શીર્ષક : અનમોલ
આજે મનાલી ટ્રીપનો છેલ્લો દિવસ હતો. અને હમણાં ચાલી રહેલું કેમ્પ-ફાયર એ અમારા બધાની છેલ્લી મુલાકાત ! કાલનો સુરજ ઉગતાની સાથે જ બધા પોતપોતાના ઘર તરફ રવાના થઇ જવાના. અને ‘જયારે માણસે ઘરને મંજીલ માની હોય પછી એને ફુરસત જ ક્યાં રહેતી હોય છે?’
પ્રવાસ પણ કેટલીક અજાયબી જેવી ઘટના છે, નહીં ? જુઓને, હમણાં ક્યાં હું, – ગુજરાતના એક નાનકડા ગામથી અમદાવાદમાં સ્થાયી થયેલો, અને હવે કાયમી અમદાવાદી માણસ – અને ક્યાં આ, મારી સામે બેઠેલા આ બધા – ભારતના દરેક ખૂણેથી આવેલ પ્રવાસીઓ ! પ્રવાસની એક કડીએ જ તો અમને જોડી રાખ્યા છે ને !
પણ કહેવાય છે ને, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! બસ કંઇક એ જ રીતે મને આ પ્રવાસમાં પણ ગુજરાતી વ્યક્તિઓ મળી આવ્યા છે. અને અમે અમારો અલગ ‘કમ્ફર્ટ ઝોન’ રચી, બીજા બધાથી સહેજ આઘે બેઠા છીએ. હા, એ વાત અલગ છે કે મોટાભાગના ‘જસ્ટ મેરીડ’ કપલ્સ તરીકે અહીં હનીમૂન કરવા આવ્યા છે, અને એક માત્ર હું જ એકલપંડો આવી પંહોચ્યો છું ! અને એ હિસાબે આ જોડાઓ વચ્ચે હું કંઇક વિચિત્ર જ ભાસતો હોઉં છું. પણ એ વાત જવા દો. તમને શું કહું, હમણાં કેમ્પફાયરની હુંફ સાથે મિશ્રિત મનાલીના આ ઠંડા પવનની મજા જ કંઇક ઔર છે ! અને એમાં પણ હમણાં ટોળે વળગી પોતાના ‘રસપ્રદ કિસ્સા’ સંભળાવી રહેલા લોકોનું તો કહેવું જ શું ?
દાદા હોત તો કહેત, ‘અમુ લોકો ગામ મોં તાપણી કરીને બેઠકું ભરીઅ, અને મુવા તમું ઈને નવા નવા નોંમ – કેમ્પફાયર – દઈને હરખાઓ ! દાદા તો હમણાં ગામમાં છે, અને એમને ત્યાં જ રહેવા દો.
તમે હમણાં ત્યાં સામે જોવો, પેલું યુગલ કેવું હાથમાં હાથ નાંખીને બેઠું છે ! અને પેલા બંને ! એમણે જોડે ઓઢેલી એ એક શાલ પણ મોટી પડી રહે એમ ચપોચપ લપાઈને બેઠા છે ! અને પેલી છોકરીને જરાક માથામાં દુખાવો હોય એમ લાગે છે. એટલે જ કદાચ એણે પેલા ભાઈ – એના પતિ- ના ખભે માથું ઢાળી દીધું છે. પણ આ આલ્હાદ્ક વાતાવરણ અને લોકોના કિસ્સાઓ જ કદાચ એને આંખો મીંચી દેતા રોકી લેતા હશે ! હનીમુન કપલ્સ બધા માટે આ બધું ‘પ્રેમ’ છે ! પણ મને એ આજ સુધી નથી સમજાયું કે, કોઈની સાથે માત્ર પરણી જવાથી પ્રેમ કઈ રીતે થઇ શકે ?
ખેર એ બધું જવા દો, પણ જયારે જયારે કોઈકને આમ પ્રેમમાં પાગલપન કરતાં જોઉં છું ત્યારે અનાયસે જ મને એ યાદ આવી જાય છે – હા, એ જ જેનાથી દુર ભાગવા હું આ ટ્રીપ પર આવી ચડ્યો છું. અનમોલ ! ના, પ્રેમના કારણે નહીં, એની પાછળ મેં કરેલી બાલીશ હરકતોને કારણે !
“અરે ! ના… ના, મારી પાસે એવું કહેવા જેવું કશુંય નથી !”, એક ભાઈનો કિસ્સો પૂરો થતાં, બે પાંચ જણાની કંઇક આશાભરેલી નજરો મારા પર મંડાઈ ત્યારે મારે પોતાના બચાવ પક્ષમાં કહેવું પડ્યું.
“અરે હોય કાંઈ ! બધાએ જીવનમાં આવી ‘મીઠી ભૂલ’ તો કરી જ હોય ! અને જે દિલમાં છે, એ હોઠ પર લાવતા શરમ શેની ?”, એક ભાભીએ મજાક કરતાં કહ્યું.
“હા, તમારે ના કહેવું હોય તો વાંધો નહીં !”, બીજા ભાઈએ જોડે ટાપસી પુરાવતા કહ્યુ. મારા પક્ષે નકાર કરવા છતાંય એમના અવાજમાં રહેલો આગ્રહનો રણકો મારાથી છાનો નહોતો રહી શક્યો.
અને આટલું ઓછું હોય એમ બે-ચાર જણાએ તો ગીત પણ ગાવાનું શરુ કરી દીધું, “જબ પ્યાર કિયા તો ડરના ક્યા… પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી…” (મને ખબર છે, તમે પણ હમણાં આ રાગમાં જ વાંચી રહ્યા છો !)
અને હવે એ બધાના આગ્રહનો એટલો દબાણ કહો, કે પછી મનમાં ચાલતા અનમોલના વિચારો, જેણે મને પોતાનો અને અનમોલનો કિસ્સો કહી સંભળાવવા તૈયાર કર્યો. અને એમ પણ હમણાં અનમોલ ક્યાં અહીં હાજર છે જ, જો એ જાણશે કે હું એને યાદ કરી રહ્યો હતો ! અને મેં નાકની દાંડીએ જઈ પંહોચેલી ચશ્માની ફ્રેમ વ્યવસ્થિત કરી અને મનની નજરો પર ભૂતકાળના ચશ્મા ચઢાવ્યા. અને કેમ્પફાયરની આગમાં, અનંતમાં તાકતો હોઉં એમ જોઈ રહી મેં મારી વાત કહેવી શરુ કરી.
“હા, મેં પણ જીવનમાં એક ભૂલ કરી છે… પ્રેમ કરવાની ભૂલ ! એનું નામ હતું અનમોલ. અમારી વચ્ચે ઉંમરમાં બે વર્ષનો તફાવત હતો. અલબત્ત, હું એનાથી બે વર્ષ નાનો હતો. અમારી મુલાકાત એક કોમન ફ્રેન્ડના ઘરના એક લગ્નપ્રસંગે થઇ હતી. એ પહેલા મેં ક્યારેય ન અનમોલ વિષે કંઈ સાંભળ્યું હતું, ન હું ક્યારેય અમારું મળવાનું થયેલું. અને સામે પક્ષે પણ કંઇક એવું જ હતું. અને સામાન્ય રીતે લગ્નપ્રસંગ હોય એટલે યુવાનોના મિલનસાર સ્વભાવમાં એકાએક ભરતી આવી જતી હોય છે. અમારા કિસ્સામાં પણ કંઇક એવું જ બન્યું. બધી વિધિ ઈત્યાદીથી માંડી ત્રીજા દિવસે લગ્ન પતતાં સુધીમાં તો અમે ‘સારા મિત્રો’ બની ચુક્યા હતા.
પછી એ જ, નંબર એક્ષચેન્જ, અખૂટ વાતો અને દીવાલ ફાડીને પીપળો ઉગે એવું જલદ આકર્ષણ ! અવારનવાર અમે એકબીજાને જલ્દીથી મળવાના કોલ આપતા, પણ કેમેય કરીને મેળ નહોતો પડતો ! ‘લોંગ ડીસ્ટન્સ રિલેશન્સ’ યુ નો ! એ પોતાની કારકિર્દી સ્થાયી કરવામાં વ્યસ્ત, અને હું મારા ભણતરમાં !
પણ એક સાંજે કોલેજથી પાછો ફર્યો ત્યારે મારા આંનંદાશ્ચર્ય વચ્ચે અનમોલની મારા ઘરમાં હાજરી ! ઘરના બધા સામે તો હું એનો પરિચય આપતા પણ થોથવાઈ ગયો હતો. પણ અનમોલે પોતાના મળતાવડા સ્વભાવ વડે મારા ઘરના ના બધાય સાથે સારો મન-મેળ કેળવી લીધો હતો ! આ બધી વાતોમાં હું થોડો અંત:ર્મુખી ખરો ! અનમોલે અમારા સંબંધને ‘સારા મિત્રો’ નું નામ આપ્યું હતું. અને એ સમયે એ જ ઠીક પણ હતું. કારણકે, આકર્ષણ કહો કે પ્રેમ એ ફક્ત મારા પક્ષે હતું. સમા પક્ષે પણ એવું ‘કંઇક’ હતું કે કેમ એ મને ત્યારે જાણ નહોતી.
પણ એ દિવસ જ જાણે મારા એ પ્રશ્નનો અંત આણવા આવ્યો હોય એમ લાગતું હતું ! ઘરે જોડે જમ્યા બાદ, બાના કહેવાથી હું અનમોલને તળાવને કાંઠે ફરવા લઇ ગયો હતો. ઉતરતી સાંજનો સમય હોવાથી તળાવ પાસે કોઈ ખાસ ભીડ હતી નહીં, અને મારા ગામમાં દેખાડવા જેવું પણ બીજું કશું હતું નહીં ! પણ એ સમયે તળાવ જોવામાં અમને બંનેને રસ જ ક્યાં હતો ! ચાલતા ચાલતા અચાનક અટકીને અનમોલે મારો હાથ પકડી લીધો, અને પૂછ્યું, “કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ ?” અને ઘરે બધાની હાજરી હોવાથી મુલાકાત વચ્ચે જે ખચકાટ હતો એ અહીં તળાવની કાંઠે દુર થઇ ગયો, અને હું હરખાઈને ઉત્સાહમાં એને ભેટી પડ્યો. અને એમ જ ભેટ્યે રહી કહ્યું, “થેંક યુ, યુ મેડ માય ડે ટુ ડે !”
“એમ?”, કહેતાં એણે મને અળગો કર્યો અને પછી મજાકભર્યા સ્વરમાં ઉમેર્યું, “તો હવે રીટર્નમાં મારે પણ કંઇક મેળવવાનો હક બને છે ને ?”, કહેતાં એણે આંખ મીંચકારી ! અને હું કોઈ પ્રતિક્રિયા આપું કે કંઇક કહું એ પહેલા જ હું અને એ પરસ્પર લગોલગ હતાં. બંનેના એક જ લયમાં ચાલતા ગરમ શ્વાસની હુંફ અનુભવી શકાય એટલા લગોલગ ! અને બસ એ જ ક્ષણ, અને મારા માટે જાણે બધું જ બદલાઈ ગયું ! બીજી જ ક્ષણે અમારી આંખોએ વિરામ લેવાનું પસંદ કર્યું, અને અમારા હોઠ પરસ્પર વાતો કરતા રહ્યા !”
“આમ ગોળગોળ શાનું બોલો છો ? સીધું જ કહોને, ઈટ વોઝ અ ‘કિસ’ !”, કહેતાં એક ભાઈએ મને વચ્ચે અટકાવી મજાક કરી.
“યસ… માય ફર્સ્ટ કિસ !”, કહેતાં હું શરમાઈ ગયો. એ સાંભળી કોઈકની હળવી બુમો તો કોઈક મજાકના આશયથી ખવાયેલા ખોંખારા પુરા થયા બાદ મેં ફરી આગળ ચલાવ્યું.
“…એ ક્ષણ અદ્ભુત હતી. કારણકે એ ક્ષણ કેટલાય સમયથી જવાબની અપેક્ષામાં રોકાઈ રહેલા મારા વણપૂછ્યા પ્રશ્નનો જવાબ હતી ! જયારે અનોમોલે કંઇક રીટર્નમાં માંગ્યું ત્યારે મનોમન હું ઘરે મારી બચત દ્વારા ભેગા કરેલા પૈસાનું વિચારી રહ્યો હતો, કે ક્યાંક અનમોલ પહેલી વખત કંઇક માંગે અને હું આપી ન શકું એવું ન બને. પણ બદલામાં એણે જ મને કુબેરનો ખજાનો ખોલી આપ્યો હોય એવું લાગ્યું ! અમે કેટલી પળો સુધી એકબીજાને ભેટતાં અને ચૂમતા રહ્યા એનો મને આજે પણ અંદાજો નથી. પણ ઘરે આવતા ખાસ્સું મોડું થઇ ગયું હતું. ઘરે આવ્યા ત્યારે બા પાસે જાણ્યું કે અનમોલને બાજુના ગામમાં કંઇક કામ અર્થે આવવાનું થયું હતું, અને હવે મારે એને ત્યાં સુધી મુકવા પણ જવાનું હતું. અને અજબ વાત તો એ હતી કે એના આવ્યાનું કારણ તો ઠીક એને ત્યાં પંહોચવામાં થતા વિલંબ વિષે પણ અનમોલે મને કશું કહ્યું નહોતું. અને એ સમયે હું એમ વિચારીને હરખાતો હતો કે ‘મારા પ્રેમમાં એ બધું ભૂલી બેસે છે.’
મેં બાજુમાં રહેતા કાકાનું બાઈક માંગ્યું, અને અનમોલને લઈને રવાના થયો. બાઈક પર પણ એના ચેનચાડા ચાલુ જ હતા. ક્યારેક મારા માથમાં એનો હાથ ફરતો તો ક્યારેક કાનની બુટ પર હળવુંક ચુંબન મુકાતું. મન તો મનેય ઘણું થતું હતું કે બાઈક સાઈડ પર કરી દઈ એને એની મશ્કરીનું વળતર વાળતા એક તસતસતું ચુંબન ચોળી દઉં. પણ સમયની પાબંદી એમ કરતા રોકી પાડતી હતી. એને બાજુના ગામ પંહોચાડી, ફરીથી જલ્દીથી મળવાના કોલ આપી અમે છુટા પડ્યા.
અને ‘પહેલું સ્મિત, પહેલો સ્પર્શ, કે પછી પહેલું ચુંબન એ આકર્ષણની આગમાં પ્રેમનું ઘી હોમવાનું કામ કરતી હોય છે !’
મારી સાથે પણ કંઇક એવું જ થયું. એ દિવસ બાદ મારું જલદ આકર્ષણ મને પ્રેમ લાગવા માંડ્યું. અને હું પોતાને અનમોલના ગળાડુબ પ્રેમમાં મહેસુસ કરવા માંડ્યો. એની સાથે વાતો કરવા માટે બહાના શોધવા, એના ફોટા કલાકો સુધી તાકી રહેવા, અને એના હોઠ સાથે મળી આવેલા મારા હોઠ પર જીભ ફેરવવી ! હા, આવા ઘેલાવેળા મેં પણ કર્યા જ છે !
થોડા સમય બાદ અનમોલને વડોદરાની બી.એડનીકોલેજમાં પ્રોફેસર તરીકે નવી નવી જોબ મળી હતી. ત્યાં જોબ એને મળી, અને અહીં મારા હરખનો પાર નહોતો ! એને ફોન પર તો અભીનંદન પાઠવ્યા જ હતા, જોડે મનોમન નક્કી કરી લીધું હતું, એને એના શેહરમાં જઈ સરપ્રાઈઝ વીઝીટ આપવાની. જોબ મળ્યા બાદ એને કામમાં ઘણી વ્યસ્તતા રહેતી. અને અહીં મને ક્ષણભરની નવરાશમાં પણ એની યાદો કોરી ખાતી. અને એ વિરહ ન સહેવાતાં મેં સરપ્રાઈઝ વિઝીટના પ્લાન પર અમલ કરવાનું નક્કી કરી લીધું. ઘરેથી અનમોલને ઓળખતા હોવાની કારણે કોઈ ના પાડે એવું કારણ હતું નહીં, અને એ અઠવાડિયાનો શનિવાર આવતા જ હું ઉપડ્યો વડોદરા !
શનિવારે એનો હાફ ડે હોવાથી એને નવરાશ મળી રહેશે, એમ ધરી મેં વિકેન્ડ ડેય્સ પર પસંદગી ઉતારી હતી. વડોદરા પંહોચતાં જ હું એની કોલેજ પર જઈ પંહોચ્યો. – જેનું નામ એણે મને ક્યાં નોકરી લાગી છે એ સંદર્ભમાં કહ્યું હતું. કોલેજ બહાર ચાની કીટલીએ કલાકેક રાહ જોયા બાદ કોલેજ છુટી. પહેલા વિદ્યાર્થીઓ નીકળ્યા, અને અડધો કલાક રહી સ્ટાફ !
મને ચાની કીટલી પર જોઈ અનમોલના પણ આશ્ચર્યથી એ જ હાલ હતા જે મારા એની સરપ્રાઈઝ વિઝીટ વખતે હતા !
“તું અહીં ક્યાંથી ?”
“તેં યાદ કર્યો અને હું આવી પંહોચ્યો !”
“મેં ક્યારે તને યાદ કર્યો?”
“લે કેમ ! મને તો એમ કે તારા મનમાં તો હું જ હું ચાલતો હોઈશ !”
“ઓહ ! એ રીતે ! હા, એ રીતે તો તું હંમેશા યાદ આવતો હોય છે !”, કહેતાં એણે મને ભેટી પડી પોતાના શહેરમાં આવકાર આપ્યો.
અમે ચાલતા જ એના રૂમ પર પંહોચ્યા. અને મેં એને વાતો વાતોમાં જણાવ્યું કે, મારાથી એને મળ્યા વિના રહેવાયું નહીં, માટે કહ્યા વગર આવી પંહોચ્યો. એ સાથે રસ્તામાં જ એણે મુવી અને ડીનરનો પ્લાન બનાવી લીધો હતો. એના રૂમ પર ફ્રેશ થયા બાદ અમે જોડે મુવી જોયું. અને પછી ડીનર ! મારા ગામમાં કંઇક દેખાડવા જેવું હોત તો હું પણ એને એ જ ઉત્સાહથી ફેરવતો હોત જે ઉત્સાહથી હમણાં અમે જોડે ફરી રહ્યા હતા. અને સાચું કહું તો એ સમયે મારા માટે વડોદરા પણ પેરીસથી કંઈ કમ નહોતું ! મેં તો મનોમન નક્કી પણ કરી લીધું હતું કે ગ્રેજ્યુએશન થયા બાદ અનમોલની કોલેજમાં જ બી.એડ સાથે આગળ અભ્યાસ કરવો. અભ્યાસ પણ થાય, અને જોડે અનમોલના વિરહનો પણ અંત આવે !
બધા પ્લાનિંગ પતાવીને એના રૂમ પર પાછા ફરતા સુધીમાં ખુબ મોડું થઇ ચુક્યું હતું. અને હવે મારાથી ઘરે પાછુ ફરવું શક્ય ન હતું. અને ઉપરથી અનમોલની પણ જીદ હતી કે બીજા દિવસ – રવિવાર – સુધી રોકાઈ જાઉં. અને મેં એની જીદને માન આપી ઘરે બીજા દિવસે સાંજે પંહોચવાનું કહી દીધું. અને અનમોલ જોડે હોવાથી બાને પણ કોઈ ચિંતા જેવું નહોતું.
એ દિવસે ફર્યાનો જેટલો થાક નહોતો લાગ્યો, એટલો વાતો કરવાથી લાગ્યો હતો. મને એવી એક પણ ક્ષણ યાદ નથી જયારે હું ચુપ બેસી રહ્યો હોઉં. અનમોલ જોડે હોય એટલે કંઇક ને કંઇક બબડ્યા જ કરું. મનમાં એવી તાલાવેલી હોય કે મારા વિષે બધું જણાવી દઉં, અને સામે એના વિષે પણ બધું જાણી લઉં. પણ એ દિવસે તો રૂમ પર આવ્યા બાદ થાકીને અનમોલના સિંગલ બેડ પર પડી રહ્યો. દરમ્યાન અનમોલે કપડા બદલ્યા, અને પછી મારી બાજુમાં આવીને પોતાની બેઠક જમાવી. ધીરે ધીરે અમારા વચ્ચેનું અંતર ઘટતું ગયું, અને ફરી એ જ પરસ્પર શ્વાસની હુંફની આપ-લે, અને એક ચુંબન ! એકદમ તસતસતું !
પણ હવે તો બે જુવાન થનગનતા હૈયાઓને બંધ રૂમની મોકળાશ મળી હતી ! ચુંબનની સાથોસાથ અમારા હાથ એકબીજાના શરીર પર ફરી રહ્યા હતા. અનમોલને મારી છાતીમાં ફૂટી નીકળેલા નાના નાના વાળમાં પોતાની આંગળીઓ ફેરવવાની મજા આવતી હતી. અને મારા હાથ એની પીઠ પર કોઈક હેમ શોધતા હોય એમ ફરી રહ્યા હતા !
ધીરે ધીરે કપડાના આડંબરો ઓછા થતા ગયા, અને પછી…
એ રાતે એણે મને પોતાનું સર્વસ્વ સોંપ્યું ! અલબત્ત મારા ત્યાં આવવાના આશયમાં એવી કોઈ પણ અપેક્ષા નહોતી, કે નહોતો એવો કોઈ ઉદ્દેશ ! પણ સાચું કહું તો જીવનમાં એ ક્ષણો જ કંઇક એવી હોય છે કે વ્યક્તિ બહેકી જ જાય ! આવા સમયે સેલ્ફ કન્ટ્રોલ રાખવો અઘરો તો ખરો જ ! અને એ ઉંમરે તો મારી સમજણ પણ કેટલી ? હું તો બસ પ્રવાહ સાથે વહી રહ્યો હતો.
એ રાતે અમારા બંનેમાંથી કોઈએ પણ એકાદ મિનીટ પુરતી પણ ઊંઘ નહોતી લીધી. અને એટલું ઓછું હોય એમ રવિવારના બધા પ્લાન્સ કેન્સલ કરી, અને એકબીજાનું સાનિધ્ય ‘માણવાનું’ પસંદ કર્યું. અને રવિવારની મોડી રાત્રે હું ઘરે પરત ફર્યો.
પણ એ બે દિવસો બાદ અમારા વચ્ચે ઘણુંય બદલાઈ ગયું. કંઇક પામી લીધા બાદ એ ચીજની ઉપેક્ષા થવા માંડે એમ મારી સાથે થવા માંડ્યું. કારકિર્દી અને નોકરીમાં તો એને પહેલા પણ વ્યસ્તતા ક્યાં નહોતી ? પણ હવે એમાં કંઇક વધારે જ વ્યસ્તતા ઉમેરાવા માંડી હતી. જયારે જયારે હું એને મારી માટે થોડોક સમય – ભલે આખો દિવસ નહીં, માત્ર એકાદ કે અડધો કલાક – ફાળવવા કહેતો ત્યારે એને એ બધું મારું ‘પઝેસીવનેસ’ લાગતું ! અને આ જ બધું એને પહેલા ‘કેર’ અને ‘પ્રેમ’ લાગતું હતું !
થોડા જ સમયમાં મને સમજાઈ ગયું કે એનો મારી પાસેનો સ્વાર્થ પૂરો થયો ! અમારી વચ્ચે મારી તરફથી ભલે જે કંઈ પણ હતું, પણ એની તરફથી માત્ર એ બધું શારીરિક જરૂરિયાત સંતોષવા માટે આડંબરના એક ભાગ રૂપની ક્રિયા હતી ! અને ‘જયારે તમે કોઈકને એક હદથી વધારે ઓળખી જતા હોવ છો ત્યારે અનાયસે એ વ્યક્તિ તરફ આછેરી ધ્રુણા અનુભવાતી હોય છે !’ મારા માટે તો શું, કોઈના પણ માટે એ માનવું અઘરું છે કે એણે જેને પ્રેમ કર્યો, એણે એનો માત્ર ઉપભોગ કર્યો છે ! પણ આખરે મેં મન મક્કમ કરી લઇ એ સંબંધ પર પૂર્ણવિરામ મુકવાનું નક્કી કરી લીધું. ધીરે ધીરે સંપર્ક ઘટાડતો ગયો, અને સામા પક્ષે પણ પોતાનું ધાર્યું થતું હોય એમ પ્રયાસો કરવાના બંધ થઇ ગયા.
એ પછી સમય ખુબ ઝડપથી વીતવા માંડ્યો. કોલેજ, લેક્ચર્સ, પરીક્ષા, દોસ્તો, અને એમની સાથેની મસ્તી-મજાકો, હરવા-ફરવાનું, એ બધા વચ્ચે જીવનમાં ‘અનમોલ’ નામ ક્યાંક પાછળ છુટી ગયું. ક્યારેક એકાંતમાં યાદ આવી પણ જતી. અને ત્યારે મને પોતાની જાત પર ગુસ્સો આવતો. કે એટલો તો હું કેટલો મુર્ખ નીકળ્યો કે કોઈક મને ચીજ સમજીને વાપરી જાય !
જેટલો સમય અમારો સંબંધ નહોતો ટક્યો – માત્ર છ મહિના – એનાથી વધારે સમય અમારા સંબંધને પૂર્ણવિરામ મુકાયાને થઇ ચુક્યા હતા. – લગભગ અઢીથી ત્રણ વર્ષ !
એક સમય હતો જયારે હું ‘પ્રેમ’ તરીકે ઓળખાવતો એક મસ્તીમાં ગળાડૂબ હતો, અને પછીના વર્ષોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં ! અને એ સાથે મને બીજી એક લત લાગી હતી, એકલા ફરવાની ! કંઈ કેટલાય સ્થળે હું એકલો જ ફરવા નીકળી પડતો. આજે અહીં મનાલીમાં છું, બસ એમ જ !
ગ્રેજ્યુએશન પતાવ્યા બાદ મેં માસ્ટર્સમાં એડમીશન લીધું. દરમ્યાન મેં એક પરીક્ષા પાસ કરી. અને એમ પણ માસ્ટર્સમાં મન ઓછું રુચતું હોવાથી નોકરી કરવાનું પસંદ કર્યું. નોકરીના સ્થળની પસંદગી બાબતે મને બે ઓપ્શન મળ્યા હતા, વડોદરા અને અમદાવાદ ! અલબત્ત, વડોદરાનું પેકેજ આકર્ષક અને મારા ફાયદામાં હતું પણ હું કોઈ પણ હિસાબે પોતાના ભૂતકાળની નજીક જવા નહોતો ઈચ્છતો, માટે મેં અમદાવાદ પર મારી પસંદગી ઉતારી ! અને હવે કાયમી ધોરણે ‘અમદાવાદી’ !
“તો અનમોલજી ને એ પછી ક્યારેય મળવાનું બન્યું જ નહીં ?”, એક ભાભીએ જરાક ચિંતામય સ્વરે પૂછ્યું.
“આગળ એ જ કહું છું.”, કહી મેં બોટલમાંથી પાણીનો એક ઘૂંટ ભર્યો, અને આગળ બોલવાનું શરુ કર્યું, “મેં ભૂતકાળથી ભાગવા અમદાવાદ પર પસંદગી ઉતારી, પણ મને ક્યાં ખબર હતી જે જેનાથી હું ભાગી રહ્યો છું એ જ મારી નજીક આવી રહ્યું છે !
અમદાવાદમાં છ-સાત મહિના વિતાવ્યા બાદ આ શહેર મને માફક આવવા માંડ્યું હતું. નવી જગ્યા, નવા લોકો, અને નવા મિત્રો, અને એ બધા માટે નવો ‘હું’ ! નવા મિત્રો સાથે અવારનવાર બહાર જવાનું થતું, અને હવે તો નોકરીને કારણે ખિસ્સા સામે જોવું પડે એમ પણ નહોતું !
એવી જ એક સાંજે અમે બધા મિત્રો એક કેફેમાં બેઠા હતા. અને અમારી મજાક- મશ્કરી વચ્ચે મારી નજર ફરતા ફરતા એક ટેબલ પાસે એકાદ સેકન્ડ માટે અટકી. અને એ ટેબલ પર બીજું કોઈ નહીં પણ અનમોલની હાજરી હતી ! એનો મારી તરફ જોવાનો જે અંદાજ હતો એ જોતા એની નજર મારા પર થોડીકવાર પહેલા પડી હોવી જોઈએ. એના ચેહરા પર મારી ઓળખ વિષે અસમંજસ સાફ દેખાતી હતી.
દરમ્યાનમાં મારો ફોન રણક્યો, અને મારા અનુમાન મુજબ જ સ્ક્રીન પર નામ હતું – અનમોલ ! હા, એટલા વર્ષો બાદ પણ મેં એનો નંબર મોબાઈલમાંથી નહોતો કાઢ્યો. અને જો હું આજથી ચાર વર્ષ પહેલાનો ‘હું’ હોત તો એમ વિચારી ખુશ થતો, કે એણે પણ હજી મારો નંબર સેવ રાખેલ છે. પણ હવે એવી બાલીશ વાતને મારા જીવનમાં કોઈ સ્થાન નહોતું !
“યસ…”, મેં ફોન ઉઠાવી તદ્દન સાહજીકતાથી કહ્યું.
“હલ્લો, હું અનમોલ.”, એણે થોથવાતા કહ્યું.
“હા, બોલો…”, એક સમયે તુંકારે બોલાવતા નામને મેં ફોર્માલીટીના વાઘા પહેરાવ્યા.
“મને એમ કે તું ફોન પણ રીસીવ નહીં કરે.”
“ઓહ કમ ઓન. હું કંઈ એટલો પણ બાલીશ નથી કે કોઈક ઓળખીતાને સામે જોયા બાદ પણ મોં ફેરવી જાઉં.”
“તું મેણું મારે છે ?”
“હું તો સાચું જ કહું છું. તમારે જે સમજવું હોય એ સમજી શકો.”
“આપણે હમણાં મળી શકીએ ?”, થોડીકવાર રહી એણે અચકાતા પૂછ્યું. અને એક પણ સેકન્ડ અચકાયા વિના મેં હામી ભરી. મારા મિત્રોને વળાવી આવી, હું ફરી કેફેમાં આવ્યો. થોડીવારે અનમોલે પોતાનું ટેબલ છોડી મારા ટેબલ પર બેઠક જમાવી. મેં મારો ઓર્ડર રીપીટ કરાવ્યો. અમારી વચ્ચે મૌન યથાવત હતું.
ઓર્ડર આવ્યા બાદ મેં મારી કોફી પીવાની શરુ કરી. એ જોઈ એણે પૂછ્યું, “કેમ કોફી? ચા છોડી દીધી ?”
“ના, આ તો બંને પીવી ગમે છે.”, મેં સાહજિકતાથી કહ્યું.
“લિસન… આઈ એમ સોરી. મેં તારી સાથે જે કર્યું…”, એણે ગ્લાની અનુભવતા કહ્યું.
“ડોન્ટ બી સોરી. હું, જે વીતી ગયું એને ભૂલી જવામાં જ માનું છું. ‘માણસનો ભૂતકાળ એનો સૌથી મોટો ગુરુ સાબિત થઇ શકે છે’ !”
“મને તો એમ કે હવે આપણે ક્યારેય નહીં મળી શકીએ.અને આજે આમ જ અચાનક…”, કહેતાં એણે હળવાશ અનુભવી.
દરમ્યાન અમારા વચ્ચે ઘણીય વાતો થતી રહી. એની વડોદરાની નોકરીની બદલી અમદાવાદમાં, મારી કોલેજથી નોકરી સુધીની વાતો. બધી જ ફોર્મલ વાતો ! હવે અમારી વચ્ચે અંગત વાતોને સ્થાન નહોતું. એટલીસ્ટ મારા તરફથી તો નહીં જ !
અમે છુટા પડતી વખતે ફરી મળવાની વાત કરી. મને ફરી મળવામાં કોઈ વાંધો નહોતો, પણ ખાસ કોઈ રસ પણ નહોતો ! એણે બીજા દિવસે મુવી માટે પ્લાન બનાવ્યો. અને હું પણ માની ગયો. કારણકે હું એવું નહોતો ઈચ્છતો કે એ એમ ધારે કે હું મારા ભૂતકાળથી ભાગવા હવાતિયા મારું છું. હું તો ઉપરથી એને બતાવી દેવાની લાગમાં હતો કે મારા માટે એને ભૂલી જવું પણ એટલું જ સરળ હતું જેટલો એનો મારો ઉપભોગ કરવું !
બીજા દિવસે સાંજે અમે ફરી મળ્યા. એની નજર વારંવાર મારી શર્ટના પહેલા ખુલ્લા બટનમાંથી ડોકાતાં છાતીના વાળ પર પડતી હતી. એક સમયે એ છાતી પર એનો હાથ ફર્યો હતો અને…
થીયેટરના અંધારાનો લાભ લઇ એના હાથ અવારનવાર મારા હાથને સ્પર્શી જતા હતા. અને થોડીવારે એણે મારી તદ્દન નજીક સરકવા માંડ્યું, શ્વાસની ગરમાશ અનુભવાય એટલા નજીક ! પણ મેં તરત જ એનો હાથ ઝાટકી દઈ, “સોરી. હવે મને રમાડવો શક્ય નથી.”, કહેતાં થીયેટર છોડી ચાલી ગયો.
જે ભૂતકાળથી હું છેલ્લા થોડાક વર્ષોથી ભાગતો ફરતો હતો, એણે માત્ર બે જ દિવસમાં મારા જીવનમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી હતી. અને હું નહોતો ઈચ્છતો કે ભૂતકાળમાં કરેલી ભૂલો હું ફરી દોહરાવું ! આંખો સમક્ષ આવેલા એ ભૂતકાળને હટાવવા હું ફરી પોતાના એક શોખ તરફ વળ્યો – એકલા ફરવા તરફ. અને એમાં આ મનાલીની ટ્રીપ શક્ય બની. એકરીતે કહું તો, મેં અનમોલથી ભાગી નીકળવા આ સફર ખેડી છે ! અને હવે એક વાત તો નક્કી જ છે, મારે મન હવે જીવનમાં ‘અનમોલ’ નામ પર હમેશા માટે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે !”, હળવો નિશ્વાસ નાંખી મેં મારી વાત પૂરી કરી.
કેમ્પફાયરની ફરતે બેઠેલા, અમારા બધા વચ્ચે શાંતિ છવાઈ રહી. થોડીક વારે એક ભાઈએ મૌન તોડતા કહ્યું,
“તમારો કિસ્સો તો ઘણો અલગ છે હોં. આકર્ષણ, પ્રેમ, વિરહ, દગો, પરિપક્વતા, બધું જ એમાં આવી ગયું !”
મેં એમની સામે સ્મિત કરી સંમતી દર્શાવી.
“તો હેં ભાઈ, તમને ક્યારેય આ સંબંધને બીજી તક આપવાની ઈચ્છા નહીં થઇ ? ‘મિસ.અનમોલ’ ને ‘મીસીસ.અનમોલ’ બનાવવાની ઈચ્છા મનના કોઈક ખૂણે તો હજી પણ જળવાઈ જ રહી હશે ને ?”, એક ભાભીએ પૂછ્યું.
“બીજી તક ?”, મેં હસતાં કહ્યું, “બીજી તક ત્યાં હોય જ્યાં બદલાવની શક્યતા હોય. અને ભૂલને દોહરાવી એ તક તો ન જ કહેવાય. અને રહી વાત મિસ. ને મીસીસ બનાવવાની તો, ત્યાં તમારી થોડીક ભૂલ થાય છે !”
“મતલબ…?”
“મતલબ એમ કે, અનમોલ મિસ. હોય તો મીસીસ બને ને ! હું જે અનમોલની વાત કરું છું એ છોકરી નહીં, પણ છોકરો છે !”, તદ્દન સાહજીકતાથી કહી હું પોતાની જગ્યાએથી ઉભો થઇ ગયો.
પણ એ એક વિધાને ઘણાંયના મનમાં મારા વિશેની ધારણાઓને જમીનદોસ્ત કરી મૂકી હતી. કોઈએ પ્રતિભાવમાં આશ્ચર્યથી આંખો ફાડીને મારી સામે જોવા માંડ્યું, તો કોઈકે કંઇક ભૂત તાક્યું હોય એમ મને જોઈ રહ્યા. તો કોઈ વળી ‘એવા સંબંધ’ વિષે સાંભળી મોઢું બગાડવા માંડ્યા ! એ બધાને અવગણી હું મારા ટેન્ટમાં પાછો ફર્યો, અને હ્રદયમાંથી ભૂતકાળને મનાલીની ઠંડી હવામાં જડમૂળમાંથી ઉખાડી ફેંક્યો હોય એવી નિરાંત સાથે સુવા માટે લંબાવ્યું.
હા, એક વાત હું ચોક્કસ કહીશ કે બીજા દિવસની સવારથી શરુ થયેલી ઘર તરફની વળતી સફરમાં ઘણાંયની મારી તરફની વર્તણુંકમાં ધરખમ બદલાવ આવ્યો હતો. પણ એનાથી કાંઈ હકીકત થોડી બદલાઈ જવાની હતી !
– Mitra ❤
Leave a Reply