મલ્ટિપ્લેક્સ : ડેડલી દીપિકા
Sandesh – Sanskar Purti – 8 Sept 2013
મલ્ટિપ્લેક્સ
દીપિકા પદુકોણે સારી ફિલ્મો પણ કરી છે અને ‘બોકવાસ’ ફિલ્મો પણ કરી છે. છ વર્ષની કરીઅરમાં એ હિન્દી ફિલ્મોની હિરોઇન નંબર વન કેવી રીતે બની ગઇ?
* * * * *
દીપિકા પદુકોણ નવી નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કલ્પ્યું નહોતું કે હાઇટના મામલામાં બોલિવૂડના કેટલાય હીરોને કોમ્પ્લેક્સ આપતી આ લંબૂસ કન્યા જોતજોતામાં નંબર વન પોઝિશનની દાવેદાર બની જશે. એણે ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરુખ ખાનની નાયિકા તરીકે શરૂઆત કરી હતી. કેટલી નવોદિત હિરોઇનના નસીબમાં પહેલી જ ફિલ્મમાં શાહરુખની હિરોઇન બનવાનું (અને એ પણ ડબલ રોલમાં) લખાયું હોય છે? છ વર્ષ પછી ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં એ બીજી વાર શાહરુખની સામે ચમકી અને જાણે એક વર્તુળ પૂરું થયું. ‘ઓમ શાંતિ ઓમ’ની નવોદિત એક્ટ્રેસ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ આવતાં સુધીમાં બોલિવૂડના ટોપ પોઝિશન પર ગોઠવાઈ ચૂકી હતી.
‘રેસ ટુ’, ‘યે જવાની હૈ દીવાની’ અને ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ – આ ત્રણેય ૨૦૧૩ની હિટ ફિલ્મો. દીપિકાએ જે કાબેલિયતથી હેટ ટ્રિક ફટકારી છે તે જોઈને બીજી હિરોઇનો હાંકી બાંકી થઈ ગઈ છે. હજુ હમણાં સુધી કરીના કપૂર, કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા નંબર વનના બિરુદ માટે બથ્થંબથ્થા કરી રહી હતી. કરીના પરણી ગઈ એટલે આપોઆપ રેસમાંથી બહાર થઈને અલગ કેટેગરીમાં મુકાઈ ગઈ છે ઐશ્વર્યા રાયની જેમ. કેટરીનાની ‘જબ તક હૈ જાન’ પાસેથી ઊંચી ઉમ્મીદો હતી. આ ફિલ્મે તો નિરાશ કર્યા જ, પણ એમાં કેટરિનાના પર્ફોર્મન્સે ઓડિયન્સને વિશેષ નિરાશ કર્યા. ‘જબ તક હૈ જાન’માં એનો રોલ એવો હતો જેમાં ખૂબ ભાવપ્રદર્શનની જરૂર પડે. કેટી પાસે ‘હમ ભી કુછ કમ નહીં’ એવું પુરવાર કરવાની ભરપૂર તક હતી. થયું એનાથી ઊલટું. કેટરીનાનું રૂપકડું થોબડું ઇમોશનલ સીનમાંય આપણા પીએમ સાહેબ મનમોહનસિંહની જેમ કોરુંધાકોડ રહ્યું. કેટરિનાની મર્યાદાઓ બહુ ખરાબ રીતે એક્સપોઝ થઈ ગઈ આ ફિલ્મમાં.
પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો એને છાકો પાડી દેવાના ઘણા ચાન્સ મળ્યા હતા. આપણને હતું કે ‘સાત ખૂન માફ’ અને ‘વોટ્સ યોર રાશિ’? જેવી સુપર ડિરેક્ટરોએ બનાવેલી ફિલ્મોમાં પ્રિયંકા કોણ જાણે કેવીય કમાલ કરી દેખાડશે! અહીં પણ બન્યું એનાથી ઊલટું. આ બંને ફિલ્મો ઊંધા મોંએ પછડાઈ. પ્રિયંકા સારી પર્ફોર્મર છે એ સૌ સ્વીકારે છે, પણ એક હદ પછી એના મેનરિઝમમાં અને બોડી લેંગ્વેજમાં કૃત્રિમતા પ્રવેશી જાય છે. ‘બરફી’માં એણે સરસ કામ કર્યું, પણ આ ફિલ્મનો સૌથી વધારે ફાયદો રણબીરને જ થયો, જે યોગ્ય પણ હતું. કોણ જાણે કેમ, પણ પ્રિયંકા માટે જાણે એક ફૂટી ચૂકેલી બંદૂક જેવી ફીલિંગ આવ્યા કરે છે. એ જાણે કે પોતાનાં ભાથાંમાં રહેલાં લગભગ બધાં તીર વાપરી ચૂકી છે. એની સારી ફિલ્મો જરૂર આવશે, પણ પ્રિયંકા હવે મોટા પાયે ધમાલ મચાવી મૂકશે એવું લાગતું નથી. વિદ્યા બાલનની અલગ જ ભ્રમણકક્ષા છે, અલગ ઊંચાઈ છે. પોતાની રેસ એ એકલી દોડી રહી છે.
તો પાછળ બચ્યું કોણ? દીપિકા પદુકોણ.
જ્યારે બીજી હિરોઇનો લગ્ન કરી રહી હતી અને સારી-માઠી ફિલ્મો કરીને સફળ-નિષ્ફળ જઈ રહી હતી ત્યારે દીપિકા ચૂપચાપ ધીમે ધીમે પણ મક્કમ રીતે આગળ વધી રહી હતી. ફ્લોપ કે નબળી ફિલ્મો એણેય ઓછી નથી કરી. ( યાદ રાખો ‘ચાંદની ચોક ટુ ચાયના’, ‘દેશી બોયઝ’ વગેરે) દીપિકા શ્રેષ્ઠ ફિગર ધરાવતી અને મોટાભાગની ફિલ્મોમાં લગભગ એકસરખી દેખાતી એક ગ્લેમરસ એક્ટ્રેસ હતી. એને ઝાઝી ગંભીરતાથી જોવામાં આવતી નહોતી. અભિનય કે ફિલ્મો કરતાં એ બોયફ્રેન્ડ્ઝને કારણે વધારે ચર્ચામાં રહેતી હતી, પણ એને ઇમ્તિયાઝ અલી અને સૈફ અલી ખાન બરાબર ફળ્યા. પહેલાં ‘લવ આજ કલ’માં અને પછી કોકટેલમાં. એમાંય ‘કોકટેલ’માં એ દારૂ ઢીંચીને પછી ભાંગી પડે છે તે સીન વળાંકરૂપ સાબિત થયો. એકાએક જાણે ફિલ્મમેકરો અને ઓડિયન્સનું ધ્યાન ગયું કે આ છોકરી કોમ્પ્લેક્સ કેરેક્ટરને બુદ્ધિપૂર્વક આત્મસાત્ કરીને પૂરેપૂરા કન્વિક્શન અને કોન્ફિડન્સ સાથે ભજવી શકે છે. ‘કોકટેલ’ પછી ‘રેસ ટુ’ (હિટ) આવી, ‘યે જવાની હૈ દીવાની’ આવી (સુપરહિટ) અને ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ (સુપરહિટ) આવી. આ તો માત્ર અલ્પવિરામ છે. સંજયલીલા ભણસાલીની ‘રામલીલા’ અને રજનીકાંત સાથેની સાઉથ ઇન્ડિયન ફિલ્મ તો હજુ આવવાની બાકી જ છે. આ બે પછી શાહરુખ સાથેની ઔર એક ફિલ્મ ‘હેપી ન્યૂ યર’ આવશે. આ ત્રણેય ફિલ્મો હિટથી સુપરડુપર હિટ સુધીની કોઈ પણ કેટેગરીમાં મુકાઈ શકે એમ છે. ટૂંકમાં, દીપિકાનો સિતારો હજુ એટલિસ્ટ એકાદ વર્ષ સુધી બુલંદી પર ટકી રહેવાનો છે.
દીપિકા કંઈ માધુરી નથી. એ કાજોલ કે વિદ્યા બાલન પણ નથી. એ મેઇનસ્ટ્રીમ કોર્મિશયલ ફિલ્મો કરી રહેલી સ્ટાર છે, જે ખુદને સ્ટાર-એક્ટ્રેસ તરીકે પ્રસ્થાપિત કરવાની સફળ કોશિશ કરી રહી છે. એ સેલિબ્રિટી સ્પોર્ટ્સમેનની દીકરી છે. એના મગજમાં રાઈ ભરાઈ જાય એવી શક્યતા લગભગ નથી. સંબંધોમાં એ ઓલરેડી ઘણી ભાંગતૂટ જોઈ ચૂકી છે. એટલે અફેરના નામે આંધળુંકિયાં કરે એવી પણ એ નથી. એ હજુ સત્તાવીસ વર્ષની જ છે એટલે ઉંમર એના પક્ષમાં છે. ટૂંકમાં, દીપિકા ઠીક ઠીક સમય સુધી જોરમાં રહી શકે તેમ છે. નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવેલી કન્યાને સટ-સટ-સટ કરતી મેઇન સ્ટ્રીમ બોલિવૂડની ટોચ સુધી પહોંચતી જોવી ગમે છે.
મોર પાવર ટુ ડિપ્પી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply