Sun-Temple-Baanner

A Beautiful Mind – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


A Beautiful Mind – Hollywood 100


હોલીવૂડ હંડ્રેડ: અ બ્યુટીફુલ માઈન્ડ: ઈતની શક્તિ હમેં દેના દાતા…

મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) – તા. ૨૧ જૂન ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ખુદની નબળાઈઓ સતાવ્યા કરતી હોય, મનોબળ ઢીલું પડી જતું અનુભવાતું હોય ત્યારે ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ ફિલ્મ જોઈ લેવી. ભીતર જાણે શક્તિનો સંચાર થઈ ગયો હોય એવી લાગણી જાગશે. બહુ ઓછી ફિલ્મોમાં આ પ્રકારની તાકાત હોય છે!

* * * * *

ફિલ્મ નંબર ૨૭. અ બ્યુટીફુલ માઈન્ડ

માનવ-મનની શક્તિ અપાર છે. મનોબળ મક્કમ કરી લે તો માણસ પોતાની મોટામાં મોટી નબળાઈઓને પણ કાબૂમાં કરી શકે છે, એના પર વિજય મેળવી શકે છે. સત્યકથા પર આધારિત ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ ફિલ્મમાં આ સત્ય ગજબની અસરકારકતા સાથે ઊભર્યું છે.

ફિલ્મમાં શું છે?

યુવાન જોન નેશ (રસલ ક્રો) એક નંબરનો ભણેશરી છે. ગણિત માટે કોઈ મોટી સ્કોલરશિપ જીતીને એ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે આવે છે. અહીં એણે હોસ્ટેલમાં રહેવાનું છે. એને સીંગલ-સીટેડ રુમ મળશે તેમ કહેવામાં આવ્યું હતું, પણ એ બેગ-બિસ્તરા લઈને પોતાના કમરામાં પહોંચે છે ત્યારે એને ખબર પડે છે કે આ તો ડબલ-સીટેડ રુમ છે. ચાર્લ્સ (પોલ બેટની) નામનો એક વિદ્યાર્થી અહીં ઓલરેડી રહે છે. ખેર, પોતાના રુમમેટ સાથે જોનને પાક્કી ભાઈબંધી થઈ જાય છે. પ્રિન્સ્ટનમાં ભણી લીધા પછી જોનને પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં જોબ મળી જાય છે. અહીં એલિશિયા (જેનિફર કોલેની) નામની પોતાની એક સુંદર વિદ્યાર્થિનીના પ્રેમમાં પડી તેને પરણી જાય છે.

એક વાર જોન પ્રિન્સ્ટન યુનિવર્સિટીની મુલાકાતે જાય છે. અહીં એનો ભેટો પોતાના રુમમેટ ચાર્લ્સ સાથે થઈ જાય છે. જોન ખુશ થઈ જાય છે જૂના દોસ્તારને મળીને. ચાર્લ્સની સાથે એની દસેક વર્ષની રુપકડી ભાણેજ માર્સી પણ છે. જોન ઓર એક માણસને મળે છે. વિલિયમ પાર્ચર (એડ હેરિસ) એનું નામ. એ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનો સિક્રેટ એજન્ટ છે. જોનને એ દુશ્મન દેશોનાં ગુપ્ત કોડ ઉકેલનાર ક્રિપ્ટોલોજિસ્ટ તરીકે કામ કરવાનું આમંત્રણ આપે છે. જોનનું અસાઈન્મેન્ટ ખાસ્સું જોખમી છે. રશિયનોએ ખતરનાક કાવતરું ઘડ્યું છે, જેમના ગુપ્ત સંકેતો છાપાં-મેેગેઝિનોમાં છપાયેલાં લેખો અને તસવીરોમાં સંતાયેલા છે. જોને એમાંથી કોડવર્ડ્ઝની ગુપ્ત પેટર્ન એણે શોધી કાઢવાની છે. પછી રિપોર્ટ તૈયાર કરી કરીને એક ચોક્કસ ટપાલના ડબામાં કવર નાખી દેવાનાં. કમનસીબે રશિયન એજન્ટ્સને ખબર પડતાં જ તેઓ હાથ ધોઈને જોનની પાછળ પડી જાય છે. સિક્રેટ મિશન છે એટલે એલિશિયા સાથે જોને કશું શેર કર્યું નથી. જોન પોતાના ઘરમાં પણ ડરતો-ફફડતો રહે છે. એને સતત લાગતું રહે છે કે કોઈ એનો પીછો કરી રહ્યું છે, એના પર નજર રાખી રહ્યું છે. જોનનું વર્તન એટલું બધું વિચિત્ર બનતું જાય છે કે એેલિશિયાએ મનોચિકિત્સકોની મદદ લેવી પડે છે.

એક વાર એ કોલેજમાં લેક્ચર લઈ રહ્યો હતો ત્યારે અચાનક ક્ેટલાક અજાણ્યા માણસો ક્લાસમાં ઘૂસી જાય છે. જોન ગભરાઈને નાસે છે. પેલા માણસો એને પકડીને વેનમાં પૂરીને માનસિક રોગીઓ માટેની હોસ્પિટલ લઈ જાય છે. જોનને ખાતરી થઈ જાય છે કે આ રશિયનો જ છે, જેમણે ગુપ્ત માહિતી કઢાવવા મારું અપહરણ કર્યું છે. પત્ની એલિશિયા એને મળવા આવે છે ત્યારે જોન ગભરાતા ગભરાતા બધી વાત કરે છે કે જો, હું એક ટોપ સિક્રેટ મિશન પર કામ કરી રહ્યો છું અને આ રશિયનો મારી પાસેથી સંવેદનશીલ ઈન્ફર્મેશન ઓકાવવા માગે છે. એલિશિયા ચુપચાપ થેલામાંથી કેટલાક કવર કાઢે છે. આ એ જ કવર્સ છે, જેમાં રિપોર્ટ્સ બીડીને જોન છાનોમાનો એક ગુપ્ત પોસ્ટઓફિસના ડબામાં નાખી આવતો હતો. તમામ કવર ખોલ્યાં વિનાનાં એવાંને એવાં છે. એલિશિયા કહે છે: જોન, તને સ્કિઝોફ્રેનિયાનો રોગ લાગુ પડ્યો છે અને આ બધો તારા મનનો વહેમ છે. એજન્ટ વિલિયમ, સિક્રેટ મિશન, રશિયનોનું કાવતરું એવું કશું છે જ નહીં. તું જેને તારો રુમમેટ માને છે તે ચાર્લ્સ પણ કાલ્પનિક છે. તું હોસ્ટેલના તારા કમરામાં એકલો રહેતો હતો. તારે ક્યારેય કોઈ રુમમેટ હતો જ નહીં. આ બધું કેવળ તારા દિમાગે રચેલી માયાજાળ છે! સ્તબ્ધ થઈ ગયેલો જોન એલિશિયાની વાત માની લે છે.

પીડાદાયી શોક ટ્રીટમેન્ટ પછી જોન હોસ્પિટલમાંથી છૂટે છે. એણે હવે ફરજિયાત એન્ટિસાઈકોટિક દવાઓ લેતા રહેવાની છે. આ દવાની સાઈડ-ઈફેક્ટ્સ રુપે જોનની કામેચ્છા અને બૌદ્ધિક ક્ષમતા બન્ને મંદ થવા માંડે છે. ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો જોન ટેબ્લેટ્સ ગળવાને બદલે ગુપચુપ ફેંકી દેવાનું શરુ કરી દે છે. દવા બંધ થતાં જ એની માનસિક ભૂતાવળ પાછી જાગી ઊઠે છે. એને ફરી પાછા ચાર્લ્સ, નાનકડી માર્સી, વિલિયમ વગેરે દેખાવા માંડે છે. એ નવેસરથી સિક્રેટ મિશનનો હિસ્સો બની કોર્ડવર્ડ્ઝ ઉકેલવાનું શરુ કરી દે છે. એ એટલો બધો ગૂંચવાઈ જાય છે એની બેધ્યાન અવસ્થાને કારણે એનો નાનકડો દીકરો બાથટબમાં ડૂબતા માંડ માંડ બચે છે. એલિશિયાને સમજાઈ જાય છે કે હવે આ ઘરમાં રહેવામાં જાનનું જોખમ છે. એ દીકરાને લઈને ભાગે છે. જોનને ઘરમાં ચાર્લ્સ, વિલિયમ અને નાનકડી માર્સી પણ દેખાતાં રહે છે. અચાનક જોનને ભાન થાય છે કે માર્સીને મેં જ્યારથી જોઈ છે ત્યારથી આવડીને આવડી જ છે. એની ઉંમર વધતી જ નથી! આ વખતે પહેલીવાર એને જડબેસલાક સમજાય છે કે ચાર્લ્સ, વિલિયમ અને માર્સી ફક્ત એનાં મનના વહેમ છે. વાસ્તવમાં આવું કશું છે જ નહીં અને પોતે ખરેખર માનસિક બીમારીથી પીડાય છે.

એલિશિયા એને પુષ્કળ હૂંફ આપે છે. જોન હવે ઉપાય શોધી કાઢે છે કે હવે મને આ ત્રણ પાત્રો દેખાશે તો પણ એના તરફ ધ્યાન નહીં આપું, તેમની સંપૂર્ણ અવગણના કરીશ અને આ રીતે મારા મનની માંદગીને પોષણ આપવાનું બંધ કરીશ. બહુ કપરું છે આમ કરવું, પણ જોને મક્કમ નિર્ધાર કરી લીધો છે. એને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પાછું સ્થાન મળે છે. એને હજુય હાલતાંચાલતાં ચાર્લ્સ-વિલિયમ-માર્સી અથડાતાં રહે છે, પણ એ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે. ધીમે ધીમે આ ત્રિપુટી દેખાતી ઓછી થવા લાગે છે. જોન ગણિત ભણાવવાનું શરુ કરે છે. ગેમ થિયરી અને પાર્શિયલ ડિફરન્શિયલ ઈક્વેશન જેવી જટિલ વિષય પર રીસર્ચ કરે છે. વર્ષો વીતતાં જાય છે. જોનનું મનોબળ અકબંધ રહે છે. ચાર્લ્સ-વિલિયમ-માર્સી હવે એને ડરાવી શકતા નથી, બલકે જોનની સામે એ લાચાર થઈ ગયાં છે. જોન પોતાના કામમાં એ એટલો માહિર પૂરવાર થાય છે કે એને ઈકોનોમિક સાયન્સિસનું નોબલ પ્રાઈઝ એનાયત થાય છે. સમારંભ પછી ઓડિટોરિયમમી બહાર નીકળતી વખતે એને ફરી પાછી પેલી ત્રિપુટી દેખાય છે. જોન ઊભો રહી જાય છે. એલિશિયા પૂછે છે: શું થયું? જોન કહે છે: કશું નહીં! સિદ્ધિ અને સંતોષના બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

અસલી જોન નેશના જિંદગી પર સિલ્વિયા નેસર નામની લેખિકાએ ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ નામનું પુસ્તક લખ્યું હતું. ‘વેનિટી ફેર’ મેગેઝિને ુપુસ્તક વિશે છાપ્યો, જે વાંચતાની સાથે જ પ્રોડ્યુસર બ્રાયન ગ્રેઝરે ફટ્ દઈને પુસ્તકનાં રાઈટ્સ ખરીદી લીધા. જોન નેશની જીવનકથામાં જબરદસ્ત મોટિવેશનલ વેલ્યુ હોવાથી હોલિવૂડના ઘણા પ્રોડ્યુસરોની આ પુસ્તક પર નજર હતી. રોન હોવાર્ડને ફિલ્મનું ડિરેક્શન સોંપવામાં આવ્યું. ચાર્લ્સ-વિલિયમ-માર્સી અસલી નહીં, પણ કાલ્પનિક છે એની ખબર જોનની જેમ શરુઆતમાં ઓડિયન્સને પણ પડતી નથી તે કરામત સ્ક્રિપ્ટ રાઈટર અકિરા ગોલ્ડ્સમેનની છે. પટકથાના પહેલા ડ્રાફ્ટ પછી ડિરેક્ટરે સૂચન કર્યું કે પતિ-પત્નીના પ્રેમના જરા ઓર બહેલાવો. પ્રિયજનની હૂંફ હોય તો જીવનનાં કઠિનમાં કઠિન યુદ્ધો પણ જીતી શકાય છે તે વાત આ ફિલ્મમાં બહુ જ ખૂબસૂરત રીતે ઊભરી છે. અસલિયતમાં જોકે જોન નેશ અને એલિશિયાના ડિવોર્સ થઈ ગયા હતા. સાત વર્ષ અલગ રહ્યા પછી, નોબલ પ્રાઈઝ મળ્યું તે અરસામાં તેઓ ફરી સાથે રહેવા લાગ્યાં. વર્ષો બાદ પુનર્લગ્ન પણ કર્યું. અસલી જોનને કાલ્પનિક પાત્રોનાં માત્ર અવાજો સંભળાતા, દેખાતાં નહીં, પણ ફિલ્મમાં ક્રિયેટિવ લિબર્ટી લઈને ચાર્લ્સ-વિલિયમ-માર્સીને વિઝ્યઅલી દેખાડવામાં આવ્યાં છે. જોન નેશના હોમોસેક્સ્યુઅલ અનુભવો વિશે કાનાફૂસી થઈ હતી, પણ ફિલ્મમાં આ મુદ્દાને ગાળી નાખવામાં આવ્યો છે.

કમાલનો અભિનય કર્યો છે રસલ ક્રોએ ‘અ બ્યુટીફુલ માઈન્ડ’માં. જોકે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ એની પત્ની બનતી જેનિફર કોનેલીને મળ્યો. આ સિવાય પણ બીજા ત્રણ ઓસ્કર ફિલ્મને મળ્યાં. ફિલ્મ ખૂબ વખણાઈ અને સરસ ચાલી. હીરો ગણિતજ્ઞ હોય અને એને પાછી માનસિક બીમારી હોય – આ વિષય સાંભળવામાં ભલે ભારેખમ લાગે, પણ ફિલ્મ અત્યંત ગતિશીલ અને હૃદયસ્પર્શી બની છે. એક ક્ષણ માટે પણ તે ઢીલી પડ્યા વગર સતત તમને જકડી રાખે છે. ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ની ડીવીડી હંમેશાં હાથવગી રાખવા જેવી છે. ખુદની નબળાઈઓ સતાવ્યા કરતી હોય, મનોબળ ઢીલું પડી જતું અનુભવાતું હોય ત્યારે આ ફિલ્મ જોઈ લેવી. ભીતર જાણે શક્તિનો સંચાર થઈ ગયો હોય એવી લાગણી જાગશે. બહુ ઓછી ફિલ્મોમાં આ પ્રકારની તાકાત હોય છે!

‘અ બ્યુટીફુલ માઈન્ડ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર : રોન હોવર્ડ
મૂળ લેખિકા : સિલ્વિયા નેસર
સ્ક્રીનપ્લે : અકિવા ગોલ્ડ્સમેન
કલાકાર : રલસ ક્રો, જેનિફર કોનેલી, એડ હેરિસ
રિલીઝ ડેટ : ૨૧ ડિસેમ્બર ૨૦૦૧
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડઝ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.