મલ્ટિપ્લેક્સ – ધ ગૂડ રોડ
Sandesh – Sanskaar Purti – 16 Feb 2014
મલ્ટિપ્લેક્સ
આપણે ‘જબ વી મેટ’નાં વખાણ કરતા થાકતા નથી, પણ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીને આ ફિલ્મમાં પાર વગરની ભૂલો દેખાય છે. ધારો કે ‘જબ વી મેટ’ નવેસરથી બનાવવાની તક મળે તો સંભવતઃ તેઓ પાક્કી સ્ક્રિપ્ટ વગર રોડ મૂવીની સ્ટાઈલથી બનાવે, આગામી ‘હાઈવે’ની જેમ…
* * * * *
ઈમ્તિયાઝ અલી ઓડિયન્સના જ નહીં, ફિલ્મી જનતાના પણ ફેવરિટ છે. જેમની આગલી ફિલ્મની રાહ જોવાનું મન થાય એવા ફિલ્મમેકર્સ આંગળીના વેઢે નહીં પણ આંગળીએ ગણી શકાય એટલા માંડ હોય છે. ઈમ્તિયાઝ એમાંના એક. ‘જબ વી મેટ’ની કરીના હોય, ‘લવ આજ-કલ’નાં દીપિકા-સૈફ હોય કે ‘રોકસ્ટાર’નો રણબીર કપૂર હોય – ઈમ્તિયાઝનાં પાત્રો હંમેશાં જીવનમાં ગડથોલિયાં ખાતાં ખાતાં કશુંક શોધવાની મથામણ કરતાં હોય છે. આ શોધ પ્રેમ નામના તત્ત્વની હોય અથવા તો પોતાના અસલી વ્યક્તિત્વની કે પોતાનાં પેશનની હોય. આ પાત્રો ડાયલોગબાજી કરતાં નથી, તેઓ મારી-તમારી જેમ ‘બોલે’ છે. ઈમ્તિયાઝના સંવાદો ‘સ્ટ્રક્ચર્ડ’ નથી હોતા. તે એટલા સ્વાભાવિક હોય છે કે સાંભળતી વખતે એમ ન લાગે કે આ કોઈએ કાગળ-પેનથી કે કમ્પ્યુટરના કીબોર્ડથી લખ્યાં હશે. આ તાજગીભર્યા સંવાદોની રિધમ સમજવા માટે આંખ બંધ રાખીને ઈમ્તિયાઝની ફિલ્મોને ફક્ત ‘સાંભળવાનું’ મન થાય. આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘હાઈવે’માં સંભવતઃ આ બધા જ પ્લસ પોઈન્ટ્સ હોવાના.
જો લેબલ ચીપકાવવું જ હોય તો ‘જબ વી મેટ’, ‘લવ આજ-કલ’, ‘કોકટેલ’ (જે ઈમ્તિયાઝે લખી છે, ડિરેક્ટ હોમી અડાજણિયાએ કરી છે) કે ઈવન ‘હાઈવે’ને રોમેન્ટિક કોમેડી કહી શકાય. મજાની વાત એ છે કે ઈમ્તિયાઝને ખુદને દર્શક તરીકે રોમ-કોમ જોવી પસંદ નથી. ફિલ્મલાઈનમાં નહોતા આવ્યા ત્યારે હાડોહાડ કોમેડી ફિલ્મોમાં એમને જલસા પડતા. જેમ કે, ગોવિંદાની ‘દુલ્હેરાજા’ ફિલ્મ એમણે અસંખ્ય વખત જોઈ છે. ઈમ્તિયાઝ જમશેદપુરમાં મોટા થયા છે. મમ્મી-પપ્પા પટણામાં રહેતાં અને તેઓ જમશેદપુરનાં સગાંના ઘરે રહીને ભણતા. આ સગાંના ખુદનાં સિંગલ સ્ક્રીન થિયેટરો હતાં, હજુય છે – સ્ટાર ટોકીઝ, જમશેદપુર ટોકીઝ અને કરીમ ટોકીઝ. થાઉઝન્ડ પ્લસની કેપેસિટીવાળાં કઢંગાં થિયેટરો. જેમ કે, અમુક સીટ પર બેઠા હોઈએ તો છત પર લટકતા પંખા વચ્ચે નડે. બાલ્કની એટલી લાંબી કે હાથ લાંબો કરો તો સ્ક્રીનને અડી જવાય. બાલ્કનીમાં વચ્ચોવચ જ બેસવું પડે, કેમ કે એકદમ ખૂણાની ટિકિટ મળે તો પડદા પર એકલા અમિતાભ બચ્ચન જ દેખાય, રેખા બિચારી ઠિંગુજી બનીને એક બાજુ ખૂણામાં ધકેલાઈ જાય. સામેના છેડે બેસો તો અમિતાભ વામન સ્વરૂપ બની જાય. ત્રણમાંથી બે ટોકીઝ ઘરથી લગોલગ હતી તેથી રાત્રે સૂતા હોય ત્યારે ઢીશૂમ ઢીશૂમના ને આશા ભોંસલેના કેબ્રેના દબાયેલા અવાજો સપનામાં અથડાતા હોય. ડોરકીપર અને પ્રોજેક્શનિસ્ટ સાથે દોસ્તી થઈ ગઈ હતી એટલે ગમે ત્યારે અંદર ઘૂસી જવાનું ને પિક્ચર જોવા બેસી જવાનું. આ રીતે ‘મિસ્ટર નટવરલાલ’ અને એમાંય એનું ‘પરદેસીયા યે સચ હૈ પિયા’ ગીત એમણે અસંખ્ય વખત જોઈ કાઢયું હશે.
ફિલ્મોની ઝાકઝમાળભરી કાલ્પનિક દુનિયા ઈમ્તિયાઝને કદાચ એટલા માટે ખૂબ ગમતી કે અસલી જીવનમાં લઘુતાગ્રંથિઓનો પાર નહોતો. નાનપણમાં એ અતિ શરમાળ હતા. દરેક સ્થિતિમાં પોતે ઓકવર્ડ છે એવું એને સતત લાગ્યા કરે. ન ભણવામાં હોશિયાર,ન સ્પોર્ટ્સમાં. વાતવાતમાં ખોટું બોલે. સ્વભાવે અંતર્મુખ તોય પાડોશના છોકરાને સામે ડિંગ હાંકે કે સ્કૂલની ક્રિકેટ-ફૂટબોલ- વોલિબોલની ટીમમાં હું સ્ટાર પ્લેયર છું. સ્કૂલના દોસ્તારો સામે ફિશિયારી મારશે કે મારી લોકાલિટીમાં હું હીરો છું! ભણવામાં ઠાગાઠૈયા કરે એટલે નવમા ધોરણમાં ફેલ થઈ ગયા. શરમનો પાર નહીં.
“પણ મારા પપ્પાએ મને એક શબ્દ કહ્યો નહીં,” ઈમ્તિયાઝ અલી એક મુલાકાતમાં કહે છે, “ઊલટું, તેમણે મને હિંમત આપી, આશ્વાસન આપ્યું. બસ, આ નિષ્ફળતા પછી મેં દિલથી મહેનત કરવાનું શરૂ કર્યું, ભણવામાં અને બીજી એક્ટિવિટીઝમાં રસ લેવાનું શરૂ કર્યું. થિયેટરની શરૂઆત પણ એ જ અરસામાં થઈ.”
થિયેટરનો સિલસિલો તેઓ દિલ્હીની હિન્દુ કોલેજમાં ભણવા ગયા ત્યાં પણ ચાલુ રહ્યો. પોતાનું બેનર સ્થાપ્યું અને નાટકો ડિરેક્ટ કરવા લાગ્યા. આ બધાંમાં રસ હતો એટલે કામની શોધમાં મુંબઈ આવ્યા. એડવર્ટાઈઝિંગના કોર્સમાં પોતાની બેચમાં પહેલો નંબર આવ્યો હતો, પણ મુંબઈની એક પણ એડ એજન્સીમાં એમને કોપીરાઈટરની જોબ ન મળી. સૌથી પહેલી નોકરી આપી કુનાલ કોહલીએ. ઝી ટીવીના કોઈ શો માટે શૂટ થયેલી જે ટેપ્સ આવે તેના પર લેબલ ચોંટાડવાનું એમનું કામ. પગાર મહિને પંદરસો રૂપિયા. પછી ક્રેસ્ટ કમ્યુનિકેશન્સમાં લેખક તરીકે જોડાયા. કિરણ ખેરનો ‘પુરુષક્ષેત્ર’ નામનો ટોક શો ડિરેક્ટ કર્યો. ટીવી લાઇનમાં ઈમ્તિયાઝે સાત વર્ષ પસાર કર્યાં. કોઈક રીતે અભય દેઓલ સાથે ઓળખાણ થઈ. પછી સની દેઓલ સાથે મુલાકાત થઈ.સનીએ’સોચા ના થા’ની સ્ક્રિપ્ટ સાંભળીને ફિલ્મ પ્રોડયુસ કરવાનો નિર્ણય લીધો. આમ, અભય દેઓલ અને ઈમ્તિયાઝ અલી બન્નેની ફિલ્મી કરિયર એકસાથે લોન્ચ થઈ.
‘હાઈવે’ની વાર્તા ઈમ્તિયાઝે ટીવીવાળાં વર્ષોમાં લખી હતી. વાસ્તવમાં તેઓ સૌથી પહેલાં ‘હાઈવે’ જ બનાવવા માગતા હતા, પણ તેનો નંબર છેક હવે, પંદર વર્ષ પછી લાગ્યો છે. આજકાલ બાઉન્ડ સ્ક્રિપ્ટ વગર શૂટિંગ શરૂ થતું નથી, પણ ‘હાઈવે’ની સ્ક્રિપ્ટ ઈમ્તિયાઝે ઓપન રાખી હતી. વાર્તા સ્પષ્ટ હતી, શરૂઆત અને અંત સ્પષ્ટ હતાં, પણ એનાં ક્રમબદ્ધ દૃશ્યો, ઝીણી ઝીણી વિગતો,વણાંકો, સંવાદો આ બધું જ ફિલ્મ બનતું ગયું તેમ તેમ લખાતું ગયું. ‘હાઈવે’ દિલ્હી- હરિયાણા-રાજસ્થાન-પંજાબ-હિમાચલ પ્રદેશ-કાશ્મીરમાં શૂટ થયેલી રોડ મૂવી છે. ટ્રક ડ્રાઈવર હીરો રણદીપ હૂડા હિરોઈન આલિયા ભટ્ટનું અપહરણ કરીને પોતાની સાથે લઈ જાય છે તેવી ફિલ્મની વાર્તા છે. કલાકારો અને ટેક્નિશિયનોનો આખો રસાલો માલસામાન સાથે ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ફરતો રહ્યો. લોકેશન જોઈને નક્કી થાય કે કલાકારો અહીં શું કરશે, શું બોલશે. તે પ્રમાણે સીન અને સંવાદો લખાય. સામાન્યપણે શૂટિંગમાં દૃશ્યોનો ક્રમ જળવાતો હોતો નથી. જે રીતે કલાકારો અવેલેબલ હોય તે પ્રમાણે એના સીન શૂટ કરી લેવાય,પણ ‘હાઈવે’માં એક્ઝેક્ટલી વાર્તાના પ્રવાહ પ્રમાણે જ શૂટિંગ થતું ગયું.
“આ ફિલ્મમાં પ્રવાસ માણસ પર કેવો પ્રભાવ પાડે છે તેની વાત છે,” ઈમ્તિયાઝ કહે છે, “જો તમે પહેલેથી જ પ્રભાવ નક્કી કરી નાખો તો આખી જર્ની કૃત્રિમ બની જાય. તેથી આ પ્રકારની ફિલ્મ પાક્કી સ્ક્રિપ્ટ વગર બનાવવી પડે. આમ કરવા માટે હિંમત જોઈએ.”
ઈમ્તિયાઝ અલીને હવે એવો વિચાર પણ આવી જાય છે કે ‘જબ વી મેટ’ને પણ આ રીતે બનાવી શકાઈ હોત. આપણે ઈમ્તિયાઝ વિશે જે માન્યતા ધરાવીએ છીએ, તેના ભુક્કા બોલાવી દેવામાં એમને એક સેકન્ડ પણ લાગતી નથી. જેમ કે, ‘જબ વી મેટ’ના નામનું નામ પડતાં જ આપણે બધાં કામ પડતાં મૂકીને સોફા પર ગોઠવાઈ જઈએ છીએ, પણ ઈમ્તિયાઝને ખુદને હવે ‘જબ વી મેટ’ નથી ગમતી! તેઓ કહે છે, “મને જો નવેસરથી આ ફિલ્મ બનાવવાની કહેવામાં આવે તો હું બધું જ બદલી નાખું. સ્ક્રીનપ્લેમાં કેટલાય લોચા છે. જેમ કે, એક સીનમાં શાહિદ-કરીના રતલામની બદનામ હોટલમાં રાતવાસો કરવા જાય છે. કરીના એટલી ભોળીભટાક છે કે એને સમજાતું જ નથી કે આ હોટલમાં વેશ્યાવૃત્તિ ચાલે છે. તમે જ કહો, મુંબઈની ગર્લ્સ હોસ્ટેલમાં વર્ષો સુધી રહેલી કઈ યુવતી આટલી ભોટ હોઈ શકે? મને લાગે છે કે મેં એક્ટરોને સીન બરાબર સમજાવ્યા જ નહોતા. ખાસ કરીને કરીનાને. ઈવન, કેટલાંક પૂરક પાત્રોનું કાસ્ટિંગ પણ મને ગરબડવાળું લાગે છે. ખેર, ફિલ્મ જેવી છે તેવી લોકોને ગમી છે તે સારી વાત છે અને આવું બધું ફિલ્મ હિટ થઈ જાય પછી જ બોલાય, પહેલાં નહીં!”
ઈમ્તિયાઝ અલીની સંવાદલેખન કળાનાં વખાણ કરતાં આપણે થાકતા નથી, પણ ઈમ્તિયાઝ પોતે શું કહે છે? “ડાયલોગ લખવામાં હું બહુ જ કાચો છું. મારામાં એ ટેલેન્ટ છે જ નહીં. હું હંમેશાં બીજા ડાયલોગ રાઈટર્સ શોધતો હોઉં છું, જે મને આ કામ કરી આપે. તકલીફ એ છે કે મને કોઈ મળતું નથી, એટલે નછૂટકે મારે ખુદ લખી નાખવું પડે છે. હું માત્ર બોલચાલની ભાષા જ જાણું છું એટલે મારા ડાયલોગ્ઝ પણ એવા જ હોય છે.”
ખેર, બધું સમુસૂતરું પાર પડયું હશે તો ઈમ્તિયાઝની આ કહેવાતી ‘અણઆવડત’ એમની બીજી ફિલ્મોની માફક ‘હાઈવે’ને પણ ફળશે. આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટ નામનો બોમ્બ પણ ફૂટવાનો છે. લિખ લો!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply