નો શોર્ટકટ્સ!
દિવ્ય ભાસ્કર – સન્ડે સપ્લીમેન્ટ – 2 ડિસેમ્બર 2012
કોલમ: મલ્ટિપ્લેક્સ
ભૂખમરો વેઠવો, શરીર તોડી નાખે એટલી મહેનત કરવી… પોતાના અભિનયની ધાર કાઢવા માટે, પોતાની જાત પાસેથી સારામાં સારું કામ કઢાવવા માટે, પોતાની ક્ષમતાની સીમાને વિસ્તારવા માટે ફિલ્મ કલાકારો શી રીતે તેઓ ખુદને એક્સટ્રીમ કંડીશનમાં ફેંકતા હોય છે?
* * * * *
આમિર ખાનને સ્વિમિંગ બિલકુલ નહોતું આવડતું, પણ ‘તલાશ’ માટે એ ખાસ તરતા શીખ્યો એવા મતલબના રિપોર્ટસ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં વહેતા થયા. આજકાલ સંજય ભણસાલીના બેનર હેઠળ બનનારી એક ફિલ્મ વિશે ચર્ચા શ‚ થઈ છે, જે ઓલિમ્પિક 2012માં બ્રોન્ઝ મેડલ જીતી લાવેલી મણિપુરી બોક્સર મેરી કોમ પર આધારિત છે. આ ફિલ્મના ટાઈટલ રોલની તૈયારી કરવા માટે પ્રિયંકા ચોપડા પાસે ફક્ત ચાર મહિના છે, પણ એ આત્મવિશ્વાસપૂર્વક કહી રહી છે કે ડોન્ટ વરી, આટલા સમયમાં હું જ‚ર પૂરતું બોક્સિંગ શીખી લઈશ. એ મણિપુર જઈને મેરી કોમના પરિવાર સાથે થોડા દિવસો પણ ગાળવાની છે કે જેથી એના પર્ફોર્મન્સમાં અધિકૃત વજન ઉમેરાય. દોડવીર મિલ્ખા સિંહ પર બની રહેલી ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે ફરહાન અખ્તરે પણ આશ્ચર્ય થાય એટલી હદે મહેનત કરી છે એવી વાતો સંભળાતી રહે છે.
સારું છે. મેઈનસ્ટ્રીમ હિન્દી ફિલ્મનાં કિરદાર માટે સ્ટારલોકો નિષ્ઠા બતાવે, મહેનત કરે અને પોતાનાથી બનતું બધું કરી છૂટે એ સંતોષકારક હકીકત છે. પોતાનાં પર્ફોર્મન્સમાં પરફેક્શન લાવવા માટે હોલીવૂડના કલાકારો કેવા આત્યંતિક અને ઝનૂની બની જતા હોય છે એની વાત આજે કરવી છે.
ક્રિસ્ટીન બેલને તમે ‘બેટમેન બિગિન્સ’ અને ‘ધ ડાર્ક નાઈટ’ જેવી ફિલ્મોમાં જોયો છે. રુપકડો ચહેરો, પડછંદ શરીર, ઊંચું કદ. 2005માં એને ‘ધ મશિનીસ્ટ’ નામની ફિલ્મ ઓફર થઈ હતી. આ સાઈકોલોજિકલ થ્રિલરમાં એક એવા માણસની કહાણી છે જે ભયંકર અનિદ્રાથી પીડાય છે. એનું શરીર તદ્દન કંતાઈ ગયું છે, ઓગળી ગયું છે. એનું વર્તન એટલી હદે વિચિત્ર બની ગયું છે કે સાથે કામ કરતા લોકો એનાથી દૂર ભાગે છે. ક્રિસ્ટીને ચોટલી બાંધીને આ રોલ માટે તૈયારી આદરી દીધી. તૈયારીમાં એણે શું કરવાનું હતું? એક્સટ્રીમ વેઈટ લોસ. ચારથી પાંચ મહિનામાં એણે લગભગ ભૂખમરો વેઠીને 28 કિલો વજન ઊતારી નાખ્યું. છ ફૂટનું શરીર અને વજન માત્ર 54 કિલો. ક્રિસ્ટીનની ઈચ્છા તો 45 કિલો સુધી પહોંચી જવાની હતી, પણ ડોક્ટરે કડક શબ્દોમાં ચેતવણી આપી: ઈનફ! હવે જો શરીરને વધારે કષ્ટ આપ્યું તો જાનનું જોખમ છે!
આ ચાર-પાંચ મહિના દરમિયાન ક્રિસ્ટીનના પેટમાં શું જતું હતું? એક કપ કોફી. એ પણ ખાંડ વગરની બ્લેક કોફી. અને એક સફરજન. બસ. આ હતો એનો રોજિંદો ખોરાક. એના શરીરને રોજની ફક્ત પંચાવનથી 260 કેલરી મળતી હતી. ક્રિસ્ટીન બેલની આ એક્સટ્રીમ તૈયારી ચર્ચાનો વિષય બની હતી. ક્રિસ્ટીન કહે છે, ‘હું સારા રોલ માટે રીતસર તરફડિયાં મારતો હતો. એવામાં મને ‘ધ મશિનીસ્ટ’ ઓફર થઈ. એની સ્ક્રિપ્ટ એટલી કમાલની હતી કે હું એને છોડી શકું એમ હતો જ નહીં. મારા માટે આ ડુ-ઓર-ડાઈ જેવી સિચ્યુએશન હતી.’
‘ધ મશિનીસ્ટ’માં ક્રિસ્ટીન બેલને હાડપિંજર જેવા રુપમાં જોઈને ઓડિયન્સ હેબતાઈ ગયું. આ ફિલ્મ અને ક્રિસ્ટીનનો અભિનય વખણાયા. કમનસીબે ફિલ્મ એકલા અમેરિકામાં જ રિલીઝ થઈ હોવાથી ઈન્ટરનેશનલ ઓડિયન્સ સુધી ખાસ પહોંચી શકી નહીં. જોકે એની હવે પછીની ફિલ્મ ‘બેટમેન બિગિન્સ’ એક બિગ બજેટ બ્લોકબસ્ટર હતી. આમાં એણે હટ્ટાકટ્ટા મર્દાના દેખાવાનું હતું. બોડી બનાવવા માટે એની પાસે હવે માત્ર છ મહિના હતા! મતલબ કે આટલા ટૂંકા ગાળામાં એણે એક અંતિમ પરથી બીજા અંતિમ પર પહોંચી જવાનું હતું. ક્રિસ્ટીને આ પણ કરી દેખાડ્યું. પર્સનલ ટ્રેનરની મદદથી એણે છ મહિનામાં 45 કિલો વજન વધાર્યું!
ક્રિસ્ટીન જેવો ભૂખમરો નાટલી પોર્ટમેન પણ વેઠ્યો હતો. એ તો પહેલેથી જ પાતળી પરમાર હતી તો પણ. મનની માયાજાળમાં ગુંલાટ મરાવતી ‘બ્લેક સ્વાન’ નામની અફલાતૂન ફિલ્મમાં એ બેલે ડાન્સર બની હતી. એક તો, રોજની પાંચ-પાંચ કલાક સુધી બેલે ડાન્સની શરીર તોડી નાખે એવી ટ્રેનિંગ લેવાની અને ખાવાનું દુષ્કાળપીડિત જેવું. થોડાં ગાજર અને બદામ. રોજ 1200 કરતાં વધારે કેલરી શરીરમાં જવી ન જોઈએ. એ તૂટી જતી, બેહોશ થઈ જતી. ક્યારેક પથારીમાં પડતી વખતે એને લાગતું કે બસ, આ મારી જિંદગીની છેલ્લી રાત છે! પણ એનો અથાક પરિશ્રમ રંગ લાવ્યો. ‘બ્લેક સ્વાન’ માટે નાટલી પોર્ટમેન 2010નો બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગઈ. આ જીત એના માટે કેટલું બધું સુખ અને સંતોષ લાવ્યા હશે એ સમજી શકાય એવું છે!
ડસ્ટિન હોફમેનનો એક કિસ્સો જાણીતો છે. ‘મેરેથોન મેન’નાં એક દશ્યમાં વાસ્તવિકતા લાવવા માટે એ બે દિવસ સુધી સતત જાગતા રહ્યા અને બિલકુલ નહાયા નહીં. લોરેન્સ ઓલિવર એના સહકલાકાર હતા. એમને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે સેટ પર હોફમેનને ટોણો માર્યો: ‘દોસ્ત, આવું બધું કરવા કરતાં એક્ટિંગ કરને! એ વધારે સહેલું પડશે!’ પણ આવી કમેન્ટથી હોફમેન નાહિંમત થોડા થાય! ‘રેઈન મેન’ ફિલ્મમાં એમણે ઑટિસ્ટિક માણસની યાદગાર ભુમિકા ભજવી હતી (‘માય નેમ ઈઝ ખાન’માં શાહરુખે અને ‘બરફી!’માં પ્રિયંકા ચોપડા ઓટિસ્ટિક બન્યાં હતાં). આ રોલની તૈયારી માટે હોફમેને એક વર્ષ તૈયારી કરી હતી. કેટલાય ઓટિસ્ટિક માણસો અને તેમનાં પરિવારો સાથે રહીને જ‚રી નિરીક્ષણો કર્યા.
ડસ્ટિન હોફમેન તો માત્ર બે દિવસ નહોતા નહાયા, પણ હેલી બેરીએ ‘જંગલ ફીવર’ ફિલ્મનાં શૂટિંગનાં અઠવાડિયાઓ પહેલાં નહાવાનું બંધ કરી દીધું હતું. એ સેટ પર આવી ત્યારે રીતસર ગંધાતી! હેલી બેરીને આ ફિલ્મ માટે તો નહીં, પણ ‘મોન્સ્ટર્સ બૉલ’ માટે ઓસ્કર અવોર્ડ મળેલો. કહેવાનો મતલબ એ છે કે અહીં ઉલ્લેખ પામેલા અદાકારો પોતાને અભિનય કરતાં આવડતું નથી એટલે તે ખામીને સરભર કરવા માટે આવા ગાંડા કાઢે છે એવું નથી. આ બધા ઓલરેડી ઉત્તમ કલાકારો છે. પોતાના અભિનયની ધાર કાઢવા માટે, પોતાની પાસેથી સારામાં સારું કામ કઢાવવા માટે, પોતાની ક્ષમતાની સીમાને વિસ્તારવા માટે તેઓ ખુદને એક્સટ્રીમ કંડીશનમાં ફેંકતા હોય છે. 17 વખત ઓસ્કર નોમિનેશન મેળવી ચૂકેલી અદભુત અભિનેત્રી મેરિલ સ્ટ્રીપને ‘મ્યુઝિક ઓફ ધ હાર્ટ’ ફિલ્મમાં વાયોલિન વગાડવાનું હતું. એણે આઠ અઠવાડિયા સુધી રોજ પાંચ-પાંચ કલાક રિયાઝ કર્યો અને સંગીતના જે પીસ પર એણે પર્ફોર્મ કરવાનું હતું એના પર ખરેખર મહારત હાંસલ કરી. ફિલ્મના એ ચોક્કસ દ્શ્યમાં એ વાયોલિન વગાડવાની એક્ટિંગ કરતી નથી, એ સાચેસાચ વાયોલિન વગાડે છે. સખત શિસ્ત અને પોતાનાં કામ પ્રત્યેની ઉચ્ચતમ નિષ્ઠા વગર આ શક્ય ન બને.
આપણે ફિલ્મસ્ટારોના ભપકાથી, એમની પ્રસિદ્ધિ- પાવર- પૈસાથી અંજાઈ જઈએ છીએ. એમની હેરસ્ટાઈલ કે ડ્રેસિંગ સ્ટાઈલની નકલ કરીએ છીએ. વાસ્તવમાં આ સિતારાઓ પાસેથી શીખવાનું આ છે: શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પોતાના કામમાં જીવ રેડી દેવો પડે. ખરી સફળતા અને ખરો આત્મસંતોષ આ રીતે મળે!
શો-સ્ટોપર
અમે એક્ટરો બહુ લાલચુ માણસો છીએ, પણ મહાન અદાકાર એ છે જે બહુ સ્વાર્થી નહીં બને. એને માત્ર પોતાનું નહીં, બલ્કે સાથી કલાકારોનું પર્ફોર્મન્સ પણ સુધરે એમાં રસ હોય છે.
– કરીના કપૂર
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply