આવા નબળા ‘સાહેબ’ ના ચાલે…!
વેલ, ફિલ્મની સ્ટોરીલાઈન સિમ્પલ છે. હીરો શૈક્ષણિક ભ્રષ્ટાચારનું કૌભાંડ ઉજાગર કરે છે. એને સંલગ્ન કેટલાક દુ:ખદ ઘટનાક્રમના પગલે હીરો અને સરકાર આમને-સામને આવી જાય છે. હીરો આંદોલન કરે છે. ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી હીરોને આંદોલન બંધ કરી દેવાની ધમકી આપે છે અને હીરો એક મહિનામાં સરકાર પાડી દેવાની સામી ધમકી આપે છે. અંતમાં એ જ થાય છે જે આપણી ફિલ્મોમાં થાય. ખાધું-પીધું ને રાજ કર્યુ. આ સ્ટોરીલાઈન પર બે વસ્તુ થઈ શકે. રસપ્રદ ઘટનાક્રમ અને ચોટદાર ડાયલોગ્સથી ભરેલી એક ધુંઆધાર ફિલ્મ બની શકે અથવા આ આખા કોન્સેપ્ટની પાળ પીટી નાંખે એવી રેઢિયાળ ફિલ્મ બની શકે. ‘સાહેબ’ના સર્જકોએ બીજો વિકલ્પ પસંદ કર્યો! એક મસાલેદાર વિષય વેડફી નાંખ્યો. બરબાદ કરી નાંખ્યો.
ફિલ્મમાં થોડી કોમેડી, થોડો રોમાન્સ, પછી પોલિટિકલ ડ્રામા બધું જ છે, પણ બધું જ ઉભડક છે. ડેપ્થનો અભાવ છે. એકચ્યુલી, ફિલ્મનો વિષય જેટલો ગંભીર છે એટલી ગંભીર માવજત નથી થઈ. પોલિટિકલ ડ્રામા લખવા માટે જે હોમવર્ક જોઈએ એનો અભાવ છે.
એક દ્રશ્ય એવું છે કે આંદોલનકારી નેતા મલ્હારને (હોવ…ફિલ્મમાં મલ્હારના Malharના પાત્રનું નામ મલ્હાર જ છે.) કિડનેપ કરી લેવાય છે. મુખ્યમંત્રી સચિન મજુમદાર (Archan Trivedi) એટલો નવરો છે કે કિડનેપ થયેલા આંદોલનકારીને ધમકી આપવા છેક રણમાં જાય છે. બે એ મુખ્યમંત્રી છે કે ગબ્બરસિંઘ? એને કેબિનેટની મિટિંગ, પાર્ટી મિટિંગ, વિધાનસભા જેવા કોઈ જ કામ નથી? આઈ મિન, આવું બધું કરવા માટે સામાન્ય રીતે મુખ્યમંત્રીઓ હિટ મેન રાખતા હોય છે. અને જો તમારો (એટલે કે આ વાર્તાનો) મુખ્યમંત્રી જાય તો તે એ હદ સુધી જાય એ માટેનો ટેમ્પો તો ક્રિએટ કરો પહેલા. ફિલ્મમાં અનેક દ્રશ્યો આવા બાલિશ છે.
બીજું એક દ્રશ્ય છે આત્મવિલોપનનું. આત્મવિલોપન કરવા જતા યુવાને શરીર પર પ્રવાહી છાંટેલુ છે અને આસ-પાસ ટોળું છે. સૌથી આગળ તેની માતા છે. એની પાછળ ગમે તેમ લાકડી વિંઝતી પોલીસ. આ ખોટું છે. એકચ્યુલી, સૌથી પહેલા માતાને પકડી રાખવી પડે નહીં તો એ સાથે સળગી મરે. એ જ રીતે પોલીસ પણ આવી ન હોય કે છેક સળગવા જનારાની માતાની પણ પાછળ દૂર ઊભી હોય. એ લાકડી મારીને કાં મશાલ પાડી દે કાં એના હાથમાંથી મશાલ છીનવી લે. એવી જ રીતે આંદોલનકારીઓ સત્તાપક્ષના ધારાસભ્યોના ઘરનું અખબાર તો ઠીક પાણી પણ બંધ કરાવી દે? મુખ્યમંત્રી-ગૃહમંત્રી ફોન કરીને પોલીસ કમિશનરને કહે કે પાણી ચાલુ કરાવો અને કમિશનર જવાબ આપે કે હું પોલીસવાળો છું. અલા, આવા કેવા ‘સાહેબ’ કે એમને એટલી પણ ખબર ન હોય કે પાણી ચાલુ કરાવવા પોલીસ કમિશનરને ફોન ન કરવાનો હોય? એન્ડ ન્યૂઝ ચેનલમાં ડિબેટ ગોઠવવા ખુદ મુખ્યમંત્રી ફોન કરે? વ્હેર ઈઝ હોમવર્ક એન્ડ કોમન સેન્સ? આવા નબળા ‘સાહેબ’ ના ચાલે. ગીરા દો યે સરકાર…! એવી જ રીતે આંદોલનકારી યુવાને આટલી ધમાચકડી મચાવીને રાજ્ય માથે લીધા બાદ છેક ઈન્ટરવલ પછી મુખ્યમંત્રી ગૃહમંત્રીને સૂચના આપે કે સ્ટેટ આઈબીને કહી દો કે એના પર નજર રાખે? વોટ નોનસેન્સ? હવે છેક?
મુખ્યમંત્રીના દરેક કાર્યક્રમોની મિનિટ્સ રેડી હોય એની જગ્યાએ અહીં ન્યૂઝ ચેનલની એન્કર મુખ્યમંત્રીને કહે છે કે તમારે જેમની સાથે ડિબેટ કરવાની છે તે હજુ આવ્યા નથી. ત્યાં સુધી તમે બે પત્રકારોને ઈન્ટરવ્યૂ આપી દો. લા મુખ્યમંત્રી છે કે કોઈ બી ગ્રેડની સિરિયલનો સી ગ્રેડ એક્ટર? હજુ બે મિનિટ પહેલા પોતાને કોને ઈન્ટરવ્યૂ આપવાનો છે એ જ ખબર નહોતી એ પત્રકાર સાથે વાત ચાલુ થાય એ સાથે જ મુખ્યમંત્રીને ખબર પડી જાય છે કે એ પત્રકાર ગઈકાલે કંપનીની ગાડીમાં ભાવનગર કોઈના લગ્નમાં ગયો હતો! એ જ રીતે મુખ્યમંત્રીના કહેવાથી અઘરો સવાલ પૂછાય ત્યારે એ ટાળવા બ્રેક લઈ લેવાનુ નક્કી કરનારી એન્કર એ જ ડિબેટમાં એક કિસિંગ સિન પણ પ્લે થવા દે છે અને મુખ્યમંત્રીની પોલ ખોલતી ક્લિપ પણ પ્લે થવા દે છે!!! કેવી રીતે? એ બધું ત્યાં પ્લે કેવી રીતે થતું હતુ? મુખ્યમંત્રી કહે આ પ્લે કરો એટલે એ પ્લે થાય અને મલ્હાર કહે કે આ પ્લે કરો એટલે એ થઈ જાય? એન્કર શું જખ મારતી હતી? ન્યૂઝ ડિબેટ હતી કે કોઈ રિયાલિટી શો? એ બધુ તો ઠીક આંદોલનકારી સાથે પોતાની ઓપન ડિબેટ ગોઠવવા ખુદ મુખ્યમંત્રી ન્યૂઝચેનલને ફોન કરે?
આપણી ફિલ્મોમાં આમ તો સાઈડ રોલવાળાનું કાસ્ટિંગ બહુ મહત્ત્વ નથી હોતું, ઘણી વાર તો ગમે તે લાગતાં-વળગતાં અને ઓળખીતા-પાળખીતાને આજુ-બાજુમાં ઊભા કરી દેવામાં આવે છે, પણ યાર ધારાસભ્યોના કાસ્ટિંગમાં લોટમાં મીઠાના પ્રમાણ જેટલું તો ધ્યાન રાખવું જોઈએ કે નહીં? ધારાસભ્યોનું ટોળું ધારાસભ્યો જેવું લાગતું જ નથી. ધારાસભ્યોનું કાસ્ટિંગ ખુબ જ ખરાબ છે. ધારાસભ્યો તો ઠીક વિધાનસભાનું પણ ‘કાસ્ટિંગ’ ખુબ ખરાબ છે. એક પાટીયા સિવાય એકપણ એંગલથી એ વિધાનસભા નથી લાગતી કે નથી એની આસ-પાસનો માહૌલ અને માણસો વિધાનસભા જેવા લાગતા. સેટઅપથી માંડીને બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ સુધીના તમામ મામલે અનેક દ્રશ્યોના બેકગ્રાઉન્ડ આવા જ મિસફિટ લાગ્યા. એન્ડ પેલા પોલીસ સ્ટેશનના સેટનો શું લોચો હતો? કેટલાક દ્રશ્યોમાં પોલીસ સ્ટેશનના બહારના બે બોર્ડ પર ‘અમરપુર કે અમરાપુર પોલીસ સ્ટેશન’નું બોર્ડ વંચાય છે તો અમુકમાં બ્લર કરી દેવાયું છે. ક્લાઈમેક્સને જે હાઈટ આપવાનો પ્રયાસ કરાયો છે એ જોઈને બેકગ્રાઉન્ડમાં રહેલુ ગાંધીજીનું પૂતળું પણ હસી પડ્યું હશે!
કેટલાક સારા પાસાની વાત કરીએ તો વિષયની પસંદગી સારી છે. ‘પાણી ગ્લાસમાં નહીં પીવડાવનારામાં જોઈએ.’, ‘રાજકારણ બહુ ખરાબ છે બધા ગંદા કામ આપણે જ કરવા પડે છે.’, ‘રાજકારણનો કાળો ઈતિહાસ કેટલાક અસંતોષી વિદ્યાર્થીઓના કારણે જ છે.’ – જેવા કેટલાક સંવાદો સારા છે. એ જ રીતે ફિલ્મના સ્ટાર્ટિંગના કેટલાક ‘લેન્ડલાઈન જનરેશન’ જેવા ચબરાક શબ્દપ્રયોગોવાળા સંવાદ પણ સારા છે. અર્ચન ત્રિવેદીના સંવાદોમાં કવિતાનો ઉપયોગ એમના પાત્રને એક અલગ જ ઉઠાવ આપે છે. યુવા નેતાને એકલો પાડી આંદોલનને તોડી પાડવાના રાજકારણીઓના પેંતરા સારા બતાવ્યા છે.
એક્ટિંગની વાત કરીએ તો મલ્હારના સ્ટાર્ટિંગના કેટલાક ટિપિકલ ‘મલ્હારિઝમ’વાળા દ્રશ્યો થોડું હસાવે છે. અન્ય ગંભીર દ્રશ્યોમાં મલ્હારનો પ્રયાસ દેખાય છે, પણ એ નબળા સર્જાવા પાછળ એની ખામી છે કે ખરાબ રાઈટિંગની ભૂલ છે એ નક્કી નથી થઈ શકતું. કિંજલ રાજપ્રિયાના ફાળે કેટલાક સોંગ્સ, બે ઉભડક કિસ, છેકથી છેક સુધી મલ્હારની આસ-પાસ ક્યાંક ઊભા રહેવાનુ અને કેટલાક ડાયલોગ્સ આવ્યા છે. અર્ચન ત્રિવેદીની એક્ટિંગ સારી છે, પણ એમનું પાત્ર ખુબ ખરાબ રીતે લખાયુ છે. જોકે, એક દ્રશ્યમાં મુખ્યમંત્રી ગૃહમંત્રીને એક અગત્યની પોલિટિકલ ચાલની સૂચના આપીને જે ઝડપે ઊભા થઈને ત્યાંથી જાય છે એ ઝડપ બિનજરૂરી લાગી. એ મુખ્યમંત્રીની ચાલ જેવી બિલકુલ નહોતી. ખાસ કરીને ત્યારે જ્યારે મુખ્યમંત્રી એક કોલ્ડ બ્લડેડ વ્યક્તિ હોય. પત્રકાર બનતા નિસર્ગ ત્રિવેદીની એક્ટિંગ સારી છે. તેઓ લાગે છે માથાફરેલ લડાયક પત્રકાર. ફિલ્મમાં જે રીતે આંદોલન, થાળી-વેલણ, રિસોર્ટ પોલિટિક્સ સહિત અનેક રિયલલાઈફ રેફરન્સ આવે છે એમાં નિસર્ગ ત્રિવેદીના પત્રકાર પાત્રનું નામ પણ ઉમેરવું પડે – ‘સૌમિત્ર’..! જોકે, એમના પાત્રમાં એક જ વાત ન સમજાઈ કે એ કયા અખબાર કે ચેનલના પત્રકાર હતા? આટઆટલી ઘટનાઓના સાક્ષી રહેવા છતાં એમણે ક્યાંય કશું છાપ્યું કેમ નહીં? અથવા તો કંઈક છાપતા બતાવાયા કેમ નહીં?
ઓવરઓલ, આટલા નબળા ‘સાહેબ’ ના ચાલે. ગિરા દો યે સરકાર…!
ફ્રી હિટ :
# TRAI to Understand : લોકોને હજુ સુધી જીએસટી પૂરેપૂરો નથી સમજાયો ત્યાં ટી.વી. પર ચેનલ્સના ભાવ માટેના ટ્રાઈના અટપટા નિયમો સમજવાના આવ્યાં! ઉઠા લે રે બાબા ઉઠા લે…!
~ તુષાર દવે ( સીટી ભાસ્કર, અમદાવાદ )
Leave a Reply