મલ્ટિપ્લેક્સ : ઉડાન પછીનું આકાશ
Sandesh – Sanskaar Purti – 30 June 2013
Column: મલ્ટિપ્લેક્સ
વિક્રમાદિત્ય મોટવાણેની પહેલી ફિલ્મ ‘ઉડાન’ની પુષ્કળ તારીફ થઈ હતી, પણ તેણે બોક્સઓફિસ પર કમાલ નહોતી કરી. હવે જોવાનું એ છે કે વિક્રમાદિત્ય પોતાની બીજી ફિલ્મ’ લૂટેરા’માં આટ્ર્સ અને કોમર્સનું કોમ્બિનેશન કરી શકે છે કે કેમ!
* * * * *
મશહૂર અમેરિક્ન લેખક્ ઓ. હેનરીની એક્ સુંદૃર વાર્તા છે – ‘ધ લાસ્ટ લીફ’. વોશિંગ્ટનની એક ગલીમાં બે સ્ત્રીઓ છે – જોન્સી અને સૂ. જોન્સી મરવા પડી છે. એના પ્રાણ દેહ છોડે એટલી જ વાર છે. પથારીમાં પડી પડી એ બહેનપણીને કહે છેઃ સૂ, બારીમાંથી પેલી વેલ દેખાય છે? બસ, જે દિવસે આ વેલનું છેલ્લું પાંદડું ખરી પડશે તે દિવસે મારો જીવ જતો રહેશે. ગલીમાં નીચે એક મુફલિસ ચિત્રકાર પડયો રહેતો હતો. એ હંમેશાં કહ્યા કરતો કે જોજોને, એક દિવસ હું માસ્ટરપીસ બનાવવાનો છું. સૂ એને જોન્સીની બીમારી વિશે જાણ કરીને કહે છે કે એ હવે ઝાઝું જીવવાની નથી. જે દિવસે વેલનું છેલ્લું પાન ખરશે તે દિવસે એની આંખ મીંચાઈ જશે. ચિત્રકાર હસે છે, આવું તે કંઈ હોતું હશે? આ શું ગાંડા કાઢે છે તારી સખી?
એક રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે છે. વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો છે. સૂ બારીનો પડદો બંધ કરી દે છે. જોન્સીને ખાતરી થઈ જાય છે કે આવા તોફાનમાં છેલ્લું પાંદડું તો શું આખેઆખી વેલ જ હતી ન હતી થઈ જવાની. બીજા દિવસે સૂ થથરતા જીવે પડદો હટાવે છે, પણ આ શું? વેલ અને તેનું છેલ્લું પાંદડું બન્ને સલામત છે! જોન્સી કહે છે ઠીક છે, બહુ બહુ તો એક દિવસ, પછી તો પાંદડું ખરવાનું જ ને. દિવસો પસાર થતા જાય છે, પણ પેલું ચમત્કારિક પાંદડું ખરવાનું નામ લેતું નથી. મરવાના વાંકે જીવી રહેલી જોન્સી સાજી થવા લાગે છે. જોતજોતામાં એ તો બિલકુલ ઠીક થઈ જાય છે, પણ કોણ જાણે કેમ પેલો મુફલિસ પેઇન્ટર બીમાર થઈને મરી જાય છે. ડોક્ટર સૂને માહિતી આપતાં કહે છે કે ચિત્રકાર પાસેથી રંગો મિક્સ કરવાની પ્લેટ મળી આવી છે, જેમાં લીલો અને પીળો કલર કાઢીને ભેળવેલા હતા. આટલું કહીને ડોક્ટર ઉમેરે છે, તને હજુય સમજાયું નથી કે તારી બારીની બહાર જે છેલ્લું પાંદડું દેખાય છે તે કેમ ખરતું નથી કે હવામાં હલતું સુધ્ધાં નથી? અરે, તે પાંદડું અસલી નથી, ચિત્ર છે. આ મુફલિસ ચિત્રકારે તૈયાર કરેલું માસ્ટરપીસ છે જે એણે તારી બારીની બહાર ગોઠવ્યું છે. પેલી ભયાનક તોફાની રાતે ભીંજાવાની પરવા કર્યા વિના એણે ગમેતેમ કરીને આ છેલ્લા પાંદડાનું આબેહૂબ ચિત્ર બનાવ્યું હતું કે જેથી જોન્સી એને જોતી રહે ને એનો જીવ બચી જાય!
કેટલી સુંદર કથા! આજે ઓ. હેન્રીની આ નવલિકા યાદ કરવાનું કારણ એ છે કે આવતા શુક્રવારે રજૂ થઈ રહેલી ફિલ્મ ‘લૂટેરા’ આ વાર્તા પર આધારિત છે. ‘લૂટેરા’ના ડિરેક્ટર છે વિક્રમાદિત્ય મોટવાણે. ૨૦૧૦માં ‘ઉડાન’ નામની ફિલ્મ આવી હતી, જેમાં યુવાન થઈ રહેલા સ્વપ્નીલ દીકરા (રજત બારમેચા) અને તેના જડભરત પિતા (રોનિત રોય)ની વાત હતી. અદ્ભુત ફિલ્મ હતી આ! વિક્રમાદિત્યની તે સૌથી પહેલી ફિલ્મ. બોક્સઓફિસ પર ‘ઉડાને’ કમાલ નહોતી કરી તે અલગ વાત છે, પણ એક ફિલ્મમેકર તરીકે, એક સ્વતંત્ર અને કોન્ફિડન્ટ સિનેમેટિક વોઇસ તરીકે વિક્રમાદિત્યે પહેલા જ બોલમાં એટલી જબરદસ્ત સિક્સર ફટકારી હતી કે એની બીજી ફિલ્મ માટે ઉત્કટતાથી રાહ જોવાનું શરૂ થઈ ગયું હતું.
અજાણ્યા અથવા ઓછા જાણીતા કલાકારોવાળી ‘ઉડાન’ માર્કેટની દૃષ્ટિએ નાની ફિલ્મ હતી, જ્યારે ‘લૂટેરા’ રણવીરસિંહ અને સોનાક્ષી સિંહા જેવાં ‘હેપનિંગ’ સ્ટાર્સને ચમકાવતી તેમજ પ્રમાણમાં મોટું બજેટ ધરાવતી ફિલ્મ છે. ‘બેન્ડબાજાં બારાત’ અને ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’ જેવી ફિલ્મોમાં રણવીરસિંહે ચલતા પૂરજા સ્ટ્રીટ-સ્માર્ટ યુવાનની ભૂમિકા ભજવી હતી. અસલી જીવનમાં પણ એ ભારે વાતોડિયો અને એનર્જેટિક માણસ છે. જોકે ‘લૂટેરા’માં એ સાવ અલગ રૂપમાં દેખાવાનો છે- ધીરગંભીર, વિષાદભર્યો, ઇન્ટેન્સ. ‘વિક્રમાદિત્ય મોટવાણે સાથે એની પહેલી મુલાકાત ફિલ્મફેર એવોર્ડ્સ ફંક્શનમાં થઈ હતી. તે વર્ષે ‘વિક્રમાદિત્યને ‘ઉડાન’ માટે એવોર્ડ મળ્યો હતો. બેક સ્ટેજમાં રણવીરે એને અભિનંદન આપીને કહ્યું કે, મને તારી ફિલ્મ બહુ જ ગમી છે, તારી સાથે કામ કરવું મને બહુ જ ગમશે વગેરે. વિક્રમાદિત્યે તરત જ કહ્યું, મારી પાસે એક સ્ક્રિપ્ટ છે, બોલ રસ છે તને? બન્ને પછી બાંદરાની ઓટર્સ ક્લબમાં મળ્યા. એમની વચ્ચે તરત ક્લિક થઈ ગયું. એનું એક કારણ એ પણ હતું કે બન્ને સિંધી છે. વિક્રમાદિત્ય ‘લૂટેરા’ની બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે લઈને આવ્યો હતો. એણે વાર્તા મૌખિક ન સંભળાવી બલકે રણવીરના હાથમાં સ્ક્રિપ્ટની ફાઇલ થમાવીને કહ્યું, આને વાંચી જજે. રણવીર એ જ રાતે સ્ક્રિપ્ટ વાંચી ગયો. બહુ જ ગમી ગઈ એને ફિલ્મની વાર્તા. વાંચતા વાંચતા કેટલીય વાર એની આંખો છલકાઈ આવી. એણે વિક્રમાદિત્યને ફોન કરીને કહી દીધું, ડન. હું કરી રહ્યો છું તારી ફિલ્મ!
હા પાડતા તો પડાઈ ગઈ, પણ પછી વર્કશોપ દરમિયાન રણવીરને પરસેવો છૂટી ગયો. એનાથી પાત્રનો સૂર જ પકડાતો નહોતો. એનું ફ્રસ્ટેશન વધતું જતું હતું. એ વારે વારે વિક્રમાદિત્યને પૂછયા કરતો કે ભાઈ, તેં મને પસંદ કરીને ભૂલ તો નથી કરીને? હું ભજવી શકીશ આ કિરદાર? વિક્રમાદિત્ય શાંતિથી કહેતોઃ ડોન્ટ વરી રણવીર, તું કરી શકીશ, મને ખબર છે. તું ભલે બહારથી ભડભડિયો રહ્યો,પણ તારી પર્સનાલિટીનું ગંભીર પાસું મેં જોયું છે. એન્ડ ટ્રસ્ટ ધ પાવર ઓફ કેમેરા! શૂટિંગ શરૂ થયું પછી વિક્રમાદિત્યે એની પાસેથી એવું કામ લીધું કે રણવીર ખુદ પોતાના પર્ફોર્મન્સથી ચકિત થતો ગયો. સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી માઇન્ડલેસ ફિલ્મોમાં શો-પીસ જેવા રોલ્સ કર્યા છે, પણ ‘લુટેરા’માં સંભવતઃ પહેલી વાર એની અભિનયક્ષમતા જોવા મળશે એવું અત્યારે તો લાગે છે.
છત્રીસ વર્ષીય વિક્રમાદિત્યના મમ્મી એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર માટે પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતાં હતાં. પછી ટેલિવિઝન શોઝ માટે પ્રોડક્શનની જવાબદારી સંભાળવા લાગ્યાં. વિક્રમાદિત્ય સત્તર-અઢાર વર્ષનો હતો ત્યારથી મમ્મીના સેટ પર જતો. એને નાનાં-મોટાં કામમાં મદદ કરતો, થોડુંક પોકેટમની કમાઈ લેતો. પછી ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘દેવદાસ’ ના મેકિંગ દરમિયાન સંજય ભણસાલીનો આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો. વિક્રમાદિત્ય આજની તારીખે પણ સ્વીકારે છે કે એની પાસે સિનેમાનું જે કંઈ જ્ઞાન છે તે સંજય સરને કારણે છે. તેણે સંજય કરતાં સાવ અલગ સેન્સિબિલિટી ધરાવતા અનુરાગ કશ્યપ સાથે ‘પાંચ’ નામની અન-રિલીઝ્ડ ફિલ્મના મેકિંગ દરમિયાન પણ કામ કર્યું છે. ‘ઉડાન’ની સ્ક્રિપ્ટ વિક્રમાદિત્યે આ વર્ષોમાં લખી નાખી હતી. અનુરાગ સ્વયં તે અરસામાં સ્ટ્રગલર હતા. તેઓ વિક્રમાદિત્યને કહ્યા કરતા કે જો હું પ્રોડયુસર હોત તો તારી આ ફિલ્મ હું જ પ્રોડયુસ કરત. એવું જ થયું. અનુરાગ જરા પાવરફુલ પોઝિશનમાં આવ્યા ને એમણે ‘ઉડાન’ પ્રોડયુસ કરી. વિક્રમાદિત્યે વચ્ચેનાં સાત વર્ષના ગાળામાં બીજી કેટલીય સ્ક્રિપ્ટ્સ લખી લખીને તૈયાર રાખી હતી, પણ એનું મન ‘ઉડાન’ પર જ ઠરતું હતું. ‘ઉડાન’ ફિલ્મ વિક્રમાદિત્યની ફિલ્મી કરિયરના ઉડાન માટે સશક્ત ટેક-ઓફ પુરવાર થઈ.
‘યે જવાની હૈ દીવાની’ રિલીઝ થઈ ત્યારે એના ડિરેક્ટર અયાન મુખર્જી માટે જે વાત કહી હતી તે જ વાત વિક્રમાદિત્ય મોટવાણેને પણ લાગુ પડે છે. કોઈ પણ તેજસ્વી નવોદિત ફિલ્મમેકરની બીજી ફિલ્મ ખૂબ મહત્ત્વની હોય છે, કારણ કે એનાથી એની ક્ષમતાનું ખરેખરું માપ નીકળતું હોય છે. અયાને તો સુપરડુપર ‘યે જવાની…’ બનાવીને પોતાની ધાક જમાવી દીધી છે. જોઈએ, ‘લુટેરા’ વિક્રમાદિત્ય મોટવાણે માટે કેવી કમાલ કરી શકે છે!
શો-સ્ટોપર
અગાઉ હું રાજ કપૂર જેવા બડે બાપ કી ઔલાદ તરીકે ઓળખાતો. આજે હું રણબીર કપૂર જેવા બડા સુપરસ્ટારના બાપ તરીકે ઓળખાઉં છું. અરે ભાઈ, આ બન્નેની વચ્ચે એક રિશિ કપૂર પણ હતો એ તો જરા યાદ રાખો!
– રિશિ કપૂર
નોંધ: આજે ‘સંદૃેશમાં છપાયેલા આ લેખમાં સરતચૂક્થી ‘વિક્રમાદિત્ય મોટવાણે’નો ઉલ્લેખ ‘આદિત્ય મોટવાણે’ તરીક્ે થયો છે. બિગ સોરી!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply