મલ્ટિપ્લેક્સ – બોડી બ્યુટીફૂલ
Sandesh – Sanskar Purti – 21 Sept 2014
મલ્ટિપ્લેક્સ
* * * * *
ઉંમર વધતી જાય છે તેમ શાહરુખ ખાનના પેટ પર પેક્સની સંખ્યા પણ વધતી જાય છે. પેક એટલે ઉદરથી પેડુ વચ્ચેના હિસ્સામાં બિસ્કિટના ચોસલાની જેમ ઉપસી આવેલા ઘાટીલા સ્નાયુઓ. ભારતમાં સિક્સ-પેક્સ એબ્સ શબ્દપ્રયોગ શાહરુખે પોપ્યુલર કર્યો, ‘ઓમ શાંતિ ઓમ’ વખતે. આ નવીનવાઈના ફિઝિકલ ફીચરનો પછી તો એવો ક્રેઝ ફાટી નીકળ્યો કે બોલિવૂડના હીરોલોગના શરીર પર સામસામા ત્રણ-ત્રણ બિસ્કિટની હરોળ જેવા સિક્સ-પેક્સ દેખાવા સાવ કોમન થઈ ગયા. કોઈએ વળી એઈટ-પેક્સ બનાવ્યા. આ પ્રકારના ગાંડપણ કે ગાડરિયા પ્રવાહ સામે કોઈને વાંધો ન હોઈ શકે,કારણ કે આ કંઈ ફાલતુ ફિતૂર નથી. તેનો સીધો સંબંધ શારીરિક ચુસ્તી અને સ્વાસ્થ્ય સાથે છે. તે વિકસાવવા માટે ભયંકર પરસેવો પાડવો પડે. ‘હેપી ન્યૂ યર’નું પ્રમોશન ગતિ પકડી રહ્યું છે ત્યારે શાહરુખ હવે ફરી મેદાનમાં ઊતર્યો છે. આ વખતે ટેન-પેક્સ એબ્સ સાથે!
શાહરુખનો ફિટનેસ ટ્રેનર પ્રશાંત સાવંત ‘અશોકા’ના જમાનાથી એની સાથે છે. ‘અશોકા’માં શાહરુખે યોદ્ધા જેવું કસાયેલું શરીર બનાવવાનું હતું. એ અરસામાં એને ગોઠણમાં ઈન્જરી થઈ ગઈ હતી. સ્પોર્ટ્સમેનની જેમ હીરોલોગને પણ જાતજાતની ઈન્જરી થયા કરતી હોય છે. શાહરુખે દુખાવાનું બહાનું આગળ ન ધર્યું. ગોઠણ દુખતો હોય તો ભલે દુખે, બાવડાં અને છાતીની એક્સરસાઈઝ તો થઈ જ શકે છેને. શાહરુખ આમેય સ્પોર્ટ્સનો, ખાસ કરીને ફૂટબોલનો જબરો શોખીન છે. એનું શરીર શરૂઆતથી જ એથ્લીટ્સ જેવું રહ્યું છે. શાહરુખને એક્સરસાઈઝ કરવા માટે પ્રેરણા કે ધક્કાની જરૂર પડતી નથી. ‘ઓમ શાંતિ ઓમ’ના પેલા ગીત દરમિયાન શર્ટ ઉતારીને સિક્સ-પેક્સ દેખાડવા હતા એટલે એણે પોતાના બંગલામાં જ ત્રણ હજાર સ્કવેર ફૂટનું જિમ ઊભું કરી દીધું. શાહરુખ અને પ્રશાંતે નક્કી કર્યું હતું કે ધાર્યું પરિણામ લાવી શકવાની તાકાત હોય તો જ આપણે જિમમાં પગ મૂકવાનો. બાકી જિમને શોભાના ગાંઠિયાની જેમ મેન્ટેઈન કરવાનો કોઈ મતલબ નથી.
‘ઓમ શાંતિ ઓમ’ના મેકિંગ દરમિયાન વિદેશના પ્રવાસ ખૂબ થતા. પ્રશાંત સાવંત આ પ્રવાસો દરમિયાન પણ સતત શાહરુખની સાથે રહેતા કે જેથી શાહરુખની એક્સરસાઈઝનું જે રૂટિન બન્યું છે, તેમાં ખાડો ન પડે. વીકમાં પાંચથી છ દિવસ ચોક્કસ પ્રકારની જિમ એક્સરસાઈઝ કરવાની રહેતી, રોજની એક કલાક. ‘ઓમ શાંતિ ઓમ’ માટે સિક્સ-પેક્સ એબ્સ બનાવવાનું લક્ષ્ય સ્પષ્ટ હતું તેથી શાહરુખ રોજ એક હજાર ક્રંચીસ મારતો. શાહરુખ પાક્કો નોન-વેજિટેરિયન છે. ચિકન સિવાય બીજું કંઈ ખાવાનું એને સૂઝતું નથી. આજની તારીખે પણ શાહરુખના ડાયટમાં ચિકન અને પ્રોટીન શેઇક મુખ્ય હોય છે. ખૂબ વધારે પ્રોટીન, ખૂબ ઓછા કાર્બોહાઈડ્રેટ તે એનો મંત્ર છે. એ ભાત યા તો બિરયાની પાંચ-છ મહિને એકાદ વાર માંડ ખાશે.
આજકાલ ટીવી પર ‘બેન્ગ બેન્ગ’ના પ્રોમો દેખાડવાના શરૂ થઈ ગયા છે. એમાં રિતિક રોશનનું ગ્રીક દેવતા જેવું શરીર સૌષ્ઠવ જોઈને કન્યાઓ બેહોશ થઈ જાય છે અને યુવકોને લઘુતાગ્રંથિનો એટેક આવી જાય છે. રિતિક જેટલી ઈન્જરી કદાચ બીજા કોઈ હીરોને થઈ નથી. વચ્ચે એણે જોખમી કહી શકાય તેવી બ્રેઇન ઈન્જરી સુધ્ધાં કરાવવી પડી હતી. એ રોજ ૮૦ મિનિટ સુધી લાગલગાટ પરસેવો પાડીને ૧૦૦૦થી ૧૧૦૦ કેલરી બાળે છે. એને આઉટડોર રનિંગ પણ પસંદ છે.
રણવીર સિંહને બોડી બનાવવાની પ્રેરણા રિતિક રોશનની ‘ક્રિશ’ જોઈને મળી હતી. એણે રિતિકના વિદેશી ટ્રેનરોનો કોન્ટેક્ટ કર્યો ને પછી બાર વીક સુધી એની કડક દેખરેખમાં સખત ટ્રેનિંગ લીધી. ‘લેડીઝ વર્સેસ રિકી બહલ’ પછી ‘રામ-લીલા’માં પણ રણવીરે બિન્દાસ શર્ટ કે કેડિયું ઉતારીને અંગપ્રદર્શન કર્યું છે. બાવડાં, છાતી અને પેટના ઇચ્છિત આકાર કેવી રીતે અચિવ કર્યા? વધારે પડતી એક્સરસાઈઝ કરીને? ના. રણવીરની બાર વીકવાળી ટ્રેનિંગમાં ૮૦ ટકા ભાર ખાણીપીણી પર આપવામાં આવ્યો હતો, ફક્ત ૨૦ ટકા મહત્ત્વ ફિઝિકલ એક્સરસાઈઝને આપવામાં આવ્યું હતું. ગળા નીચે ઊતરતા પ્રત્યેક કોળિયા ને ઘૂંટડા પર નજર રાખવામાં આવતી હતી. ખોરાક કાચો ને પાછો મીઠા વગરનો. રણવીરના શબ્દોમાં કહીએ તો, આપણા દુશ્મનનેય ખાવો ન પડે એવો ભયંકર બેસ્વાદ. શું હોય ખાવામાં? બ્રોકોલી, ફિશ, ટર્કી તરીકે ઓળખાતી એક વિદેશી નોનવેજ આઈટમ અને ગ્રીન ટી. બસ. રોટલીને અડવાનું પણ નહીં ને મીઠાઈ સામે તો જોવાનું પણ નહીં. સવારે એક કલાક કાર્ડિયો કરીને ચરબી ઓગાળવાની, સાંજે એક કલાક મસલ્સ પર ધ્યાન આપવાનું. સહેજ પણ ચલિત થયા વગર, થાક્યા વગર કે બન્ક માર્યા વગર ત્રણ મહિના આ રીતે કાઢયા પછી રણવીરને જે રિઝલ્ટ મળ્યું તે આખી દુનિયાએ જોયું.
બોલિવૂડમાં અક્ષયકુમાર કરતાં વધારે ફિટ અને વધારે હેલ્ધી બીજો કોઈ હીરો નથી. સામાન્ય સંજોગોમાં અક્ષયનું ડેઈલી રૂટિન કેવું હોય છે? સવારે સાડાચાર-પાંચે ઊઠી જવાનું. સાત કિલોમીટર દોડવાનું. સવારે સાત વાગ્યે બ્રેકફાસ્ટ અને સાજે સાતેક વાગ્યે ડિનર કરી લેવાનું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેટ લતીફોની ને સૂર્યવંશીઓની કમી નથી. બીજા લોકો બપોરે બાર વાગ્યે હજુ કામ પર નીકળે ત્યાં સુધીમાં અક્ષયનો અડધોપડધો ર્વિંકગ ડે પૂરો થઈ ગયો હોય છે. ફિલ્મી પાર્ટીઓમાં જવાનો એને શોખ નથી. ગૂડ બોય બનીને વહેલા સૂવાનું ને વહેલા ઊઠી જવાનું. માણસ અતિ પ્રતિભાશાળી ન હોય, પણ ખૂબ ડિસિપ્લીનવાળો હોય તોપણ એની નૈયા પાર ઊતરી જતી હોય છે. અક્ષય બોલિવૂડમાં વીસ વર્ષથી પોતાની પોઝિશન સંભાળીને બેઠો છે, એનું મુખ્ય કારણ એની ડિસિપ્લીનવાળી લાઈફ છે.
અજય દેવગણનું બોડી બોલિવૂડના સૌથી સેક્સીએસ્ટ શરીરોમાંનું એક ગણાય છે. જોકે અજયને ખુદને સેક્સી દેખાવામાં નહીં, પણ સ્ટેમિનાનું લેવલ શક્ય તેટલું વધે તેમાં રસ છે. અજયના જિમ રૂટિનમાં વેઈટ લિફ્ટિંગ અને પુલઅપ્સ-પુશઅપ્સ સહિતની સર્કિટ ટ્રેનિંગનું કોમ્બિનેશન છે. સલમાનના બોડી પર તો દુનિયા દીવાની છે. એક જમાનામાં અર્જુન કપૂર મિની સાઈઝના મદનિયા જેવો દેખાતો. એનું વજન ૧૪૦ કિલો હતું! એને જિમમાં ખેંચી જઈને સોહામણો હીરો બનાવવાનો જશ સલમાનને મળે છે.
સ્ક્રીન પર કે છાપાં-મેગેઝિનોનાં પાનાં પર રૂપાળાં હીરો-હિરોઈનોથી પ્રભાવિત થઈને સ્ટાઈલિશ કપડાં-એક્સેસરીઝ ખરીદવાં કે એમના જેવી હેરસ્ટાઈલ બનાવવી સહેલી છે. આપણને માત્ર ગ્લેમર દેખાય છે, ગ્લેમર પાછળ વહાવેલો પરસેવો દેખાતો નથી. ફિલ્મસ્ટારોમાંથી શીખવું જ હોય તો આ શીખવા જેવું છે – અત્યંત શિસ્તબદ્ધ જીવન જીવવું, નિયમિતપણે એક્સરસાઈઝ કરવી,ખાણીપીણી પર ચાંપતી નજર રાખવી, ખુદના શરીરનો આદર કરવો અને સુપર ફિટ રહેવા માટે બધું જ કરી છૂટવું.
શો-સ્ટોપર
દીપિકા પદુકોણ એટલી અદ્ભુત દેખાય છે કે ‘ફાઈન્ડિંગ ફેની’ના શૂટિંગ દરમિયાન હું એના પરથી નજર હટાવી શકતી નહોતી.
– ડિમ્પલ કાપડિયા
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply