મલ્ટિપ્લેક્સ : મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનો ફિલ્મી ખજાનો
Sandesh – Sanskar Purti – 20 Oct 2013
મલ્ટિપ્લેક્સ
મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ વખતે કઈ ફિલ્મો સૌથી વધારે હોટ એન્ડ હેપનિંગ ગણાય છે?
* * * * *
લો, મામી એટલે કે મુંબઈ એકેડેમી ઓફ મૂવિંગ ઇમેજીસ તરીકે ઓળખાતો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ગુરુવારે શરૂ થઈ પણ ગયો. આવતો ગુરુવાર એટલે કે ૨૪ ઓક્ટોબર સુધી ચાલનાર આ હાઇ પ્રોફાઇલ ઈવેન્ટમાં અપાર વૈવિધ્ય ધરાવતી દુનિયાભરની ઢગલાબંધ ફિલ્મોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. કઈ ફિલ્મો સૌથી વધુ ચર્ચામાં છે? જોઈએ…
અ ટચ ઓફ સીન :
આ ચાઈનીઝ ફિલ્મ છે, જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ જીતી લીધો હતો. ફિલ્મમાં ચાર અલગ અલગ વાર્તાઓ એકસાથે આગળ વધે છે અને આજના ચીનના સમાજજીવનનાં એકબીજા કરતાં જુદાં પાસાં એમાં ઊપસતાં રહે છે. ફિલ્મમાં હિંસાનાં દૃશ્યોની ભરમાર છે. જોકે એ છે બહુ જ સ્ટાઇલિશ.
ઇનસાઇડ લેવિન ડેવિસ :
હોલિવૂડમાં કોએન બ્રધર્સ જાણીતું નામ છે. તેઓ ફિલ્મો લખે, ડિરેક્ટ કરે, પ્રોડયુસ કરે છે અને ઓસ્કર પણ જીતે. આજ સુધીમાં બન્નેએ કુલ ચાર ઓસ્કર જીત્યા છે. ‘નો કન્ટ્રી ફોર ઓલ્ડમેન’ ફિલ્મે તેમને ઘણી પ્રતિષ્ઠા અપાવી છે. જોએલ કોએન અને ઈથન કોએલે આ વખતે ‘ઇનસાઇડ લેવિન ડેવિસ’ ફિલ્મમાં સાઠના દાયકાના ન્યૂ યોર્કના એક ગીતકાર-સંગીતકારની વાત કરી છે. એક કલાકારનો સંઘર્ષ, આશા અને નિરાશા ફિલ્મમાં સરસ ઊપસ્યાં છે. કાન ફેસ્ટિવલમાં ઓલરેડી એક મહત્ત્વનો એવોર્ડ તે જીતી ચૂકી છે. આ મ્યુઝિકલ ફિલ્મનાં ગીતો પણ વખણાયાં છે.
ઈલો ઈલો :
આ ચાઈનીઝ ટાઈટલનો અર્થ છે, મમ્મી અને પપ્પા ઘરે નથી. સિંગાપોરનો એક પરિવાર. સારી લાઇફસ્ટાઇલ જાળવી શકાય તે માટે પતિ-પત્ની બન્ને નોકરી કરે છે. દસ વર્ષના તોફાની ટપુડાને સાચવવા માટે એક આયા રાખી છે. આયા સ્થાનિક નથી, ફિલિપાઈન્સની વતની છે. દેશવ્યાપી તીવ્ર આર્થિક કટોકટીના પગલે આદમીની નોકરી જાય છે, પણ પ્રેગ્નન્ટ પત્નીને આ કહેવાની તેનામાં હિંમત નથી. હૃદયને સ્પર્શી જતી આ ફિલ્મમાં રમૂજ પણ છે અને એક પ્રકારનું હૂંફાળાપણું છે. અમીરો અને ગરીબો વચ્ચેની અસમતુલા તેમજ રંગભેદી સંઘર્ષની વાત અહીં સરસ રીતે થઈ છે. આ પહેલી સિંગાપોરિયન ફિલ્મ છે, જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ એવોર્ડ જીત્યો હોય. અહેવાલો કહે છે કે કાનમાં આ ફિલ્મ પૂરી થઈ પછી ઓડિયન્સે પંદર મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. પંદરનો આંકડો જરાક વધારે પડતો લાગતો હોય તો એટલું સમજીને અટકીને જવાનું કે આ ફિલ્મ ખાસ્સી પ્રશંસા પામી છે.
ઇન ધ નેમ ઓફ :
આ વર્ષે દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પોલેન્ડની આ ફિલ્મ ખાસ્સી ગાજી છે અને એવોર્ડ્ઝ જીત્યા છે. વાત એક મધ્યવયસ્ક ખ્રિસ્તી સાધુની છે. કોઈ અંતરિયાળ ગામડામાં તેઓ અનાથ છોકરાઓની દેખભાળ કરવાનું કામ કરે છે. ખ્રિસ્તી સાધુ હોય એટલે બ્રહ્મચર્ય પાળવાનું જ હોય. તેમને સ્ત્રીઓ તરફ આમેય આકર્ષણ નથી. તેમનું દિલ પ્રેમ ઝંખે છે. પુરુષનો પ્રેમ. તેમની સુષુપ્ત હોમોસેક્સ્યુઆલિટી એક યુવાનને મળ્યા પછી જાગ્રત થઈ ગઈ છે. સજાતીય સંબંધને એનો ધર્મ પાપ ગણે છે. આટલું જાણે ઓછું હોય તેમ તેમની નિગરાનીમાં રહેલો એક ટીનેજ છોકરો આત્મહત્યા કરી લે છે. પાદરીની મુશ્કેલીઓ ઔર ઘૂંટાય છે. ફિલ્મનો વિષય જેટલો નાજુક છે એટલો જ વિવાદાસ્પદ પણ છે. ‘ઇન ધ નેમ ઓફ’માં હોમોસેક્સ્યુઆલિટીની વાત છે, તો ફ્રેન્ચ ફિલ્મ ‘બ્લૂ ઇઝ ધ વોર્મેસ્ટ કલર’ માં લેસ્બિયન રિલેશનશિપની કહાણી છે. એક નવલકથા પર આધારિત ત્રણ કલાક લાંબી આ એવોર્ડવિનિંગ ફિલ્મનાં લાંબાં સેક્સ દૃશ્યોએ ખૂબ ચકચાર જગાવી છે.
મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજી ઘણી વિદેશી ફિલ્મો છે, જેના પર સિને-લવર્સની નજર છે. જેમ કે, ‘ઓન્લી ગોડ ફરગિવ્સ’ (જે ક્રાઈમ-થ્રિલર છે), ‘ધ રોકેટ’ (જેમાં જિંદગીનો અર્થ શોધવા માગતા લાઓસ દેશના છોકરાની વાત છે), ‘ધ પાસ્ટ’, ‘મૂડ ઈન્ડિગો’વગેરે. આ વખતે કોસ્ટા ગેવરેસ નામના ૮૦ વર્ષીય ફિલ્મમેકરની ચુનંદી ફિલ્મોનો અલાયદો વિભાગ રાખવામાં આવ્યો છે. કોસ્ટા ગેવરેસ જન્મે ગ્રીક છે, કર્મે ફ્રેન્ચ. પોલિટિકલ થીમવાળી ફિલ્મો તેમણે વધારે બનાવી છે. ‘ઝેડ’ નામની થ્રિલર એમની સૌથી સફળ ફિલ્મ છે. હવે જરા ભારતીય કુળની ફિલ્મોની વાત પણ કરી લઈએ. શરૂઆત ઇરફાન ખાનની ફિલ્મથી કરીએ.
કિસ્સા :
ઇરફાન આમાં પાઘડીધારી સરદાર બન્યા છે. નામ એમનું અંબરસિંહ. દેશ આઝાદ થયો ને ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે અંબરસિંહે પરિવાર સહિત ઉચાળા ભરીને ભાગવું પડયું હતું. પોતાના સૌથી નાના દીકરાને નીલી નામની નીચલા વર્ણની ગણાતી છોકરી સાથે પરણાવે છે ને બબાલ મચે છે. ટાન્ઝાનિયામાં જન્મેલા ડિરેક્ટર અનુપસિંહના પરિવારે પણ આ રીતે સ્થળાંતર કરવું પડયું હતું. આ તેમની બીજી ફિલ્મ છે. અગાઉ ‘ધ નેમ ઓફ અ રિવર’ (૨૦૦૨) પછીની આ તેમની બીજી ફિલ્મ.
ફેન્ડ્રી :
નાગરાજ મંજુલેએ ડિરેક્ટ કરેલી આ મરાઠી ફિલ્મે ખાસ્સો હાઈપ પેદા કર્યો છે. તેમાં પણ ઊંચનીચના ભેદભાવની વાત છે. જબ્યા નામનો એક પછાત વર્ગનો છોકરો છે. એનો પરિવાર અતિ ગરીબ છે. બે ટંક ખાવાનું પામવા એ ગંદકીમાંથી ભૂંડ પકડી લાવવાનું કામ સુધ્ધાં કરે છે. જબ્યા જેના પ્રેમમાં છે તે છોકરી ઉચ્ચ ગણાતા વર્ણની છે. એક બાજુ છોકરીનાં લગ્ન માટે એનાં મા-બાપ ખૂબ મહેનત કરે છે, જ્યારે બીજી બાજુ જબ્યા સારાં કપડાં ખરીદવા પૈસાનો જુગાડ કરી રહ્યો છે. એને સારા વાઘામાં જુએ તો છોકરી ઈમ્પ્રેસ થાયને!
ફેઈથ કનેક્શન્સ :
‘સંસારા’ ફિલ્મ યાદ છે? પેન નલિન નામના અમેરિકામાં વસતા પાક્કા ગુજરાતીએ ઓર એક ઈન્ટરેસ્ટિંગ ફિલ્મ બનાવી છે. તેમાં કુંભમેળા (‘ધ બિગેસ્ટ ગેધરિંગ ઓન અર્થ’)નો બેકડ્રોપ છે, બાબા બજરંગી નામના એક હઠયોગી છે, દેશભરમાંથી ઊમટી પડેલા લાખો લોકો છે, નાગા બાવાઓ છે, પોલીસના માણસો છે અને ખાસ તો કિશન નામનો દસ વર્ષનો છોકરો છે, જે ઘરેથી ભાગી ગયો છે પણ ખુદને અનાથ તરીકે ઓળખાવે છે. શ્રદ્ધા નામની તાકાત શી રીતે સૌને જોડે છે એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. 000
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply