અન્ના-અરવિંદ-રામદેવ બત્રીસલક્ષણા ન હોય તો શું થઈ ગયું?
ચિત્રલેખા – અંક તા. 12 નવેમ્બર 2012
કોલમ: વાંચવા જેવું
તમે હિંદુવાદી છો કે સ્યુડો સેક્યુલર? તમે કોંેગ્રેસ તરફી છો કે કોંગ્રેસ વિરોધી? તમે અન્ના હઝારે અને બાબા રામદેવને છાતી કાઢીને પૂરેપૂરો સપોર્ટ કરો છો કે પછી એમને હસી કાઢો છો?
* * * * *
સવાલો સ્પષ્ટ છે અને તમારે જવાબ પણ એટલી જ સ્પષ્ટતાથી આપવાના છે. ‘કદાચ…. ક્યારેક ક્યારેક… સાવ આમ પણ નહીં ને સાવ તેમ પણ નહીં… આપણે તો કોઈના તરફી પણ નથી કે કોઈના વિરોધી પણ નથી… એમાં તો એવું છેને…’ જો તમે આવું કંંઈક બોલવાના હો તો તમારુું આવી બનવાનું છે, કારણ કે આજે જે પુસ્તકની વાત કરવી એ ડોળા તગતગાવીને તમને તતડાવી નાખશે. (‘ચુપ! આવા ઢીલાઢાલા, માંદલા જવાબ બિલકુલ નહીં ચાલે. કાં હા બોલો અથવા ના બોલો. કાં આ પાર યા પેલે પાર. દહીં-દૂધ બેયમાં પગ ન રાખો!’) એમાંય જો તમે કોંગ્રસતરફી, હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈવાદી કે અન્નાવિરોધી નીકળ્યા તો તો તમારી લગભગ કતલ થઈ ગઈ સમજો. વેલ, ‘મહા-ભારતની રામાયણ’ પુસ્તકનો આ એટિટ્યુડ છે, આગની જ્વાળા જેવો અથવા તલવારની ધાર જેવો. ટેક ઈટ ઓર લીવ ઈટ!
પ્રસ્તુત પુસ્તકમાં ભારતની વર્તમાન સ્થિતિને કેન્દ્રમાં રાખીને લખાયેલા બત્રીસ લેખો અથવા ન્યુઝ એનેલિસિસ છે, જે અગાઉ ‘અકિલા’ અખબારમાં પ્રકાશિત થઈ ચુક્યા છે. લેખક કિન્નર આચાર્યએ અહીં મુક્તપણે પોતાનો ઉકળાટ ઠાલવ્યો છે. લખાણમાં ગજબની તીવ્રતા છે, આવેગ છે. અલબત્ત, લેખના તીખા તમતમતાં ક્ધટેન્શનો આશય માત્ર વાચકને મજા કરાવવાનો નથી. બલકે અહીં દેશના પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યેની લેખકની સાચી નિસ્બત ઝલકે છે. અહીં મુખ્યત્વે આતંકવાદ સામે બાથ ભીડવામાં આપણે કેવી રીતેે અને શા માટે નિષ્ફળ જઈએ છીએ એનું તુલનાત્મક વિવરણ છે, તો બીજી બાજુ અન્ના હઝારેએ પ્રગટાવેલા જનઆંદોલનની કાળઝાળ ગરમીને શબ્દદેહ મળ્યો છે.
ઈ.સ. ૯૮૬થી ઈ.સ. ૧૦૩૦ દરમિયાન મહંમદ ગઝની કેટલીય વાર ભારતમાં ચડી આવ્યો અને કત્લેઆમ કરી, આતંક મચાવી મંદિરોને લૂંટી ધ્વંસ કરતો રહ્યો. લેખક નિરાશાપૂર્વક કહે છે કે એક હજાર વર્ષ પછી પણ આપણું ગુપ્તચર તંત્ર, સંરક્ષણતંત્ર ત્યાં જ છે. આજે પણ આપણે હુમલાઓ ખાળી શકતા નથી, દુશ્મનો સામે લડતા લડતા હાંફી જઈએ છીએ. અને સૌથી મહત્ત્વની વાત: દુશ્મનો ભારતમાં પ્રવેશે એ પહેલાં જ આપણે એને આજે પણ ખતમ કરી શકતા નથી, મૂળિયાં પર ઘા કરી શકતા નથી. લેખક ઉમેરે છે:
‘હવે કેમ કોઈ અમેરિકા સામે આંખ ઊંચી કરવાની હિંમત કરતું નથી? બે ટાવર ગુમાવ્યા પછી બુશે તેની સામે બે દેશો (અફઘાનિસ્તાન, ઈરાક)નો સોથ વાળી નાખ્યો છે એટલે. ઈસ્લામિક આતંકવાદીઓને બુશના નામથી જ પાટલૂનમાં થઈ જાય છે. કોઈ એક થપ્પડ મારે ત્યારે તેનો પ્રત્યુત્તર થપ્પડ મારીને ન અપાય, પણ થપ્પડ મારનારનો હાથ કાપી નાખવો પડે. એક દેશ ચલાવવા માટે આવું વલણ અનિવાર્ય છે. અને થપ્પડ મારનારાઓ પણ બુશ અને મોદીની ભાષા સમજે છે એ વાત સાબિત થઈ ચૂકી છે.’
મુંબઈમાં આતંકવાદી હુમલા થાય એટલે પછી એક પિપૂડી અચૂક વાગે: મુંબઈના સ્પિરિટ વિશેની! જોયું? આટઆટલું થયું તો ય મુંબઈ નાહિંમત થયું? કેવું ઊભું રહ્યું અડીખમ! લેખકનો મુંબઈ વિશેનો દષ્ટિકોણ જોકે તદ્દન વિપરીત છે:
‘મુંબઈનો સ્પિરિટ? ધૂળ અને ઢેફાં! મુંબઈ એક જડભરત જેવું નફ્ફટ શહેર છે. કોઈને કોઈની પડી નથી. ટ્રેનના સાત ડબ્બાનો ફૂરચો બોલી ગયા, બસ્સો નિર્દોષ લોકોના ટુકડા થઈ ગયા, સાતસો હોસ્પિટલમાં પહોંચી ગયા અને મુંબઈ બીજી સવારથી કામે ચડી ગયું. આવા શહેરને તમે જીવંત કહો તો ખામી તમારી દષ્ટિમાં છે. ’
ઢીલાપોચા શાસકોની શિથિલતા જોઈને લેખકની કમાન છટકે છે. વડાપ્રધાન મનમોહન સિંહને સરકસના સાવજ (ખરેખર તો બિલાડી) સાથે સરખાવીને લેખક કહે છે:
‘જગત આખું જાણે છે કે આ સિંહ તૃણાહારી છે. (સોનિયા) મેડમે એવી જ વ્યક્તિને સેનાપતિ બનાવી છે, જેને પહેલેથી જ નહોર પણ નથી અને દાંત પણ ઊગ્યા નથી. કોઈ દિવસ કરડે એવો જ ભય જ નહીં! આ સિંહ તેની સામે પડેલા કાગળમાંથી સાવ ઝીણા ઝીણા અવાજે કશુંક એવું બોલતો રહે છે કે આપણા કાન સુધી પહોંચતું જ નથી, સમજવાની વાત તો દૂરની છે.’
આટલું કહીને લેખક ઉમેરે છે, ‘આ દેશની કમનસીબી એવી છે કે શાસક પક્ષના ત્રણ મુખ્ય ચહેરાઓમાંથી કોઈ જ વાંચ્યા વગર કશું બોલી શકતા નથી. સોનિયા અને મનમોહન પાસેથી તમે સ્ક્રિપ્ટ ચોરી લો તો એ દિવસે તેઓ સભામાં માત્ર હાથ ફરકાવીને જતાં રહે. રાહુલ કેટલીક ફિલોસોફિકલ વાતો કરીને વિદાય લે. કેટલીક એવી વાતો, જેની સાથે દેશને-સ્થાનિક લોકોને કશું જ લાગતું-વળગતું ન હોય.’
અન્ના હજારે વિશે લેખક શું કહે છે તે સાંભળો. ‘આપણી સમસ્યા એ છે કે, અહીં મોટા ભાગના લોકોમાં કોમન સેન્સ અને સિવિલ સેન્સનો અભાવ છે. જ્યારે જેમનામાં બુદ્ધિસંપદા ઠાંસોઠાંસ છે તેવા મહત્તમ લોકો એકદમ બદમાશ છે. જે ધરતીમાં વીર્યવાન, જાંબાઝ, ખૂન્નસથી ભરપૂર ધગઘગતા લડવૈયા ઊગવાનું જ બંધ થઈ હોય અને ધરા આખી વાંંઝણી થઈ ગઈ હોય ત્યારે તેમાં એક અન્નાનું અવતરણ અનેક લોકોને જગાડી લે છે.’
‘ઈમરજન્સી ૨૦૧૧-૧૨: કૌભાંડો કરવાનું કાનૂની છે, એનો વિરોધ કરવાનું ગેરકાનૂની!’ લેખમાં ક્રમબધ્ધ દલીલો કરતા જઈને બાબા રામદેવની ખુલીને તરફેણ કરી છે. એમનું કહેવુ છે કે રામદેવ કદાચ અન્ના કરતાં વધારે થોડા ઓછા નિષ્ઠાવાન અને વધુ ચતુર હોઈ શકે છે, પણ મુદ્દો એ છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ઠા અને હિંમત હોય તો બ્લેક મની વિદેશથી પાછું આવી શકે છે. આ મામલે બાબા રામદેવને ટેકો આપવો એ કેલ્ક્યુલેટેડ રિસ્ક છે અને એ રિસ્ક લેવા જેવું છે. આ પુસ્તકના લેખો અરવિંદ કેજરીવાલ નામનો બોમ્બ ફાટ્યો એ પહેલાં લખાયેલા છે. લેખકે ચોક્કસપણે કેજરીવાલ માટે પણ આ જ સ્ટેન્ડ લીધું હોત. એ કહે છે:
‘જીનેટિકલી આપણે એક વામણી અને વાંઝણી પ્રજા છીએ. સામૂહિક રીતે સ્વહિતની માગણી કરવી એ આપણી પ્રકૃતિને રુચતું નથી અને જ્યારે કોઈ એક વ્યક્તિ આપણા વતી આવી માગણી લઈ મેદાને પડે છે ત્યારે આપણે સૌપ્રથમ તેના માઈનસ પોઈન્ટ્સ શોધીએ છીએ…. કોઈએ આગળ આવવું પડશે. અને આપણે એ યાદ રાખવું પડસે કે, આગળ આવનાર માણસ ક્યારેય બત્રીસલક્ષણો નથી હોવાનો.’
કિન્નર આચાર્ય એક ઘા ને બે કટકા કરવામાં માને છે. શબ્દો ચોરવાના નહીં, મોળી વાત કરવાની નહીં. પોતાના મંતવ્યો અને વિચારો પર લેખકનું કન્વિક્શન સંપૂર્ણ છે. લેખકની લેખનશૈલી પર, લેખોનાં મથાળાં અને શબ્દોની પસંદગીથી લઈને ઓવરઑલ અભિવ્યક્તિ સુધીનાં લગભગ તમામ સ્તરે, ‘સમકાલીન’તંત્રી સ્વ. હસમુખ ગાંધીની તીવ્ર અસર છે. જોકે એને લીધે લેખક જે કહેવા માગે છે એના વજનમાં કશો ફર્ક પડતો નથી. અલબત્ત, આ જ પેશન અને સ્પષ્ટતા સાથે લેખક પોતાની આગવી લેખનશૈલી વિકસાવે એવી અપેક્ષા જરુર રહે. આ લેખસંગ્રહની મજા એ છે કે એ માત્ર પ્રાસંગિક બની રહેતા નથી, બલકે એનું એક નિશ્ચિત દસ્તાવેજી મૂલ્ય પણ છે.
ચોક્કસપણે, જુસ્સો ચડાવી દે એવું દમદામ પુસ્તક.
મહા-ભારતની રામાયણ
લેખક: કિન્નર આચાર્ય
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
કિંમત: ૨૦૦ /-
પૃષ્ઠ: ૨૬૦
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply