Sun-Temple-Baanner

શાહરુખમાં ‘કંઇક’ છે!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


શાહરુખમાં ‘કંઇક’ છે!


મલ્ટિપ્લેક્સ : શાહરુખમાં ‘કંઇક’ છે!

Sandesh – Sanskaar Purti – 11 August 2013

Column : મલ્ટિપ્લેક્સ

આ ‘કંઈક’ને તમે ઓરા અથવા અદૃશ્ય આભા કહી શકો. ઓરાને પેદા કરી શકાતી નથી, એ માણસમાં હોય કાં તો ન હોય. શાહરુખની ફિલ્મો ગમે તેવી હોય, પણ એનું પોતાનું એક વિશિષ્ટ વાતાવરણ છે, જે એની આસપાસ સતત વીંટળાયેલું રહે છે.

* * * * *

શાહરુખ ખાન અને એની ફિલ્મો આ બન્ને તદ્દન જુદી વસ્તુઓ છે. એની ફિલ્મો અફલાતૂનથી મીડિયોકરથી બોરિંગ સુધીની કોઈ પણ કેટેગરીમાં મુકાઈ શકે છે, પણ શાહરુખ ખાન સ્વયં બડો ચાર્મિંગ માણસ છે. શાહરુખમાં ‘કંઈક’ છે. એવું કંઈક જે બીજા સુપરસ્ટાર્સમાં નથી. આ ‘કંઈક’ને એના સ્ટેટસ સાથે કે ઇમેજ સાથે બહુ લાગતું-વળગતું નથી. તીક્ષ્ણ દિમાગ, વિચારોને શબ્દોમાં મૂકવાની સહજ આવડત, રમૂજવૃત્તિને કારણે એની પર્સનાલિટીને એક ધાર જરૂર મળે છે, પણ પેલું ‘કંઈક’ આ બધાથી ઉપર છે, અલગ છે. એને તમે ઓરા અથવા અદૃશ્ય આભા કહી શકો. ઓરાને પેદા કરી શકાતી નથી, એ માણસમાં હોય કાં તો ન હોય. શાહરુખનું પોતાનું એક વાતાવરણ છે, જે એની આસપાસ સતત વીંટળાયેલું રહે છે.

શાહરુખ વચ્ચે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શોના ચારેક એપિસોડમાં દેખાયા હતા. ‘તારક મહેતા…’માં શ્રીમતીજી અંજલિની ભૂમિકા ભજવનાર નેહા મહેતા કહે છે, “શાહરુખ વિશે અગાઉ હું કંઈક જુદું વિચારતી હતી, પણ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના પ્રમોશન માટે એ અમારા સેટ પર આવ્યા અને અમારી સાથે પાંચેક કલાક શૂટિંગ કર્યું. તે પછી એમના વિશેના મારા તમામ ખ્યાલ સદંતર બદલાઈ ગયા. એવું નહોતું કે એમણે અમારી સાથે ખૂબ ગપ્પાં માર્યાં હતાં કે બહુ મસ્તી કરી હતી, બટ આઈ ડોન્ટ નો… હી વોઝ મેસ્મેરાઇઝિંગ! શાહરુખના હોવામાત્રથી તમે જાણે વશીભૂત થઈ જાઓ છો. ‘તારક મહેતા…’નાં પાંચ વર્ષ દરમિયાન જોન અબ્રાહમથી લઈને અજય દેવગણ સુધી અને અભિષેક બચ્ચનથી લઈને રણબીર કપૂર સુધીના કેટલાય સ્ટાર્સ સેટ પર આવી ચૂક્યા છે અને અમારી સાથે શૂટિંગ કરી ચૂક્યા છે, પણ શાહરુખે જે અસર છોડી, એની હાજરીમાં જે જાદુનો અનુભવ થયો એવો અગાઉ ક્યારેય નથી થયો. શાહરુખની હાજરીમાં જે વેવ્ઝ (તરંગો)નો અનુભવ થયો એ કંઈક જુદો જ હતો.”

‘એક્સ-ફેક્ટર’ નામનો એક શબ્દપ્રયોગ અવારનવાર થાય છે. શો બિઝનેસમાં સફળ થવા માટે, બીજાઓથી અલગ તરી આવવા ટેલેન્ટ અને નસીબ ઉપરાંત કદાચ આ એક્સ-ફેક્ટરની પણ જરૂર પડતી હોય છે. ઓરા (આભા) અને એક્સ-ફેક્ટર પાસપાસેના શબ્દો છે. કદાચ અનુભવે દરેક સફળ સ્ટાર પોતાની ઓરાનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરવો તે શીખી લેતા હોય છે. નેહા કહે છે, “જુઓ, શાહરુખ એના ઘરની ચાર દીવાલો વચ્ચે શું કરે છે એની આપણને ખબર નથી. કોઈ પણ સેલિબ્રિટી અથવા તો વ્યક્તિ પોતાના ઘરમાં કેવી રીતે બિહેવ કરે છે એની આપણને ખબર હોતી નથી, પણ એ બીજા નંબરની વાત છે. મને એટલું સમજાયું છે કે શાહરુખને ‘સ્ટાર શાહરુખ’ પાસેથી સરસ કામ લેતા આવડે છે. સવારે શાવર લઈ, તૈયાર થઈને કામ પર જવા માટે ઘરની બહાર નીકળે અને પછી રાતે ઘરે પાછા ફરીને સૂતા પહેલાં શાવર લે. મને લાગે છે કે આ બે પળની વચ્ચેના તમામ સમય દરમિયાન એ ‘સ્ટાર શાહરુખ’ને સતત પોતાના કંટ્રોલમાં રાખે છે. માત્ર એક્ટિંગ કરી લેવાથી સ્ટાર બની જવાતું નથી. સ્ટાર અ-લા-કાર્તે (મેનુમાં જોઈને ઓર્ડર કરવામાં આવતી છૂટક વાનગી) નહીં, પણ બુફે જેવો હોય છે. જેટલું કહેવામાં આવે એટલું જ કરવાનું,એમ નહીં. શાહરુખ જેવા સ્ટારનો એટિટયૂડ એવો હોય છે કે મારી પાસે બધું જ છે, ખાઈ લો તમારામાં તાકાત હોય એટલું. બુફે જેવા સ્ટાર હોવાનો મતલબ માત્ર વર્સેટાઇલ એક્ટર હોવું એમ પણ નહીં. બુફે જેવા હોવાનો અર્થ છે તમારું કામ કરવા ઉપરાંત આજુબાજુના લોકો અને ગતિવિધિઓ સાથે કનેક્ટેડ રહેવું, જાગ્રત રહેવું, આસપાસના વાતાવરણને સ્વીકારી તેમાં પોઝિટિવિટી ઉમેરતાં જવું. મને લાગે છે કે શાહરુખ આ સરસ કરી શકે છે અને એમની પાસેથી આ શીખવા જેવું છે.”

અલબત્ત, શાહરુખે પણ નબળી પળોમાંથી પસાર થવું જ પડે છે. એ જાહેરમાં સ્ટેડિયમના સિક્યોરિટીના માણસ સાથે ગાળાગાળી કરી ધમાલ કરી શકે છે અને પાર્ટીમાં કોઈની ટીખળ સહન ન થતાં એને લાફો ઠોકી શકે છે. ઠીક છે, ભૈ માણસ છે. મિડ-લાઇફ ક્રાઇસીસ અને નિષ્ફળતાની અસર એને પણ થવાની જ. શાહરુખે ચાલીસ વર્ષની ઉંમરથી વાળને ડાય કરવાનું શરૂ કરી દીધું હતું,પણ મિડ-લાઇફ ક્રાઇસીસમાં એ માનતા નથી. અત્યારે એની ઉંમર ૪૭ વર્ષ છે. વચ્ચે એક વાર પોતાના દીકરા આર્યન સાથે એણે રેસ લગાડી. આર્યન વધારે ઝડપથી દોડીને જીતી ગયો. આ કિસ્સો યાદ કરીને શાહરુખ એક મુલાકાતમાં કહે છે, “આર્યનનું જીતવું સાવ અણધાર્યું હતું. એ મારા કરતાં વધારે ફાસ્ટ દોડી શક્યો એ જોઈને મને સારું લાગ્યું, પણ સાથે સાથે મને તકલીફ પણ થઈ ગઈ! નેક્સ્ટ ટાઇમ હું એને હરાવી દઈશ. હું પચાસનો થઈશ ત્યારેય મારો એટિટયૂડ આવો જ રહેશે!’

આર્યન પંદર વર્ષનો છે, દીકરી સુહાના તેર વર્ષની છે. સૌથી નાનો અબ્રાહમ તો હજુ ઘોડિયામાં ઝૂલે છે. શાહરુખ કહે છે, “મારાં મમ્મી-પપ્પા બહુ જલદી મૃત્યુ પામ્યાં, પણ એમની ખોટ આર્યન અને સુહાના પૂરી કરે છે. મને ઘણી વાર થાય કે જાણે એ બન્ને મારાં પેરેન્ટ્સ છે. નાની ઉંમરે અનાથ બની જવાથી કદાચ હું પરિપક્વ થયો જ નથી. મારાં બાળકોઓની સરખામણીમાં હું વધારે ચાઇલ્ડિશ છું, નાદાન છું. માણસ તરીકે એ બન્ને મારા કરતાં વધારે સારાં છે. મારાં સંતાનોએ ક્યારેય મારી મજબૂત બાજુ જોઈ નથી. એમણે મને દુઃખી જોયો છે, વાનખેડે સ્ટેડિયમમાં ધમાલ કરતો જોયો છે, પિક્ચર ફ્લોપ થયું હોય ત્યારે ધૂંધવાયેલો જોયો છે, ‘રા.વન’ માટે રાત-દિવસ મહેનત કરવા છતાંય નિષ્ફળ થતા જોયો છે. હું આર્યન સાથે મારા પ્રોબ્લેમ્સની ચર્ચા કરી એની સલાહ પણ લઉં છું. સારી વાત એ છે કે મારાં સંતાનો મારી નબળાઈઓને હળવાશથી લઈ શકે છે, એના પર હસી શકે છે. મને લાગે છે કે એ બન્નેએ મારી કમજોરીઓ જોઈ છે એટલે એમનામાં સારો સેલ્ફ કંટ્રોલ વિકસી ગયો છે. એક વાર મેં કહ્યું કે ચાલો, આપણે ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કરીએ. આ સાંભળી આર્યન-સુહાનાએ તરત કહ્યું, તમારે ફ્રેન્ડ્ઝ છે જ નહીં, પાપા! મારાં સંતાનો જ એવાં છે જેમની સામે હું સંપૂર્ણપણે ખુશ, ખુલ્લો, પ્રામાણિક, બેશરમ અને ઇગોલેસ રહી શકું છું… અને એ બન્ને મારી સારામાં સારી કાળજી લે છે.’

‘ચેન્નાઈ એક્સપ્રેસે’ કેટલો ઉત્તમ યા તો અપેક્ષા કરતાં ઓછો બિઝનેસ કર્યો એના આંકડા આવવા માંડયા છે. આ ફિલ્મ કેટલી મીડિયોકર યા તો એન્ટરટેઇનિંગ છે એની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. હવે ફરાહ ખાનની ‘હેપી ન્યૂ યર’નું કામ પૂરજોશમાં આગળ વધશે. છેલ્લા એક વર્ષથી શાહરુખ સાથે આશુતોષ ગોવારિકરની અલગ અલગ વિષયો ડિસ્કસ કરવા મિટિંગ થઈ રહી છે. સંજયલીલા ભણસાલી પાસે શાહરુખ માટે એક નહીં, પણ બે ફિલ્મોના આઇડિયા છે, જેમાંથી એક શાહરુખને ઓલરેડી બહુ પસંદ પડી ગયો છે. આ સિવાય વિશાલ ભારદ્વાજ છે, મનીષ શર્મા (‘બેન્ડબાજાં બારાત’) છે, રાહુલ ધોળકિયા (‘પરઝાનિયા’વાળા… ઓહ નો!) છે. એમની સાથે પણ શાહરુખની ચર્ચા થતી રહે છે. અનુરાગ કશ્યપ સુધ્ધાં શાહરુખને લઈને ફિલ્મ બનાવવા માગે છે. શાહરુખે એને કહ્યું છે કે તારે ફિલ્મ બનાવવી હોય એના બે મહિના પહેલાં મને કહી દેજે કે મારા કેટલા દિવસ તારે જોઈશે. ફિલ્મની સ્ટોરી ન કહેતો, કારણ કે હું ઇચ્છું છું કે તું તારા ટાઇપની ફિલ્મ બનાવે, મારા ટાઇપની નહીં!

શાહરુખ જેવા સુપરસ્ટાર સાથે કામ કરવાની ઇચ્છા કયા ડિરેક્ટરને ન હોય! ઉપર જે નામો ગણાવ્યાં એમાંથી અમુકની ફિલ્મો બનશે, અમુકની નહીં બને. જે ફિલ્મો બનશે એમાંથી અમુક સારી ચાલશે, વખણાશે, અમુક ભોંયભેગી પછડાશે, એના પર માછલાં ધોવાશે. સફળતા મળે ત્યાં સુધી તો ઠીક છે, પણ નિષ્ફળતા મળશે એટલે શાહરુખ ફરી કમજોરી અનુભવશે, ઘાંઘો થશે, પોતાનાં સંતાનો સામે ‘નબળા માણસ’ જેવું વર્તન કરશે, પણ આ અસલી શાહરુખ છે, સવારના શાવર પહેલાંનો અને રાતના શાવર પછીનો. પોતાના ઘરમાં, પોતે જેવો છે એવો વ્યક્ત થતો શાહરુખ. આર્યન અને સુહાના કદાચ ફરી પાપાને શાંત કરશે, એમને સધિયારો આપશે. આ સગાં સંતાનો છે અને સંતાનોએ બાપની આભા કે એક્સ-ફેક્ટરનું પિષ્ટપેષણ કરવાની જરૂર હોતી નથી!

શો-સ્ટોપર

રણબીર કપૂર મારા કરતાં ચડિયાતી ફિલ્મો કરતો હોય તો એનાથી મને શું ફરક પડે છે? રણબીરના હાથમાં અત્યારે વધારે સારી ફિલ્મો છે એવું કહેવાનો શું મતલબ છે? હું મારા કામથી ખુશ છું. બીજા કોઈના કામ સાથે મને શું લાગેવળગે?

– ઇમરાન ખાન

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.