પ્રેમ એટલે ??
પ્રેમ એટલે સ્વીકાર, પ્રેમ એટલે એકાકાર,
પ્રેમ એટલે લાગણીઓનું ઉદગમ સ્થાન, પ્રેમ એટલે સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન,
પ્રેમ એટલે પ્રકૃતિ, પ્રેમ એટલે અનુભૂતિ.
પ્રેમ અને પ્રકૃતિ બંને હંમેશા જોડાયેલા છે. પ્રેમ વિના સૃષ્ટિનું કોઈપણ સર્જન શક્ય નથી. પછી એ ભમરાનું ફૂલોને પ્રેમ કરવું હોય કે ચંદ્રનું દરિયાને, વૃક્ષોનું વાદળોને કે પછી નર અને માદાનું મિલન.
(પ્રેમના આરાધ્ય દેવ શિવ વિશે કાલે લખી જ ચુકી છું. એટલે માઈથોલોજીની વાત આજે નહીં કરું.)
પ્રેમ એટલે…
પ્રેમની અનુભૂતિ ક્યારેક સુખદ તો ક્યારેક દુઃખદ પણ હોઈ શકે. પ્રેમના પાંગરવાની સાથે તેની પીડા પણ ભોગવવી પડે. કોઈપણ સર્જન એટલું સહેલું પણ નથી અને કોઈપણ સર્જન પ્રેમ વિના શક્ય પણ નથી.
પ્રેમની પરાકાષ્ટામાં બંને અનુભૂતિ થવી એટલી જ જરૂરી છે જેટલી પાનખરથી નવપલ્લવિત થવાની કુદરતની પ્રક્રિયા. પ્રેમની આ સુખદ અને દુઃખદ અનુભૂતિ, પાંગરવાથી લઈને પીડાની અનુભૂતિ કહી શકાય.
પ્રેમ એટલે…
પ્રેમની પરિભાષા દરેક માટે જુદી. સૃષ્ટિ માટે નવસર્જનની કે બદલાવની પ્રક્રિયા, તો વ્યક્તિ માટે લાગણીમાં વહેતાં સંબંધોના સેતુ.
પ્રેમની પરિભાષા સમયાંતરે બદલે ને વિસ્તરે પણ.
બાળપણમાં દરેક વ્યક્તિનું બોલાતું એક જ વાક્ય “હું મારા મમ્મી કે પપ્પા ને બહુ પ્રેમ કરું છું…” સમય જતાં એ કોઈ ખાસ મિત્રમાં પ્રેમ વધુ મહેકે ને યુવાવસ્થામાં પ્રેમની પરિભાષા સંપૂર્ણ બદલાઈ જાય.
વયસ્ક થતાં પ્રેમ લગ્નજીવનમાં પરિણમે અને બાળક થતાં સૌથી વધુ પ્રેમ તેનામાં છલકે. એટલે સમયાંતરે પ્રેમ વધુ વિસ્તરે.
ઘણી વખત એવું પણ બન્યું હશે કે બાળક પૂછે કે તમે કોને વધુ પ્રેમ કરો છો ? મમ્મી કે મને અથવા તો પપ્પાને કે મને ?? ત્યારે આ પ્રેમના વિસ્તરણની અનુભૂતિ થાય.
પ્રેમ બદલાતો નથી વધુ વિસ્તરે છે. જે એક સમયે બાળપણમાં માતા-પિતા જ સર્વ હોય એ સમયાંતરે બાળક સર્વસ્વ થઈ જાય.
જો આજના દિવસની ખાસ પ્રેમીઓ સંદર્ભે જ વાત હોય તો,
હું માનું છું કે પ્રેમ એક લાગણીનો પ્રવાહ છે. કોઈ ગમે એટલે તેનું બધું જ ગમવા લાગે એ વાત સાચી પણ એનું સાતત્ય જરૂરી. શોર્ટ ટર્મ લવ એટલે કે એટ્રેકશન કે ઈમમેચ્યોર લવ તો થાય પણ એમાંથી મેચ્યોર લવને ઓળખવો એટલું પણ અશક્ય નથી.
2 કલાક સાથે રહેવું અને વર્ષો સાથે રહેવામાં ઘણું મોટું અંતર છે. દરેક સંબંધો સાથે રહેવું સરળ છે કારણ કે, ત્યાં લોહીના ને જેનેટિક સબંધો છે. પણ લગ્નસંબંધમાં વર્ષો વિતાવવા એટલા સરળ પણ નથી. માત્ર લાગણી અને વિશ્વાસ પર આ સંબંધ જળવાયેલો છે એટલે જ તો 25 અને 50 વર્ષની ઉજવણી માત્ર આ સંબંધમાં જ થાય છે.
એક તરફી પ્રેમ એકવચન જ હોય, જે ટૂંકાગાળા પૂરતો ટકવો સંભવિત છે જ્યારે બંને તરફ પ્રેમ સંપૂર્ણ કહેવાય. જરૂરી નથી પ્રેમ લગ્નમાં જ પરિણમે, પણ એકબીજા માટે આજે પણ સન્માન હોવું એ સાચો પ્રેમ છે.
સમય કે સંજોગોના લીધે પ્રેમ લગ્નમાં ન પણ પરિણમે એનો અર્થ એ નથી કે પ્રેમ નથી. પ્રેમનું મૃત્યુ શક્ય છે ખરા ??
પ્રેમ એટલે લાગણીઓનો પ્રવાહ… તો આ પ્રવાહ કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મમાં બંધાયેલો રહી શકે ખરા ??
પ્રેમ વિશે લખવું, વાંચવું કે બોલવું એક વાત છે પણ એની અનુભૂતિ જેણે પ્રેમ કર્યો એ જ સમજી શકે. ભાષા જેમ સંપર્ક વધારે તેમ સંવેદનાઓ ઘટાડે પણ. પ્રેમ વિશે લખવા કરતાં એની અનુભૂતિ જ કંઈક અલગ હોય.
પ્રેમ એટલે…
જેમ ધ્યાનમાં દરેકને અલગ અનુભૂતિ થાય તેમ પ્રેમમાં દરેકની અનુભૂતિ અલગ હોય. કારણ કે, દરેક વ્યક્તિ એક જ વ્યક્તિને પ્રેમ નથી કરતી હોતી. બીજું એ કે દરેક વ્યક્તિના વિચારો, લાગણી અને સ્વભાવ પણ અલગ હોય.
પ્રેમ એટલે…
રહોન્ડા બ્રાયનની પુસ્તક “ધ પાવર” માં પ્રેમ વિશે ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પ્રેમની શક્તિ કેવી હોય એ ચોક્કસ જાણવા મળશે.
પ્રેમ એટલે સ્વીકાર. કામ, નામ, સંબંધ, સૃષ્ટિ, જીવન, સજીવ, નિર્જીવ દરેકનો સ્વીકાર. પ્રેમ એટલે ઉર્જા. પ્રેમ એટલે દરેકની શક્તિનો સ્વીકાર… દરેકને શક્તિ આપી તેનો સ્વીકાર. પ્રેમની શક્તિથી દરેકમાં સફળ થવાની શકયતા વધી જાય છે. જીવનમાં દરેકે પ્રેમ કર્યો જ હોય. પછી એ કોઈપણ હોય. કારણ કે, પ્રેમ માત્ર પ્રેમીઓ પૂરતો સીમિત નથી.
પ્રેમ એટલે… મેં લખેલી આ રચના.
“નથી સમજાતો થાય છે કેમ આ પ્રેમ ?
જીવનની જરૂરિયાત છે કે લાગણીના કોઈ વ્હેણ ??
પ્રિયજનની યાદોમાં સર્જાયેલો છે આ કેમ ??
પ્રેમ ભરી ફરિયાદોમાં નથી હોતા કોઈ કહેણ.”
હા, આમ તો રોજ જીવીએ છીએ, દરરોજ ભગવાનને હજારોવાર યાદ કરીએ છીએ ને પૂજા કરીએ છીએ તો પણ ખાસ દિવસ કેમ ઉજવીએ છીએ ?? તો પ્રેમ માટે ખાસ દિવસ ન ઉજવી શકાય ??
આપણે પોઝિટિવિટીની વાત કરીએ છીએ, તો પછી પ્રેમ માટે ઘૃણા શું કામ ? પ્રેમ દિવસ માટે ઘૃણા શું કામ ? જો આઈન્સ્ટાઈનના પ્રયોગો, ચાર્લી ચેપ્લિન જેવા બુદ્ધિજીવીઓને અપનાવી શકતા હોઈએ, તો પ્રેમની વાત કે વિચારને વહેતા કરનારનો સ્વીકાર કેમ નહિ ? પ્રેમનો પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે જ.
પ્રેમ દિવસ મુબારક
# love ❤️
# valentinesday 🙏
# vagbhi ✍️
~ વાગ્ભિ પાઠક
( Source : www.vagbhi.wordpress.com )
Leave a Reply