Sun-Temple-Baanner

ફિર ભી રહેંગી નિશાનિયાં!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ફિર ભી રહેંગી નિશાનિયાં!


મલ્ટિપ્લેક્સ – ફિર ભી રહેંગી નિશાનિયાં!

Sandesh – Sanskaar Purty – 1 June 2014

મલ્ટિપ્લેક્સ

નરગિસ વધારે જીવ્યાં હોત તો સંજય દત્તના જીવનનો નકશો આજે જેવો છે તેવો જ હોત કે ખાસ્સો અલગ હોત? માતાની હૂંફથી દીકરો વધારે સંયમિત જીવન જીવ્યો હોત કે દીકરાનાં દુષ્કૃત્યોથી નરગિસ ઊલટાનાં વધારે પીડાયાં હોત? ખેર, જીવન અને મૃત્યુના ખેલ સામે ‘જો’ અને ‘તો’ની સાપસીડીનો કશો અર્થ હોતો નથી.

* * * * *

આજે નરગિસજીનો જન્મદિન છે. જો તેઓ આપણી વચ્ચે હોત તો આજે આખો દેશ આ ‘મધર ઇન્ડિયા’નો ૮૫મો બર્થ-ડે સેલિબ્રેટ કરતો હોત. નરગિસ ફક્ત બાવન વર્ષની ઉંમરે ગુજરી ગયાં. આ કોઈ મરવાની ઉંમર નથી પણ મૃત્યુ સામે કોઈ તર્ક, દલીલો કે પ્રતિદલીલો કામ કરતાં નથી.ફાતિમા અબ્દુલ રશીદને કોઈ ઓળખતું નથી, પણ નરગિસ અથવા તો શ્રીમતી નરગિસ દત્ત એક મશહૂર લેજન્ડ છે. બેબી રાનીના નામે છ વર્ષની ઉંમરથી એમણે ફિલ્મોમાં કામ કરવા માંડયું હતું. તે વખતે કોઈએ કલ્પ્યું નહોતું કે વર્ષો પછી મુંબઈમાં એમના નામનો રોડ બનશે.’મધર ઇન્ડિયા’નું અમર પરફોર્મન્સ આપ્યું ત્યારે તેઓ ફક્ત છવ્વીસ વર્ષનાં હતાં. ત્રણેક વર્ષમાં એમણે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યાં ને ત્રણ સંતાનોનાં માતા બન્યાં. સૌથી મોટો સંજય, પછી નમ્રતા અને સૌથી નાની પ્રિયા. ત્રણેય સંતાનોમાં નમ્રતા સૌથી લો-પ્રોફાઇલ છે. ‘લવસ્ટોરી’ ફેમ કુમાર ગૌરવ (રાજેન્દ્ર કુમારના આઉટ ઓફ વર્ક સુપુત્ર) સાથે એનાં લગ્ન થયાં છે. એક ઇન્ટરવ્યૂમાં એમણે નરગિસને યાદ કરતાં કહ્યું છે, “મારી મમ્મી નાની હતી ત્યારે એક નંબરની ટોમબોય હતી. ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં એ મારા બંને મામા સાથે ક્રિકેટ ને ફૂટબોલ રમતી. સ્વિમિંગમાં તો એ માસ્ટર હતી. આટલી ફેમસ સ્ટાર હતી, પણ એ વાતનો ભાર લઈને ક્યારેય ન ફરતી. અમારા ઘરની નજીક એક પાણીપૂરીવાળો ઊભો રહેતો. મમ્મીને ઇચ્છા થાય ત્યારે એની પાસે પહોંચી જતી ને ટેસથી પાણીપૂરી આરોગતી.”નરગિસને શોપિંગ કરવાનું મન થતું ત્યારે બુરખો પહેરીને નીકળી પડતાં. એક વાર બંને દીકરીઓ અને પોતાની બહેનપણી સાથે એ દિલ્હીની બજારમાં ખરીદી કરવા ગયાં. અફકોર્સ, બુરખો પહેરીને બન્યું એવું કે બહેનપણી વિખૂટી પડી ગઈ. એ માંડી દુકાને-દુકાને જઈને બધાંને પૂછવા, “તમે ક્યાંય નરગિસને જોઈ? નરગિસ તમારે ત્યાં આવી હતી? એ બુરખામાં છે ને ભેગી બે દીકરીઓ પણ છે..!” જોતજોતામાં આખી માર્કેટમાં વાત ફેલાઈ ગઈ. થોડી વાર પછી નરગિસનું અચાનક ધ્યાન ગયું કે એમની પાછળ પાછળ આખું ધાડું ફરી રહ્યું છે!

નરગિસ અને રાજ કપૂરની જોડી અને રિલેશનશિપ વિશે ખૂબ બધું કહેવાઈ-લખાઈ ચૂક્યું છે. ‘બરસાત’, ‘આવારા’ અને ‘શ્રી ૪૨૦’જેવી આરકે બેનરની શ્રેષ્ઠ ફિલ્મોમાં તેમણે યાદગાર અભિનય કર્યો છે. ‘ચોરી ચોરી’, ‘જાગતે રહો’, ‘મેલા’, ‘અંદાઝ’, ‘અદાલત’, ‘જોગન’, ‘બાબુલ’ અને ‘રાત ઔર દિન’ પણ તેમની ઉત્કૃષ્ટ ફિલ્મોની સૂચિમાં સ્થાન પામે છે.

નરગિસનું સ્મરણ થાય ત્યારે આપણા મનમાં મોટેભાગે સફેદ સાડી ધારણ કરેલી સ્ત્રીનું ચિત્ર ઉપસતું હોય છે. નરગિસને ખરેખર શ્વેત સાડીઓનો શોખ હતો. એમને સૌ વુમન-ઇન-વ્હાઇટ કહેતાં. એ ઘણું કરીને કોટન અને ઓરગેન્ઝાની સાડી જ પહેરતાં. થોડુંક એમ્બ્રોઇડરી વર્ક થયેલું હોય. ઘરેણાંનો ખાસ શોખ નહોતો. બહુ બહુ તો કાનમાં બુટ્ટી હોય ને બંને હાથે સોનાની બબ્બે બંગડીઓ હોય. તેમણે પછી રુદ્રાક્ષની માળા પહેરવાનું શરૃ કર્યું હતું. જાપ કરતી વખતે પણ તેઓ આ જ માળાનો ઉપયોગ કરતાં.

નરગિસ સ્વભાવે બહિર્મુખ હતાં. વાતોડિયાં એટલાં જ. રજાના દિવસે મસાજ કરાવવા નીચે ફર્શ પર પગ લંબાવીને બેઠાં હોય,દોરડું ખેંચીને ટેલિફોન બાજુમાં લઈ લીધો હોય ને એમના ગામગપાટા ચાલતાં હોય. સુનીલ દત્ત કહેતાં કે સ્વીટહાર્ટ, તું આટલું બડબડ કરતી રહીશ તો રિલેક્સ કેવી રીતે થઈશ? એમનાં મૃત્યુ પછી દત્તસાહેબે એક વાર મજાક પણ કરી હતી કે સારૂ થયું કે એ જમાનામાં મોબાઇલ નહોતા, નહીંતર એનાં બિલ ભરવામાં અમારે દેવાળું ફૂંકવું પડત!

‘મધર ઇન્ડિયા’ના પેલા આગવાળા સીનના શૂટિંગ દરમિયાન સુનીલ દત્તે તેમને બચાવ્યાં અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ વિકસ્યો તે બહુ જાણીતી વાત છે. કિશ્વર દેસાઈ નામનાં લેખિકાએ ‘ર્ડાિંલગજી-ધ ટ્રુ લવસ્ટોરી ઓફ નરગિસ એન્ડ સુનીલ દત્ત’ નામના પુસ્તકમાં લખ્યું છે કે નરગિસના જીવનમાં સુનીલ દત્તની એન્ટ્રી એકદમ કરેક્ટ ટાઇમ પર થઈ હતી. એક બાજુ રાજ કપૂર સાથેનો સંબંધ હતો, જેનું કોઈ ભવિષ્ય નહોતું, જ્યારે બીજી તરફ સંવેદનહીન પરિવાર હતો, જેના માટે નરગિસ કેવળ એક પૈસા કમાવાનું મશીન હતાં. નરગિસે પોતાની પર્સનલ ડાયરીમાં લખ્યું હતું કે હું કેટલી ભયંકર પીડાદાયી અવસ્થામાંથી પસાર થઈ રહી હતી તે કેવળ હું જ જાણતી હતી. ‘મધર ઇન્ડિયા’ના એક્સિડન્ટ પછી હું ખરેખર મરી જવા માગતી હતી, પણ તે વખતે દત્તસાહેબ મને કહેતાં રહ્યા કે મરવાનો વિચાર સુધ્ધાં કરવાનો નથી, હું ઇચ્છું છું કે તમે સરસ રીતે જીવો. જો દત્તસાહેબ મારી પડખે ઊભા રહ્યા ન હોત તો મેં આત્મહત્યા કરી નાખી હોત!

બંને વચ્ચે ક્રમશઃ પ્રેમસંબંધ તો વિકસ્યો, પણ બંનેના સ્ટેટ્સમાં આભ-જમીનનો ફર્ક હતો. સુનીલ દત્ત હજુ તો ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા, જ્યારે નરગિસ ઓલરેડી સુપરસ્ટાર હતાં, પદ્મશ્રીનો ખિતાબ મેળવી ચૂક્યાં હતાં. ‘મધર ઇન્ડિયા’માં સુનીલ દત્તને એક દિવસ કામ કરવાના બારથી ચૌદ રૃપિયા મળતાં, જ્યારે નરગિસને કુલ પચાસ હજાર ચૂકવાયા હતા! બંનેનાં લગ્ન થયાં ત્યારે સુનીલ દત્તની પીઠ પાછળ ખૂબ આડીઅવળી વાતો થઈ. અડધોઅડધ લોકો ઇર્ષ્યાથી બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકો કહેતાં કે સુનીલ દત્તને પ્રેમ-બ્રેમ કશું નથી, એ તો ફક્ત પોતાની કરિયર આગળ વધારવા માટે નરગિસનો સીડી તરીકે ઉપયોગ કરી રહ્યા છે!

પણ આ બધા વાંકદેખાઓ ખોટા પડયા નરગિસના મૃત્યુ સુધી. સુનીલ સા’બ મજબૂત ખડકની જેમ પડખે ઊભા રહ્યા. પેન્ક્રિયાસના કેન્સરે નરગિસનો જીવ લીધો એના ચાર જ દિવસ પછી સંજય દત્તની સર્વપ્રથમ ફિલ્મ ‘રોકી’ રિલીઝ થઈ તે કેવી વક્રતા! સંજય દત્ત નાનપણથી જ અદક પાંસળી હતા. સાત-આઠ વર્ષની ઉંમરે ચોરી છૂપીથી સુનીલ દત્તે પીધેલી સિગારેટનાં ઠૂંઠાં સળગાવીને સટ મારતા નરગિસની કમાન છટકતી. સંજય પર ‘સુવ્વર… ગધા… ઉલ્લુ’ જેવી ગાળો વરસાવતાં ને ક્યારેક તો ચપ્પલના છૂટાં ઘા પણ કરતાં! સંજુબાબા ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે એમને ર્બોિંડગ સ્કૂલમાં મોકલી દેવામાં આવ્યા. દીકરો સુધરવાને બદલે બગડયો. સંજય દત્તે નશો કરવાની શરૃઆત ર્બોિંડગ સ્કૂલનાં વર્ષોમાં જ કરી દીધી હતી.

સહેજે સવાલ થાય કે નરગિસ વધારે જીવ્યાં હોત તો સંજય દત્તના જીવનનો નકશો આજે જેવો છે તેવો જ હોત કે ખાસ્સો અલગ હોત? માતાની હૂંફથી દીકરો વધારે સંયમિત જીવન જીવ્યો હોત કે દીકરાનાં દુષ્કૃત્યોથી નરગિસ ઊલટાનાં વધારે પીડાયાં હોત? ખેર, જીવન અને મૃત્યુના ખેલ સામે ‘જો’ અને ‘તો’ની સાપસીડીનો કશો અર્થ હોતો નથી.

શો-સ્ટોપર

ટીકાઓથી બચવાનો એક જ રસ્તો છે, લાઇફમાં કંઈ કરવાનું નહીં, કશું કહેવાનું નહીં અને કશું બનવાનું નહીં, પણ ક્રિએટિવ માણસ માટે આવું જીવન જીવવું કેવી રીતે શક્ય છે!

– અમિતાભ બચ્ચન.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.