હોલીવૂડ હંડ્રેડ: ફિલ્મ નંબર ૧૭. ગુડફેલાઝ :ગોલી માર ભેજે મેં…
મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) – તા. ૧૦ એપ્રિલ ૨૦૧૩
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
ગેંગસ્ટર વિશેની ફિલ્મોની ચર્ચા ‘ગુડફેલાઝ’ વગર અધૂરી રહી જાય. અમુક ફિલ્મી પંડિતોના મતે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનું આટલું પરફેક્ટ ડિટેલિંગ ‘ધ ગોડફાધર’માં પણ થયું નથી.
ફિલ્મ નંબર ૧૭. ગુડફેલાઝ
હોલીવૂડના સૌથી તેજસ્વી ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા માર્ટિન સ્કોર્સેઝીની આ લેખમાળામાં આજે પહેલી એન્ટ્રી છે. આગળ પણ એક કરતાં વધારે વખત થશે. ‘ગુડફેલાઝ’માં સ્કોર્સેઝીએ એક ગેંગસ્ટરના જીવનનાં ત્રીસ વર્ષોનો રોમાંચક ગ્રાફ દોર્યો છે. આ ફિલ્મ જોતી વખતે તમને ‘સત્યા’, ‘કંપની’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી ફિલ્મો જરુર યાદ આવવાની.
ફિલ્મમાં શું છે?
અંધારી રાત છે. ત્રણ માણસો કારમાં હાઈવે પર કશેક જઈ રહ્યા છે. અચાનક કયાંકથી ઠક…ઠક…ઠક અવાજ આવે છે. કારને રસ્તાની એક બાજુ ઊભી રાખી સાવચેતીપૂર્વક ડિકી ખોલવામાં આવે છે. અંદર ભયાનક રીતે લોહીલુહાણ થઈ ગયેલો માણસ કણસાતો પડ્યો છે. ઠક…ઠક અવાજ એ જ કરતો હતો. એને જોઈને ત્રણેય આદમીઓના ચહેરા તંગ થઈ જાય છે: આ હજુય મર્યો નથી, સાલો? એક માણસ આગળ આવીને પેલાનાં મુડદાલ શરીરમાં ખચ્ચ ખચ્ચ કરતા છરાના ઉપરાછાપરી ઘા કરે છે. આટલાથી જાણે સંતોષ થયો ન હોય એમ બીજો એના પર ચાર-પાંચ ગોળી છોડે છે. માંડ માંડ અટકી રહેલો માણસનો જીવ ઝાટકા સાથે ઊડી જાય છે. ત્રણમાંથી સૌથી જુવાન દેખાતા આદમીનો ચહેરો સ્ક્રીન પર સ્થિર થાય છે અને બેકગ્રાઉન્ડમાં એનો અવાજ સંભળાય છે: ‘મન યાદ છે ત્યાં સુધી… મારે હંમેશા ગેંગસ્ટર જ બનવું હતું.’
ફિલ્મનો આ પહેલો પ્રોપર ડાયલોગ. આ વાક્ય અને લોહિયાળ ઓપનિંગ સિકવન્સ આખા ફિલ્મનો મૂડ સેટ કરી નાખે છે. વાર્તા હવે ફ્લેશબેકમાં ખૂલે છે. પેલા જુવાન આદમીનું નામ હેનરી હિલ (રે લિઓટા) છે. ન્યુયોર્કમાં ઈટાલિયન લોકોની બહુમતીવાળા વિસ્તારમાં તે પોતાનાં પરિવાર સાથે રહે છે. નાનો હતો ત્યારેથી એને પોતાના એરિયાના પૉલ સિસેરો (પૉલ સોરવિનો) નામના ગુંડાની વૈભવી લાઈફસ્ટાઈલ અને દબદબાનું ભારે આકર્ષણ હતું. ૧૯૫૫ની આ વાત. પોકેટમની માટે જોબ કરવાના બહાને તે સિસેરોની ક્લબમાં નાનાંમોટાં કામ કરવા લાગે છે. હેનરીની ક્રિમિનલ તરીકેની જિંદગીની શરુઆત આ રીતે થાય છે. ફિલ્મના પહેલાં સીનમાં એના જે બે સાથીઓ દેખાયા હતા તે જિમી કોનવે (રોબર્ટ ડી નિરો) અને ટોમી ડિવીટો (Joe પેશી) સાથે એનો ભેટો અહીં જ થાય છે. જિમીને કિમતી માલસામાન ભરેલા વાહનો ચોરવામાં ભારે મોજ પડે છે. ટોમીની તાસીર એવી છે કે સાવ ધૂળ જેવી વાતમાં એ સામેના માણસ પર ગોળી ચલાવી દેતાં એક પળનો પણ વિચાર ન કરે.
હેનરી જુવાન થાય છે. એરપોર્ટ પર કાર્ગો પ્લેનમાંથી કરોડો ડોલરનાં નકદ નાણાંની ઉપાચત કરવાનાં એક ઓપરેશનમાં હેનરીને સફળતા મળતા જ બોસ સિસેરોનોે એના પર ભરોસો બેસી જાય છે. જોકે હેનરી જાણે છે કે પોતે ગમે મોટાં પરાક્રમ કરી બતાવશે તો પણ બોસના સૌથી અંગત વર્તુળમાં એ ક્યારેય સ્થાન પામી શકવાનો નથી. તે માટે પૂરેપૂરા ઈટાલિયન હોવું જરુરી છે, જ્યારે હેનરી હાફ-ઈટાલિયન, હાફ-આઈરિશ છે. જિમી પણ હાફ-ઈટાલિયન છે. ખેર, હેનરી આ લપ્પનછપ્પનમાં પડ્યા વિના આગળ વધતો જાય છે. કરેન (લોરિએન બ્રેકો) નામની સીધીસાદી જ્યુઈશ યુવતીના પ્રેમમાં પડે છે. માબાપ વિરોધ ન કરે તે માટે કરેન ખોટેખોટું કહી દે છે કે હેનરી હાફ-જ્યુઈશ છે.
સમય વીતતાં હેનરી, જિમી અને ટોમી ત્રણેય વધુને વધુ ખૂંખાર બનતા જાય છે. હેનરીનું લગ્નજીવન કથળી રહ્યું છે. એની કારણ એની રખાત છે. એક વાર કોઈ કારનામામાં હેનરી અને જિમીને ચાર વર્ષની જેલ થઈ જાય છે. હેનરી જેલમાં રહીને નશીલી દવાનો ધંધો કરવા લાગે છે. આ લાઈનમાં બહુ પૈસા હોવાથી જેલમાંથી બહાર આવ્યા બાદ તે ડ્રગ્ઝની હેરાફેરી વધારી દે છે. ડ્રગ્ઝને લગતા કાયદા ખૂબ કડક છે એટલે બોસ સિસેરો એને ચેતવે છે, પણ એનું સાંભળે કોણ. ઊલટાનો એ તો જિમી, પોતાની પત્ની અને રખાતને પણ આ કામમાં લગાડી દે છે.
ખૂનખરાબાનો સિલસિલો સમાંતરે ચાલતો રહે છે. માફિયાઓના આંતરિક સંબંધોમાં હવે બદલાવ આવવા માંડે છે. સિસેરોના માણસો ટોમીની ઠંડે કલેજે હત્યા કરી નાખે છે. ૧૯૮૦માં ડ્રગ્ઝના એક ઓપરેશન દરમિયાન હેનરી પાછો પકડાઈ જાય છે. એ ખુદ ડ્રગ એડિક્ટ બની ચૂક્યો છે. કરેન એને જામીન પર છોડાવે છે. કરેને ગભરાઈને ઘરમાં નશીલી દવાનો મોંઘોદાટ જથ્થો હતો તેનો નાશ કરી નાખ્યો હતો. હેનરી પાસે હવે ફૂટી કોડી પણ બચી નથી. સિસેરો મોં ફેરવી લે છે. જિમીના રંગઢંગ પણ બદલાઈ ગયા છે. હેનરી નિર્ણય લે છે કે પોતાની અને ખુદના પરિવારની સલામતી માટે એફબીઆઈના ખબરી બની જવું. તે અદાલતમાં જિમી અને અન્યો વિરુદ્ધ જુબાની આપે છે. ફિલ્મનો આ ક્લાઈમેક્સ છે. હેનરીનો હવે માફિયાગીરી સાથેનો નાતો સંપૂર્ણપણે કપાઈ ગયો છે. બસ, હવે જિંદગીના વધ્યાઘટ્યાં વર્ષો સડક પરના કોઈ પણ મામૂલી માણસની જેમ બોરિંગ અને બીબાંઢાળ ઢબે જીવી નાખવાનાં છે. આ કેફિયત પર ફિલ્મ પૂરી થાય છે.
કથા પહેલાંની અને પછીની
‘ગુડફેલાઝ’ સાચુકલાં પાત્રો અને બનાવો પર આધારિત ફિલ્મ છે. નિકોલસ પિલેગી નામના ન્યુયોર્કના એક ક્રાઈમ રિપોર્ટરે ‘વાઈઝ ગાય’ નામનું નોન-ફિક્શન પુસ્તક લખ્યું હતું. તેમાં અસલી હેનરીએ ગેંગસ્ટર તરીકે જીવેલાં જીવન વિશેનું ગજબનું ઝીણવટભર્યું લખાણ હતું. ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝીએ પહેલાં પુસ્તકનો રિવ્યુ વાંચ્યો, પછી આખું પુસ્તક વાંચી ગયા. માફિયાઓ વિશેનું આટલું અધિકૃત લખાણ ેએમણે અગાઉ ક્યારેય નહોતું વાંચ્યું. પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો ત્વરિત નિર્ણય લઈ એમણે લેખક નિકોલસને ફોન જોડ્યો: ‘મને એવું લાગે છે કે જાણે હું આખી લાઈફ આ જ પુસ્તકની રાહ જોઈ રહ્યો હતો.’ નિકોલસે તરત સામો જવાબ આપ્યો: ‘…અને મને એવું લાગે છે કે આખી લાઈફ હું આ જ ફોનની રાહ જોઈ રહ્યો હતો!’
સૌથી પહેલું કાસ્ટિંગ રોબર્ટ ડી નીરોનું થયું. સ્કોર્સેઝી ખરેખર તો અલ પચીનોને જિમીના રોલમાં લેવા માગતા હતા, પણ પચીનોએ ના પાડી. આ ઈનકારનો અફસોસ પછી એમને જિંદગીભર રહ્યો! પ્રોડ્યુસર ઈરવિન વિન્કલરના મનમાં મેઈન હીરો-હિરોઈન તરીકે એટલે કે પાત્ર માટે બે નામ હતાં: ટોમ ક્રુઝ અને પોપસ્ટાર મડોના. શૉન પેનનું નામ પણ વિચારાયું હતું. આખરે રોબર્ટ ડી નીરોએ રે લિઓટા નામના પ્રમાણમાં ઓછા જાણીતા એક્ટરનું નામ સૂચવ્યું. લિઓટાએ ખુદ આ રોલ માટે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. પ્રોડ્યુસરની જરાય ઈચ્છા નહોતી કે લિઓટાને લેવામાં આવે. એક વાર તેઓ રેસ્ટોરાંમાં જમી રહ્યા હતા ત્યારે લિઓટા વગર કહ્યે એમને મળવા પહોંચી ગયો. ‘સર, મન તમારી ફક્ત બે મિનિટ જોઈએ છે’ કહીને એણે પ્રોડ્યુસર સામે એવી જોરદાર રજૂઆત કરી કે બીજા દિવસે પ્રોડ્યુસરે સ્કોર્સેઝીને કહી દીધું: હીરોના રોલમાં લિઓટાનું ડન કરી નાખો!
મૂળ પુસ્તકના લેખક નિકોલસ પિલેગીએ સ્ક્રિપ્ટના બાર ડ્રાફ્ટ્સ લખ્યા હતા. માર્ટિન સ્કોર્સેઝીએ એક્ટરોને દશ્યોને પોતપોતાની રીતે ભજવવાની પૂરેપૂરી છૂટ આપી હતી. ખૂબ રિહર્સલ્સ થતાં, ઈમ્પ્રોવાઈઝેશન્સ થતાં. એક્ટરો નવી લાઈનો ઉમેરતા. આમાંથી જે કંઈ શ્રેષ્ઠ નીપજે તેને સ્કોર્સેઝી મૂળ સ્ક્રિપ્ટમાં સામેલ કરી દેતા. લિઓટા અને જા પેશીનો એક ‘યુ થિન્ક આઈ એમ ફની?’વાળો એક સીન છે, જે સંભવત: ફિલ્મનું સૌથી યાદગાર અને શ્રેષ્ઠ દશ્ય છે. તે આ જ રીતે ઈમ્પ્રોવાઈઝ થયું હતું. સ્કોર્સેઝી આખી ફિલ્મને અઢી કલાકના ટ્રેલર જેવી ફાસ્ટ-પેસ્ડ બનાવવા માગતા હતા. તેમના હિસાબે તો જ માફિયાઓની લાઈફસ્ટાઈલ અને વરણાગીપણું વ્યવસ્થિતપણે ઝીલી શકાય એમ હતું. સ્કોર્સેઝી જાણે ઓડિયન્સનો હાથ પકડીને માફિયાઓના જીવનમાં, તેમનાં ઘરોમાં લઈ જાય છે. ફિલ્મમાં પાર્ટીઓ, ખાણીપીણી, જુગાર અને ફક્કડ લાઈફસ્ટાઈલનાં દશ્યોને ખૂનામરકી અને હિંસાનાં દશ્યો જેટલું જ મહત્ત્વ મળ્યું છે.
‘ટેક્સી ડ્રાઈવર’ અને ‘રેજિંગ બુલ’ ફિલ્મો બનાવીને માર્ટિન સ્કોર્સેઝીએ હોલીવૂડમાં પોતાની સજ્જડ છાપ ઊભી કરી હતી. ‘ગુડફેલાઝ’થી આ છાપ ઓર મજબૂત થઈ. ફિલ્મના ટ્રાયલ દરમિયાન આશ્ચર્ય થાય એટલા બધા ખરાબ પ્રતિભાવ મળ્યા હતા, પણ તે રિલીઝ થયા પછી ઓડિયન્સ અને સમીક્ષકો એના પ્રેમમાં પડી ગયા. હોલીવૂડની ઓલટાઈમ ગ્રેટ ગેંગસ્ટર્સ મુવીઝમાં ‘ગુડફેલાઝ’નું નિશ્ચિત સ્થાન છે. ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં: બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ રાઈટિંગ, બેસ્ટ એડિટિંગ, બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ (લોરિએન બ્રેકો) અને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (જા પેશી). Joe પેશી અવોર્ડ જીતી ગયા. આ ફિલ્મનું કોઈ એક પાત્ર જો સૌથી યાદ રહી જતું હોય તો તે છે Joe પેશીનું વાતવાતમાં ભડકી ઉઠતા ટોમીનું જ છે. ફિલ્મમાં ગાળોની રમઝટ છે. ‘એફ’ પરથી શરુ થતી અંગ્રજી ગાળ ૨૯૬ વખત બોલાય છે. મતલબ કે દર ૨.૦૪ મિનિટે એક વાર. આમાંથી અડધોઅડધ વખત એફ-વર્ડ Joe પેશીનું કિરદાર બોલે છે!
‘ગુડફેલાઝ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર : માર્ટિન સ્કોર્સેઝી
Original લેખક : નિકોલસ પિલેગી
સ્ક્રીનપ્લે : નિકોલસ પિલેગી અને માર્ટિન સ્કોર્સેઝી
કલાકાર : રોબર્ટ ડી નીરો, રે લિઓટા, Joe પેશી, લોરિએન બ્રેકો
રિલીઝ ડેટ : ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૦
મહત્ત્વના અવોર્ડઝ: Joe પેશીને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલનો ઓસ્કર
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply