો મેકઅપ કરવો પડતો હતો. વાળને લીધેે મેકઅપમાં અવરોધ ઊભો થતો હતો તો કોઈ દલીલબાજી કર્યા વગર એણે ટકો કરાવી નાખ્યો. સ્ક્રીન પર ટકો દેખાવાનો હોય તો એક્ટર માથું મૂંડાવે એ તો સમજાય એવું છે, પણ સ્ક્રીન પર ટકો દેખાવાનો ન હોય છતાંય વાળ ઉતારી નાખવા માટે વિક્રમની કક્ષાનું ડેડિકેશન જોઈએ.”
‘આઈ’ના મેકિંગ દરમિયાન શંકરે બીજી ત્રણ સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખી છે. સંભવતઃ એમાંની એક ‘રોબોટ પાર્ટ ટુ’ છે. એમાં શંકર રજનીકાંતની સામે આમિર ખાનને વિલન તરીકે લેવા માગે છે તેવા રિપોર્ટ્સ છે. જો ખરેખર આવું થાય તો તો જલસા જ જલસા. ટચવૂડ!
શો-સ્ટોપર
જો શંકર અને આમિર હાથ મિલાવે તો ભારતને ‘અવતાર’ કક્ષાની સર્વપ્રથમ ફિલ્મ મળે!
– રામગોપાલ વર્મા
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2015 )
Leave a Reply