Sun-Temple-Baanner

Breathless – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Breathless – Hollywood 100


હૉલીવૂડ હન્ડ્રેડ – ફિલ્મ ૫૬ – ‘બ્રેથલેસ’

Mumbai Samachar – Matinee purti – 10 January 2014

હૉલીવૂડ હન્ડ્રેડ – મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

અંજાના… અંજાની!

જ્યોં-લુક ગોડાર્ડ મહાન ફ્રેન્ચ ફિલ્મમેકર છે, જેમની સૌથી પહેલી ફિલ્મ ‘બ્રેથલેસ’એ ફિલ્મમેકિંગના પ્રચલિત ખયાલોના ભાંગીને ભુક્કા કરી નાખ્યા હતા. હોલીવૂડમાં સુપરડુપર કમર્શિયલ ફિલ્મો બનાવતા ડિરેક્ટરો સહિત દુનિયાભરના કેટલાંય ધુરંધર ફિલ્મમેકરો ગોડાર્ડ અને એમની ‘બ્રેથલેસ’ ફિલ્મથી ખાસ્સા પ્રભાવિત છે

* * * * *

ફિલ્મ ૫૬ – ‘બ્રેથલેસ’

આજે વિશ્ર્વસિનેમાના ઈતિહાસમાં જબરદસ્ત પ્રભાવ પેદા કરનારી એક ઓર ફિલ્મ વિશે વાત કરીએ – ‘બ્રેથલેસ’. આ ફ્રેન્ચ ફિલ્મ છે. એ બનાવી છે જ્યોં-લુક ગોડાર્ડે. ઓફબીટ ફિલ્મોના એ બાપ માણસ છે.

ફિલ્મમાં શું છે?

આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મની સ્ટોરી બહુ સાદી છે. મિશેલ (જ્યોં-પૉલ બેલ્મોન્ડો) નામનો એક ટપોરી જુવાનિયો છે. એેને ગેંગસ્ટર બનવાના અભરખા છે. પોતાની જાતને હીરો સમજે છે. સતત સિગારેટો ફૂંક્યા કરે, અરીસામાં જોઈને મોઢું બનાવ્યા કરે. એક વાર એ કોઈની કાર ચોરીને એ લા…લા…લા.. કરતો મોજથી નીકળી પડે છે. રસ્તામાં સમજ્યા-વિચાર્યા વિના એક પોલીસ પર બંદૂક ચલાવી દે છે. પોલીસ એની પાછળ પડે છે. મિશેલ ભાગીને પેરિસ આવી જાય છે, પોતાની ગર્લફ્રેન્ડ પેટ્રિશિયા (જ્યોં સીબર્ગ) પાસે. ટોમબોય જેવી દેખાતી રુપકડી પેટ્રિશિયા અમેરિકન છે. એ જર્નલિસ્ટ બનીને ‘ન્યુયોર્ક હેરલ્ડ ટ્રિબ્યુન’માં જોડાવાનાં સપનાં જુએ છે. પેટ્રિશિયાના ટચૂકડા ફ્લેટમાં મિશેલ શરણું લે છે, પણ મોંમાંથી ઉચ્ચારતો નથી કે પોતે કેવા પરાક્રમ કરીને આવ્યો છે.

મિશેલ અને પેટ્રિશિયા એકબીજા સાથે ખાસ્સાં નિખાલસતાથી વર્તે છે. મિશેલ ઈચ્છે છે કે પેટ્રિશિયા એની સાથે ઈટલી આવે. પેલી ના પાડી દે છે. મિશેલના ખિસ્સામાં ફદિયું પણ નથી. એ મિશેલ પાસેથી પૈસા ઉધાર માગે છે, પણ પેલીય કડકી છે. અથવા તો કડકી હોવાનું બહાનું બતાવે છે. બન્નેનું રિલેશનશિપ સ્ટેટસ ખરેખર ગરબડવાળું છે. મિશેલ પેટ્રિશિયાને દિલથી ચાહે છે કે ફક્ત એની સાથે સૂવામાં રસ છે? પેટ્રિશિયા પણ સ્પષ્ટ નથી. મિશેલ સાથે સંબંધ બાંધીને એ પ્રેગનન્ટ થઈ ગઈ છે, પણ હજુય એને ખુદને સમજાતું નથી પોતે આ સંબંધને કઈ દિશામાં આગળ વધારવા માગે છે.

પેટ્રિશિયાને આખરે ખબર પડે છે કે એનો બોયફ્રેન્ડ ભાગેડુ છે ને પોલીસ એની પાછળ પડી છે. પછી એ શું કરે છે? મિશેલને બચાવી લે છે, એને ભાગવામાં મદદ કરે છે કે પછી સામે ચાલીને પોલીસને પકડાવી દે છે? પણ જો એ ખરેખર મિશેલને ચાહતી હોય તો પોલીસની મદદ શું કામ કરે? આ કંઈ સસ્પેન્સ ફિલ્મ નથી, છતાય ફિલ્મનો અંત તમને નહીં કહીએ. ઍન્ડ તમારે જાતે જોઈ લેવાનો. એ તમારું હોમવર્ક.

કથા પહેલાંની અને પછીની

‘બ્રેથલેસ’ (આ અંગ્રેજી ટાઈટલ છે, મૂળ ફ્રેન્ચ શીર્ષક કંઈક જૂદું છે) જ્યોં-લુક ગોડાર્ડની સૌથી પહેલી ફિલ્મ. એ વખતે એમની ઉંમર ફક્ત ૨૮ વર્ષ હતી. ‘બ્રેથલેસ’ બનાવતી વખતે ગોડાર્ડને ખુદનેય કલ્પના નહીં હોય કે આ ફિલ્મ વિશ્ર્વસિનેમામાં જબરદસ્ત ક્રાંતિ લાવી દેશે, ફિલ્મમેકર્સની કેટલીય પેઢીઓ એનામાંથી પ્રેરણા મેળવશે અને પોતે ‘ફ્રેન્ચ ન્યુ વેવ સિનમા’ના ભીષ્મ પિતામહ ગણાશે. તમે આજની તારીખે ‘બ્રેથલેસ’ જોશો તો સાવ સાધારણ ફિલ્મ લાગશે. તમને થશે કે આ ટાઈપની ઢગલાબંધ ફિલ્મો બની છે, આમાં નવું શું છે? નવું એ છે કે આ ‘ઢગલા’ની શરુઆત ગોડાર્ડે કરી હતી. આવી થીમ, આવાં પાત્રો, આવી ટેક્નિક અને આવી ટ્રીટમેન્ટ ‘બ્રેથલેસ’ પહેલાં ક્યારેય જોવા નહોતાં મળ્યાં. આજથી ચોપન વર્ષ પહેલાં બનેલી ‘બ્રેથલેસ’માં ગોડાર્ડે ફિલ્મમેકિંગનાં પ્રચલિત સ્વરુપો અને નીતિ-નિયમોના ભુક્કા બોલાવી દીધા હતા. ‘બ્રેથલેસ’ જોઈને લોકો આશ્ર્ચર્યચકિત થઈ ગયા કે અચ્છા, આ ટાઈપની ફિલ્મ પણ હોઈ શકે! ઓડિયન્સે પહેલી વાર ‘જમ્પ કટ’ જોયા. જમ્પ કટ એેડિટિંગની એક પેટર્ન છે. આમાં એક જ વસ્તુ કે વ્યક્તિનો સીન ચાલતો હોય ત્યારે પ્રત્યેક શોટ પછી કેમેરાનો એન્ગલ સહેજ બદલી નાખવામાં આવે. તેથી જાણે વાત કે ક્રિયા જાણે કૂદકા મારતી મારતી ઝપાટાભેર આગળ વધી રહી હોય તેવી ઈફેક્ટ આવે. ‘બ્રેથલેસ’માં ગોડાર્ડે જમ્પ કટ્સની ભરમાર કરી છે.

હવે આના વિશે એક રમૂજ થાય એવી થિયરી પ્રચલિત છે. જ્યોં-પિઅર મેલવિલ (આ ફ્રેન્ચ માણસોના નામ ‘જ્યોં’થી જ કેમ શરુ થતા હશે ભલા?) નામના એક ફ્રેન્ચ ફિલ્મમેકરે આ વાત કહી છે. સાચુંખોટું રામ જાણે, પણ મેલવિલનું કહેવું છે કે પોસ્ટ-પ્રોડક્શન દરમિયાન ગોડાર્ડે ફિલ્મનો પહેલો કટ બતાવીને એમની સલાહ માગી હતી. મેલવિલે કહ્યું કે ફિલ્મ બહુ લાંબી થઈ ગઈ છે. એક કામ કર, જે સીનને લીધે ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે એવું તને લાગતું હોય એ બધાં જ સીન ઉડાવી દે. ગોડાર્ડે એવું ન કર્યું. એમણે આખો સીન કાપી નાખવાને બદલે એના શોટ્સ પર જરા જરા કાતર ચલાવી. આને કારણે શોટ્સ એકધારા રહેવાને બદલે ઝટકા મારી રહ્યા હોય એવી અસર ઊભી થઈ. પડદા પર આ બધું સરસ અને નવું દેખાતું હતું. એડિટિંગની આ પેટર્નને જમ્પ કટ એવું નામ આપવામાં આવ્યું. આમ, જમ્પ કપની ‘શોધ’ આકસ્મિક રીતે થઈ છે. મજબૂરીનું નામ મહાત્મા ગાંધી તે આનું નામ!

‘બ્રેથલેસ’નું બજેટ સાવ પાંખું હતું. ગોડાર્ડ પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ પણ નહોતી. એ સતત અખતરા કર્યા કરે. હીરો જ્યાં-પૉલ બોલ્મેન્ડોની પણ આ પહેલી જ ફિલ્મ હતી. એને અને હિરોઈન જ્યોં સીબર્ગને ખબર જ ન હોય કે આજે ક્યો સીન શૂટ કરવાનો છે, એની આગળપાછળનો સંદર્ભ શો છે અને ફિલ્મની વાર્તામાં એ ક્યાં ફિટ થવાનો છે. ગોડાર્ડ સવારે સીન લખે અને સેટ પર લેતા આવે. એક્ટર્સને સમજવાનો કે રિહર્સલનનો સમય જ ન આપે. વળી, ગોડાર્ડ એમની પાસે ખૂબ ઈમ્પ્રોવાઈઝેશન પણ ખૂબ કરાવે. અમુક દશ્યોમાં બન્નેનાં પર્ફોેર્મન્સ ઊભડક લાગે છે, બન્ને જાણે ખૂબ ચીડાયેલાં હોય એમ વર્તે છે. આ ચીડ કંઈ એમના અભિનયનો ભાગ નહોતો, તેઓ વાસ્તવમાં ગોડાર્ડ પર ચીડાયેલા હતા! ગોડાર્ડને આ જ જોઈતું હતું. એમનાં પાત્રાલેખન સાથે આ પ્રકારના હાવભાવ એકદમ બંધબેસતા હતા. ફિલ્મની નાયક અને નાયિકા નથી સાવ સારાં માણસો કે નથી સાવ ખરાબ માણસો. એમનું વર્તન સગવડિયું છે, નૈતિક મૂલ્યો અસ્પષ્ટ છે. હીરો-હિરોઈને આખરે આખી ફિલ્મ જોઈ ત્યારે રિઝલ્ટ જોઈને નવાઈ પામી ગયાં હતાં. એમણે ધાર્યું નહોતું કે તેમનાં પર્ફોેર્મન્સ પડદા પર આટલાં અસરકારક લાગશે.

હીરો જ્યો-પૉલ બેલ્મોન્ડો આ ફિલ્મ પછી તો ફ્ર્રેન્ચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ બિઝી બની ગયો. એ હેન્ડસમ કોઈ એંગલથી લાગતો નથી. સાવ સાધારણ દેખાવ ધરાવતો માણસ પણ ફિલ્મનો ‘લીડીંગ મેન’ બની શકે છે એવી હવા ‘બ્રેથલેસ’ પછી બની, જે સંભવત – પાછળનાં વર્ષોેમાં અલ પચીનો અને જેક નિકલસન જેવા ઓર્ડિનરી લૂક્સ ધરાવતા અદાકારોને ખૂબ કામ આવી.

૧૯૬૭-૭૪નાં વર્ષો હોલિવૂડનો ગોલ્ડન પિરીયડ ગણાય છે. આ વર્ષોેમાં બનેલી કેટલીય ફિલ્મો પર ‘બ્રેથલેસ’ની સ્પષ્ટ અસર છે. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા અને માર્ટિન સ્કોર્સેઝી જેવા હોલિવૂડના મહાન ફિલ્મમેર્ક્સ સહિતની ૧૯૬૦-૭૦ની આખી પેઢી ગોડાર્ડથી પ્રભાવિત છે. વિખ્યાત ફિલ્મ ક્રિટિક રોજર ઈબર્ટ તો ત્યાં સુધી કહે છે કે અલ પચીનો, વોરન બેટ્ટી, જેક નિકલસન, શૉન પેન જેવા હોલીવૂડના ધુરંધર એક્ટરોએ પોતપોતાની કરીઅરમાં જે નેગેટિવ પાત્રો ભજવ્યાં એના મૂળિયાં ‘બ્રેથલેસ’ના મિશેલના પાત્રાલેખનમાં દટાયેલાં છે.

‘બ્રેથલેસ’ રિલીઝ થઈ તે વાતને પાંચ-પાંચ દાયકા વીતી ગયા છે, છતાં હજુય એના વિશે સતત લખાતું રહે છે, એનાં વિશ્ર્લેષણો થતાં રહે છે. જોકે પાછળનાં વર્ષોેમાં ગોડાર્ડ ખુદ એવું કહેતા હતા કે ‘બ્રેથલેસ’ને વધારે પડતું મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે. ‘બ્રેથલેસ’ પછી પાંચ દાયકામાં ગોડાર્ડે પુષ્કળ ફિલ્મો બનાવી. એકટર બેલ્મોન્ડો અને ગોડાર્ડ બન્ને ફ્રેન્ચ સિનેમાના મહારથીઓ કહેવાયા. હિરોઈન સીબર્ગના નસીબમાં જોકે ઝાઝો યશ લખાયો નહોતો. એની કુંડળીમાં ઝાઝું આયુષ્ય પણ ક્યાં લખાયું હતું? બાપડીએ ૪૧ વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું. ‘બ્રેથલેસ’ના મૂળ વાર્તા અથવા તો ‘ઓરિજિનલ ટ્રીટમેન્ટ’ માટે ફ્રાન્ઝવાં ત્રુફો નામના ઓર એક મહાન ફિલ્મમેકરનું નામ બોલે છે. ગોડાર્ડ ઉપરાંત ત્રુફો પણ ફ્રેન્ચ ન્યુ વેવ સિનેમાના મહારથી ગણાય છે.

વિશ્ર્વસિનેમાના અભ્યાસુઓ માટે ‘બ્રેથલેસ’ જોવી ફરજિયાત છે. સાચા સંદર્ભો સાથે, સિનેમાના ઈતિહાસમાં એનું શું સ્થાન છે તે ધ્યાનમાં રાખીને ફિલ્મ જોજો. મજા આવશે.

* * * * *

‘બ્રેથલેસ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર-રાઈટર – જ્યોં-લુક ગોડાર્ડ
કલાકાર – જ્યોં-પૉલ બેલ્મોન્ડો, જ્યોં સીબર્ગ
ભાષા – ફ્રેન્ચ
રિલીઝ ડેટ – ૧૭ માર્ચ ૧૯૭૦

મહત્ત્વના અવોર્ડઝ – બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ, બેસ્ટ ફોરેન એક્ટ્રેસનું બાફ્ટા નોમિનેશન

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.