Sun-Temple-Baanner

અલવિદા, રિતુદા..


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


અલવિદા, રિતુદા..


મલ્ટિપ્લેક્સ: અલવિદા, રિતુદા..

Sandesh – Sanskaar Purti – 9 June 2013

Column: મલ્ટિપ્લેક્સ

ઉત્કૃષ્ટ બંગાળી ફિલ્મમેકર ઋતુપર્ણો ઘોષના અણધાર્યા નિધને ભારતીય સિનેમાનાં સો વર્ષના સેલિબ્રેશન પર બ્રેક લગાવી દીધી છે. રિતુદાના સ્ત્રૈણ હાવભાવ, સ્ત્રૈણ ટાપટિપ,સેક્સ્યુઆલિટી બધું જ ભુલાઈ જશે. જે વસ્તુ યાદ રહેવાની છે એ છે એમનું નામ અને કામ, બસ.

* * * * *

એક મધ્યવયસ્ક સ્ત્રી છે. વનલતા એનું નામ. બાપડી દુખિયારી છે. જેની સાથે એનાં લગ્ન થવાનાં હતાં એ માણસનું એકાએક અપમૃત્યુ થઈ ગયું હતું. બસ, એ ક્ષણથી એના જીવનમાં પુરુષનું સ્થાન જાણે કમનસીબે લઈ લીધું. કોલકાતામાં એનું વિશાળ ઘર છે, જેમાં એ સાવ એકલવાયું જીવન ગાળે છે. ક્યાંય બહાર જવાનું નહીં, કોઈ ઘરે આવે નહીં. પણ એક વાર વનલતા પોતાના ઘરને એક ફિલ્મના શૂટિંગ માટે ભાડે આપવા તૈયાર થાય છે અને પરિસ્થિતિ નાટયાત્મક રીતે પલટે છે. અત્યાર સુધી જ્યાં કેવળ સૂનકાર છવાયેલો રહેતો હતો એ ઘરમાં હવે ચહલપહલ થઈ જાય છે. હિરોઈન સુદેષણા જેટલી ગ્લેમરસ સ્ત્રી છે એટલો જ ફિલ્મનો ડિરેક્ટર દીપાંકર ચાર્મિગ માણસ છે. શરૂઆતમાં તો વનલતા આ બધાથી બહુ અકળાય છે, પણ ધીમે ધીમે સ્માર્ટ દીપાંકર તરફ આકર્ષાવા લાગે છે. એ જાણે છે કે દીપાંકર પરિણીત છે, તો પણ. દીપાંકર પણ એને સામો પ્રતિસાદ આપતો રહે છે. વનલતાને ફિલ્મમાં નાનકડો રોલ સુધ્ધાં ઓફર કરે છે. વર્ષોથી શૂન્ય જીવન જીવી રહેલી વનલતા એકાએક ચેતનવંતી બની જાય છે. એક દિવસ શૂટિંગ પૂરું થાય છે. ફિલ્મનું યુનિટ માલસામાન સમેટીને જતું રહે છે. ઘર પાછું ખાલી થઈ જાય છે. ફરી પાછી એ જ ઘોર એકલતા અને એ જ વીંધી નાખતી ઉદાસી…

વર્ષો પહેલાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં આ ‘બારીવાલી’ નામની આ યાદગાર બંગાળી ફિલ્મ જોઈ હતી. બારી એટલે આપણી ભાષામાં કહીએ તો વાડી અથવા મોટું ઘર. બારીવાલી એટલે મોટા મકાનની માલિકણ. કિરણ ખેરે આ ટાઈટલ રોલ કર્યો હતો. ફિલ્મના રાઈટર-ડિરેક્ટર હતા ઋતુપર્ણો ઘોષ. ઘોષબાબુએ ૧૭ વર્ષની તેજસ્વી કરિયરમાં ૨૧ ફિલ્મો બનાવી અને ‘બારીવાલી’ એમાંની ચોથી ફિલ્મ. ફિલ્મોનો આંકડો ઘણો આગળ વધી શક્યો હોત, જો ૪૯ વર્ષની કાચી ઉંમરે એમના આયુષ્ય પર અણધાર્યું પૂર્ણવિરામ મુકાઈ ગયું ન હોત તો. ૩૦મી મેએ એમને અચાનક મેસિવ હાર્ટ એટેક આવી ગયો. આંતરરાષ્ટ્રીય કક્ષા પર છાતી કાઢીને ઊભી રહેતી ફિલ્મો બનાવતા રિતુદાનું જીવન અને કર્મ બન્ને અધૂરાં રહી ગયાં.

હિન્દી ફિલ્મો જોતાં આમ દર્શકો ઋતુપર્ણો ઘોષના કામથી ખાસ પરિચિત કે પ્રભાવિત નથી, કેમ કે એમણે હિન્દીમાં બનાવેલી એક જ ફિલ્મ રિલીઝ થઈ છે. તે છે ઐશ્વર્યા રાય અને અજય દેવગણને ચમકાવતી અને ઓ. હેનરીની વાર્તા પર આધારિત ‘રેઈનકોટ’ (૨૦૦૪). કેટલી અદ્ભુત ફિલ્મ. કોઈક કારણસર વિખૂટાં પડી ગયેલાં પ્રેમીઓ ઐશ્વર્યા અને અજય વર્ષો પછી મળે છે. ઐશ્વર્યાનાં લગ્ન થઈ ચૂક્યાં છે. એ એવું દેખાડવાની કોશિશ કરે છે કે પોતે બહુ ખુશ છે, સુખી છે, જીવનમાં કોઈ સમસ્યા નથી. હકીકત તદ્દન વિપરીત છે. ઐશ્વર્યાને બાપડીને ખાવાના સાંસાં છે. ઘરમાં હાલ્લાં કુસ્તી કરે છે. એ અજય માટે ખાવાનું લેવા બહાર જાય છે. પાછળથી મકાનમાલિક આવીને અજયને હકીકતની જાણ કરે છે. જો ઐશ્વર્યાનો વર ભાડું નહીં ભરે તો પતિ-પત્નીએ રસ્તા પર આવી જવં પડશે. કામની શોધમાં શહેર આવેલા બેકાર અજયનો જીવ કકળી ઊઠે છે. એ પોતાની પાસે જે કંઈ પૈસા હતા એ મકાનમાલિકને આપી દે છે. ઐશ્વર્યા પાછી આવે છે. પડીકાં ખોલીને અજયને જમાડે છે. અજય વિદાય લે છે ત્યારે ઐશ્વર્યા એને પોતાનો રેઈનકોટ આપી દે છેઃ ‘બહાર વરસાદ છે, તું રાખ, નાહકનો પલળતો નહીં.’ અજય દુઃખી થતો ચૂપચાપ નીકળી જાય છે. થોડી વાર પછી એ રેઈનકોટ પહેરીને ખિસ્સામાં હાથ નાખે છે તો એને સોનાની બે બંગડીઓ અને ચિઠ્ઠી મળે છે. ઐશ્વર્યાએ એમાં લખ્યું છેઃ “તું ભલે બોલતો નથી, પણ મને ખબર છે કે તું તકલીફમાં છે. મારો વર તો બહુ રૂપિયાવાળો છે. મારે ક્યાં દરદાગીનાનો તૂટો છે. તું આ સોનાની બંગડીઓ વેચી નાખજે. પૈસા રાખી લેજે. તને કામ આવશે.” સચ્ચાઈ પર ઢાંકપિછોડા કરી રહેલાં બન્ને ભૂતપૂર્વ પ્રેમીઓ ભીષણ ગરીબીમાં પણ એકમેકની તકેદારી લેવાનું ચૂકતાં નથી. ઐશ્વર્યા રાયને કાયમ પ્લાસ્ટિકની પૂતળી… પ્લાસ્ટિકની પૂતળી… કહીને ધીબેડતા રહેતા લોકોએ ‘રેઈનકોટ’માં એનો સંવેદનશીલ અભિનય જોવો જોઈએ.

માનવસંબંધોની સૂક્ષ્મતો તથા મનના, લાગણીઓના જટિલ આરોહ-અવરોહને અસરકારક રીતે રજૂ કરવામાં ઋતુપર્ણો ઘોષની માસ્ટરી હતી. સિનેમા એમનું પેશન પણ હતો અને અભિવ્યક્તિ પણ. અલબત્ત, પોતાના કામ પ્રત્યે ફક્ત ઝનૂન હોય એ પૂરતું નથી, શ્રેષ્ઠતા પામવા માટે છલોછલ પ્રતિભા પણ જોઈએ. રિતુદામાં આ બન્ને તત્ત્વોનું કોમ્બિનેશન થયું હતું. ફિલ્મી કલાકારો આખી જિંદગી ખર્ચી નાખે છે છતાં એક નેશનલ અવોર્ડ નસીબ થતો નથી, જ્યારે રિતુદાની બીજી જ ફિલ્મ ‘ઉનીશે એપ્રિલ’એ બબ્બે નેશનલ અવોર્ડ જીતી લીધા હતા. એ વખતે રિતુદાની ઉંમર હતી ફક્ત ૩૧ વર્ષ. પછી તો નેશનલ એવોર્ડ્ઝની કતાર થઈ ગઈ. એમણે બાર-બાર રાષ્ટ્રીય પારિતોષિકો જીત્યાં. એમની ફિલ્મોમાં કામ કરનારાં અભિનેતા-અભિનેત્રીઓએ જીતેલાં નેશનલ એવોર્ડ્ઝ તો અલગ.

રિતુદાના પિતાજી ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર હતા. માતા પણ સિનેમા સાથે જ સંકળાયેલાં હતાં. આથી મોટા થઈને કરિયરની પસંદગીની બાબતમાં મૂંઝાવાનો સવાલ જ નહોતો. સત્યજિત રાય, ઋત્વિક ઘટક, મૃણાલ સેન અને તપન સેનથી અંજાયેલા રિતુદાએ એમની પરંપરાને ઉત્તમ રીતે આગળ વધારી. સિનેમાના મામલામાં ખૂબ જ્ઞાની માણસ હતા રિતુદા. સેટ પર એ કોઈની સાથે ચર્ચા કરતા હોય તો આસપાસ લોકો એમને સાંભળવા ઊભા રહી જતા. તેઓ ડિરેક્ટર ઉપરાંત લેખક અને એક્ટર પણ હતા. ફિલ્મના એકેએક પાસાનું કમાલનું ડિટેલિંગ કરતા.

તેમની ગે જીવનશૈલી ખાસ્સી ચર્ચાસ્પદ રહી. રિતુદાની ‘મેમરીઝ ઓફ માર્ચ’ અને ‘ચિત્રાંગદા’ જેવી પાછલી ફિલ્મોમાં સેક્સ્યુઅલ આઈડેન્ટિટીની થીમ ઉત્તરોત્તર સશક્ત બનતી ગઈ. તેમણે પોતાની સેક્સ્યુઆલિટીને છુપાવી નહીં, બલકે પોતાની ફિલ્મો થકી એને એક પ્રકારની ગરિમા આપવાની કોશિશ કરી. તેમના હાવભાવ અને અંગભંગિમાઓ સ્ત્રી જેવાં હતાં, પણ પોતે પુરુષના શરીરમાં સપડાઈ ગયેલી સ્ત્રી છે એવી લાગણી એમને કદી થઈ નહીં. તેઓ ક્રોસ-ડ્રેસર હતા. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સ્ત્રીઓની જેમ સલવાર-કમીઝ-દુપટ્ટો ધારણ કરીને જતા, ચાંદલો અને આંજણ કરતા, ઘરેણાં પહેરતા. પોતે જે છે, જેવા છે એવા જ વ્યક્ત થવાની હિંમત એમણે દેખાડી ખરી, પણ એમની જાતીયતાએ એમને ખૂબ પીડા આપી, એમને એકલવાયા કરી મૂક્યા. ખાસ કરીને માતાના અવસાન પછી તેઓ ખૂબ એકલા પડી ગયા હતા. એક વાર એક બોલિવૂડ સુપરસ્ટારના ઘરે તેઓ મિટિંગ માટે ગયેલા. સુપરસ્ટારના દીકરાએ રિતુદાને સંભળાય એમ પૂછયું: “ડેડી, આમને હું રિતુઅંકલ કહું કે રિતુઆન્ટી?” એ વખતે તો રિતુદા મોટેથી હસી પડયા હતા, પણ અંદરખાને આ પ્રકારની ટિપ્પણીઓથી તેઓ ઘવાઈ જતા. સ્વાભાવિક છે. ખાસ કરીને બોલિવૂડના હીરો સાથે કામ કરતી વખતે એમને કોઈ ખોટાં સિગ્નલ ન મળે તે માટે રિતુદા બહુ જ સભાન રહેતા. એમની ‘લાસ્ટ લિઅર’માં અમિતાભ બચ્ચન અને અર્જુન રામપાલે કામ કર્યું હતું. સાંજ પડતાં એ વહેલા શૂટિંગ પતાવી નાખતા. કોઈ હીરોની હોટલરૂમમાં ચર્ચા કરવા કે બીજા કોઈ કામ માટે તેઓ ક્યારેય જતા નહીં.

રિતુદાની બીજી હિન્દી ફિલ્મ ‘સનગ્લાસ’માં નસીરુદ્દીન શાહ, જયા બચ્ચન, કોંકણા સેન શર્મા અને માધવન જેવું અફલાતૂન કાસ્ટિંગ છે. આશા રાખીએ કે અભરાઈ પર ચડી ગયેલી આ ફિલ્મ વ્યવસ્થિત રીતે રિલીઝ થઈને આપણા સુધી પહોંચે.

ભારતીય સિનેમાના ઇતિહાસમાં રિતુપર્ણો ઘોષ એક સુવર્ણાક્ષરે અંકિત થઈ ગયેલું નામ છે. એમના સ્ત્રૈણ હાવભાવ, સ્ત્રૈણ ટાપટિપ,સેક્સ્યુઆલિટી બધું જ ભુલાઈ જશે. જે વસ્તુ યાદ રહેવાની છે એ છે એમનું નામ અને કામ, બસ.

શો-સ્ટોપર

મને જીવનમાં એક જ અફસોસ રહી ગયો છે અને તે એ કે હું માધુરી દીક્ષિત સાથે કામ ન કરી શક્યો.

– ઋતુપર્ણો ઘોષ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.