Sun-Temple-Baanner

આખું આકાશ મારી મુઠ્ઠીમાં


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


આખું આકાશ મારી મુઠ્ઠીમાં


ટેક ઓફ – આખું આકાશ મારી મુઠ્ઠીમાં

Sandesh – Ardh Saptahik Purty – 4 June 2014

ટેક ઓફ

બારમા ધોરણમાં ફક્ત ૪૨ ટકા લાવનારનું ભવિષ્ય બ્રાઇટ અને લાઇફસ્ટાઇલ શાનદાર હોઈ શકે? બિલકુલ હોઈ શકે, જો માણસ મૂળભૂત રીતે તેજસ્વી હોય, પુષ્કળ પરિશ્રમ કરી શકતો હોય અને એને સાચી દિશા મળી ગઈ હોય.

* * * * *

બારમા બારમા ધોરણની બોર્ડ એક્ઝામ્સ, સીઇટી અને જેઇઇનાં પરિણામો આવી ચૂક્યાં છે. થોડા સમયમાં કોલેજમાં એડમિશન પ્રોસેસ શરૂ થશે અને તે સાથે હજારો યંગસ્ટર્સનો કરિયરગ્રાફ ડિફાઇન થઈ જશે.

ધારો કે કોઈ પણ કારણસર આ પરીક્ષાઓમાં સારું પર્ફોર્મ ન કરી શક્યા તો શું વાર્તા પૂરી થઈ જાય? ભવિષ્ય અંધકારમય બની જાય? બિલકુલ નહીં. આજે એક એવા યુવાનની વાત કરવી છે,જેણે બારમા સાયન્સમાં ફક્ત ૪૨ ટકા માર્ક્સ મેળવ્યા હતા છતાં ગણતરીના સમયમાં ભારતનાં યંગેસ્ટ પાઇલટ હોવાનું બિરુદ મેળવી લીધું ને પછી તો ભલભલાને ઇર્ષ્યા થઈ આવે એવી પ્રભાવશાળી કરિયર પણ બનાવી.

અખિલેશ દાંગટ એનું નામ. મુંબઈના જોડકા શહેર થાણેમાં એનો ઉછેર. ઘરમાં નાનો ભાઈ, મમ્મી અને ડોક્ટર-પપ્પા. સ્વભાવે અતિ તોફાની. સ્ક્ૂલમાં અડધો સમય ક્લાસની બહાર અંગૂઠા પકડીને ઊભો હોય. છોકરો તેજસ્વી, પણ વધારે પડતો રમતિયાળ હોવાથી ભણવામાં અબાઉ એવરેજ બનીને રહી જાય.

“દસમામાં મને ૮૨ ટકા માર્ક્સ આવ્યા હતા,” અખિલેશ કહે છે, “મુંબઈમાં અગિયારમું-બારમું જુનિયર કોલેજ ગણાય. કોલેજ એટલે આઝાદી. ક્લાસ બન્ક કરવાના, ધમાલમસ્તી કરવાની. પંદર-સોળ વર્ષની ઉંમરના ટીનેજર્સને કરિયર વિશે શી ગતાગમ હોય. તે ઉંમરે ગંભીરતા નથી હોતી. મેં માંડ માંડ બારમું સાયન્સ પાસ કર્યું. પર્સન્ટેજ આવ્યા પૂરા બેતાલીસ!”

ઘરમાં સન્નાટો વ્યાપી ગયો. મમ્મી-પપ્પાને ભયાનક નિરાશા થઈ. અખિલેશ અળવીતરું કરે તો પપ્પા વઢતા, ખખડાવી નાખતા,ગુસ્સો પ્રગટ કરતાં, પણ આ વખતે તેઓ સહમીને બિલક્ુલ ચૂપ થઈ ગયા. અખિલેશ પેરેન્ટ્સનો ગુસ્સો હેન્ડલ કરી શકતો હતો,પણ એમની ચુપ્પી એનાથી સહન ન થઈ. પેરેન્ટ્સની તીવ્ર નિરાશાથી એને મોટો ઝટકો લાગ્યો. સામે ખાસ વિકલ્પો નહોતા. દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એરોનોટિક્સમાં માંડ એડમિશન મળે તેમ હતું. લઈ લીધું. એન્જિનિયરિંગમાં જરાય રસ નહોતો છતાં પણ.

માણસને ક્ેવી ક્ેવી અણધારી જગ્યાએથી નવા સંક્ેતો મળી મળી જતા હોય છે. એક્ વાર હોસ્ટેલના છોકરાઓનાં કપડાં ઇસ્ત્રી કરવાવાળા ‘છોટુ’એ વાતવાતમાં અખિલેશને ક્હૃાું ક્ે એક ઔર ભૈયા કા યુનિફોર્મ ભી આપ કે જૈસા હી હૈ, ઔર વો પાઇલટ કી ટ્રેનિંગ લે રહે હૈ!

અખિલેશને રસ પડયો. એણે એ ‘ભૈયા’નો કોન્ટેક્ટ કર્યો. ૨૩ વર્ષના એ યુવાને ચશ્માં પહેર્યાં હતાં. અખિલેશને નવાઈ લાગીઃ ચશ્મીશ લોકો પાઇલટ બની શકે? જાણકારી મળી – હા, પ્લસ-માઇનસ સાડા ત્રણ કરતાં વધારે નંબર ન હોય તો પાઇલટ બની શકાય. રસ્તા પર ઊભા ઊભા યુવાનની વાતો સાંભળ્યા પછી અખિલેશના દિમાગમાં એક વાત બેસી ગઈઃ ચાર વર્ષ એરોનોટિકલ એન્જિનિયરિંગનું ભણીને મેન્યુફેક્ચરિંગ કે મેન્ટેનન્સનું કામ કરવા કરતાં એકાદ વર્ષનો કોર્સ કરીને પાઇલટ બનવામાં વધારે ફાયદો છે!

“ફ્રેન્કલી, નાનપણમાં મને ક્યારેય પાઇલટ બનીને પ્લેન ઉડાવવાની ઈચ્છા નહોતી થઈ.” અખિલેશ કહે છે, “છતાં મેં નક્કી કરી લીધું કે મારે એન્જિનિયરિંગ છોડીને પાઇલટ ટ્રેનિંગ લેવી છે.”

અખિલેશની વાત સાંભળીને પપ્પા ચકિત થઈ ગયા. બારમામાં ધબડકો કર્યા પછી એન્જિનિયરિંગમાં માંડ માંડ એડમિશન લીધું એ વાતને હજુ દોઢ મહિનો માંડ થયો છે ને ત્યાં પાછું આ નવું ફિતૂર? તેઓ દિલ્હી આવ્યા. પાઇલટ ટ્રેનિંગ સ્કૂલોનું કામકાજ સંભાળતા એજન્ટને મળ્યા. અખિલેશ અમેરિકાની ટ્રેનિંગ સ્કૂલમાં એડમિશન લેવા માગતો હતો. અમેરિકામાં કોર્સની ફી હતી,અઢારથી વીસ લાખ રૂપિયા. મધ્યમવર્ગીય પરિવાર માટે આ મોટી રકમ ગણાય. પપ્પા જાણતા હતા ક્ે દીકરાએ ભલે બારમામાં ખરાબ પર્ફોર્મન્સ આપ્યું, પણ એ છે બ્રાઈટ. અખિલેશ પર એમનો કોન્ફિડન્સ અકબંધ હતો. દીકરાના ભવિષ્ય માટે એમણે મોટો જુગાર ખેલી નાખ્યો. એક પ્રોપર્ટી લઈ રાખી હતી તે વેચી કઢી. જેમાં રહેતા હતા તે ઘર મોર્ગેજ પર મૂક્યું ને વીસ લાખની રકમ એકઠી કરી. તેમણે કહ્યું, “બેટા, પૈસાની ચિંતા ન કર. તું ફક્ત તારી ટ્રેનિંગ પર કોન્સન્ટ્રેટ કર.”

અખિલેશે એ જ કર્યું. ફ્લોરિડામાં માયામીમાં કેમ્પર એવિએશન નામની ટ્રેનિંગ સ્કૂલમાં એણે દિલ દઈને ભણવા માંડયું. કોર્સના બીજા-ત્રીજા અઠવાડિયાંથી જ પ્રેક્ટિકલ શરૂ થઈ ગયા.

“પહેલી વાર પ્લેન ઉડાડયું ત્યારે એવું લાગ્યું કે જાણે એસેલ વર્લ્ડની કોઈ રાઇડમાં બેઠો છું!” અખિલેશ કહે છે, “હવામાં ઊડવું એ માણસની પ્રકૃતિ વિરુદ્ધની ક્રિયા છે. કુદરતે આપણી રચના ઊડવા માટે કરી નથી. ટેક્નોલોજીની મદદથી પ્રકૃતિને મેનિપ્યુલેટ કરીને ફ્લાઇંગ શીખવાનું હોય છે.”

અઢીસો કલાક પ્લેન ઉડાડવાનો અનુભવ લઈ, છ મહિનામાં કોર્સ સફળતાપૂર્વક પૂરો કરી અખિલેશ પાછો ઇન્ડિયા આવ્યો.

“મારી પાસે પાઇલટનું અમેરિકન લાઇસન્સ હતું, જે અહીં વેલિડ ન ગણાય. ઇન્ડિયન લાઇસન્સ મેળવવા માટે ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ની પરીક્ષા આપવી પડે. હું બરાબર સમજતો હતો કે મારા પર કેટલી મોટી જવાબદારી છે. મારે ખાતર પપ્પાએ ઘર ગીરવે મૂક્યું હતું! હું હવે ફરીથી તેમને નિરાશ કરવાનું વિચારી પણ શકતો ન હતો.”

દોઢ મહિનો દિવસ-રાત તૈયારી કરીને અખિલેશે પરીક્ષા આપી. ભારતભરના પાંચથી છ હજાર પરીક્ષાર્થીઓમાં એ સૌથી વધારે માર્ક્સ મેળવીને નંબરવન ઘોષિત થયો. માત્ર ૧૯ વર્ષની વયે ફ્લાઈંગ લાઇસન્સ મેળવનાર એ ભારતનો યંગેસ્ટ પાઈલટ બન્યો! બે મહિના પછી જેટ એરવેઝમાં જોબ મળી ગઈ. શરૂઆત કો-પાઇલટ તરીકે કરી. સાડા ચાર વર્ષમાં એ ૩૦૦૦ કલાક જેટલું ફલાઇંગ કર્યું. પચ્ચીસ વર્ષની ઉંમરે કમાન્ડર એટલે કે કેપ્ટન યા તો મુખ્ય પાઇલટ બની ગયો.આજે ૨૭ વર્ષનો અખિલેશ આખા એશિયામાં તોતિંગ બોઇંગ વિમાનો ઉડાડે છે.

પપ્પાનું દેવું તો જોબ શરુ થઈ પછી પહેલા જ વર્ષે ચૂકવી દીધું હતું. આજે એ મુંબઈના પોશ વિસ્તારમાં મસ્તમજાના બે મોટા ફ્લેટનો માલિક છે અને ર્મિસડિઝ સહિત ત્રણ કાર ધરાવે છે. બારમા ધોરણમાં ૪૨ ટકા લાવનાર છોકરો આજે એની બેચના ટોપર્સની આંખ ચાર થઈ જાય એવી સફળ અને સરસ લાઇફસ્ટાઇલ ધરાવે છે.

અખિલેશ જેવાં ઘણાં ઉદાહરણ છે. બારમા ધોરણને વધારે પડતું મહત્ત્વ આપવાની જરૂર નથી. જો માણસ મૂળભૂત રીતે તેજસ્વી હોય અને કંઈક કરી દેખાડવાની લગની ધરાવતો હોય તો એનું જીવનમાં પાછળ પડતો નથી. વાલીઓ ધીરજ ન ગુમાવે અને સંતાન પર પૂરો વિશ્વાસ રાખે તે પણ એટલું જ મહત્ત્વનું છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.