Sun-Temple-Baanner

માણસે કઈ ઉંમરે સપનાં જોવાનું બંધ કરવું જોઈએ?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


માણસે કઈ ઉંમરે સપનાં જોવાનું બંધ કરવું જોઈએ?


ટેક ઓફ – માણસે કઈ ઉંમરે સપનાં જોવાનું બંધ કરવું જોઈએ?

Sandesh – Ardh Saptahik Purti – 26 Feb 2014

ટેક ઓફ

“લાઇફની વન-વે સ્ટ્રીટમાં પાછા વળી શકાતું નથી. હા, પાછું વળીને વીતેલાં વર્ષોને જોઈ જરૂર શકાય છે. એવી ફીલિંગ ન આવવી જોઈએ કે કાશ, મેં પૂરતા પ્રયત્નો કર્યા હોત તો કેવું સારું થાત. ભૂતકાળ એટલે આખરે શું? આવનારા સમય માટેનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ.”

* * * * *

શીર્ષકમાં પુછાયેલા સવાલના પુનરાવર્તનથી લેખની શરૂઆત કરીએ. તો બોલો, માણસે કઈ ઉંમરે સપનાં જોવાનું બંધ કરવું જોઈએ? સપનાં જોવાની કોઈ કટ-ઓફ ઉંમર હોય છે ખરી? બસ, હવે આના કરતાં વધારે આપણાથી કંઈ નહીં થાય, જેટલું છે એટલું સચવાઈ રહે તોય ઘણું છે તેવું જીવનના કોઈ તબક્કે ફરજિયાત સ્વીકારી જ લેવું પડે? થનગન થનગન થઈ રહેલાં તન-મનને ક્યારેક તો ટપલાં મારીને ચૂપ કરવાં જ પડે કે ભાઈ, ઉંમર થઈ, હવે તો શાંત થા?

જો ડાયેના નીએડ નામની અમેરિકન મહિલાએ સાઠ વર્ષની ઉંમરે સપનાં જોવાનું બંધ કરી દીધું હોત તો તેઓ દુનિયાને ચકિત કરી દેતી અદ્ભુત સિદ્ધિ હાંસલ ન કરી શક્યાં હોત. વ્યવસાયે એ પત્રકાર અને લેખિકા છે, પણ એનું ખરું પેશન સ્વિમિંગ છે. ડાયેના લોન્ગ ડિસ્ટન્સ સ્વિમર છે. પૌત્ર-પૌત્રીઓ સાથે કિલ્લોલ કરવાની ઉંમરે તેઓ નિર્ણય લે છે, મારે ક્યુબા અને ફ્લોરિડા વચ્ચેનું ૧૧૦ માઇલ અથવા તો ૧૭૭ કિલોમીટરનું દરિયાઈ અંતર નોન-સ્ટોપ તરીને કાપવું છે (The map below has mentioned different figures). ક્યુબા અમેરિકાની દક્ષિણે આવેલો આઇલેન્ડ કન્ટ્રી છે. બન્ને વચ્ચે એટલાન્ટિક દરિયો ફેલાયેલો છે.

ડાયેનાને આ આઇડિયા કંઈ ઓચિંતો નહોતો આવ્યો. સ્વિમિંગના એકાધિક વિશ્વવિક્રમો તેના નામ પર ઓલરેડી બોલતા હતા. બહામાથી ફ્લોરિડા સુધીનું ૧૬૪ કિલોમીટરનું અંતર લાગલગાટ તરીને એણે ઇતિહાસ રચ્યો હતો. પચાસ વર્ષની ઉંમરે ૭ કલાક ૫૭ મિનિટમાં મેનહટન આઇલેન્ડ ફરતે ચકરાવો મારીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. બાયોડેટામાં આવી તગડી સિદ્ધિઓ ઉપરાંત એક અદૃશ્ય નિષ્ફળતા પણ લખાયેલી હતી. બત્રીસ વર્ષ પહેલાં ડાયેનાએ પહેલી વાર ક્યુબાથી ફ્લોરિડા સુધી તરવાનો પ્રયત્ન કર્યો હતો, તે વખતે જેલી ફિશનાં ઝુંડે એના પર હુમલો કર્યો હતો અને એ માંડ માંડ બચેલી.

એટલાન્ટિકનો ક્યુબાથી ફ્લોરિડા વચ્ચેનો હિસ્સો અત્યંત ખતરનાક અને અનપ્રેડિક્ટેબલ છે. સૌથી ઝેરી ગણાતી બોક્સ જેલી ફિશ અને શાર્ક જેવાં ભયાનક દરિયાઈ જનાવરોની ભરમાર છે. દુનિયાના સૌથી કાબેલ તરવૈયાઓ જે દરિયો ઓળંગવાનું સાહસ નહોતા કરી શકતા, તે ડાયેના બુઢાપામાં કરવાનો નિર્ણય કરે છે.

“પણ હું હાર માનવા નહોતી માગતી” ડાયેના કહે છે, “ભરજુવાનીમાં મેં જે સપનું જોયું હતું, તે હજુ જીવતું હતું. સાઠ વર્ષની ઉંમરે મેં સખત ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. ૨૦૧૧માં બે વખત કોશિશ કરી, નિષ્ફળ ગઈ. ૨૦૧૨માં ફરી ટ્રાય કરી. આ વખતેય સફળ ન થઈ. ૨૦૧૩ના ઓગસ્ટમાં, ચોસઠ વર્ષની ઉંમરે હું ફરી એક વાર ક્યુબાના દરિયા સામે ઊભી હતી. આ મારો પાંચમો પ્રયત્ન હતો. વિરાટ જળરાશિને જોતાં ફરી એક વાર મારી ભીતર શ્રદ્ધા જન્મી કે ના, આ વખતે તો હું જરૂર સફળ થઈશ.”

ડોક્ટરો, સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, એન્ડયોરન્સ એક્સપર્ટ, અનુભવી શાર્ક એક્સપર્ટ સહિત ત્રીસેક લોકોની ટીમ એક અલાયદી બોટમાં ડાયેનાની સાથે સાથે અંતર કાપી રહી હતી. દરિયામાં લાગલગાટ બે દિવસ બે રાત તરતાં તરતાં પસાર કરવાના હોય ત્યારે દિશાસૂચન કરવાવાળું સાથે હોવું જોઈએ. કાચી માછલી ખાઈને ઉપર દરિયાનું મીઠાવાળું પાણી પી લેવાનો વિકલ્પ હોતો નથી. ખાણીપીણીની વ્યવસ્થા સાચવવાવાળું કોઈક જોઈએ, તોફાની દરિયામાં અણધારી કટોકટી આવી પડી તો જીવ બચાવવાવાળું પણ કોઈક આસપાસ હોવું જોઈએ. દુનિયાના કોઈ પણ ખૂણે એક્સટ્રીમ સાહસ થતા હોય ત્યારે નિષ્ણાતોની ટુકડી સાહસવીરની સાથે હોય જ છે.

“મારા માટે આ મામલો એથ્લેટિક સિદ્ધિનો નહોતો” ડાયેના કહે છે, “વાત ઇગોનીય નહોતી કે મારે ક્યુબાથી ફ્લોરિડા સુધી સ્વિમિંગ કરનારી દુનિયાની પહેલી વ્યક્તિ બનવું છે. વાત જરા ઊંડી હતી. હું વિચારતી હતી કે હવે મારી કેટલી જિંદગી બાકી રહી છે? દસ વર્ષ? બહુ બહુ તો પંદર વર્ષ? પછી તો મરવાનું જ છેને. લાઇફ વન-વે સ્ટ્રીટ છે. એમાં પાછા વળી શકાતું નથી. હા, પાછું વળીને વીતેલાં વર્ષોને જોઈ જરૂર શકાય છે, તો એવું શા માટે કરવું કે જેથી પાછું વળીને જોતી વખતે મનમાં અફસોસ જાગે. એવી ફીલિંગ ન આવવી જોઈએ કે કાશ, મેં પૂરતા પ્રયત્નો કર્યા હોત તો કેટલું સારું થાત. ભૂતકાળ એટલે આખરે શું? આવનારા સમય માટેનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ.”

મીડિયાના ગાજવીજ સાથે સાહસ શરૂ થયું. દરિયામાં તરતી વખતે ડાયેનાના મનમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટનું એક ક્વોટ સતત ઘૂમરાયા કરતું હતું. ક્વોટ કંઈક એવું છે કે આરામથી ખુરસી પર બેસીને જોયા કરનારો બહુ બહુ તો નિર્ણાયક યા તો ઓબ્ઝર્વર બની શકશે, પણ જેનામાં ખરેખરી તાકાત છે એ બોક્સિંગ રિંગમાં ઊતરશે, પ્રતિસ્પર્ધીને મારશે, પોતે માર ખાશે, લોહીલુહાણ થઈ જશે, પછડાશે, ફરી ફરીને ઊભો થશે, સામેવાળા પર એટેક કરશે. એ ક્યારેય ઢીલો નહીં પડે, હિંમત નહીં હારે, તંત નહીં છોડે ને આખરે જીતશે.

ડાયેનાનું શરીર જુવાન નહોતું રહ્યું, પણ જુસ્સો ટકોરાબંધ હતો. એનું પ્રિય સૂત્ર છે, ફાઇન્ડ અ વે. રસ્તો શોધી કાઢો. એ કહે છે, “જિંદગી કોઈને છોડતી નથી. નિષ્ફળતાનો સામનો કર્યા વગર, પીડા સહ્યા વગર, દિલ પર ઘાવ ઝીલ્યા વગર કોણ રહી શક્યું છે?સપનું જોયું હશે તો માર્ગમાં અવરોધો આવવાના જ છે, પણ મહેનત કરીશું, શ્રદ્ધા રાખીશું, શોધીશું, ખંતપૂર્વક મચી પડીશું તો આ અવરોધો પાર કરવાનો રસ્તો ચોક્કસ જડી આવે છે.”

સાદા સ્વિમિંગ પુલમાં પાંચ-છ ચકરાવા મારી જોજો. કેટલી તાકાતની જરૂર પડે છે તે સમજાઈ જશે. અહીં તો ડાયેના દાદી ૧૭૭ કિલોમીટર તરવાનાં હતાં, તે પણ ભયંકર દરિયામાં. ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી. જેલી ફિશથી બચવા માટે માસ્ક પહેરી રાખ્યું હોય એટલે તરવાનું ફાવતું નહોતું. નજીકમાં તરતી બોટને સ્પર્શવાની પણ મનાઈ હતી. રાત્રે બોટની તમામ લાઇટ ઓલવી નાખવામાં આવે, કેમ કે લાઇટ ચાલુ હોય તો હિંસક માછલીઓ તે તરફ આકર્ષાય. એટલું બધું અંધારું હોય કે બે ફૂટ દૂરની વસ્તુ પણ દેખાય નહીં. માત્ર હાથના છપાક-છપાક અવાજ પરથી બોટમાં સવાર થયેલી ટીમે સમજી લેવાનું કે ડાયેનાનું તરવાનું ચાલુ છે.

“અસામાન્ય પરિસ્થિતિ, અપૂરતી ઊંઘ અને સખત થાકને કારણે મને ચિત્તભ્રમ જેવું થવા લાગ્યું હતું. ઓચિંતા દરિયામાં ચારે બાજુ તાજમહાલ દેખાવા લાગે. મને થાય કે આહાહા, શું સ્ટ્રક્ચર છે! કેટલો સમય લાગ્યો હશે આ લોકોને આવડો મોટો તાજમહાલ બનાવવામાં! અત્યારે આ બધું યાદ કરતી વખતે હસવું આવે છે, પણ તે વખતે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી.”

એક સવારે ડાયેનાની સાથીદારે બૂમ પાડી, “ડાયેના, બોટ નજીક આવ.” એ પાસે ગઈ. પૂછવામાં આવ્યું, “શું દેખાય છે?”ડાયનાએ કહ્યું, “દૂર ક્ષિતિજ પર ઉજાસ દેખાય છે.” સાથીદારે કહ્યું, “એ ઉજાસ નહીં, ડેસ્ટિનેશન છે. બસ, હવે છેલ્લા પંદર માઇલ!”

નીચોવાઈ ચૂકેલી ડાયેનામાં નવું જોશ પુરાયું. છેલ્લો પેચ પણ કપાઈ ગયો. સામો છેડો આવી ગયો. ૫૩ કલાકને અંતે ડાયેનાએ ફ્લોરિડાની જમીન પર પગ મૂક્યો અને એક ગજબનાક ઇતિહાસ રચાઈ ગયો. એ કહે છે, “હું ભગવાનમાં ખાસ માનતી નથી, પણ આ સાહસ દરમિયાન મને કશીક અલૌકિક અનુભૂતિ થઈ રહી હતી. આ મારા સપનાની જીત હતી, પણ સાચું કહું, કિનારો પાસે આવી રહ્યો હતો ત્યારે દિલના એક ખૂણે મને દુઃખ થઈ રહ્યું હતું. મને થયું કે બસ, મારી યાત્રા પૂરી? મારા માટે આ ફક્ત ૫૩ કલાકની જર્ની નહોતી, આ મેં જીવનભર કરેલી મહેનત અને શિસ્તના પરિણામની સફર હતી. મને એ પણ સમજાઈ રહ્યું હતું કે હવે પછી હું ક્યારેય આવી દરિયાઈ મહાયાત્રા કરી શકવાની નથી.”

ડાયેનાના આ સાહસ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે, જેનું ટાઇટલ છે, ‘ધ અધર શોર’. દુનિયાભરના દેશોમાંથી એને મોટિવેશનલ પ્રવચનો માટે આમંત્રણ મળે છે. ડાયેના જેવી અચિવર જ્યારે પ્રેરણા અને ઉપદેશની વાતો કરે ત્યારે એમાં અધિકૃત વજન હોય છે, અનુભવનો નીચોડ હોય છે. એ કહે છે, “નેવર ગિવ અપ. હાર નહીં માનો. તમારાં સપનાંનો પીછો ક્યારેય નહીં છોડો. એને વળગી રહો અને એને સાકાર કરવાની કોશિશ ક્યારેય બંધ ન કરો. બુઢાપામાં પણ નહીં. આજે હું જીવનના સાતમા દાયકામાં છું અને મને લાગે છે કે મારા જીવનનો આ સર્વશ્રેષ્ઠ તબક્કો છે. આ સાહસ પછી હું પ્રેસિડન્ટ ઓબામાની મહેમાન બની,એક પુસ્તક લખવાનો દળદાર કોન્ટ્રેક્ટ સાઇન કર્યો. આ બધું બરાબર છે, મને એનો ગર્વ છે પણ મુખ્ય વાત એ છે કે હું માથું ઊંચું રાખીને જીવી રહી છું. હું બોલ્ડ છું, નીડર છું અને જિંદગીની છેલ્લી ક્ષણ સુધી આવી જ રહેવાની છું- બોલ્ડ, નીડર.”

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.