હૉલીવૂડ હન્ડ્રેડ – 55 – ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’
Mumbai Samachar – Matinee Purti – 3 Jan 2014
હૉલીવૂડ હન્ડ્રેડ – મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
* * * * *
ફિલ્મ-55 – ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’
રોમાન્સ, સાઈકોલોજિકલ થ્રિલર અને સાયન્સ ફિકશનનું કમાલનું કોમ્બિનેશન થયું છે ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’માં. બંદરછાપ કોમેડી માટે જાણીતા જિમ કેરી અને ‘ટાઈટેનિક’ની જાડુડીપાડુડી કેટ વિન્સલેટ આ ફિલ્મમાં અલગ જ અંદાજમાં પેશ થયાં છે . કેટ વિન્સલેટ પહેલી વાર જિમ કેરીને પોતાના ઘરે ડ્રિન્ક માટે લઈ જાય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં ઝીણા અવાજે એક ગીત વાગતું હોય છે. કયું ગીત? ‘નાગીન’ ફિલ્મનું લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરે ગાયેલું ‘તેરે સંગ પ્યાર મેં નહીં તોડના’!
તુમ મુઝે યું ભૂલા ના પાઓગે…
ઘણા લોકોને લવસ્ટોરી જોવાનો કંટાળો આવતો હોય છે. તેમનું કહેવું હોય છે કે લવસ્ટોરીમાં બધું એકનું એક હોય છે. રાઈટર-ડિરેક્ટર ધારે તોય એમાં શું નવું દેખાડી શકે? આવી દલીલ કરનારાઓને વિના વિલંબે ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’ દેખાડી દેવી.
ફિલ્મમાં શું છે?
જોએલ (જિમ કેરી) નામનો એક એકાકી માણસ છે. ન્યુયોર્કમાં બિલકુલ રુટિન અને રસકસ વિનાની જિંદગી જીવે છે. જાણે જીવતી લાશ જોઈ લો. સવારે ઉઠવાનું, લોકલ ટ્રેનમાં બેસીને ઓફિસે જવાનું ને સાંજે ખાલી ઘરમાં પાછા ફરવાનું. તે દિવસે વેલેન્ટાઈન ડે હતો. રોજની જેમ જોેએલ સવારે રેલવે સ્ટેશને પહોંચ્યો તો ખરો, પણ કોણ જાણે એને શું ધૂનકી ચડી કે ઓફિસ જવાને બદલે મોન્ટોક નામની જગ્યાએ જતી ટ્રેનમાં બેસી ગયો. મોન્ટોકમાં રુપાળો દરિયાકાંઠો છે. બીચ પર એને કોઈ અજાણી યુવતી દેખાઈ. નામ છે એનું ક્લેમેન્ટાઈન (કેટ વિન્સલેટ). વળતી વખતે યોગાનુયોગે ટ્રેનમાં બન્ને પાછાં ભેગાં થઈ ગયાં. યુવતી દેેખાવડી છે. જોએલ જેટલો શાંત અને ઠંડો છે એટલી જ આ યુવતી વાતોડિયણ, બિન્દાસ અને અતંરગી છે. પોતાના વાળને એણે લાલ રંગથી રંગ્યા છે. એને થોડા થોડા દિવસે વાળને અલગ અલગ રંગથી રંગવાનો શોખ છે. બન્નેની પર્સનાલિટીમાં આભ-જમીનનો ફર્ક છે તો પણ – કદાચ એટલે જ – તેઓ એકબીજા પ્રત્યે આકર્ષાય છે.
એક સચ્ચાઈ એવી છે જેની બન્નેમાંથી કોઈને ખબર નથી. હકીકત એ છે કે બન્ને જૂના પ્રેમીઓ છે. તેમની લિવ-ઈન રિલેશનશિપ બે વર્ષ ચાલી હતી! આટલા ગાઢ સંબંધથી જોડાઈ ચુકેલી વ્યક્તિઓ એકમેકને સદંતર ભુલી જાય તેવું કેવી રીતે બન્યું? ડો. હાર્વર્ડ નામના એક સાઈકિએટ્રિસ્ટના પ્રતાપે. ડોક્ટરે એક અજબગજબની ટેક્નિક વિકસાવી છે. ટેક્નિક એવી છે કે તમે ઊલટી તપેલી જેવું એક ઉપકરણ માથા પર ધારણ કરીને થોડી કલાકો બેશુદ્ધ અવસ્થામાં રહો તો તમારા દિમાગમાંથી ધારો તે વ્યક્તિની સારીમાઠી તમામ સ્મૃતિઓ ભૂંસી શકો! જાણે કે તમે એ માણસને ક્યારેય મળ્યા જ નથી. બન્યું હતું કે એવું કે એક વાર જોએલ અને ક્લેમેન્ટાઈન વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો. ગુસ્સામાં આવીને ક્લેમેન્ટાઈન જોએલ સાથે છેડો ફાડી નાખ્યો. એટલું જ નહીં, ડો. હાર્વર્ડ પાસે જાઈને પોતાના દિમાગમાંથી જોએલને લગતી તમામ મેમરી ઈરેઝ કરાવતી આવી.
થોડા સમય પછી જોએલને આ હકીકતથી જાણ થઈ ત્યારે એને જબરો આઘાત લાગ્યો. ક્રોધે ભરાઈને એ પણ ડો. હાર્વર્ડ પાસે પહોંચી ગયો અને ક્લેમેન્ટાઈનને લગતી તમામ યાદો ભૂંસાવતો આવ્યો. લગભગ આખેઆખી ફિલ્મ જોએલના દિમાગમાં આકાર લે છે. તે પણ રિવર્સ ગિઅરમાં. મેમરી ભૂંસાઈ રહી હતી એ દરમિયાન જોએલને એકાએક ભાન થાય છે કે ના યાર, મારે ક્લેમેન્ટાઈને સંપૂર્ણપણે ભુલી જવી નથી. આઈ સ્ટિલ લવ હર! અમારા સંબંધમાં કેટલીય મીઠી ક્ષણો હતી જે મારે સાચવી રાખવી છે. તકલીફ એ છે કે એક વાર ભૂંસાવાની ક્રિયા ચાલુ થઈ જાય પછી અટકાવી ન શકાય. હવે શું કરવું? ક્લેમેન્ટાઈન જ એને સજેસ્ટ કરે છે કે તું મને એવી જગ્યાએ લઈ જા જે મારી સ્મૃતિનો હિસ્સો ન હોય. તેથી જોએલ એને પોતાના બાળપણમાં ખેંચી જાય છે. ક્લેમેન્ટાઈનની છેલ્લી સ્મૃતિમાં એ એવું કહ્યું હતું કે મને મોન્ટોકના દરિયાકાંઠે મળજે. વેલેન્ટાઈન ડેના દિવસે જોએલને એકાએક મોન્ટોક જવાનું મન થઈ ગયું હતું તેનું કારણ આ જ હતું.
ફિલ્મમાં આ બે સિવાય પણ કેટલાંક પાત્રો છે. મેરી (ક્રિસ્ટન ડન્સ્ટ) બૈરી-છોકરાવાળા ડો. હાર્વર્ડની સેક્રેટરી છે. એક તબક્કે બન્ને વચ્ચે અફેર શરુ થઈ ગયું હતું. પછી ડો. હાર્વર્ડે જ એની મેમરીમાંથી ખુદને ભૂંસી નાખ્યો હતો. મેરીને આ વાતની જાણ થાય છે ત્યારે એ ઓફિસમાં જઈને સૌ પેશન્ટ્સની ઓડિયો કેસેટ બહાર કાઢે છે. એમાં સૌએ ખુદના અવાજમાં પોતાની કેફિયત રેકોર્ડ કરી છે. મેરી આ તમામ સંવેદનશીલ ઓડિયો કેસેટ્સને જે-તે પેશન્ટને ટપાલમાં મોકલી આપે છે. પરિણામે જોએલ અને ક્લેમેન્ટાઈન બન્નેને એમના ભૂતકાળની રિલેશનશીપની જાણ થાય છે. તેમને એમ પણ સમજાય છે કે ભલે ગમે તેટલા મતભેદ હોય, પણ આપણને પરસ્પર પ્રેમ છે જ. એ સિવાય એકમેક માટે ફરીથી આકર્ષણ કેવી રીતે જાગે? તેઓ પુન – પોતાના પ્રેમસંબંધને એક તક આપવાનું નક્કી કરે છે અને હોપફુલી, ખાઈ-પીને રાજ કરે છે.
કથા પહેલાંની અને પછીની
કેટલી અનોખી વાર્તા! રોમાન્સ, સાઈકોલોજિકલ થ્રિલર અને સાયન્સ ફિકશનનું કમાલનું કોમ્બિનેશન થયું છે આ ફિલ્મમાં. ડિરેક્ટર માઈકલ ગોન્ડ્રાયને પીઅર બિસ્મથ નામનો એક દોસ્ત છે. પીઅરે એક વાર એમ જ એને કહ્યું કે તને એક કાર્ડ મળશે જેમાં લખ્યું હશે કે તમારી એક પરિચિત વ્યક્તિએ એના દિમાગમાંથી તમને હંમેશ માટે ભૂંસી નાખ્યો છે. બસ, સહજપણે કહેવાયેલી આટલી અમથી વાત. એમાંથી ફ્રેન્ચ ડિરેક્ટરસાહેબને અફલાતૂન ફિલ્મનો આઈડિયા મળી ગયો. ઈન ફેક્ટ, ફિલ્મમાં સ્ટોરી માટે પીઅર બિસ્મુથને રીતસર ક્રેડિટ આપવામાં આવી છે. બેસ્ટ રાઈટિંગ – ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કર અવોર્ડ લેખક ચાર્લી કોફમેન અને માઈકલ ગોન્ડ્રાયની સાથે પીઅર બિસ્મુથે પણ share કર્યો છે.
જિમ કેરીની પોપ્યુલર ઈમેજ ચિત્રવિચિત્ર મોઢું બનાવતા, શરીર જાણે રબરનું બન્યું હોય તે રીતે ઊછળતા રહેતા સપર્બ કોમેડિયન તરીકેની છે, પણ આ ફિલ્મમાં એનું પર્ફોેર્મન્સ જુઓ. ઈન ફેક્ટ, જિમ કેરીની સર્વશ્રેષ્ઠ ગણાતી બે ફિલ્મોમાંથી એકેયમાં એણે કોમેડી નથી કરી. એક તો, ‘ધ ટ્રુમેન શો’ અને બીજી આ, ‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ.’ આ ફિલ્મમાં કામ કરવામાં સામેથી રસ ન દેખાડ્યો હોત તો કદાચ નિકોલસ કેજને હીરો તરીકે લઈ લેવામાં આવ્યો હોત. કેટ વિન્સલેટ આપણાં મનમાં ‘ટાઈટેનિક’ની રોઝ તરીકે જડાઈ ગઈ છે, પણ આ ફિલ્મમાં એ તદ્દન જુદી જ અંદાજમાં પેશ થઈ છે. ‘ઈટર્નલ સનશાઈન…’ માટે એ બેસ્ટ એક્ટ્રેસ તરીકે નોમિનેટ સુધ્ધાં થઈ. આ ફિલ્મના અભિનયને એ પોતાનું મોસ્ટ ફેવરિટ પર્ફોેર્મન્સ ગણે છે.
ફિલ્મની વાર્તા મસ્તમજાની છે, પણ એનો પ્રવાહ એવો આડોટેઢો, નોન-લિનીઅર ફોર્મમાં વહે છે કે દર્શક ગોથાં ખાઈ જાય. સમજવામાં સરળતા પડે તે માટે કહી શકાય કે અહીં ત્રણ ટાઈમલાઈનની ખીચડી કરવામાં આવી છે – રિઅલ ટાઈમ, ડ્રીમ લાઈન અને સુપર-ઈમ્પોઝ્ડ ટાઈમ. ફિલ્મનો ‘રિઅલ’ સમયગાળો ત્રણ જ દિવસનો છે- વેલેન્ટાઈન ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરીની સવાર અને રાત, ૧૫ ફેબ્રુઆરીનો દિવસ અને રાત તેમજ ૧૬ ફેબ્રુઆરીની સવાર, બસ. સોળમીની સવારે ફિલ્મનો ધી એન્ડ એવી જાય છે. ડ્રીમ લાઈન એટલે જિમ કેરી ગોળી ગળીને તંદ્રામાં સરી જાય છે અને ક્લેમેન્ટાઈન સાથેના પોતાના રોમાન્સને રિવર્સમાં મમળાવે છે, તે. સુપર-ઈમ્પોઝ્ડ ટાઈમ એટલે પહેલાં જોએલ અને પછી જોએલ-ક્લેમેન્ટાઈન બન્ને સપનામાં ચાલતી ઘટનાઓને બહારથી સાક્ષીભાવે નિહાળે છે, તે.
ફિલ્મમાં કેટ વિન્સલેટના વાળ કેટલીય વાર રંગ બદલે છે – બ્લુ, ઓરેન્જ, લાલ, ગ્રીન અને બ્રાઉન. એક્ચ્યુઅલી, વાળના રંગ દર્શકને એ સમજવામાં મદદરુપ થાય છે કે ક્યો સીન કઈ ટાઈમલાઈનનો છે અને તે વખતે જિમ કેરી સાથેની એની રિલેશનશિપનું સ્ટેટસ શું છે.
ફિલ્મમાં મૂળ તો મનની લીલા અને દિમાગની ભુલભુલામણીની વાત છે તેથી વાર્તાની ગૂંથણી પણ ડિરેક્ટરે ભુલભુલામણી જેવી કરી છે. ફિલ્મનો સૂર એ છે કે આખરે તો માણસ માત્રને પ્રેમની, સાચા કંપેનિયનની તલાશ હોય છે અને સાચો પ્રેમ વિજ્ઞાનના પ્રયોગો તેમજ વિશ્ર્લેષણોથી પર હોય છે.
‘ઈટર્નલ સનશાઈન…’ તેનાં નાવીન્ય બદલ ખૂબ વખણાઈ. બોક્સઓફિસ પર પણ તે હિટ પૂરવાર થઈ હતી. અમુક ફિલ્મોને બીજી વખત જોવામાં વધારે મજા પડતી હોય છે. ‘ઈટર્નલ સનશાઈન…’ આ પ્રકારની ફિલ્મ છે. લવસ્ટોરી આવી રીતે પણ રજૂ થઈ શકે છે તે જોવા માટે પણ ફિલ્મ જોવા જેવી છે. હા, ફિલ્મ જોવા બેસો ત્યારે એક ચોક્કસ સીન વખતે તમારા કાન સરવા રાખજો. કેટ વિન્સલેટ પહેલી વાર જિમ કેરીને પોતાના ઘરે ડ્રિન્ક માટે લઈ જાય છે ત્યારે બેકગ્રાઉન્ડમાં ઝીણા અવાજે એક ગીત વાગતું હોય છે. કયું ગીત? ‘નાગીન’ ફિલ્મનું લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરે ગાયેલું ‘તેરે સંગ પ્યાર મેં નહીં તોડના’!
* * * * *
‘ઈટર્નલ સનશાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ’ ફેક્ટ ફાઈલ
સ્ટોરી – ડિરેક્શન – માઈકલ ગોન્ડ્રાય
સ્ક્રીનપ્લે – ચાર્લી કોફમેન
કલાકાર – જિમ કેરી, કેટ વિન્સલેટ, ક્રિસ્ટન ડન્સ્ટ, ટોમ વિલિક્ન્સન
રિલીઝ ડેટ – ૧૯ માર્ચ, ૨૦૦૪
મહત્ત્વના અવોર્ડઝ – બેસ્ટ રાઈટિંગ-ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર અવોર્ડ અને બેસ્ટ એક્ટ્રેસ માટે કેટ વિન્સલેટને ઓસ્કર નોમિનેશન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2014 )
Leave a Reply