મલ્ટિપ્લેક્સ : થોડા હૈ… થોડે કી જરૂરત હૈ
Sandesh – Sanskar Purti – 3 Nov 2013
મલ્ટિપ્લેક્સ
‘જુલી’નું સુપરડુપર મ્યુઝિક તૈયાર કર્યું ત્યારે રાજેશ રોશનની ઉંમર ફક્ત વીસ વર્ષ હતી! ‘ક્રિશ-થ્રી’નાં ગીતોએ ભલે જોઈએ એવી જમાવટ ન કરી હોય, પણ આ લો-પ્રોફાઇલ મ્યુઝિક ડિરેક્ટરે ચાર દાયકાની કારકિર્દી દરમિયાન આપણને એક એકથી ચઢિયાતાં ગીતો આપ્યાં છે.
* * * * *
આ શુક્રવારે ‘ક્રિશ-થ્રી’ રિલીઝ થઈ એટલે ફિલ્મ કેવી છે, એની આપણને ખબર પડી, પણ એનું સંગીત ખાસ જમાવટ કરતું નથી તેની જાણ ક્યારની થઈ ચૂકી હતી. રાજેશ રોશનના ચાહકો નિરાશ છે. તેઓ જાણે છે કે મોટા ભાઈ રાકેશ રોશનની હવે પછીની ફિલ્મ નહીં આવે ત્યાં સુધી આ પ્રમાદી સંગીતકાર એક-બે વર્ષના પ્રલંબ વેકેશન પર ઊતરી જવાના.
હંમેશાં લો-પ્રોફાઇલ રહેલા રાજેશ રોશનનાં હિટ ગીતોની આજે વાત કરવી છે. કંઈકેટલાય સુપરડુપર, મહત્ત્વનાં અને કદીય ન ભુલાય એવાં ગીતો આપ્યાં છતાંય કોણ જાણે કેમ તેમની આસપાસ ઝગમગતું આભામંડળ ક્યારેય રચાયું નહીં. એમણે કરિયરની શરૂઆત ૧૯૭૪માં ‘કંવારા બાપ’થી કરી હતી ને બીજે જ વર્ષે ‘જુલી’નું સુપર્બ મ્યુઝિક આપીને પુરવાર કરી નાખ્યું કે પોતે કેટલા સશક્ત સંગીતકાર છે. ‘જુલી’ વખતે એમની ઉંમર હતી ફક્ત વીસ વર્ષ, કેન યુ બિલીવ ઇટ! ‘જુલી’માં ‘દિલ ક્યા કરે જબ કિસી કો… કિસી સે પ્યાર હો જાએ…’માં કિશોર કુમારે પ્રેમમાં તરફડતા પુરૂષના આવેગને જે રીતે વ્યક્ત કર્યો છે તે જુઓ. ‘જુલી’ના ટાઇટલ સોંગમાં નાયક-નાયિકા તીવ્ર કામાવેગ અનુભવી રહ્યાં છે, પણ આ લાગણીને લતા-કિશોરે કેટલી ગરિમા સાથે પેશ કરી છે અને પ્રીતિ સાગરે ગાયેલું અંગ્રેજી ગીત, ‘માય હાર્ટ ઇઝ બીટિંગ’! હિન્દી ફિલ્મમાં આખું ઈંગ્લિશ સોંગ મુકાયું હોય ને પાછું તે અત્યંત પોપ્યુલર પણ થયું હોય એવું અગાઉ કદાચ ક્યારેય નહોતું બન્યું.
નેકસ્ટ યર, ૧૯૭૬. રાજેશ રોશન ‘સ્વામી’માં એક એવું અમર ગીત આપે છે, જેના લીધે મ્યુઝિક કંપોઝર તરીકેની એમની ધાક ઓર મજબૂત બને છે. આ ગીત એટલે ‘કા કરૂ સજની આયે ના બાલમ… ખોજ રહી હૈ પિયા પરદેસી અખિયાં આયે ના બાલમ…’ પ્રેમની વેદના, પે્રેમનો વિરહ અને તેમાંથી જન્મતી નિરાશા યેશુદાસના અવાજમાં કેટલી ગજબનાક રીતે વ્યક્ત થયાં છે. આ જ ફિલ્મમાં લતા મંગેશકરનું ‘પલ ભર મેં યે ક્યા હો ગયા… ‘ ગીત પણ બહુ મીઠું છે. યેશુદાસના ‘કા કરૂ સજની… ‘ની સાથે તરત જ વિષાદમાં ઝબોળાયેલું રાજેશ રોશનની બીજું એક ગીત યાદ આવે. એ છે, અનવરે હ્ય્દયના ઊંડાણથી ગાયેલું ‘હમે સે કયા ભુલ હુઈ જો યે સજા હમ કો મિલી…’. ૧૯૭૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જનતા હવાલદાર’ના આ ગીતનો ભાવ જુદો છે, પણ કારૂણ્યની તીવ્રતા સાંભળનારની ભીતર શારડીની જેમ ઊતરી જાય છે. વોઈસ-ઓફ-રફી ગણાયેલા અનવરે જિંદગીમાં બીજું કશું જ ન કર્યું હોત તોપણ ફક્ત આ ગીતને કારણે તેમને લોકો યાદ કરતા રહેત.
એક બાજુ આ દર્દભરે નગ્મે છે તો બીજી બાજુ છે, ૧૯૭૯માં જ રિલીઝ થયેલી ‘મિસ્ટર નટવરલાલ’નાં સદાબહાર ગીતો. સૌથી પહેલું તો, ‘પરદેસીયા… યે સચ હૈ પિયા લોગ કહતે હૈં મૈંને તુજકો દિલ દે દિયા…’ ખરેખર એ નક્કી કરવું મુશ્કેલ બની જાય કે આ ગીતમાં લતા-કિશોરની ગાયકી પર ડોલવું કે પછી અમિતાભ-રેખાની ફૂલગુલાબી રોમેન્ટિક કેમિસ્ટ્રી જોઈને ઝૂમવું! અમિતાભ બચ્ચન પાસે ગીતો ગવડાવવાની શરૂઆત કરનાર રાજેશ રોશન. ‘મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનાઉં…’ – હિન્દી સિનેમાનાં શ્રેષ્ઠ બાળગીતોનું લિસ્ટ બનાવવામાં આવે આ ગીત ચોક્કસપણે ટોપ-ટેનમાં સ્થાન પામે. બિગ બીની કેટલીય ફિલ્મોમાં રાજેશ રોશને મસ્તમજાનાં ગીતો આપ્યાં છે. જેમ કે ‘છૂ કર મેરે મન કો… કિયા તૂને ક્યા ઈશારા’ સહિતનાં ‘યારાના’ (૧૯૮૧)નાં એકાધિક ગીતો, શંકર મહાદેવનનાં ‘બ્રેધલેસ’ સોંગના પરદાદા જેવું સુપર સ્પીડે ગવાયેલું ‘તૂને અભી દેખા નહીં દેખા હૈ તો જાના નહીં’ (દો ઔર દો પાંચ, ૧૯૮૦), ‘કાલા પત્થર’ (૧૯૭૯)નું ‘એક રાસ્તા હૈ જિંદગી’, ૧૯૮૨માં આવેલી ‘ખુદ્દાર’નું ‘મચ ગયા શોર સારી નગરી રે… આયા બિરજ કા બાંકા સંભાલ તેરી ગગરી રે’ કે જેના વગર આજે પણ મટકીફોડની ઉજવણી અધૂરી રહી જાય છે.
રાજેશ રોશનને આ બે હસ્તીઓ સાથે કામ કરવાનું ફળ્યું છે – બાસુ ચેટર્જી અને દેવ આનંદ. બાસુ’દા-આરઆરના કોમ્બોએ કેવાં લાજવાબ ગીતો આપ્યાં? ‘બાતોં બાતોં મેં’ (૧૯૭૯)નાં ચારેય ગીતો લઈ લોઃ ‘સુનિયે કહીએ… કહીએ સુનિયે’, ‘ના બોલે તુમ ના મૈંને કુછ કહા’ (આ ગીતની ટયૂન અમેરિકન સિવિલ વોરના માર્ચિગ સોંગ પરથી પ્રેરિત હતી), ‘કહાં તક યે મન કો..’ અને ‘ઉઠે સબ કે કદમ તારા રમ પમ પમ’. બાસુ’દાની ‘ખટ્ટામીઠા’ (૧૯૭૯)માં કિશોર’દાએ ‘થોડા હૈ થોડી કી જરૂરત હૈ…’ જેવું યાદગાર ગીત ગાયું. આ ફિલ્મનાં બીજાં ગીતો પણ સરસ. દેવ આનંદ માટે કંપોઝ કરેલાં રાજેશ રોશનનાં ગમતીલાં ગીતો કયાં? ઘણાં બધાં. ‘દેસ પરદેસ’ (૧૯૭૮)નાં એક સે બઢ કર ગીતો આ રહ્યાં: લતાનું ‘આપ કહે ઔર હમ ના આએ ઐસે તો હાલાત નહીં…’, ઓલ-ટાઇમ-ગ્રેટ દારૂસોંગ ‘તૂ પી ઔર જી’, કિશોરનું બીજું બહુ જ મીઠ્ઠું મધુરું ‘નઝરાના… ભેજા કિસી ને પ્યાર કા’. ટાઈટલ સોંગ્સ તો ખરાં જ. ‘લૂટમાર’ (૧૯૮૦)માં એક બાજુ કિશોર કુમારનું ઈન્સ્પિરેશનલ ‘હંસ તુ હરદમ’ છે તો બીજી બાજુ આશા ભોસલેનું ‘જબ છાએ તેરા જાદુ… કોઈ બચ ન પાએ’ છે. આવું જ એક નશીલું ગીત ‘ઓ… મુંગડા મુંગડા’ પણ રાજેશ રોશનનું જ સર્જન. ઉષા મંગેશકરનું કદાચ આ એકમાત્ર સુપરડુપર હિટ સોંગ. આ એક ગીતના જોર પર ૧૯૭૮માં આવેલી ‘ઈન્કાર’ નામની ફિલ્મની આખી ઓળખ ઊભી છે.
રાજેશજીનાં ગીતોવાળું એક ઔર પર્સનલ ફેવરિટ આલબમ છે, ‘દૂસરા આદમી’. આ ફિલ્મ યશ ચોપડાએ ૧૯૭૭માં બનાવી હતી. આહા, શું ગીતો છે એમાં. સાંભળોઃ ‘નઝરોં સે કહ દો પ્યાર મેં મિલને કા મૌસમ આ ગયા…’, ‘ક્યા મૌસમ હૈ… ચલ કહીં દૂર નિકલ જાએ’ ,’આંખોં મેં… કાજલ હૈ’ અને ‘આઓ મનાએ રસ્મ-એ-મોહબ્બત…’. ચારેય ગીતો લતા-કિશોરનાં. રાજેશ રોશનની આગવી સ્ટાઈલ આ ફિલ્મે સજ્જડ રીતે પ્રસ્થાપિત કરી દીધી હતી. ‘આપ કે દીવાને’ (૧૯૮૦) માટે લતા-રફી-કિશોરે ગાયેલાં ‘મેરે દિલ મેં જો હોતા હૈ…’ ગીતની અનિયમિત રિધમ જોજો. દીવાના થઈ જશો.
આ સિવાય પણ ઘણાં ગીતો છે. ‘કામચોર’ (૧૯૮૨)નું ‘તુમ સે બઢકર દુનિયા મેં ના દેખા કોઈ ઔર જુબાં પર…’ દિલને ગજબની ટાઢક પહોંચાડે છે. કિશોરકુમાર પાસેથી રાજેશ રોશને ખરેખર ઉત્તમ કામ લીધું છે. તેમની વચ્ચે ઘણી નિકટતા હતી. કદાચ એટલે જ કિશોર’દાની એક જુદી જ છટા રાજેશ રોશને કંપોઝ કરેલાં ગીતો દ્વારા આપણી સામે પેશ થાય છે. બાય ધ વે, ‘તુમ સે બઢકર…’ગીતમાં અલકા યાજ્ઞિકનો અવાજ કેટલો માસૂમ લાગે છે!
રાજેશ રોશનને ‘ગરીબોના આર.ડી. બર્મન’ કહીને ઉતારી પાડવાની જરૂર નથી. તેમણે પોતાની કરિયરના પહેલા દાયકામાં શ્રેષ્ઠતમ ગીતો આપ્યાં છે. ૧૯૯૦નો દાયકો નબળો ગયો. કારકિર્દીનો ઉત્તરાર્ધ પોતાના ભાઈ રાકેશ અને ભત્રીજા હૃતિકના નામે કરી દીધો. સમયની સાથે ચાલીને ‘કહો ના પ્યાર હૈ’, ‘કોઈ મિલ ગયા’ વગેરેમાં મોડર્ન મ્યુઝિક આપવામાં તેઓ સફળ રહ્યા, પણ ‘કાઇટ્સ’ પછી પાછી ‘ક્રિશ-થ્રી’માં ગરબડ કરી નાખી. ઠીક છે. ચાલ્યા કરે એ તો. આગલી ફિલ્મમાં તેઓ બાઉન્સ-બેક કરશે. ટચવૂડ!
શો-સ્ટોપર
‘એક દૂજે કે લિયે’માં એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમનાં ગીતો સુપરહિટ થઈ જવાથી કિશોરકુમાર ઇન્સિક્યોર થઈને ક્યારેક બોલી ઊઠતા – અબ મૈ ગાંવ ચલા જાતા હૂં!
– રાજેશ રોશન
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
———————————————————————————————————————————————————————————————————————————-
Leave a Reply