મલ્ટિપ્લેક્સ – જબ હમ જવાં હોંગે…
Sandesh – Sanskaar purti – 2 Nov 2014
મલ્ટિપ્લેક્સ
‘બોયહૂડ’ ફિલ્મમાં આપણે એક ટાબરિયાને આખી ફિલ્મ દરમિયાન ક્રમશઃ વિકસતો અને જુવાની તરફ પગલાં માંડતો જોઈએ છીએ. આ કેવી રીતે શક્ય બન્યું? ‘બોયહૂડ’નું શૂટિંગ બાર વર્ષ ચાલ્યું હતું. દર વર્ષે થોડા થોડા દિવસ શૂટિંગ કરવામાં આવતું. ફિલ્મમેકિંગ આવી મેથડ અગાઉ કોઈએ અજમાવી નથી.
* * * * *
રિચર્ડ લિન્કલેટર નામના ખાસ ન જાણીતા હોલિવૂડના ડિરેક્ટરની મામી (મુંબઈ એેકેેડેમી ઓફ ધ મૂવિંગ ઇમેજીસ) ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી ‘બોયહૂડ’ સાચા અર્થમાં એક કમિંગ-ઓફ-એજ ફિલ્મ છે. અવારનવાર આપણી સાથે ‘કમિંગ-ઓફ-એજ’ શબ્દપ્રયોગ ટકરાતો રહે છે. આનો મતલબ શું છે? કમિંગ-ઓફ-એજ એટલે મોટા થવું, સમજણા અને પરિપકવ બનવું. ‘દિલ ચાહતા હૈ’, ‘વેક અપ સિડ’ અને ‘જિંદગી ના મિલેગી દોબારા’ કમિંગ-ઓફ-એજ ફિલ્મનાં ઉદાહરણો છે.
આપણે અસંખ્ય વખત ફિલ્મોમાં જોયું છે કે કોઈ પાત્ર પહેલાં બાલ્યાવસ્થામાં હોય ને થોડીક રીલ પછી એ જુવાન થઈ જાય. ચાઈલ્ડ આર્ટિસ્ટ ગાયબ થઈ જાય ને એના સ્થાને જુવાન એકટર આવી જાય. ‘બોયહૂડ’ એક એવી ફિલ્મ છે જેનું મુખ્ય પાત્ર બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં જરૂર પ્રવેશે છે, પણ આર્ટિસ્ટ બદલાતો નથી. ફિલ્મની શરૂઆતથી જે ટાબરિયાને આપણે જોઈએ છીએ એ જ ટાબરિયાને આપણે આખી ફિલ્મ દરમિયાન ક્રમશઃ વિકસતો અને જુવાની તરફ પગલાં માંડતો જોઈએ છીએ. આ કેવી રીતે શક્ય બન્યું? ‘બોયહૂડ’નું શૂટિંગ બાર વર્ષ ચાલ્યું હતું. દર વર્ષે થોડા થોડા દિવસ શૂટિંગ કરવામાં આવતું. ફિલ્મમેકિંગ આવી મેથડ અગાઉ કોઈએ અજમાવી નથી. ‘બોયહૂડ’ને ઓલરેડી ઢગલાબંધ એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે ને દુનિયાભરના ફિલ્મરસિયામાં તેની ચર્ચા છે.
ફિલ્મમાં એક ટિપિકલ ડિસ્ફંક્શનલ અમેરિકન પરિવારની વાત છે. જુવાન પતિ-પત્ની છે, એમનો સાત વર્ષનો દીકરો મેસન અને એના કરતાં થોડીક મોટી દીકરી સામન્થા છે. ફિલ્મની શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે મેસનનાં મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ચૂક્યા છે. મમ્મી-પપ્પાનું અફેર ચાલતું હતું ત્યારે મમ્મી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેના લીધે ફટાફટ લગ્ન કરી લેવાં પડયાં હતાં. લગ્નજીવન લાંબું ન ચાલ્યું ને બન્ને છૂટાં પડી ગયાં. બન્ને સંતાનોની કસ્ટડી મા પાસે છે. બચ્ચાંઓને વીકએન્ડ દરમિયાન મળવાની કોર્ટે પિતાને છૂટ આપી છે. અમેરિકામાં ડિવોર્સનું પ્રમાણ અતિ ઊંચું છે. અહીં સંતાનો સિંગલ મધર પાસે યા તો સિંગલ ફાધર પાસે ઉછરતાં હોય તે બહુ સામાન્ય બાબત છે. સ્ત્રી અને પુરુષ વારેવારે અલગ અલગ પાર્ટનર શોધીને લગ્નો કર્યાં કરે ને ન ફાવે એટલે ફટાક કરતાં ડિવોર્સ લઈને છૂટાં પડતાં રહે. આવા અસ્થિર પરિવારોમાં સંતાનોની શી હાલત થાય છે? તેમના માનસિક અને મનોવૈજ્ઞાાનિક વિકાસ પર કેવી અસર પડતી હોય છે? બસ, આ મુદ્દાને ચકાસવાનો ફિલ્મમાં પ્રયાસ થયો છે. અહીં મેસનની મમ્મી ત્રણ અને પપ્પા બે લગ્નો કરે છે. મેસન પહેલાં ધોરણમાં ભણતો હોય ત્યાંથી માંડીને એ કોલેજમાં એડમિશન લે ત્યાં સુધીનો બાર વર્ષનો સમયગાળો ડિરેક્ટરે એક જ કલાકારોનો ઉપયોગ કરીને કેપ્ચર કર્યો છે.
૨૦૦૨માં શૂટિંગ શરૂ થયું ત્યારે મેસન બનતો બાળકલાકાર ઈલર કોલ્ટ્રેન સાત વર્ષનો હતો. પરાણે વહાલો લાગે એવો ક્યૂટ ક્યૂટ બાબલો ૨૦૧૩માં ફિલ્મ પૂરી થઈ ત્યારે અઢાર વર્ષનો જુવાન થઈ ચૂક્યો હતો. એનો પાતળો અવાજ જાડો બની ગયો હતો, ચહેરા પર માસૂમિયતની જગ્યાએ દાઢી-મૂછ આવી ગયા હતા. ઈલર કોલ્ટ્રેન સ્ક્રીન પર આપણી આંખો સામે રીતસર મોટો થાય છે. આ આખી પ્રક્રિયા જોતી વખતે ઓડિયન્સ તરીકે આપણને જબરું થ્રિલ થાય છે. અહીં કોઈ કમ્પ્યુટર જનરેટેડ કરામત નથી. ઈલરના દેખાવમાં જે ફેરફાર દેખાય છે તે સાચુકલા છે.
કોઈ કહેશે કે આમાં શું મોટી વાત છે. હરખપદૂડાં મા-બાપ સંતાન જન્મે ત્યારથી એનું વીડિયો શૂટિંગ કરવાનું શરૂ કરી દેતાં હોય છે. વર્ષો સુધી શૂટ કરેલા હોમ વીડિયોને સળંગ જોડી દઈને, પાક્કું એડિટિંગ કરીને અઢી કલાકની ફિલ્મ બનાવીએ તો આવું જ કંઈક દેખાયને! ના, વાત એટલી સીધી ને સટ નથી. ‘બોયહૂડ’ કેવળ ગિમિક યા તો ગતકડું હોત તો ન એની આટલી ચર્ચા થઈ હોત, ન દર્શકો ને ફિલ્મ રિવ્યૂઅરો એના પર સમરકંદ- બુખારા ઓવારી ગયા હોય. આ એક પ્રોપર ફિલ્મ છે, પાક્કાં પાત્રાલેખન થયાં છે, વાર્તાનો ચોક્કસ ગ્રાફ છે. ‘બોયહૂડ’ આપણને એક સરસ ઈમોશનલ એક્સપિરિયન્સ કરાવે છે.
“મારે બાળપણ વિશે કશુંક બનાવવું હતું,” ડિરેક્ટર રિચર્ડ લિન્કલેટર એક ઈન્ટરવ્યૂમાં કહે છે, “હું પોતે પેરેન્ટ છું. મારે પેરેન્ટિંગ વિશે પણ કશુંક કહેવું હતું. મને સમજાતું નહોતું કે એક ફિલ્મમાં આ બધું કઈ રીતે સમાવવું. આઈ મીન, સાત વર્ષના છોકરાને તમે ફટાક કરતો ચૌદ વર્ષનો ન બતાવી શકો. અલગ અલગ બાળકલાકારને લેવામાં કંઈ મજા જ નથી. કંઈ જામ્યું નહીં એટલે મેં ફિલ્મ બનાવવાનો વિચાર જ પડતો મૂક્યો. પછી ૨૦૦૧માં એક એક્સપેરિમેન્ટલ ટાઈપની નવલકથા લખવાની શરૂ કરી. લખતાં લખતાં મને વિચાર આવ્યો કે આખી ફિલ્મ એક સાથે જ શૂટ કરી નાખવી પડે એવું કોણે કહ્યું? હું ટુકડાઓમાં વર્ષો સુધી શૂટિંગ કરું તો! ને બસ, આખી ‘બોયહૂડ’ ફિલ્મનું માળખું મારા દિમાગમાં સ્પષ્ટ થઈ ગયું. એક્ચ્યુઅલી, આ બહુ જ સિમ્પલ આઈડિયા છે. મને નવાઈ લાગે છે કે મારી પહેલાં આ આઈડિયો કોઈએ અજમાવ્યો નહીં!”
આઈડિયા ભલે સિમ્પલ હોય, પણ એનું એક્ઝિક્યૂશન કઠિન હતું. બાર વર્ષનું કમિટમેન્ટ આપે એવા બે એડલ્ટ અને બે બાળકલાકાર શોધવા ક્યાંથી? બાર વર્ષ દરમિયાન અધવચ્ચે કોઈ આર્ટિસ્ટનો રસ ઊડી ગયો ને એ આગળ કામ કરવાની ના પાડી દે તો? અથવા તો કંઈક ન થવાનું થઈ ગયું, કોઈનું મૃત્યુ થઈ ગયું કે કોઈ અપંગ થઈ ગયું તો? વળી, હિટ ફોર્મ્યુલા વગરની આવી એક્સપેરિમેન્ટલ ફિલ્મમાં પૈસા રોકવા કયો પ્રોડયુસર તૈયાર થવાનો? ફિલ્મમાં જોખમ પાર વગરનાં હતાં, પણ થયું. બધું જ થયું. એક પ્રોડક્શન હાઉસ બાર વર્ષ સુધી દર વર્ષે બે લાખ ડોલર રોકવા તૈયાર થયું. આ બહુ જ ઓછી રકમ કહેવાય. અતિ લો બજેટની ફિલ્મમાં એક્ટર્સને શું પૈસા મળવાના હોય, છતાંય માતા-પિતાના રોલ માટે પટ્રિશિયા એરક્વેટ અને ઈથન હોક નામનાં અદાકાર તૈયાર થઈ ગયાં. ઈથન હોક અગાઉ રિચર્ડ લિન્કલેટરની ફિલ્મો અને ટીવી સિરીઝમાં કામ કરી ચૂક્યો હતો. એ બન્ને વચ્ચે એવુંય નક્કી થયું હતું કે ધારો કે આ બાર વર્ષમાં રિચર્ડ ટપકી જાય, તો ડિરેક્શનની જવાબદારી ઈથને ઉપાડી લેવાની! નાનકડી દીકરીના કિરદારમાં રિચર્ડે પોતાની સગી પુત્રી લોરેલી લિન્કલેટરને ઉતારી. સૌથી ચાવીરૂપ કાસ્ટિંગ મેસન બનતા બાળકલાકારનું હતું. કેટલાંય ટેણિયાંઓનું ઓડિશન લેવામાં આવ્યું. એમાંથી આખરે છ વર્ષના ઈલર કોલ્ટ્રેનની પસંદગી કરવામાં આવી. અમેરિકામાં એવો કંઈક કાયદો છે કે તમે કોઈને સાત વર્ષ કરતાં વધારે સમય માટે કોન્ટ્રેક્ટ વડે બાંધી ન શકો. આખી કાસ્ટ અને ક્રૂ સાથે કોઈ જાતના કોન્ટ્રેક્ટ કર્યા વગર જિસસભરોસે રિચર્ડે શૂટિંગ શરૂ કરી દીધું.
રિચર્ડ લિન્કલેેટરનો વિચાર એવો હતો કે બાર વર્ષના ગાળામાં દસ-પંદર મિનિટની શોર્ટ ફિલ્મ્સ બનાવતા જવી. પ્રત્યેકમાં છોકરાના જીવનમાં અને તેના પરિવારમાં થયેલા ફેરફારની વાત હોય. પછી આ બધી શોર્ટ ફિલ્મ્સને સાંધીને એક સળંગ ફીચર ફિલ્મનું રૂપ આપવું. ફિલ્મની સ્ટોરીની રૂપરેખા સ્પષ્ટ હતી, પણ સ્ક્રિપ્ટ ઓપન રાખવામાં આવી હતી. દર વર્ષે ટોળકી શૂટિંગ કરવા ભેગી થાય ત્યારે બધા ખૂબ બધું ડિસ્ક્શન કરે. સૌ પોતપોતાના અનુભવો શેર કરે કે મારી મમ્મીના બીજી વાર ડિવોર્સ થયેલા ત્યારે આવું થયેલું ને મારો સ્ટેપફાધર અમારી સાથે આવી રીતે વર્તતો ને એવું બધંું. તેના આધારે રિચર્ડ લિન્કલેટરનાં દૃશ્યો ફાઇનલાઇઝ થાય ને પછી તે શૂટ થાય. મા-બાપ બનતાં કલાકારો દર વર્ષે ચાઈલ્ડ આર્ટિસ્ટ્સ સાથે પહેલાં તો સગાં મમ્મી-પપ્પાની જેમ ખૂબ બધો સમય વીતાવે, એમની સાથે શોપિંગ કરે, ફરવા જાય, એમને પોતાની સાથે જ સૂવડાવે કે જેથી ચારેયની કેમિસ્ટ્રી ફરી જામે ને બાળકલાકારો પાછા કિરદારના મૂડમાં આવી શકે. મજા જુઓ. આમ કહેવા ખાતર ફિલ્મનું કામકાજ બાર વર્ષ ચાલ્યું એમ કહેવાય, પણ ખરેખરું શૂટિંગ તો ટોટલ ૪૫ દિવસ જ થયું હતું! ફિલ્મમાં બાળકલાકારોની સાથે સાથે એમનાં મમ્મી-પપ્પા બનતાં એક્ટરોનાં શરીર જે રીતે ભરાતાં જાય છે તે પણ ઈન્ટરેસ્ટિંગ છે.
આટલાં બધાં લોકોની આટલી ધીરજ અને મહેનતનું પરિણામ મસ્ત મળ્યું છે. લગભગ પોણા ત્રણ કલાક લાંબી’બોયહૂડ’ એક નખશિખ સરસ ફિલ્મ છે. અમુક વિવેચકોએ એને આ દાયકાની ગ્રેટેસ્ટ ફિલ્મોમાંની એક ગણાવી. કેટલાય ટોચનાં છાપાં-મેગેઝિનોએ એને પાંચમાંથી પાંચ સ્ટાર આપ્યા. કેટલાયે એને ‘એ પ્લેસ’ ફિલ્મ ગણાવી.
‘બોયહૂડ’ જોજો. જરૂર જોજો. કોઈને કદાચ આ ફિલ્મ થોડી ધીમી લાગશે. કોઈકને કદાચ જુવાન થઈ ગયેલા છોકરાનું એનર્જી લેવલ ઓછું લાગશે. ભલે. ‘બોયહૂડ’ એક અદ્ભુત એક્સપેરિમેન્ટ છે. સિનેમાનું માધ્યમ કેટલી હદે ક્રિએટિવ અને કલ્પનાશીલ બની શકે છે એનું આ એક સુંદર દૃષ્ટાંત છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply