ટેક ઓફ : આર્ય મૌનઃ સ્મિત ને ઈશારા પર પણ પ્રતિબંધ છે!
Sandesh – Ardh Saptahik Purti – 17 July 2013
Column: ટેક ઓફ
ઓશો કહે છે કે ગૌતમ બુદ્ધ સિવાય બીજો કોઈ ધર્મ મેડિટેશનનો સાચો અર્થ શોધી શક્યો નથી. એકમાત્ર બુદ્ધ જ એવા હતા, જે સાક્ષીભાવ કેળવવા સિવાયની તમામ બાબતોને નકારતા રહ્યા. વિપશ્યનાનો આ જ મતલબ છે,સુખી કે દુઃખી થયા વિના મનના વિચારોને સાક્ષીભાવે નિહાળતા રહેવું.
* * * * *
૭ જુલાઈએ બિહારના બોધગયા મંદિરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા અને બૌદ્ધ ધર્મના આ સૌથી મહત્ત્વના સ્થળની શાંતિ ખંડિત થઈ ગઈ. ચૂપચાપ કામે લાગી જવાને બદલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના નેતાઓ સહેજ પણ સમય બગાડયા વગર એકબીજા પર ગંદકી ઉછાળવામાં, ટીવી કેમેરામાં મોં ખોંસીને જોરજોરથી આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવામાં વ્યસ્ત થઈ ગયા. દેશની આંતરિક કે બાહ્ય સુરક્ષાનો મામલો હોય ત્યારે સામસામા બાખડવાને બદલે ધીરગંભીર શાંતિ જાળવવાની હોય, પણ આપણા નેતાઓ પાસેથી આવી અપેક્ષા રાખવી પણ મૂર્ખતા છે. ગરિમાપૂર્ણ મૌન અથવા ડિગ્નિફાઇડ સાઇલન્સનો મહિમા સમજવો તે રાજકારણીઓના વર્તુળની બહારની વસ્તુ છે.
ગૌતમ બુદ્ધ જેવો મૌનનો મહિમા સંભવતઃ બીજા કોઈ ધર્મપુરુષે કર્યો નથી. સાધના અથવા મેડિટેશનનો સીધો સંબંધ મૌન સાથે છે. વિપશ્યનાની યોગશિબિર એટેન્ડ કરો તો તમારે લાગલગાટ દસ સૌથી મૌન રહેવાના ગજબનાક અનુભવમાંથી ફરજિયાતપણે પસાર થવું પડે. વિપશ્યના બૌદ્ધ ધર્મનું એક પ્રેક્ટિકલ યા તો પ્રાયોગિક પાસું છે. વિપશ્યનાનો અર્થ થાય છે વિશિષ્ટ રીતે જોવું,પરિસ્થિતિઓને જેવી છે તે સ્વરૂપમાં જોવી. વિપશ્યના કરનાર સાધકે સીધું સાદું મૌન નહીં, પણ આર્ય મૌન પાળવાનું હોય છે. આર્ય મૌન એટલે કેવળ વાણીથી જ નહીં, પણ શરીરથી પણ મૌન. તમે કોઈની સામે જુઓ અને સામેવાળો સ્મિત કરે કે ગુસ્સાથી જુએ તો તે પણ એક પ્રકારનું કમ્યુનિકેશન થયું ગણાય. આ પણ ટાળવાનું છે. વિપશ્યના કરનાર સાધકે આ પ્રકારનું આંગિક્ ક્મ્યુનિકેશન પણ ટાળવાનું છે. દૃસ દિવસ દૃરમિયાન એણે એવી રીતે રહેવાનું છે જાણે આખા કેમ્પસમાં એ એક્લો જ હોય. વિપશ્યના પ્રમાણમાં સહેજ ક્ઠિન સાધના છે. દિવસના દૃસ કરતાં વધારે ક્લાક્ો ચોક્કસ પ્રકારના મેડિટેશનમાં ગાળવા પડે છે, પણ બધાના પરિણામ સ્વરુપે જે ભાવસ્થિતિ પેદૃા થાય છે તે અદૃભુત અને અસામાન્ય હોય છે તે આ લખનાર અનુભવે સમજ્યો છે. અલબત્ત, વિપશ્યનાનો રિયાઝ અટક્ી જતાં પેલી ભાવસ્થિતિ પણ વિખરાઈ જાય છે તે અલગ વાત થઈ.
ઓશો કહે છે કે ગૌતમ બુદ્ધ સિવાય બીજો કોઈ ધર્મ મેડિટેશનનો સાચો અર્થ શોધી શક્યો નથી. અન્ય ધર્મો કર્મકાંડ, મંત્રતંત્ર,પૂજા-અર્ચનામાં પડી ગયા. એકમાત્ર બુદ્ધ જ એવા હતા જે સાક્ષીભાવ કેળવવા સિવાયની તમામ બાબતોને નકારતા રહ્યા. વિપશ્યનાનો આ જ મતલબ છે- સુખી કે દુઃખી થયા વિના તમામ શારીરિક અને માનસિક ગતિવિધિઓને સાક્ષીભાવે નિહાળતા રહેવું. આ સાક્ષીભાવ તમારી ચેતના, તમારી સભાનાવસ્થા સાથે અન્ડરકરંટની જેમ સતત વહેતો રહેવો જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ હો ને ગમે તે કામ કરતા હો, પણ તમારી આંતરિક શાંતિ અકબંધ રહે, તેને કશું જ ખલેલ પહોંચાડી ન શકે તો તમે ખરું મેડિટેશન કર્યું કહેવાય.
બુદ્ધ પોતાના શિષ્યોને કહેતાં યોગસાધના કરવી હોય તો મનની ઉપેક્ષા કરો. મનને બાયપાસ કરી નાખો. એને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય, ભલે જે કહેવું હોય તે કહે, પણ તમારે તેના તરફ લક્ષ આપવાનું નથી. મનનો સ્વભાવ છે કૂદકા મારવાનો, જાતજાતના ઊંધાચત્તા વિચારો કર્યા કરવાનો. મન માંકડું અમસ્તું નથી કહેવાયું, પણ આપણે એની ઉપેક્ષા કરતા શીખી જઈશું તો ધીમે ધીમે મન કેળવાતું જશે. તે ખુદ સમજવા લાગશે કે એનું કયું વર્તન સ્વીકાર્ય છે અને કયું અસ્વીકાર્ય. એક વાર તે જાણી લેશે પછી નિરર્થક બકવાસ કરવાનું બંધ કરી દેશે. આંતરિક વિકાસ માટે આ સ્થિતિ આવવી જરૂરી છે.
ઓશો કહે છે, ‘બોધગયા એ જગ્યા છે જ્યાં બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તમે બોધગયાના મંદિરમાં જાઓ તો મેડિટેશન બે રીતે કરજો- બેઠાં બેઠાં અને ચાલતાં ચાલતાં. પહેલો એક કલાક તમે મંદિરમાં મૌન ધારણ કરીને બેસો, તમારા મનમાં જે વિચારો ફૂંકાયા કરે તેનું શાંતિથી નિરીક્ષણ કરતા રહો. ત્યાર બાદ મંદિરની બાજુમાં જે પથ્થરોની કતાર છે તેના પર ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો. ચાલતાં ચાલતાં તમારે એ જ ક્રિયા કન્ટિન્યૂ કરવાની છે. મનમાં જાતજાતના વિચારો આવશે, જશે. તમારે માત્ર એને સાક્ષીભાવે જોયા કરવાના. આ વોકિંગ મેડિટેશનને જાપાનમાં કિનહીન કહે છે. ક્રમશઃ તમને પ્રતીતિ થશે કે તમે બેઠા હો કે ચાલતા હો, તમારી ભીતર એવું કશુંક છે જે સતત જાગ્રત રહે છે, બદલાતું નથી. બહુ સુંદર અનુભવ હોય છે આ. તમે સૂતા હો તોપણ જાણે કોઈ પ્રકાશ તમારી નિદ્રામાં પ્રવેશીને ઝળહળતો રહે છે. આ પરફેક્ટ એન્લાઇટમેન્ટ છે.’
કહે છે કે ગૌતમ બુદ્ધના મંદિરમાં મૂર્તિ એવી રીતે બનાવવામાં આવે છે કે એને કેવળ જોતા રહેવાથી મૌનમાં સરી પડાય. આ યોગસાધનાની મૂર્તિ છે, ગૌતમ બુદ્ધ નામના મહાપુરુષની નહીં. એક વાર વાચાગોત્તા નામના યતિએ બુદ્ધને કેટલાક પ્રશ્નો પૂછયા હતા, જેનો ઉત્તર આપવાને બદલે બુદ્ધ મૌનમાં સરી પડેલા. આ રહ્યા વાચાગોત્તાના પ્રશ્નોઃ શું બ્રહ્માંડ શાશ્વત છે કે નથી? શું બ્રહ્માંડ અનંત છે કે અનંત નથી? શું આત્મા અને શરીર એક જ છે કે પછી આ બન્ને જુદી જુદી વસ્તુઓ છે? શું તથાગત (એટલે કે બુદ્ધ) મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવશે કે નહીં ધરાવે? શું મૃત્યુ પછી બુદ્ધનું અસ્તિત્વ હોવું અને ન હોવું આ બન્ને સ્થિતિ એકસાથે સાચી પડશે? કે બન્નેમાંથી એક પણ સ્થિતિ સાચી નહીં પડે?
આના જવાબો આપવાને બદલે બુદ્ધે મૌન ધારણ કરી લેવાથી તરંગો જન્મ્યા. આ મૌન વિશે દુનિયાભરના વિચારકો પોતપોતાની રીતે અર્થઘટન કરતા આવ્યા છે. કોઈ કહે છે કે બુદ્ધ એટલા માટે મૌન થઈ ગયા કે દૈવી અને અલૌકિક તત્ત્વો શબ્દોથી પર હોય છે. કોઈએ ત્યાં સુધી કહ્યું કે બુદ્ધ એટલા માટે ચૂપ થઈ ગયા કે એમની પાસે આના જવાબો જ નહોતા. એક થિયરી એમ કહે છે કે બુદ્ધે મૌન ધારણ એટલા માટે કરી લીધું કે તેઓ કંઈ પણ બોલ્યા હોત તે કેવળ એક અભિપ્રાય હોત, એક વિચાર હોત અને શબ્દોમાં બંધાયેલા પ્રત્યેક અભિપ્રાય કે વિચારની એક મર્યાદા હોય છે, સીમા હોય છે. આ પ્રકારના પ્રશ્ર્નોના ઉત્તર આપવાથી ધ્યાન ખોટી દિૃશામાં ફંટાય જાય છે અને મૂળ વસ્તુ બાજુ પર રહી જાય છે. કોઈ નિશ્ચિત ફિલોસોફી કે થિયરીમાં બંધાઈ ન જવાય એટલા માટે બુદ્ધ મૌનમાં સરી પડયા હતા.
એ જે હોય તે, પણ આપણને પજવતી વાત તો આ છેઃ કોઈ પણ સવાલનો પટ્ટ કરતો જવાબ આપી દેતા, સવારના છાપાંની હેડલાઇન્સથી માંડીને રાતની ન્યૂઝ ચેનલોની ડિબેટ સુધી એકધારી રાડારાડી ને દેકારો કરતા રહેતા આપણા રાજકારણીઓને મૌનમાં સરકાવી શકાય એવો કોઈ જાદુઈ નુસખો છે કોઈની પાસે?
http://www.sandesh.com/article.aspx?newsid=203899
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply