Sun-Temple-Baanner

લતા કરતાં બહેતર ગાવું, સચિન કરતાં બહેતર રમવું


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


લતા કરતાં બહેતર ગાવું, સચિન કરતાં બહેતર રમવું


ટેક ઓફ – લતા કરતાં બહેતર ગાવું, સચિન કરતાં બહેતર રમવું

Sandesh – Ardh Saptahik Purti – 19 March 2014

ટેક ઓફ

કોઈ પણ ક્ષેત્રમાં આપણને ચકિત કરી દે, ભયંકર હદે પ્રભાવિત કરી નાખે એવા બાપ-માણસો ભૂતકાળમાં પેદા થયેલા હોવાના જ. તેનો અર્થ એવો નથી કે એમના કરતાં સવાયા થઈ શકવાની તાકાત કે જડબેસલાક ગેરંટી હોય તો જ જે-તે ક્ષેત્રમાં પગલું માંડવાનું.

* * * * *

ધારો કે કોઈ હોંશીલા યુવાનને બિઝનેસમેન બનવું છે, પણ ધીરુભાઈ અંબાણીની જીવનકથા વાંચીને એ વિચારે કે બોસ,ધીરુભાઈએ જે સિદ્ધિઓ મેળવી છે તે હું આ લાઇફમાં કોઈ રીતે હાંસલ કરી શકું તેમ નથી. આમ વિચારીને એ બિઝનેસમેન બનવાનું માંડી વાળે તો? કોઈને ગાયિકા બનવું છે, પણ લતા મંગેશકરનાં ગીતો સાંભળીને એ વિચારવા માંડે કે લતાબાઈ ઓલરેડી આટલાં અદ્ભુત ગીતો ગાઈ ચૂકી છે તો પછી હું હવે સિંગર બનીને શું કાંદા કાઢી લેવાની છું, તો? હિન્દી સિનેમામાં દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચન જેવા અભિનયના બેતાજ બાદશાહ થઈ ગયા એટલે શું તેમના પછી કોઈએ એક્ટિંગ કરવાની જ નહીં?ખબર હોય કે ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી જેવું લખવાનું આપણું ગજું નથી, તો શું એમના સમકાલીનોએ કે પછીની પેઢીઓમાંથી કોઈએ કલમ ઉપાડવાની જ નહીં? સચિન તેંડુલકર નામનો ક્રિકેટનો દેવતા થઈ ગયો એટલે શું એના કરતાં વધારે ટેલેન્ટ હોય તો જ હાથમાં બેટ પકડવાની હિંમત કરવાની?

હિંમત કરવાની, જરૃર કરવાની. હાથમાં બેટ લેવાનું, કલમ પકડવાની અને પછી પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરવાના. ધીરુભાઈ જે કરી ગયા તે કરી ગયા. જો આપણે બિઝનેસમેન બનવાનું સપનું જોયું હોય તે સાકાર કરવા બનતી મહેનત કરવાની. ગાવાનું પેશન અને પ્રતિભા હોય તો સારા સિંગર બનવા માટે જીવ લગાવી દેવાનો. એવું જ એક્ટિંગનું. કોઈ પણ ક્ષેત્રમાં આપણને ચકિત કરી દે, ભયંકર હદે પ્રભાવિત કરી નાખે એવા બાપ-માણસો ભૂતકાળમાં પેદા થયેલા હોવાના જ. તેનો અર્થ એવો નથી કે એમના કરતાં સવાયા થઈ શકવાની તાકાત કે જડબેસલાક ગેરંટી હોય તો જ જે-તે ક્ષેત્રમાં પગલું માંડવાનું.

આ સંદર્ભમાં ભારતના ઉત્તમ કન્ટેમ્પરરી ચિત્રકારોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા અતુલ ડોડિયાનો એક અનુભવ જાણવા જેવો છે. દસ વર્ષની ઉંમરે તેમણે નક્કી કરી નાખ્યું હતું કે મોટા થઈને આપણે ચિત્રકાર બનવું છે. મહાન સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસો એમના હીરો. છાપાંમાં એમના વિશે જે કંઈ છપાતું તે બધું જ કાપીને સાચવી રાખે. પિકાસોનાં ચિત્રની તસવીરવાળાં ‘ટાઇમ’મેગેઝિનના અંકો શોધવા રદ્દીવાળાને ત્યાં ફેંદાફેંદ કરી મૂકે. ૧૯૭૩માં પિકાસોના મૃત્યુ થયું તે વખતના સમાચારનું કટિંગ પણ એમણે સાચવી રાખેલું. તે વખતે અતુલ ડોડિયા તેર વર્ષના હતા.

રણજિત હોસકોટે અને નેન્સી અડજાણિયાએ ‘ધ ડાયલોગ સિરીઝ’ હેઠળ ભારતના કેટલાક ઉત્તમ ચિત્રકારો સાથે થયેલા પ્રલંબ સંવાદોને પુસ્તકકારે પ્રગટ કર્યા છે. પેઇન્ટિંગ અને આર્ટમાં રસ ધરાવનારાઓએ આ શૃંખલા ખાસ વાંચવી જોઈએ. રણજિત હોસકોટેએ તાજેતરમાં ‘અતુલ ડોડિયા’ નામનું બધા અર્થમાં કીમતી પુસ્તક પણ એડિટ કર્યું છે. ડાયલોગ સિરીઝની અફલાતૂન પુસ્તિકામાં અતુલ ડોડિયા કહે છે, “આપણે નાનપણથી જાણતા હોઈએ છીએ કે ઓરિજિનલ ‘મોનાલિસા’ ચિત્ર પેરિસમાં છે. નાનો હતો ત્યારે મારે પેઇન્ટર બનવું છે એવું બોલતો ત્યારે મુંબઈની અમારી ઘાટકોપરની ચાલમાં રહેતા લોકો તરત કહેતા, “તારે પેરિસ જવું જોઈએ, પેરિસ કલાકારોનું સ્વર્ગ છે.” ‘મોનાલિસા’ને કારણે તેઓ લિઓનાર્ડોને ઓળખતા. તેમણે વેન ગોગનું નામ સાંભળેલું. તેઓ પિકાસોના નામથી પણ પરિચિત હતા, કારણ કે આ બધાં ફેમસ ચિત્રકારો હતા. એ દિવસોમાં અમારા મનમાં એવી જ છાપ હતી કે ચિત્રકલા તો બસ, યુરોપની જ.”

વૈચારિક સ્પષ્ટતા કિશોર વયમાં જ આવી ગઈ હતી એટલે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લઈને અતુલ ડોડિયા પદ્ધતિસર ચિત્રકળા શીખ્યા. ૩૧ વર્ષની ઉંમરે ફ્રાન્સ સરકારની સ્કોલરશિપ મળી. ચિત્રકાર પત્ની અંજુ ડોડિયા સાથે એક વર્ષ પેરિસમાં રહેવાના યોગ ઊભા થયા. પેરિસના પિકાસો મ્યુઝિયમની નજીકમાં જ એમનું રહેઠાણ. અસલી માસ્ટરપીસને પ્રત્યક્ષ જોવાની તક ઓછા લોકોને મળતી હોય છે. મોટેભાગે આપણે પુસ્તકમાં કે છાપાં, મેગેઝિન, ફિલ્મોમાં વિખ્યાત ચિત્રકૃતિઓની ઇમેજીસ જોઈ હોય છે. પ્રતિકૃતિ જોવી એક વાત છે અને ઓરિજિનલ માસ્ટરપીસ જોવો તદ્દન જુદી અનુભૂતિ છે. જેમના વિશે નાનપણથી પાર વગરનું કુતૂહલ અને આકર્ષણ હતું, જેમને નાનપણથી પોતાના હીરો ગણ્યા હતા એ પિકાસોનાં અસલી ચિત્રો પેરિસની આર્ટ ગેલેરીમાં જોઈને અતુલ ડોડિયા ચકિત ન થાય તો જ આશ્ચર્ય. પેરિસમાં ગાળેલા તે એક વર્ષ દરમિયાન પિકાસોને ખૂબ માણ્યો એમણે. અન્ય માસ્ટર્સનું કામ તેમજ શૈલી પણ નજીકથી નિહાળ્યાં. અતુલ ડોડિયા માટે તે એક વર્ષ આત્યંતિક અનુભૂતિઓનું વર્ષ બની રહ્યું. ક્યારેક નિર્ભેળ આનંદનો પારાવાર છલકાય તો ક્યારેક તીવ્ર ઉદાસીનો અનુભવ થાય.

અતુલ ડોડિયા કહે છે, “પેરિસમાં યુરોપિયન માસ્ટર્સ અને મારા સમકાલીનોનું કામ જોઈને હું એક વાત સમજ્યો કે કલાકાર તરીકે તેઓ નીડર છે. ભારતના મારા સિનિયરો કરતાં આ લોકો બહુ જુદા હતા. તેઓ ખુદની નિશ્ચિત શૈલી ઊભી કરતા હતા અને પછી એને ક્રમશઃ વિકસાવતા જતા હતા.”

પેરિસવાસ દરમિયાન અતુલ ડોડિયા કળાની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ બન્યા, પણ સાથે સાથે નિર્ભ્રાન્ત પણ થતા ગયા. નિર્ભ્રાન્તિ પોતાની જાત વિશેની, પોતાની દિશા વિશેની. તેમને થાય કે માસ્ટરો ઓલરેડી આટલું ઉત્તમ કામ કરી ગયા છે, હવે હું શું નવું કરવાનો? શું મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું કરી શકવાનો? એમનું ચિત્રકામ લગભગ બંધ થઈ ગયું. ધુમ્મસ જેવો આ તબક્કો લગભગ ત્રણ વર્ષ સુધી ખેંચાયો. ક્રમશઃ નવેસરથી સ્પષ્ટતા આવવા માંડી.

“મારાં ચિત્રો વિશે બીજા ચિત્રકારો શું કહેશે, મારા દોસ્તોની પ્રતિક્રિયા કેવી આવશે વગેરે પ્રકારની સભાનતા ઓગળવા માંડી.” અતુલ ડોડિયા કહે છે, “અલબત્ત, આ સૌનો પ્રતિભાવ ખૂબ મહત્ત્વનો હોય જ, પણ મને સમજાઈ ગયું હતું કે મારે ડર્યા વિના,કોઈને શું લાગશે તેના વિશે ઝાઝું વિચાર્યા વિના, મુક્ત રીતે વ્યક્ત થવાનું હોય. નવા અનુભવો, નવી અભિવ્યક્તિઓ માટે મેં મારી જાતને ખોલી નાખી. હવે મને નવા નવા વિષયો સ્પર્શવા લાગ્યા. મારાં ચિત્રોમાં ‘રિશફલ્ડ રિઅલિઝમ’ ઊપસવા માંડયું. અલબત્ત, મેં ફિગરેટિવ શૈલી ક્યારેય સંપૂર્ણપણે ત્યજી નહીં. એટલે મારું પેઇન્ટિંગ ક્યારેક ર્હોિડગ સ્ટાઇલનું હોય તો ક્યારેક ફિલ્મના પોસ્ટર સ્ટાઇલનું હોય. ચિત્રના વિષય અનુસાર એપ્રોચ બદલાતો રહે.”

પેરિસના નિવાસ દરમિયાન એમને એ પણ સમજાયું હતું કે ચિત્રની જરૃરિયાત પ્રમાણે તેઓ રિઅલિઝમ પણ સરસ રીતે હેન્ડલ કરી શકે છે અને જો એબ્સ્ટ્રેક્શન તરફ જવું પડે તો તે પણ કરી શકે છે. ટૂંકમાં, એમણે કોઈ સીમાડામાં પુરાઈ રહેવાની જરૃર નહોતી. જુદી જુદી સ્ટાઇલ અને જોનર આ જ અભિગમમાંથી પ્રગટયાં. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણતા હતા તે વર્ષોમાં વિખ્યાત પેઇન્ટર તૈયબ મહેતાએ કહેલું કે એમની પેઢીના ચિત્રકારોને અલગ અલગ ઘણું કરવાનું મન થતું, પણ તે વખતે સર્વસ્વીકૃત ખ્યાલ એવો હતો કે એ બધી ફીલિંગ્સ આર્ટ તરીકે વ્યક્ત ન થઈ શકે. અતુલ ડોડિયાએ તે જડ થઈ ગયેલી પૂર્વધારણાઓમાંથી બહાર આવીને મુક્ત વિહાર કરવાનું શરૃ કર્યું.

“હું કોઈ એક જ શૈલી પકડીને કામ કરતો નથી.” તેઓ કહે છે, “મારાં ચિત્રોમાં ને શૈલીમાં ઘણાં ડ્રામેટિક શિફ્ટ આવ્યા છે. મેં જે વિષય પસંદ કર્યો હોય તેને શી રીતે ન્યાય આપવો, ધારી અસર શી રીતે ઉપજાવવી, ચિત્રમાં ઇમેજ અને ટેક્સ્ટનો ચોક્કસ ફ્લો કઈ રીતે પેદા કરવો, કઈ ઇમેજીસનો સમાવેશ કરવો – આ બધી પડકારરૃપ બાબતો હોય છે.”

જેમને પોતાના હીરો માન્યા હોય તે વ્યક્તિનો પ્રભાવ કલાકારનાં કામ પર પડયા વગર રહેતો નથી. તેમાં કશું ખોટું પણ નથી, પણ હા, આ પ્રભાવમાંથી ધીમે ધીમે બહાર આવી જવાનું હોય. ખુદની શૈલી, આગવી ઓળખ ઊભાં કરવાનાં હોય. અતુલ ડોડિયા તે અસરકારક રીતે કરી શક્યા.

“પિકાસોમાંથી હું જુદી જુદી ચિત્રશૈલીઓ પ્રત્યેનું ખુલ્લાપણું શીખ્યો છું,” અતુલ ડોડિયા કહે છે, “મને ખુદનેય ખબર નહોતી કે મારાં પંદર ચિત્રો પર પિકાસોની સીધી અસર યા તો સંદર્ભ છે. માઇકલ ફિટ્ઝગેરાલ્ડ નામના ક્યુરેટરે ધ્યાન દોર્યું ત્યારે મને આ વાતની ખબર પડી હતી.”

સમકાલીન કલાજગત પર પિકાસોનો કેવો પ્રભાવ પડયો છે? બાર્સેલોનામાં આ મહિને એક આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનનું ઓપનિંગ થયું છે. જૂનના અંત સુધી ચાલનારા આ એક્ઝિબિશનનું નામ છે, ‘પોસ્ટ-પિકાસોઃ કન્ટેમ્પરરી રિએક્શન્સ.’ જેમનાં ચિત્રો પર પિકાસોની અસર ઝિલાઈ હોય એવા દુનિયાભરના ૪૨ ચિત્રકારોને પસંદ કરવામાં આવ્યા છે. આમાંથી બે ભારતીય છે – એક,જેમને ઘણી વાર ‘ભારતના પિકાસો’ તરીકે નવાજવામાં આવ્યા છે એ જન્નતનશીન એમ.એફ. હુસેન અને બીજા, અતુલ ડોડિયા. અતુલ ડોડિયાનાં ત્રણ ચિત્રો એક્ઝિબિશનમાં મુકાયાં છે.

જેમનાથી પ્રભાવિત થયા હોઈએ તે માસ્ટર માણસ પ્રત્યેનો આદર જિંદગીમાં ક્યારેય ઓછો થતો નથી. પ્રભાવ ઓસરી ગયા પછી પણ નહીં. અતુલ ડોડિયાની આ વાત સૌએ યાદ રાખવા જેવી છે, “લિજેન્ડ્સ પાસેથી શીખવાનું હોય, એમની પાસેથી પ્રેરણા લેવાની હોય. એમના કરતાં બહેતર બનવાની વાત જ અપ્રસ્તુત છે.”

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.