બોલિવૂડ એક્સપ્રેસ : બોલિવૂડના ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આવી ગયું !
Sandesh – Cine Sandesh – 5 July 2013
Column : બોલિવૂડ એક્સપ્રેસ
સોનાક્ષી પાસેથી ન શીખવા જેવી વસ્તુ છે, શરીર જાડું નહીં થવા દેવાનું. એની પાસેથી શીખવા જેવી એક વસ્તુ પણ છે, લોકો એકધારી ટીકા કરતા હોય ત્યારે જાડી ચામડીના બનીને નિર્લેપ બની જવાનું!
* * * * *
ઢોલ બજાઓ, વાજાં વગડાવો, શરણાઈના સૂર છેડો. આ બહુ જુનવાણી લાગે છે? ઓલરાઇટ! તો ગિટારના તાર ટ્રિંગ ટ્રિંગ કરો, ડ્રમ સેટ્સ પર દાંડી પીટો, હાઇટેક કી-બોર્ડ પર ગાજવીજનું મ્યુઝિક જનરેટ કરો. બોલિવૂડ બોય ઉર્ફ બો-બો આવી ગયો છે, હાથમાં બોલિવૂડનું અર્ધવાર્ષિક પરિણામ લઈને. જાન્યુઆરીથી જૂન ૨૦૧૩ દરમિયાન મતવાલી ફિલ્મી દુનિયામાં કોણે શું ઉકાળ્યું? કોણ હિટ થયું, કોણ ફ્લોપ થયું, કોણ અધવચ્ચે અટકી ગયું? સાંભળો…
બોક્સઓફિસના આંકડા કહે છે કે પહેલા છ મહિનામાં સૌથી વધારે માર્ક્સ લઈને પહેલા નંબરે પાસ થનારી ફિલ્મ છે- યસ, યુ આર રાઇટ – ‘યે જવાની હૈ દીવાની’! (બેવફા બો-બોએ પોતાના મોસ્ટ ફેવરિટ હીરો તરીકે રિતિક રોશનને તગેડી મૂકીને નંબર વન પોઝિશન પર રણબીર કપૂરનો રાજ્યાભિષેક ઓલરેડી કરી નાખ્યો છે. એ જ પ્રમાણે, મોસ્ટ ફેવરિટ હિરોઇનોનાં લિસ્ટમાં કરીના અને પ્રિયંકાનાં નામ પર ચોકડી મૂકીને દીપિકા પાદુકોણનું નામ સૌથી ઉપર મૂકી દેવાનું ઓલમોસ્ટ નક્કી કરી નાખ્યું છે.) ૨૦૧૩ની બીજા નંબરની હિટ ફિલ્મ છે, શ્વેત વસ્ત્રધારી ગુજરાતી ડિરેક્ટરબંધુ અબ્બાસ-મસ્તાનની ‘રેસ-ટુ’. તે પછી વારો આવે છે ‘શૂટઆઉટ એટ વડાલા’ અને’કાઈ…પો છે’નો. ૨૦૧૩ના હિટ લિસ્ટમાં ‘ચશ્મે બદ્દુર’ની રિમેક, ‘મર્ડર-થ્રી’, ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’ તેમજ (લો-બજેટ હોવાને કારણે) ‘બોમ્બે ટોકીઝ’નું નામ પણ બોલે છે. ‘એબીસીડી’, ‘સ્પેશિયલ ૨૬’, ‘જોલી એલએલબી’, ‘આશિકી-ટુ’, ‘કમાન્ડો’ અને ‘ગો ગોવા ગોન’ પણ સરસ ચાલી ગઈ. આ ફિલ્મોને ફિલ્મી પંડિતો ‘સરપ્રાઇઝ હિટ’ની કેટેગરીમાં શા માટે મૂકતા હશે ભગવાન જાણે! થિયેટરોમાં હજુ હાલ ચાલી રહેલી ‘ફુકરે’ અને ‘રાંઝણા’ બન્ને હિટ થવાના પંથે છે.
કઈ ફિલ્મોને ઓડિયન્સે રિજેક્ટ કરી નાખી? ‘જિલા ગાઝિયાબાદ’, ‘હિમ્મતવાલા’ (આ વર્ષે સૌથી વધારે ગાળો આ ફિલ્મને પડી છે.), ‘ઔરંગઝેબ’, ‘યમલા પગલા દીવાના-ટુ’, ‘ડેવિડ’, ‘આઈ મી ઔર મૈં’ (આવી કોઈ ફિલ્મો રિલીઝ થઈ હતી તે યાદ સુધ્ધાં આવે છે?) અને ‘આત્મા’, ‘નૌટંકી સાલા’, ‘મટરુ કી બિજલી કા મંડોલા’ અને ‘એક થી ડાયન’ એવરેજ કેટેગરીમાં આવે છે. બો-બોને પર્સનલી એક ફિલ્મની નિષ્ફળતા માટે અફસોસ છે, તે છે રામગોપાલ વર્માની ‘ધ અટેક્સ ઓફ ટ્વેન્ટિ સિક્સ-ઇલેવન’. ખરેખર સારી ફિલ્મ હતી આ!
* * * * *
એમ તો આજે રિલીઝ થઈ રહેલી ‘લૂટેરા’ પણ ખરેખર સારી ફિલ્મ હશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. એ તો નીવડયે વખાણ. લૂટેરા’ની નાયિકા માટે ડિરેક્ટર આદિત્ય મોટવાણેની ફર્સ્ટ ચોઇસ કોણ હતી, જાણો છો? વિદ્યા બાલન. હિરોઇન તો જાડ્ડીપાડ્ડી જ જોઈએ એવો ડિરેક્ટરનો કદાચ આગ્રહ હશે, તેથી આ રોલ પછી સોનાક્ષી સિંહાને કાસ્ટ કરી. સોનાક્ષી જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારથી બધાં એને જાડી-જાડી કહીને ચીડવે છે. એમાં કહેનારાઓનો વાંક નથી. એ જાડી છે જ. એનાં બાવડાં સની દેઓલને શરમાવે એવાં તોતિંગ છે. એના શરીરનો ઘેરાવો અનુષ્કા શર્મા જેવી ત્રણ સુકલકડી હિરોઇનો સમાઈ જાય એટલો વિશાળ છે. ‘હુ કેર્સ?’ સોનાક્ષી કહે છે, “ટોચના પ્રોડયુસરો મને સાઇન કરી રહ્યા છે, મારી ફિલ્મો હિટ થઈ રહી છે, પછી મારે શું કામ ચિંતા કરવાની? હું નાની હતી ત્યારે કેટલી ભયાનક જાડી હતી તેની તમને ખબર નથી. તે વખતે લોકો જે રીતે મારી મશ્કરી કરતા હતા એની સરખામણીમાં અત્યારે જે ટીકા થઈ રહી છે એ તો કંઈ નથી. લોકોને જે કહેવું હોય તે કહે, મને કશો ફરક પડતો નથી. હવે હું જાડી ચામડીની થઈ ગઈ છું.” લો બોલો. સોનાક્ષીની ચામડી પણ જાડી છે, એની તો આપણને ખબર જ નહોતી.
* * * * *
આ બાજુ સોનાક્ષીના કો-સ્ટાર રણવીરસિંહને એ ખબર નથી કે છેલ્લા કેટલાય મહિનાઓથી જે ગંદી દાઢી-મૂછ લઈને ચારે બાજુ ફર્યા કરે છે એમાં એ કેટલો મોટો કાર્ટૂન દેખાય છે. આ તેનો સંજયલીલા ભણસાલીના ડિરેક્શનમાં બની રહેલી ‘રામલીલા’ ફિલ્મનો લુક છે. (ઓહ માય ગોડ! ‘રામલીલા’માં અઢી-ત્રણ કલાક સુધી આવો ગંધારોગોબરો રણવીર કેવી રીતે સહન થશે ઓડિયન્સથી?)એ પોતાની ઔર એક ફિલ્મને લઈને પણ ભારે ઉત્સાહિત છે – યશરાજ બેનરની ‘ગુંડે’. આમાં અર્જુન કપૂર એનો સાથી-ગુંડો બન્યો છે. રણવીર થનગન થનગન થતાં કહે છે, ‘યુ નો વોટ, અર્જુન મારો મોસ્ટ ફેવરિટ કો-સ્ટાર છે. મારે એની સાથે હિટ જોડી બનાવવી છે. જે રીતે જય-વીરુની, અક્ષયકુમાર-સૈફની અને ‘અંદાજ અપના અપના’માં આમિર-સલમાનની જોડી હતી એમ.’ આશા રાખીએ કે કમસે કમ’ગુંડે’માં રણવીરે અર્જુનને ચક્રમ જેવા દાઢી-મૂછ રાખવાની પ્રેરણા આપી ન હોય. ચાલો ત્યારે, હેપી ફ્રાઇડે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply