ટેક ઓફ : જે ગૂંચવાય છે તે સંબંધ નથી
Sandesh – Ardh Sapatahik Purti – 4 Sept 2013
Column : ટેક ઓફ
ઇમરોઝ પોતાની પ્રિયા અમૃતા પ્રીતમનાં મૃત્યુ સુધી એમની સાથે રહ્યા. સંપૂર્ણ સ્વીકૃતિ અને સમર્પણ સાથે. માણસ જ્યાં રહે છે તે નહીં, પણ જ્યાં પ્રેમ કરે છે તે ઘર છે એ સત્યને આત્મસાત્ કરીને…
* * * * *
વિખ્યાત પંજાબી સાહિત્યકાર અમૃતા પ્રીતમ જો વધારે આઠેક વર્ષ જીવી ગયાં હોત તો ગયા શનિવારે એમનો ૯૪મો બર્થ ડે હોત. અમૃતા પ્રીતમે પંજાબી સાહિત્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડયું. સતત લખાતું રહ્યું છે અમૃતાનાં સાહિત્ય અને અંગત જીવન, એમ બંને વિશે. સમાજે બાંધી લીધેલાં બીબાંને સહજ રીતે તોડી-ફોડી-મરોડીને જીવતી ક્રિએટિવ વ્યક્તિનું જીવન હંમેશાં ખૂબ રસપ્રદ હોવાનું.
અમૃતા પ્રીતમના નામમાં ‘પ્રીતમ’ એમનાં પતિનું નામ છે, જેમની સાથે એમનું ક્યારેય સંધાન ન થયું. ડિવોર્સ પછી પણ અમૃતાની ઓળખ હંમેશાં અમૃતા પ્રીતમ જ રહી, ‘અમૃતા સાહિર’ કે ‘અમૃતા ઇમરોઝ’ નહીં. આ એક વક્રતા છે. પ્રીતમ એવો પુરુષ હતો જેના થકી અમૃતાએ બે સંતાન પેદા કર્યાં, પણ તેમને કદી ચાહી ન શક્યાં. સાહિર લુધિયાનવી અને ઇમરોઝ એ પુરુષો છે,જેમને અમૃતાએ તીવ્રતાથી ચાહ્યા, પણ એ સંબંધોને કોઈ ‘નામ’ ન મળ્યું. અમૃતાએ એક જગ્યાએ કહ્યું છે, “લગ્ન પછી જે પ્રેમ થાય તે બડી ખૂબસૂરત વાત છે. જેની સાથે લગ્ન કર્યાં છે તેને ચાહી ન શકો તો ક્યાંક કશુંક ખોટું છે. સંબંધ ક્યારેય ગૂંચવાતો નથી. જે ગૂંચવાય છે તે સંબંધ નથી.”
ઇમરોઝ અમૃતા કરતાં સાત વર્ષ નાના હતા. બંનેની દોસ્તીની શરૂઆત થઈ ત્યારે અમૃતા ૩૮ વર્ષનાં થઈ ગયાં હતાં અને સાહિર લુધિયાનવી નામનો ધરતીકંપ જીવનમાં આવી ચૂક્યો હતો. બંનેએ સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે અમૃતા ૪૫નાં હતાં, ઇમરોઝ ૩૮ના. એક છત નીચે રહેવાનો નિર્ણય ન અમૃતાએ લીધો હતો, ન ઇમરોઝે. બસ, સંબંધના સ્વાભાવિક તબક્કારૂપે આપોઆપ આ સ્થિતિ જન્મી ગઈ. ઇમરોઝ ઇલસ્ટ્રેટર અને પેઇન્ટર હતા. એમણે બનાવેલા એક ચિત્રનું શીર્ષક હતું, ‘મેન ઇઝ નોટ વેર હી લિવ્ઝ,બટ વેર હી લવ્ઝ.’ આનો ભાવાનુવાદ એવો થાય કે, માણસ જ્યાં રહે છે તે ઘર નથી, પણ એ જ્યાં પ્રેમ કરે છે, એ ઘર છે! ઇમરોઝ અમૃતાના ઘરમાં રહેવા આવી ગયા હતા. ખૂબ ટીકા અને હાંસી થઈ એમની, અમૃતા પ્રીતમને પુરુષ-રખાતનું બિરુદ મળ્યું, પણ ઇમરોઝને કશાની પરવા નહોતી. અમૃતા પ્રત્યેનો એમનો પ્રેમ અને સમર્પણ અસાધારણ કક્ષાનાં, લગભગ અવાસ્તવિક કહી શકાય એવાં છે.
જે સ્ત્રીએ એમને કદી ‘આઈ લવ યુ’ પણ નહોતું કહ્યું તેને સંપૂર્ણ નિષ્ઠાથી પોતાનાં ચાલીસ વર્ષ ઈમરોઝે આપ્યાં. કદાચ એમનો સંબંધ ‘આઈ લવ યુ’ની કક્ષાથી ઘણો ઉપર ઊઠી ચૂક્યો હતો. અમૃતાએ જે કબૂલાત કરી હતી એ તો ‘આઈ લવ યુ’ કરતાં અનેક ગણી માતબર હતી. એમણે ઇમરોઝના સંદર્ભમાં લખ્યું હતું. ‘બાપ, ભાઈ, દોસ્ત ઔર ખાવિંદ, કિસી લબ્ઝ કા કોઈ રિશ્તા નહીં હૈ લેકિન જબ તુમ્હે દેખા, યહ સારે અક્ષર ગાઢે હો ગયે.’
અમૃતાના ઘરમાં બંનેના બેડરૂમ અલગ અલગ હતા. અમૃતા પોતાના કમરામાં કવિતા લખતાં હોય, નવલકથા લખતાં હોય. ઇમરોઝ પોતાના ઓરડામાં રંગો, પીંછી અને કેનવાસ સાથે વ્યસ્ત હોય. ફક્ત રસોઈ કરતી વખતે બંને ભેગાં થાય યા તો કોઈ કોમન ફ્રેન્ડ ઘરે આવ્યો હોય ત્યારે. અમૃતા કવિતા લખે એટલે તે સંભળાવવા ઇમરોઝને બોલાવે. ઇમરોઝ પોતાનું બની રહેલું પેઇન્ટિંગ જોવા કે કોઈક સરસ મજાનું ગીત ચાલી રહ્યું હોય તે સાંભળવા અમૃતાને બોલાવે. બંનેના ઓરડાના દરવાજા ખુલ્લા હોય કે જેથી એકમેકની હાજરી અને હૂંફનો અહેસાસ સતત થતો રહે. અમૃતા મોડી રાતે જાગીને લખતાં હોય ત્યારે ઇમરોઝ ચૂપચાપ ચા બનાવીને એમના ઓરડામાં મૂકી આવે, એને ખલેલ ન પડે એમ. ક્યારેક અમૃતાને સરસ ફિલ્મ દેખાડવા લઈ જાય. એકમેકની પ્રવૃત્તિનો, અવકાશનો અને આઝાદીનો સંપૂર્ણ આદર. આદર્શ સહજીવન કદાચ આવું કંઈક હોતું હશે.
જીવનનાં પાછલાં વર્ષોમાં અમૃતા ખૂબ બીમાર રહ્યાં. ઇમરોઝ એમને ખવડાવે, પીવડાવે, સ્વચ્છ કરે, સંપૂર્ણ ધ્યાન આપે. અમૃતાનું મૃત્યુ ઇમરોઝ માટે મોત નહીં, પણ ગૂડ બાય હતું. અમૃતાએ અંતિમ કવિતા લખી એનું શીર્ષક હતું, ‘મૈં તુમ્હે ફિર મિલૂંગી.’ આ કવિતામાં એમણે કહ્યું હતું કે,
મૈં તુમ્હે ફિર મિલૂંગી
કહાં?
કિસ તરહ?
નહીં માલૂમ.
શાયદ તેરે તખય્યુલ કી ચિનગારી બનકર (તખય્યુલ એટલે ખયાલ, ઇમેજિનેશન)
યા શાયદ તેરી કેનવાસ કે ઉપર એક રહસ્યમય રેખા બનકર
ખામોશ તુમ્હે દેખતી રહૂંગી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply