ટેક ઓફ – બ્રાહ્મણ જાતિએ હિંદુસ્તાનનું સૌથી વધુમાં વધુ નુકસાન કર્યું છે ?
Sandesh – Ardh Saptahik purty – 6 Aug 2014
ટેક ઓફ
* * * * *
“બ્રાહ્મણ નામે જ (સ્વામી આનંદને) હડહડતો તિરસ્કાર ને નફરત. બ્રાહ્મણે ઊંચનીચ અને જન્મજાત અધિકારની ભાવના હિંદુઓના લોહીમાં અમીટપણે સીંચી ને પોતે ઈશ્વર, નીતિનિષેધ, તત્ત્વજ્ઞાાન બધાંને ઘોળીને પી જઈ ગજવેનેવે મૂકીને હજારો વર્ષ વર્ત્યો. આખા સમાજને પોતાની એડી હેઠળ રાખ્યો અને વિદ્યા, જ્ઞાાન, સંસ્કાર અને ઉત્કર્ષથી વંચિત રાખ્યો. અતિદ્વેષી, ડંખીલો, પામર, અનસ્ક્રુપ્યુલસ (એટલે કે નૈતિકતાની ઐસીતૈસી કરનારા) અને સ્વાર્થી. આખી બ્રાહ્મણ કોમના ઇતિહાસમાં દ્રોણ સૌથી પામર, હલકટ અને અધમ નમૂનો હતો, જેનો પુત્ર અશ્વત્થામા ઈવિલ પર્સોનીફાઈડ (એટલે કે સાક્ષાત્ શેતાન) કે અક્યુમ્યુલેટેડ ઈવિલ ઓફ ધ રેસ (માનવજાતમાં જે કંઈ અશુભ છે તે તમામનો સરવાળો) હતો. પરશુરામ હિંદુઓમાં હિંસા-મારફાડનો સૌથી મોટો પ્રતિનિધિ હતો તેમ (સ્વામી આનંદ) માને.”
હિંમતલાલ દવેને તમે ઓળખતા ન હો તેવું બને, પણ ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા કોઈ બંદા માટે સ્વામી આનંદનું નામ અજાણ્યું નથી, ન હોઈ શકે. હિંમતલાલ તેમનું મૂળ નામ. ૧૨૭ વર્ષ પહેલાં જન્મેલા સ્વામીનાં ગુજરાતી ગદ્યમાં એવી તાકાત છે કે તે વાંચતી વખતે આજે પણ નવેસરથી તરંગિત થઈ જવાય છે. એમનાં લખાણના ચિરંજીવીપણાનો સીધો સંબંધ એમના અનુભવોના વ્યાપ સાથે છે. ૧૧ વર્ષની ઉંમરે બાવા સાથે ભાગી જઈ, સંન્યાસ લઈ સ્વામી આનંદ નામ ધારણ કરવું, નેપાળ સરહદે રામકૃષ્ણ મિશનના અદ્વૈતાશ્રમમાં રહેવું, અઢાર વર્ષની ઉંમરે ગાંધીજીના સંપર્કમાં આવવું, ‘નવજીવન’ સામયિકની જવાબદારી સંભાળવી, ભારતભરમાં ફરીને લોકોની સેવા કરવી અને ક્યારેય વિધિસર ભણતર લીધું ન હોવા છતાં એકએકથી ચડિયાતાં ૨૯ જેટલાં પુસ્તકો લખવાં (એમનું અપ્રગટ અને અગ્રંસ્થ સાહિત્ય પણ પુષ્કળ છે)… એમનું ૮૯ વર્ષનું જીવન ખરેખર ઘટનાપ્રચુર રહ્યું.
દિનકર જોષીએ અત્યંત જહેમતપૂર્વક સ્વામી આનંદના અગ્રંસ્થ સાહિત્યના કેટલાક હિસ્સાનું ચાર ભાગમાં સંપાદન કર્યું છે -‘ધોધમાર’, ‘ઉગમણી દિશાનો ઉજાસ’, ‘અમરતવેલ’ અને ‘આંબાવાડિયું’. આમાંથી ‘અમરતવેલ’ના એક ખંડમાં સ્વામી આનંદના કેટલાક આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે. તેઓ પોતાની જાતને કઈ રીતે નિહાળતા? તેમની સેલ્ફઇમેજ કેવી હતી? આનો જવાબ સ્વામી આનંદ કરતાં બહેતર બીજું કોણ લખી શકે? ‘મારી કેટલીક ખાસિયતો’ નામના મજેદાર લેખમાં સ્વામી આનંદની કલમ હંમેશ મુજબ નિર્બંધપણે વહી છે. અઘરા અંગ્રેજી શબ્દો પણ એમણે છૂટથી વાપર્યા છે. તો કેવા હતા સ્વામી આનંદ? સૌથી પહેલાં તો એક લેખક તરીકેની એમની ખાસિયતો એમના જ શબ્દોમાં સાંભળોઃ
– કોઈ નવી કે પ્રસિદ્ધ વ્યક્તિ જોડે ઓળખાણ કરવાનું મન ન થાય. કોઈ લિટરરી માણસના સંપર્કમાં આવવાનું મન ન થાય. લિટરરી માણસો સામાન્યપણે રાગદ્વેષવાળા, ચારિત્ર્યના નબળા ને નમાલા હોય એવો પ્રેજ્યુડાઇસ બહુ વહેલી વયથી જ ઘર કરી બેઠેલો.
– તાકીદના પ્રયોજન વગર લખવાનું સામાન્યપણે કદી મન ન થાય. લખેલું છપાય એવી ઉત્સુકતા ન થાય. પોતાનાં લખાણ, ફોટા વગેરે પ્રસિદ્ધ થાય એવી કશી ખાસ ઇચ્છા ન થાય. પોતાના લખાણ વિશે બીજાઓ અભિપ્રાય આપે કે લખે એવી ઇચ્છા ન થાય. પોતાના પુસ્તકની કોઈ પાસે પ્રસ્તાવના લખાવવાની કે પોતાનો પાડેલો ફોટો પ્રગટ થયેલો જોવાની કદી ઇચ્છા ન થાય.
– લખવા માટે સારો કાગળ, શાહીઓ, વતરણાં, સ્ટેશનરી, ચોડવાની ટેપ, ટેગ, ટાંકણીઓ, નોટબુકો, નોંધબુકો એ બધું સફેદ અને ઊંચા પ્રકારનું ખૂબ ગમે. જોઈને જ લખવાનું મન થાય. ન હોય તો મન મરી જાય.
– છાપભૂલો ને ગોબરાં પ્રકાશનો તરફ અતિ નફરત. સહન જ ન થાય. તેથી જ ગુજરાતમાં પ્રકાશન કળાની અમાવસ્યા વર્તે છે એમ માને. બંગાળીઓએ અને હિંદીઓએ બધાં પ્રાંતોને આજે માત કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈલસ્ટ્રેટેડ વીકલીવાળાઓ પ્રત્યે અતિ તિરસ્કાર. એ લોકો હિંદુ ઘરાકોનાં કામ કરે ને તેમનાં સારાંમાં સારાં ચિત્રો કે ફોટા છાપે તેમાં હિંદુઓ જોડે પારસી યુરોપિયન કરતાં બહુ જુદી રીતે – ગુરુતાગ્રંથિથી વર્તે. પૈસા ડબલ ને કામમાં પેલાઓનાં કામોના પ્રમાણમાં અરધું લક્ષ ન દે. “વાનિયા લોક સું સમજે?” કહે.
– ગુજરાત અને ગુજરાતીઓ બદલ મુદ્દલ માન આદર નહીં (યાદ રહે, આ સ્વામીજીના ખુદના શબ્દો છે). બાયલી પ્રજા. સુખસ્વાદના ઓશિયાળા ને લડવાના કાયર ગણે. પૈસાથી બધું થાય એમ ગણનારા. વાચકાછના શિથિલ – બિઝનેસ નીતિ પણ ઢીલીપોચી. લશ્કર, વિમાન કે ઈજનેરી જેવા જોખમી કે શરીરકામના ધંધામાં ન પડે. સર્જક ઉદ્યોગો કરતાં દલાલીના ધંધા વધુ પ્રિય. પરપ્રાંત કે વિદેશીઓ જોેડે બહુ લબાડી થઈને રહે તેની પાછળ બીકણપણું (કારણભૂત). રેલવે મુસાફરીમાં બહુચરાજીનો કમાળિયો ખાનામાં આવી પડે ને બેસે તો સ્ત્રીપુરુષ બેઉને જે જાતના ડિસકમ્ફર્ટની લાગણી થાય તેવી લાગણી ગુજરાતીઓના પામરવેડા જોઈને થાય ને એમના બધા ગુણોની કદર આ એક અવગુણ પ્રત્યેની નફરત આગળ ધોવાઈ જાય.
– કાઠિયાવાડી, અમદાવાદી તેમજ નાગર, અનાવલા, પાટીદાર પ્રત્યે અતિ અણગમો. એ લોકો જૂઠ-પ્રપંચ અને કાવતરામાં જ પેદા થયા અને જિંદગી આખી એમાં જ રચ્યાપચ્યા રહીને જીવે એવી પાયાની માન્યતા. એથી અવળો અનુભવ થાય ત્યારે રાવણ કુળમાં વિભીષણ ગણીને તેટલા પૂરતો પોતાના અભિપ્રાય વગર આનાકાનીએ અને રાજી થઈને બદલે પણ પાયાની માન્યતા તો કાયમ જ રહે.
– બ્રાહ્મણ નામે જ હડહડતો તિરસ્કાર ને નફરત. બ્રાહ્મણ જાતિએ હિંદુસ્તાનનું આદિકાળથી માંડીને સૌથી વધુમાં વધુ નુકસાન કર્યું છે એવી દૃઢ માન્યતા. બ્રાહ્મણે ઊંચનીચ અને જન્મજાત અધિકારની ભાવના હિંદુઓના લોહીમાં અમીટપણે સીંચી ને પોતે ઈશ્વર, નીતિનિષેધ, તત્ત્વજ્ઞાાન બધાંને ઘોળીને પી જઈ ગજવેનેવે મૂકીને હજારો વર્ષ વર્ત્યો. આખા સમાજને પોતાની એડી હેઠળ રાખ્યો અને વિદ્યા, જ્ઞાાન, સંસ્કાર અને ઉત્કર્ષથી વંચિત રાખ્યો. સમાજમાં જે કોઈ સજ્જન પાક્યો તેનો હંમેશાં પર્સિક્યુશન – છળ જ કર્યો. અતિદ્વેષી, ડંખીલો, પામર, અનસ્ક્રુપ્યુલસ (એટલે કે નૈતિકતાની ઐસીતૈસી કરનારા) અને સ્વાર્થી. આખી બ્રાહ્મણ કોમના ઇતિહાસમાં દ્રોણ સૌથી પામર, હલકટ અને અધમ નમૂનો હતો, જેનો પુત્ર અશ્વત્થામા ઈવિલ પર્સોનીફાઈડ (એટલે કે સાક્ષાત્ શેતાન) કે અક્યુમ્યુલેટેડ ઈવિલ ઓફ ધ રેસ (માનવજાતમાં જે કંઈ અશુભ છે તે તમામનો સરવાળો) હતો. પરશુરામ હિંદુઓમાં હિંસા-મારફાડનો સૌથી મોટો પ્રતિનિધિ હતો તેમ માને.
સ્વામી આનંદ અગુજરાતીઓમાં કેમ જાણીતા ન બન્યા? આનો જવાબ નારાયણ દેસાઈ આપે છે, “સ્વામી અવિખ્યાત રહ્યા તેનું સાચું કારણ એ છે કે પોતાના સહજ સંન્યાસમાં એમણે પોતાની નામનાને ડુબાડી દીધી હતી. તેથી જ ગાંધીજીના આંદોલનના વાજતા ને ગાજતા દિવસોમાં પણ સ્વામી તમને મંચ પર બિરાજેલા ન દેખાતા. એ તો કોઈ ટ્રેડલ પ્રેસ ચલાવતા, બીબાં ગોઠવતા, પ્રૂફ જોતા, કોષો ઊથલાવતા કે ચોક્કસ ઉચ્ચારણોનાં મૂળ શોધતા. એમની મિજબાની તો ચાલતી હોય. ઘોડાગાડીમાં બેસીને ચણા ફાકવામાં કે બિહારનાં ગામડામાં રખડતાં પ્રેમથી સત્તૂ આરોગવામાં.”
સ્વામી આનંદના વિચારો સાથે સહમત હોઈએ કે ન હોઈએ તે અલગ વાત છે, પણ જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી ગુજરાતી ગદ્યના શૈલીસમ્રાટ તરીકે સ્વામી આનંદનું નામ ધબકતું રહેશે તે હકીકત છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply