ફ્લેશ ફોરવર્ડ 2013
દિવ્ય ભાસ્કર – સન્ડે સપ્લીમેન્ટ – 6 જાન્યુઆરી 2013
કોલમ: મલ્ટિપ્લેક્સ
આ વર્ષે જાતજાતની અને ભાતભાતની ફિલ્મોનો આખેઆખો અન્નકોટ આપણી સામે પેશ થવાનો છે. પેશ છે સૌથી લિજ્જતદાર ફિલ્મોની એક ઝલક.
* * * * *
આ રહી 2013માં રિલીઝ થનારી ઈમ્પોર્ટન્ટ ફિલ્મોની સૂચિ. યાદ રહે, મહત્ત્વની કહી શકાય એવી તમામે તમામ ફિલ્મોનો નામોલ્લેખ અહીં થયો જ હોય એ જરુરી નથી. વળી, અહીં નોંધાયેલી રિલીઝ ડેટ્સ કે સમયગાળામાં ફેરફાર માટે પૂરો અવકાશ છે. તો પ્રસ્તુત છે…
જાન્યુઆરી
આપણે સૌ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી વિશાલ ભારદ્વાજની ‘મટરુ કી બીજલી કા મન્ડોલા’ની રાહ જોઈને બેઠા છીએ. આ કોમેડી ફિલ્મમાં પંકજ કપૂર ઉર્ફ મન્ડોલા હરિયાણાના કોઈ ગામનો પૈસાદાર આદમી છે. દીકરી બીજલી (અનુષ્કા શર્મા) અને દારુ બન્ને એને બહુ વહાલાં છે. મંડોલાનો નોકર મટરુ (ઈમરાન ખાન) ઓક્સફર્ડ યુનિવસિર્ટીમાં ભણી આવેલી બીજલીને દિલ દઈ બેઠો છે. આ ફિલ્મમાં એક ગુલાબી રંગની ભેંસ પણ છે. વિશાલ ભારદ્વાજ કહે છે કે આ ભેંસ તો ફિલ્મની આઈટમ ગર્લ છે. આવતા શુક્રવાર કમલ હસન- ધ ગ્ર્ોટની ‘વિશ્વરુપમ’ પણ રિલીઝ થઈ રહી છે. આ દ્વિભાષી ફિલ્મ એક સ્પાય થ્રિલર છે. ફિલ્મમાં ખૂબ બધા હોલીવૂડ ટેક્નિશીયન્સની ટેલેન્ટ કામે લાગી છે. આ એક અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. તકલીફ એ છે કે કમલ હસન જ્યારે ‘અતિ મહત્ત્વાકાંક્ષી’ ફિલ્મ બનાવે છે ત્યારે આપણને ડર લાગવા માંડે છે. એની ‘દશાવતાર’ આપણે હજુ ભુલ્યા નથી. આશા રાખીએ કે ‘વિશ્વરુપમ’ બીજી ‘દશાવતાર’ સાબિત ન થાય. જાન્યુઆરીના છેલ્લા ફ્રાઈડે અબ્બાસ-મસ્તાનની મલ્ટિસ્ટારર ‘રેસ-ટુ’ આવશે. સૈફ, જોન અબ્રાહમ, અનિલ કપૂર, દીપિકા અને જેક્વેલિનને ચમકાવતી આ ફિલ્મ એક્શન-થ્રિલરના રસિયાઓને બહુ ગમશે.
ફ્રેબ્રુઆરી
પહેલી તારીખે રિલીઝ થનારી ‘માઈ’માં આશા ભોંસલેએ પહેલી વાર એક્ટિંગ કરી છે. પહેલી અને છેલ્લી વાર. વિધિની વક્રતા જુઓ. આશાતાઈની સગી દીકરી વર્ષાએ થોડા મહિના પહેલા આત્મહત્યા કરીને જીવ ટૂંક્ાવ્યું… અને આ ફિલ્મમાં મા-દીકરીની જ કહાણી છે. આશાજીનાં સાથી કલાકારો છે, પદ્મિની કોલ્હાપુરે અને જાડુડોપાડુડો રામ કપૂર. પછીના શુક્રવારે જામનગરમાં મોટા થયેલા રેમો ડિસૂઝાની ‘એબીસીડી – એનીબડી કેન ડાન્સ’ આવશે. ભારતની આ પહેલી થ્રી-ડી ડાન્સ ફિલ્મ છે. ‘સ્ટેપ અપ’ની યાદ અપાવતી આ ફિલ્મમાં પ્રભુદેવા ઉપરાંત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ટીવી શોમાં ચમકી ચૂકેલા ધર્મેશસર જેવા કેટલાય ડાન્સિંગ સિતારાઓએ કામ કયુ છે. જલસો પડશે આ ફિલ્મ જોવાની. આ મહિનાની સંભવત: સૌથી મોટી રિલીઝ તો ચેતન ભગતની ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ નવલકથા પર આધારિત‘કાઈ…પો છે!’ છે. ‘રોક ઓન’ ફેમ અભિષેક કપૂરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ટીવીમાંથી સિનેમામાં એક્સપોર્ટ થયેલો ફિલ્મનો હીરો સુશાંતસિંહ રાજપૂત અત્યારથી હોટ પ્રોપર્ટી ગણાવા લાગ્યો છે. ઘણું કરીને ગુજરાતમાં શૂટ થયેલી આ ફિલ્મ જો ચાલી ગઈ તો સુશાંતની ગાડી ટોપ ગિઅરમાં આવી જવાની. ફેબ્રુઆરીમાં‘મર્ડર-થ્રી’ (રંદીપ હૂડા, અદિતી રાવ) ઉપરાંત ‘ચશ્મે બદ્દૂર’ની રીમેક પણ રિલીઝ થવાની છે. ‘ચશ્મે બદ્દૂર’ ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે એટલે ઓરિજિનલ ફિલ્મની માસૂમિયતનો ખુદડો બોલી જવાનો એ તો નક્કી.
માર્ચ
અફલાતૂન ‘પાનસિંહ તોમર’ પછી તિગ્માંશુ ધૂલિયા ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’ સાથે રિટર્ન થઈ રહ્યા છે. મહિનાના પહેલા જ દિવસે રિલીઝ થનારી આ ફિલ્મની કાસ્ટમાં થોડોક ફેરફાર છે. જિમી શેરગિલ અને માહી ગિલ યથાવત છે, પણ રંદીપ હૂડાની જગ્યાએ ઈરફાન ખાન આવી ગયા છે અને લટકામાં સોહા અલી પણ છે. ‘હું ગેરંટી આપું છું કે મારી એક પણ ફિલ્મ ક્યારેય ફ્લોપ નહીં જાય’ એવું છાતી ઠોકીને દાવો કરતા સાજિદ ખાનની ‘હિમ્મતવાલા’ તાથૈયા તાથૈયા ઓઓઓ… કરતી માર્ચના છેલ્લા વીકમાં આવશે. આ રીમેક છે. મતલબ કે જિતેન્દ્રનો રોલ અજય દેવગણ કરશે, જ્યારે શ્રીદેવીવાળા રોલમાં તમન્ના નામની સાઉથ-ઈન્ડિયન એક્ટ્રેસને લેવામાં આવી છે. થંડર થાઈઝધારી શ્રીદેવી ‘હિમ્મતવાલા’ પર સવાર થઈને બોલીવૂડમાં વીજળીની જેમ ત્રાટકી હતી. જોઈએ, તમન્ના કેવાક કડાકા-ભડાકા કરી શકે છે.
એપ્રિલ
‘ઝંઝીર’…. ઓર એક રીમેક. પાક્કા અમદાવાદી અપૂર્વ લાખિયાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં બચ્ચનનો રોલ રામચરણ કરશે. સાઉથનો હીરો ચિરંજીવી યાદ છે? રામચરણ એટલે એમનો સુપુત્ર. ફિલ્મમાં પ્રિયંકા ચોપડા ચપ્પુ-છૂરીયાં તેજ કરશે, જ્યારે પ્રાણના પઠાણી રોલમાં સંજય દત્ત દેખાશે. ‘વિકી ડોનર’થી બોલીવૂડમાં દમદાર એન્ટ્રી મારનાર વીર્યવાન આયુષ્યમાન ખુરાનાની બીજી ફિલ્મ ‘નોટંકી સાલા’ અિેપ્રલમાં આવી રહી છે (મસ્ત ટાઈટલ છે, નહીં?). ફિલ્મ રોહન સિપ્પીએ ડિરેક્ટ કરી છે. એપ્રિલમાં ઈમરાન હાશ્મિની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે, જેનું ટાઈટલ ભારે ઈન્ટરેસ્ટિંગ છે- ‘એક થી ડાયન’! આ ટાઈટલ રોલમાં કોંકણા સેન-શર્મા, કલ્કિ કોચલીન યા તો ‘ગેંગ્સ ઓફ વાસેપુર’વાળી હુમા કુરેશીમાંથી કોઈ પણ કન્યા હોઈ શકે છે.
મે-જૂન:
આ ગાળામાં મહિનામાં આપણા બબ્બે સુપર ફેવરિટ સિતારાઓની ફિલ્મ રિલીઝ થશે. એક તો, રણબીર કપૂરની ‘યે જવાની હૈ દીવાની’ જેના ડિરેક્ટર છે ‘વેકઅપ સિડ’વાળા અયાન મુખર્જી તેમજ હિરોઈન લંબૂસ દીપિકા પદુકોણ છે. બીજી, વિદ્યા બાલનની ‘ઘનચક્કર’. માનો યા ના માનો, પણ એનો હીરો કિસિંગકુમાર ઈમરાન હાશ્મિ છે! આ કોમેડી ફિલ્મ ‘નોવન કિલ્ડ જેસિકા’વાળા રાજકુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે. બળુકી બાલને પોતાનું સ્ટાન્ડર્ડ એટલું ઊંચું કરી નાખ્યું છે કે હાશ્મિ સાથે અનયુઝઅલ જોડી બનાવ્યા બાદ ઓડિયન્સને ધમાકેદાર એન્ટરટેન્મેન્ટ, એન્ટરમેન્ટ ઔર એન્ટરમેન્ટ પીરસ્યા વગર એનો છુટકો નથી.
જુલાઈ
આ મહિનામાં જે ફિલ્મ રજૂ થવાની છે એ સંભવત: 2013ની સર્વોત્તમ ફિલ્મોમાંની એક બની રહેશે. એ છે, ઓમપ્રકાશ મહેરાની ‘ભાગ મિલ્ખા ભાગ’. દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત આ ફિલ્મના ટાઈટલ રોલ માટે ફરહાન અખ્તરે પુષ્કળ મહેનત કરી છે. ફિલ્મના પ્રોમો સુપર્બ છે. આખેઆખી ફિલ્મ એના ટ્રેલર જેટલી જ અસરકારક નીવડે એટલે ભયો ભયો. બીજી ફિલ્મ છે ‘લૂટેરા’ જે સુપર ટેલેન્ટેડ આદિત્ય મોટવાણે (‘ઉડાન’) ડિરેક્ટ કરી છે. રણવીર સિંહ અને સોનાક્ષી સિંહાની બ્રાન્ડ-ન્યુ જોડી એમાં છે. આશા રાખીએ કે ગોળમટોળ સોનાક્ષી કમસે કમ આ ફિલ્મથી ‘અભિનયનાં અજવાળાં’ પાથરવાનું શરુ કરશે.
ઓગસ્ટ-સપ્ટેમ્બર
અરવિંદ કેજરીવાલ જેવો જબરો માણસ ફિલ્મી લોકોની નજરથી દૂર કેવી રીતે રહી શકે? ઓગસ્ટમાં રિલીઝ થનાર પ્રકાશ ઝાના પોલિટિકલ ડ્રામા ‘સત્યાગ્ર્ાહ’માં અજય દેવગણનું કિરદાર કેજરીવાલ પરથી પ્રેરિત છે. ફિલ્મના અન્ય અદાકારો છે બિગ બી, અર્જુન રામપાલ, મનોજ બાજપેયી અને કરીના કપૂર-ખાન. કરીનાના હસબન્ડ સૈફ અલી ખાન ‘બુલેટ રાજા’માં દેખાશે. એની સાથે હશે સોનાક્ષી અને ઈરફાન ખાન. તિગ્માંશુ ધૂલિયાએ ડિરેક્ટ કરી છે એટલે ફિલ્મમાં દમ તો હોવાનો જ. સૈફની જેમ બાપડા શાહિદ કપૂરને પણ હિટની તાતી જરુર છે. એ રાજકુમાર સંતોષીની ‘ફટા પોસ્ટર નીકલા હીરો’ નામની કોમેડી ફિલ્મમાં દેખાશે. એની હિરોઈન છે, ‘બરફી’ગર્લ ઈલેના ડી’ક્રુઝ.
ઓક્ટોબર-નવેમ્બર
બાઅદબ બામુલાહિજા હોશિયાર… ‘ક્રિશ-થ્રી’ની સવારી આવી રહી છે! બચ્ચેલોગ ઉપરાંત બડેલોગ પણ જેને જોવા માટે તલપાપડ થઈને બેઠા છે એવી આ સુપરહીરો ફ્લિકનું લેડીઝ ડિપાર્ટમેન્ટ પ્રિયંકા ચોપડા અને કંગના રનૌતે સંભાળ્યું છે. વિવેક ઓબેરોય વિલન બન્યો છે. ફિલ્મ હિટ થશે (થશે જ!) તો સૌથી વધારે ફાયદો વિવેકને થવાનો. બાદશાહ ખાન શાહરુખની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ આ ગાળામાં રિલીઝ થવી જોઈએ. ફિલ્મમાં શાહરુખનું કિરદાર ટ્રેનમાં મુંબઈથી રામેશ્વર જાય છે. હિરોઈન દીપિકા પદુકોણ સંભવત: એની હમસફર છે. ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટી છે એટલે, નેચરલી, યાત્રા દરમિયાન હાસ્યનાં હુલ્લડ સર્જાતાં રહેશે. શાહરુખને આંકડાની દષ્ટિએ હિટ નહીં, પણ જેને સાચા અર્થમાં પોપ્યુલર અને સર્વસ્વીકૃત કહી શકાય એવી સફળ ફિલ્મની જરુર છે. આ કામ કદાચ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ કરી શકશે. રણબીર કપૂરની વર્ષની બીજી ફિલ્મ ‘બેશર્મ’ આ ગાળામાં રિલીઝ થશે. ડિરેક્ટર છે ‘દબંગ (વન)’ ફેમ અભિનવ કશ્યપ.
ડિસેમ્બર
રણવીર સિંહ-અર્જુન કપૂરની ઈન્ટરેસ્ટિંગ જોડી યશરાજ બેનરની ‘ગુંડે’માં દેખાશે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર છે. પ્રિયંકા બન્નેની કોમન હિરોઈન છે. 2013નું વર્ષ પ્રિયંકાનું બની રહેવાનું કે શું? 2013નો ધમાકેદાર અંત ‘ધૂમ-થ્રી’થી આવશે. વિજય આચાર્યમાં ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં વન-એન્ડ-ઓન્લી આમિર ખાન પહેલી વાર વિલનની ભુમિકામાં દેખાશે. હિરોઈન કેટરીના કૈફ છે. ફિલ્મમાં અફકોર્સ અભિષેક બચ્ચન અને ઉદય ચોપડા પણ છે જ. આમિરની સામે આ બેય જણા બાપડા કેવુંક ઉકાળશે એ સવાલ છે.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સલ્લુમિયાં (સલમાન)ની ફિલ્મ ‘શેરખાન’ પણ આ વર્ષના કોઈક સપરમા દહાડે રિલીઝ થશે એ સહેજ.
શો-સ્ટોપર
સિનેમા ઈઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ફ્રોડ ઈન ધ વર્લ્ડ.
– ગોડાર્ડ (પ્રતિષ્ઠિત ફ્રેન્ચ-સ્વિસ ફિલ્મમેકર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply